૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ [email protected]
Select Page

ખાર કેળવણી મંડળ દ્વારા સંચાલિત ‘મગનલાલ માણેકલાલ સોનાવાલા પ્યુપિલ્સ ઓન સ્કૂલ અને શારદા મંદિર’ નામની આ સંસ્થા લોકજીભે ‘એમ. એમ. પ્યુપિલ્સ ઓન સ્કૂલ’નાં નામે જ ઓળખાય છે. વર્ષો પહેલા પૂનામાં ચાલતી આ શાળા પ્લેગ ફૂટી નીકળવાનાં કારણે મુંબઈ ખસેડવામાં આવી અને શારદા મંદિર સાથે જોડી દીધા બાદ ૧૯૩૪થી ખાર કેળવણી મંડળે તેનું સંચાલન હાથ ધર્યું. આ શાળાનાં મૂળમાં સ્વ. શ્રી રવિન્દ્રનાથ ટાગોરનાં સંસ્કાર રહેલા છે.

અંગ્રેજી માધ્યમનાં ઘેલછા ભર્યા સમયમાં પણ પ્યુપિલ્સ સ્કૂલ પોતાનું સ્થાન ટકાવી શકી છે. તેનું જમાપાસું એ જ કે આ શાળામાં અંગ્રેજી માધ્યમને પૂરતું મહત્વ આપીને માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય છે.

અહીં બાલમંદિરથી ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી ભાષા તેમજ ગણિત અંગ્રેજીમાં શીખવવામાં આવે છે. આગળ જતાં બીજી શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓને જો ગણિત અંગ્રેજી વિષયમાં ન શીખવું હોય તો તેમને તે વિષય ગુજરાતી ભાષામાં પણ શીખવાડવામાં આવે છે.

એટલું જ નહિં વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષા પરની પકડ મજબૂત બને તે માટે અભ્યાસક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક અંગ્રેજી ભાષાના વર્ગોનું પણ આયોજન કરાય છે. વિદ્યાર્થીઓ માતૃભાષામાં બીજા વિષયો શીખે છે જેને લીધે વિષયોને વધુ સ્પષ્ટતાથી આત્મસાત કરી શકે છે અને વિષયને અસરકારક રીતે રજુ પણ કરી શકે છે.

છેલ્લા ત્રણ વર્ષમાં ચાર એવા વિદ્યાર્થીઓએ આ શાળાના પ્રાથમિક વિભાગમાં પ્રવેશ લીધો કે જેઓ પહેલા અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણતા હતાં. ઘણી તકલીફ લાગતાં માતા પિતાએ ગુજરાતી માધ્યમમાં ભણાવવાનું પસંદ કર્યું. હાલમાં તેઓ સુંદર રીતે સરસ ગુજરાતી શીખી ગયા છે. જેને કારણે માતાપિતાને પણ ખૂબ જ ખુશી છે.

આ શાળામાં ટેક્નિકલ વિભાગ પણ છે. ધોરણ ૮, ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને એનો લાભ મળે છે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીકલ્સ, કોમ્પ્યુટર, રૂરલ ડેવલપમેન્ટ, ટર્નિંગ, પ્લ્મબિંગ જેવા વિષયોનો સમાવેશ છે. જે દરેક માટે સાધનસજ્જ એવી કાર્યશાળા ( work shop) ( technical lab) પણ છે અને એ વિવિધ વિષયો શીખવવા માટે જે તે વિષયોમાં પારંગત એવા પદવીધારી શિક્ષકો પણ છે. અભ્યાસના વિષયો શીખવવા ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ જેવી કે કાવ્ય પઠન, કાવ્ય ગાન, વકૃત્વ, દેશભક્તિ, મ્હેંદી, આરતી, રંગોળી, ગ્રીટીંગ કાર્ડસ વગેરેની સ્પર્ધાઓ પણ યોજાય છે. રમતોત્સવ, વાર્ષિકોત્સવ તેમજ પર્યટન તો ખરાં જ. દરેક તહેવારો અને ઉત્સવોની ઉજવણી પાછળ તે ઉત્સવની જાણકારી વિદ્યાર્થીઓ મેળવે તે હેતુ રહેલો હોય છે.

