૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

અહીં શિક્ષણને લગતી ચર્ચાઓ થતી રહી છે, એ આપણો હેતુ છે, તેમાં પણ આ ચર્ચાઓનાં વિચારમંથનોથી નીકળેલાં તારણોનો વ્યાજબી પ્રચાર શિક્ષણજગતમાં કરી, તેના અમલ દ્વારા ગુજરાતી માધ્યમની શાળાનું સ્તર ઉપર લાવવાના પ્રયાસ આપણે કરતા રહ્યા છીએ. એ જ ધ્યેયને લગતી બાબતોની ચર્ચા કરવાનો આપણો અહીં ઉપક્રમ રહ્યો છે. આજે, આ ચર્ચાના તત્ત્વો વિશે થોડી વાતો કરવી છે.

શિક્ષણ ક્ષેત્રના અનુભવોને આધારે નિપજેલા કેટલાક મુદ્દાઓ ચર્ચા માટે રજૂ કરવા છે; તો સાથે કેટલાક શિક્ષણશાસ્ત્રીઓના વિચારો તેમ જ દેશ-વિદેશના શિક્ષકો સાથે થયેલી ચર્ચાઓને ધ્યાનમાં લેતા કેટલીક કડવી પણ આપણા શિક્ષણજગતમાં રહેલી ખામીઓ / ક્ષતિઓ તરફ ધ્યાન દોરવાની ચેષ્ટા પણ કરવી પડે એમ છે. આશા છે કે શિક્ષકો આ સંદર્ભે એક તંદુરસ્ત ચર્ચા કરી, શિક્ષણને વધુ ઉન્નત કે સંપૂર્ણ બનાવવા પ્રયત્નશીલ બનશે. આ માટે, આપણે એક વિચારસત્ર કે પરિસંવાદનું આયોજન કરી શકીએ, જ્યાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો એક મંચ પર આવી, આ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરે.

શિક્ષણજગતનાં મહત્ત્વનાં પાંચ અંગો છે; ૧) બાળકો અને વાલીઓ ૨) શિક્ષક ૩) મૅનેજમૅન્ટ કે ટ્રસ્ટ ૪) સમાજ અને ૫) સરકાર. આમાંથી કોણ કેટલું મોટું કે મહત્ત્વનું એની ચર્ચા ફરી કોઈવાર. પણ, આ બધામાંથી એક અતિ મહત્ત્વનું અંગ એટલે ‘શિક્ષક’. આજની ચર્ચા આપણે શિક્ષક ઉપર કેન્દ્રિત કરીશું. આમ તો આપણી પરંપરા તેમ જ ધર્મમાં શિક્ષક એટલે ગુરુ અને ગુરુનું સ્થાન ભગવાનની ઉપર કે સમકક્ષ માનવામાં આવ્યું છે. આપને ઈતિહાસ પણ તપાસીએ તો દરેક મહાનુભાવો પાછળ તેમના ગુરુનું અને તેમના શિક્ષણનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. તો આટલું મહત્ત્વ અને આદર ધરાવતાં શિક્ષકનું સ્થાન અને વાસ્તવિક્તા આજે શું છે? ખાસ કરીને ગુજરાતી માધ્યમની શાળાઓના સંદર્ભે તો આપણે સૌ જાણીએ છીએ. શું આમ થવા પાછળ શિક્ષકોનો પોતાનો દોષ છે? કે પછી તેમનાં મેનેજમૅન્ટનો કે પછી સરકારની નીતિઓનો? આ સવાલોનો જવાબ મેળવવો ખૂબ જ અઘરો છે. આ માટે આપણે શિક્ષકને લગતાં કાર્યને ખૂબ નજીકથી જાણવાની અને મૂલવવાની જરૂર છે. ત્યાર બાદ જ આપણે એક સાચા શિક્ષકની વ્યાખ્યા તેમ જ લક્ષણો ઓળખી શકીશું.

એક શિક્ષક તરીકે મુખ્યત્ત્વે ચાર કાર્ય કરવાનાં આવે છે. ૧) ભણાવવું ૨) શોધસંશોધન ૩)  વહીવટી ને શિક્ષણેત્તર કાર્યો  (ઍડમિનિસ્ટ્રેટિવ કે નોન ટીચિંગ વર્ક) અને ૪) સમાજોપયોગી કાર્ય. કોઈ પણ શિક્ષકનું મૂલ્યાંકન આ ચાર બાબતોને આધારે કરવામાં આવે તો ખરા અર્થમાં આપણને શિક્ષકનો પરિચય થાય. સાથે, એ પણ જાણી શકીએ કે શિક્ષક બનેલી વ્યક્તિને ખરેખર શિક્ષણમાં રસ હોવાથી તે આ વ્યવસાયમાં છે કે અન્ય કોઈ કારણોસર! વળી, શિક્ષક એક એવું પદ છે જે આજીવન વિદ્યાર્થી તો હોય જ છે. નવું નવું ભણાવવા સાથે નવી નવી વસ્તુઓ શીખવી જેવા ઘણા પાસાઓ શિક્ષકને પોતાને પહેલો વિદ્યાર્થી બનાવે છે.