નવરાત્રી ઉત્સવ હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, વાર્ષિક ઉત્સવ હોય, રમતોત્સવ હોય કે ઈનામ વિતરણ સમારંભ હોય દરેક કાર્યક્રમમાં બાળકોનાં માતાપિતાને આમંત્રિત કરવામાં આવે છે. જેને લીધે વાલી શિક્ષકોનો સંબંધ વધુ ગાઢ બને છે. શાળાની શરૂઆતથી દર વર્ષે S.S.C નું પરિણામ ૯૫%થી ૧૦૦% નું જ રહ્યું છે. વર્ષ ૨૦૧૩/૧૪માં શાળામાં S.S.C નું પરિણામ ૯૭% હતું. એ સિવાય બાકીનાં આઠ વર્ષોમાંથી સાત વર્ષોમાં શાળાનું પરિણામ ૧૦૦% આવ્યું છે.

શાળામાંથી અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓ એન્જિનીયર્સ, ડોક્ટરસ, પ્રોફેસર્સ, શિક્ષક, વકીલ, એડમિનિસ્ટ્રેટર્સ, મેજીસ્ટ્રેટ, બીઝનસમેન વગેરે પદોને શોભાવે છે.

આ શાળામાં ભણી ગયેલા વિદ્યાર્થીઓને માટે આ શાળા ભૂતકાળ બનતી જ નથી. તેઓ કોઈને કોઈ રીતી આ શાળા સાથે જોડાયેલા જ રહે છે અને શાળા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે હંમેશા ઉત્સુક  હોય છે. કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મળીને ‘પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટ’ નામનું રજીસ્ટર્ડ  ટ્રસ્ટ સ્થાપ્યું છે. જેની મદદ સાથે દર વર્ષે શાળામાં કાઉન્સેલિંગ, ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે એપ્ટીટ્યુડ ટેસ્ટ, કરિયર ગાઈડન્સ, મેડીકલ ચેક અપ અને ચેક અપ પછીની ટ્રીટમેન્ટ જેવી કે દાંતની સમસ્યા વગેરે પર ધ્યાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચશ્મા, વિટામીન્સ, ટોનિક વગેરે આપવામાં આવે છે.

શાળામાં દર વર્ષે પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે આવનાર, તેમજ દરેક વિષયોમાં અગ્રક્રમે રહેનાર, શાળામાં નિયમિત હાજરી આપનાર તેમજ આદર્શ વિદ્યાર્થી (ધોરણ પ્રમાણે)ને શિષ્ય વૃત્તિ આપવામાં આવે છે.

આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મહામુલો ખજાનો છે. જ્યારે શાળા પૂનામાં હતી ત્યારે સ્વ. શ્રીમતી ઈન્દિરા ગાંધી આ શાળાનાં વિદ્યાર્થીની હતાં. તે ઉપરાંત ગાંધીજીનાં પ્રપૌત્ર શ્રી તુષાર ગાંધી, શ્રી કમલનયન બજાજ, શ્રી એસ.પી ગોદરેજ, સ્વ. શ્રી મહેન્દ્ર નાણાવટી, સ્વ. શ્રી ચત્રભુજ નરશી, શ્રી કિરિટ સોમૈયા, નિવૃત્ત ચીફ જ્સ્ટીસ શ્રીમતી સુજાતા મનોહર, શ્રી હેમંત કણાકિયા, શ્રીમતી ટીના મુનિમ અંબાણી, શ્રીમતી રાગિણી શાહ, ફાલ્ગુની પાઠક, શ્રીમતી અરુણા પુરોહિત, શ્રીમતી કનક રેલે વગેરે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ તથા ઉચ્ચત્તમ પદે પહોંચેલા આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે.

જેમ એકલે હાથે તાળી ન પડે એમ આ શાળાની પ્રવૃત્તિઓમાં, અભ્યાસમાં તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગિણ વિકાસમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, શાળાનાં કર્મચારી ગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ખાર કેળવણી મંડળનાં સંચાલકો સહુનો એકસમાન સાથ સહકાર મળી રહે છે. ખાર કેળવણી મંડળનાં સંચાલકો તરફથી વિદ્યાયાર્થીઓને મળતી સર્વ પ્રકારની સુવિધાઓ વિદ્યાર્થીઓની પ્રગતિને ટેકારૂપ બને છે. તેઓ તરફથી શિક્ષકોને અને કર્મચારીઓને સતત મળતું માર્ગદર્શન સૌને કાર્યભાર હળવો કરવામાં મદદરૂપ થાય છે.

માતૃભાષા દ્વારા  શિક્ષણ આપનારી આ શાળાએ ખૂબ લાંબી મજલ કાપી છે અને શતાબ્દિની દિશામાં આગળ વધી રહી છે. હાથવેંતમાં તેને પાર કરી લેશે એવી મહેચ્છા છે.

X
X
X