વળી, ઉપર જણાવેલાં મુખ્ય કાર્યોની વહેંચણીનો આધાર શિક્ષકનાં પદ તેમ જ અનુભવને આધારે વધારે કે ઓછા અંશે હોઈ શકે. પણ કોઈપણ શિક્ષકની કારકિર્દી પૂર્ણ થવા આ ચારે કાર્યો તેમાં સામેલ હોવા જરૂરી જ છે. નવા જોડાયેલા શિક્ષક પાસે ભણાવવાની તેમ જ નવા શોધ-સંશોધન માટેની અપેક્ષાઓ વધારે હોય છે; તો તેમના ઓછા અનુભવને કારણે તેમની પાસેથી ઍડમિનિસ્ટ્રેટિવ વર્ક કે સમાજોપયોગી કાર્ય માટેની ઓછી અપેક્ષા રાખવામાં આવે છે. જેમ જેમ શિક્ષક તેની કારકિર્દીમાં આગળ વધતો જાય તેમ તેમ બાકીનાં કાર્યોમાં પણ તેનું વધતું પ્રમાણ અપેક્ષિત છે. તો ચાલો, શિક્ષકોનાં આ કાર્યને વિગતે સમજીએ.

 

૧) ભણાવવાનું : એક શિક્ષકનું સૌથી પાયાનું કાર્ય છે વિદ્યાર્થીઓને ભણાવવાનું. ભણાવવાનાં પણ મુખ્ય ચાર અંગો છે. ક) Content /સામગ્રી ખ) Content Delivery એટલે કે સામગ્રીને વિદ્યાર્થી સુધી પહોંચાડવાની પદ્ધતિ ગ) Assessment એટલે વિદ્યાર્થીની પ્રગતિ માપવી કે તેની માટેની કાર્યપ્રણાલી ઊભી કરવી અને છેલ્લું તથા કમનસીબે આપણે ત્યાં સૌથી ઓછું મહત્ત્વનું લેખાતું અંગ ઘ) લર્નિંગ એટલે વિદ્યાર્થીઓ કેટલું સમજ્યાં? અને તેનો ઉપયોગ રોજબરોજની જિંદગીમાં કેવી રીતે કરી શકાય?

શિક્ષણના મુખ્ય ચાર અંગો

ક) Content: એટલે કે સામગ્રી. શાળાઓ માટે સામગ્રીનો મુખ્ય સ્રોત એટલે પાઠ્યપુસ્તકો, જે રાજ્ય કે કેન્દ્ર સરકારે નક્કી કર્યાં હોય અને મોટા ભાગનાં શિક્ષકો એનો જ આધાર લઈને ભણાવતાં હોય છે. પરંતુ, ખરેખર તો અભ્યાસક્રમ પૂરો કરવા શિક્ષકોએ વિપુલ પ્રમાણમાં સંદર્ભગ્રંથો તેમ  જ ઈતર માહિતી શોધી, ભણાવવા માટે વિષય અને વિદ્યાર્થીઓનાં બૌદ્ધિક સ્તર પ્રમાણે પોતાની સામગ્રી તૈયાર કરવી રહી. ગણિત તેમ જ વિજ્ઞાન જેવા વિષયોમાં નવી પ્રગતિ કે શોધ-સંશોધનને પણ પાઠ્યક્રમ મુજબ આવરી લેવું જરૂરી છે. ઈતર વાંચન તરીકે ક્યારે પણ છાપેલી ગાઈડ કે બીજી હલકી ગુણવત્તાનાં પ્રકાશનોનો ઉપયોગ ન કરવો અથવા તેનો ઉપયોગ પરીક્ષાલક્ષી તૈયારી સુધી જ સીમિત રાખવો. જ્યારે શિક્ષક વર્ગમાં ભણાવવા માટેની પોતાની સામગ્રી તૈયાર કરતો હોય ત્યારે તેણે પોતાના વાંચનની યોગ્ય નોંધ રાખવી. જરૂર પડે તો વિદ્યાર્થીઓને પોતાનાં સંદર્ભો (references) જણાવી, તેમને વાંચવાં માટે પ્રોત્સાહિત કરવા. વળી, ભણાવવાની સામગ્રી હંમેશા અપડેટેડ અને મહત્તમ વિગતો ધરાવતી બનાવવી જોઈએ. આજે નવી ટેક્નોલૉજીનાં હિસાબે તેમની સામગ્રી માટે ઈન્ટરનેટથી ઘણી માહિતી મેળવી શકે છે; તો વધુમાં વધુ આકૃતિ, ચિત્રો વગેરેનો ઉપયોગ કરી શકે છે.

વળી, વાંચન સામગ્રી કે ભણાવવાની માહિતી યોગ્યરૂપ અને યોગ્ય પ્રમાણમાં રાખવી જરૂરી છે. ૧ કલાકનાં ક્લાસ માટે લગભગ ૩ કલાકની તૈયારી કરવાની હોય. આજે, કેતલાં શિક્ષકો આટલી મહેનત કરે છે, તે પણ એક પ્રશ્ન છે. કેટલાં શિક્ષકો પોતાનાં વિષયમાં ઈતર વાંચન કે સંદર્ભગ્રંથો વાંચે છે? કેટલાં શિક્ષકો પોતાનાં વિષયને લગતી તાલીમ કાર્યશાળાઓ કે શિબિરો વગેરે દ્વારા લે છે? આ બધાં જ પ્રશ્નોનાં જવાબ ખરેખર નિરાશાજનક છે. દરેક શિક્ષક જો આ પ્રકારની તાલીમ અને તૈયારી ન કરે તો ધીરે ધીરે પાછળ છૂટતો જાય છે અને અંતે વિદ્યાર્થીઓ પ્રત્ત્યે ઉદાસીન થઈ જાય છે. માટે જ, દરેક શિક્ષકે, એ પોતે પહેલાં વિદ્યાર્થી છે એમ માની, પોતાનાં ક્લાસ માટેની તૈયારી કરતાં પહેલાં યોગ્ય વાંચન અને મનન કરવું ખૂબ જરૂરી છે.

ખ) Content Delivery :

હવે વાત કરીએ, Content Deliveryની જેમાં શિક્ષકે પોતાની સામગ્રીને યોગ્ય રીતે બાળકો સુધી પહોંવાડવાની હોય છે. અહીં દરેક શિક્ષક પોતપોતાનાં અનુભવ મુજબ નવી-નવી રીતથી વિદ્યાર્થીઓને ભણાવે છે. જેમ કે, મલ્ટિ મીડિયાનો ઉપયોગ કરીને ચાર્ટ- મૉડેલોનો પ્રયોગ કરી, તો કેટલીક ચર્ચાઓ દ્વારા પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓને સતત પોતાનાં ક્લાસમાં એકાગ્ર રાખે છે. પણ આટલું પણ પૂરતું નથી. નવી નવી ઘણી રીતો અને પદ્ધતિઓ આવી છે , જેનો શિક્ષકોએ પૂરતો અભ્યાસ કરવો જરૂરી છે. સાથે સાથે આ ક્ષેત્રમાં ચાલતી નવી નવી પદ્ધતિનો પણ પૂરતો ખ્યાલ હોવો જરૂરી છે. તથા સંજોગ અને જરૂરિયાત પ્રમાણે તેને વાપરતાં આવડવું જોઈએ. આ વિષયમાં સામેલ થતી કેટલીક કાર્યશાળા – સેમીનારમાં અચૂક ભાગ લેવો જોઈએ. વળી, બને તેટલું વિદ્યાર્થીઓને વિષયમાં રસ લેતાં કરવા જોઈએ. Content Delivery, એ દરેક શિક્ષક માટે અનિવાર્ય હિસ્સો છે, જેના વગર ગમે તેટલી મહત્ત્વની સામગ્રી યોગ્ય રીતે વિદ્યાર્થીઓ સુધી ન પહોંચે તો તે વ્યર્થ બની જાય છે.

ગ) Assessment : આપણી શિક્ષણ પદ્ધતિનુઓ ખામીયુક્ત કોઈ પાસો હોય તો તે છે, પરીક્ષાની પદ્ધતિ એતલે કે બાળકોની પ્રગતિ માપવાનું માપદંડ, જે મોટાભાગે લેખિત કે મૌખિક ટેસ્ટ જ હોય છે. મોટાં ભાગનાં શિક્ષકો નવી પદ્ધતિઓ કે indirect પદ્ધતિઓનો કેમ સ્વીકાર નથી કરતાં, એ ખરેખર એક મોટો કોયડો છે. બાળકની પ્રગતિ direct assessment જેવી કે પરીક્ષા, ઘરકામ, તેમની રોજનીશી કે જર્નલ વગેરે તપાસવાથી મળે છે. તો indirect assessment વિદ્યાર્થીની ક્લાસમાં વર્તણૂક, તેમનાં દ્વારા પૂછાયેલાં પ્રશ્નો કે વાતચીત દ્વારા નક્કી થતું હોય છે, જે ખૂબ મહત્ત્વનો મુદ્દો છે પણ કમનસીબે એને મોટાભાગે અવગણવામાં આવે છે. Assessment દ્વારા વિદ્યાર્થીઓને પોતાનાં કાર્ય વિશે એક નક્કર અભિપ્રાય મળે છે, જે તેમનાં અભ્યાસને વધુ સુધારવામાં મદદરૂપ થાય છે. તેમની ખામીઓ તેમાં ઉજાગર થાય છે પણ આજે કેટલાં શિક્ષકો ચીવટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલયાંકન કરે છે? તેમનાં પેપરો Assignments ને પૂરતો ન્યાય આપેછે?વળી, Assessment માટે નવી નવી પદ્ધતિઓ સ્વીકારવી રહી કે શિક્ષકોનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. પરીક્ષાઓ એટલા માટે લેવાવી જોઈએ કે જેથી બાળકોની આવડત કેટલી છે તે જાણી શકાય. એક શિક્ષકે શું જાણવું જોઈએ તેને મહત્ત્વ આપો. વિદેશમાં ખૂબ જ લોકપ્રિય Open Book Test પદ્ધતિ આપણે ત્યાં પણ અજમાવવા જેવી છે, જેમાં વિદ્યાર્થીઓને પોતાનો જવાબ શોધવા દરેક મટિરિયલ આપવામાં આવે છે. પણ, જો વિદ્યાર્થીએ પૂરતો અભ્યાસ ન કર્યો હોય તો તેઓ તેનો ઉપયોગ કરી શકતાં નથી. બીજો એક પ્રચલિત પ્રકાર છે Problem Based Learning પ્રમાણેની પરીક્ષા જેમાં તેઓને રોજિંદી જિંદગીની સમસ્યાઓ આપવામાં આવે છે. જો તેઓ પોતાના વિષયને સમજતાં હશે, તો તેને સરળતાથી ઉકેલી શકશે. પણ જો ગોખણપટ્ટી કરી હશે, તો નહીં કરી શકે. વળી, આપણી પરીક્ષાઓ ગોખણપટ્ટી અને Memory Test વધુ હોય, જે બાળકોની વિચારશક્તિ ખીલવી શકતી નથી. બાળકો પોતાની રીતે કમી પણ વિચારી શકતાં નથી. તેમની પાસેથી ચોપડિયું જ્ઞાન જ અપેક્ષિત છે, જે આપણી શિક્ષણ પદ્ધતિનો પાયાનો પ્રશ્ન છે. 

પરીક્ષા વડે પણ  યોગ્ય પદ્ધતિથી બાળકોનું યોગ્ય અને સમયસર મૂલ્યાંકન થતું રહેવું જોઈએ, જેને Continuous Evaluation કહેવાય છે. જો તે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો બાળકો માટે પરીક્ષા નગણ્ય બની જાય છે અને આપણે ખરેખર તેમને ભારરહિત ભણતર આપી શકીએ.

Assessment Toolsને જો યોગ્ય રીતે વાપરવામાં આવે તો શિક્ષણની ઘણી ખામીઓ દૂર થઈ શકે છે.

ઘ) Learning :

મોટા ભાગનાં શિક્ષકો આ મુદ્દાને ચૂકી જાય છે. ફક્ત ભણાવી દેવાથીકે બાળકોને ટેસ્ટ માટે તૈયાર કરવાથી તેમનો ઉદ્દેશ્ય પૂરો નથી થઈ જતો. શિક્ષણની ખરી પરીક્ષા તો વિદ્યાર્થીઓ વિષયનું કેટલું જ્ઞાન પચાવી શક્યાકે શીખ્યા, તેનાથી થાય છે. આ અંગ ભારતીય શિક્ષણમાં લગભગ વિસરાયેલું છે. મોટાભાગના શિક્ષણ ક્ષેત્રમાં આની ચર્ચા જ થતી નથી કે બાળકોનું સર્વાંગી વિકાસ કેવી રીતે થાય છે, એને કેવી રીતે વધુ સુધારી શકાય છે. બાળકોનું અધ્યયન ત્યારે જ પાક્કું ગણાય છે જ્યારે તેઓ પોતાનું શીખેલું જ્ઞાન રોજબરોજના જીવનમાં ઉપયોગ કરી શકે છે. એ જ તેમનું સાચું Learning છે અને એ પણ એક પ્રશ્ન છે કે બાળકોનું Learning કેવી રીતે માપવું? આ પ્રશ્નનો કોઈ સીધો જવાબ નથી. Assessment માં જેમ આપણે ચર્ચા કરી તેમ પદ્ધતિઓથી Learningનું ધારાધોરણ નક્કી કરવું જરૂરી છે.

X
X
X