૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

માતૃભાષામાં શિક્ષણ આપવાના ઉદ્દેશથી મહા ગુજરાત મંડળ નામે ૧૯૩૨માં સ્થપાયેલી સંસ્થા આજે શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટીના નામે ઓળખાય છે. ગુજરાતી માધ્યમ દ્વારા નાશિક સ્થિત ગુજરાતી સમાજના બાળકોને માતૃભાષામાં શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, સંસ્થા આ ઉદ્દેશને આજે પણ વળગી રહી છે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સાત શાળાઓનું સફળ સંચાલન કરી રહી છે અને સાથે-સાથે વાણિજ્ય તેમ જ વિજ્ઞાનની શાખાઓ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨નું શિક્ષણ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વ્યવસાયલક્ષી શિક્ષણ પૂરું પાડી રહી છે.

સંસ્થાના શીર પેચમાં ચમકતો હીરો એટલે સંસ્થાએ તાજેતરમાં શરૂ કરેલી ફાર્મસી કૉલેજ ગુજરાતી સમાજની મહિલાઓ માટે સંસ્થાએ મહિલા સીવણ ક્લાસની સ્થાપના કરી સંસ્થાના પ્રાંગણમાં પુસ્તકાલય, અદ્યતન કોમ્પ્યુટર લેબ, એલસીડી હોલ, અદ્યતન સાયન્સ લેબ, બાલમંદિરના બાળકો માટે પ્લે એરિયા, વાનપ્રસ્થ ક્લબ, ગ્રીન જીમ જેવી સુવિધાઓ સ્થાપિત કરેલી છે. તારીખ ૩૦મી સપ્ટેમ્બર ૧૯૭૬ના રોજ સંસ્થાના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલની કાંસાની પ્રતિમાની સ્થાપના કરી સંસ્થાના શૈક્ષણિક સંકુલને સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાનગર નામ આપવામાં આવ્યું. 

છેલ્લાં ૮૯ વર્ષથી સંસ્કાર, સંસ્કૃતિ, સમર્પણ અને આધુનિકતાના મજબૂત પાયા પર અડીખમ ઊભેલી સંસ્થા શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટી આજે ઉત્તર મહારાષ્ટ્રની એકમેવ ગુજરાતી સંસ્થા છે જે ગુજરાતનું ગૌરવ વધારી ગુજરાતની અસ્મિતાને ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. સંસ્થાને ઊંચાઈએ પહોંચાડવા માટે વડીલોની દૂર દૃષ્ટિ અને તેમણે કરેલા ભગીરથ કાર્યના પરિણામ સ્વરૂપે આજે સંસ્થા ઉત્તરોઉત્તર પ્રગતિના શિખરો સર કરી રહી છે. કાર્યકારિણીના સદસ્યો પદાધિકારીઓ સંસ્થાના વિકાસ કાર્યમાં તેમ જ સંસ્થાને પ્રગતિના પંથે લઈ જવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.

સંસ્થાના પ્રાંગણમાં એપ્રિલ ૨૦૧૮માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમ જ શરદોત્સવ, પતંગોત્સવ, આનંદ મેળા જેવી પ્રવૃત્તિઓ પણ કરી હતી. સંસ્થાના મોટાભાગના પદાધિકારીઓ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ છે, જેથી સંસ્થા પ્રત્યેની લાગણી તેમ જ સંસ્થા માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે એકબીજાના સાથ-સહકારથી નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. 

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનની ધરતી પર આજે સંસ્થાના પદાધિકારીઓ તેમ જ માતૃભાષાની શાળાના શિક્ષકો શિક્ષકેતર કર્મચારીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાલકો અને બાળકો દ્વારા ‘માતૃભાષા મિશન’ નામે એક ઉપક્રમ શરૂ કર્યો છે. માતૃભાષાની શાળાઓમાં અંગ્રેજી ઉત્તમ અને શિક્ષણ સર્વોત્તમ મળે એ આ મિશનનો પ્રમુખ હેતુ છે. ‘માતૃભાષા મિશન’માં સંસ્થાના અધ્યક્ષ નરેન્દ્રભાઈ ઠક્કર તેમ જ ઉપાધ્યક્ષ ગોપાલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘માતૃભાષા મિશન’ એક અનોખા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. મિશન અંતર્ગત શાળાના કમ્પાઉન્ડ વોલ પર આકર્ષક ચિત્રકામ શાળાની ઇમારતના પાછળના ભાગમાં સાયન્સ પાર્ક, ફન પાર્ક તેમ જ ગુરુકુળ સંકલ્પના હેઠળ ઓપન ક્લાસરૂમ ઊભો કરી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

સરકારની નવી શિક્ષણ નીતિને અનુસરીને માતૃભાષાની શાળાઓને આધુનિક બનાવવાનું બીડું મિશન માતૃભાષાએ ઝડપ્યું છે. માતૃભાષાની શાળાઓ અંગ્રેજી માધ્યમની શાળાઓની હરોળમાં ઊભી રહે એટલું જ નહીં એક ડગલું આગળ ચાલે એ લક્ષને ધ્યાનમાં રાખી કૃતિ યુક્ત અધ્યાપન પદ્ધતિનું અવલંબ કરી અંગ્રેજી શીખવવા માટે અલગ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. જેમાં પહેલા ધોરણથી જ અંગ્રેજીનો પાયો પાક્કો કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. શાળાની ઇમારતને BALA (building as a learning aid) પ્રોજેક્ટ અંતર્ગત રંગવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. બાળકો હસતા-રમતા ભાર વિનાનું ભણતર મેળવે તે માટે શાળાના શિક્ષકો કટિબદ્ધ છે, સાથે કલા સંગીત અને સ્પોર્ટ્સને લગતી અલગ-અલગ પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. માતૃભાષાની શાળાઓને જો ૨૧મી સદીમાં ટકી રહેવું હશે તો વિશ્વભાષા અંગ્રેજીને નકારીને ચાલશે નહીં. તે માટે સ્પોકન ઈંગ્લીશનો અલગ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. મુંબઈ ગુજરાતી સંગઠનનું બ્રિદ વાક્ય “મારી શાળા, મારી જવાબદારી”ના નેજા હેઠળ શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટી અને મુંબઈ ગુજરાતી સંગઠન સંયુક્ત ઉપક્રમ હાથ ધરી માતૃભાષાની શાળાઓને એક આગવી ઓળખ આપવા માટે સમર્પિત છે.

નાશિકની આ એકમાત્ર માતૃભાષાની શાળામાં દરેક વર્ગખંડમાં બે બ્લેકબોર્ડ મૂકવામાં આવ્યા છે. પ્રથમ શિક્ષકો માટે જયારે બીજા બોર્ડ ઉપર વિદ્યાર્થીઓ દર અઠવાડિયે બાળકો જ વિવિધ ભાષામાં પોતાના વિચારો, સુવાક્યો અથવા કવિતાઓ લખે છે, જેથી શરૂઆતથી જ તેઓ માતૃભાષા સાથે અન્ય ભાષાઓમાં પણ રુચિ કેળવે છે અને વિવિધ ભાષાઓ શીખે છે. તેનું જ પરિણામ છે કે મહારાષ્ટ્રમાં આ એકમાત્ર એવી શાળા છે જેના સૌથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એક જ વર્ગમાંથી ગુજરાતી વિષયમાં ૯૦થી વધુ ગુણ મેળવે છે.

નાશિકની એકમાત્ર માતૃભાષાની શાળા જો આટલા ઉત્સાહ સાથે કાર્ય કરી પ્રગતિના પંથ તરફ જઈ રહી હોય તો આપણી બીજી માતૃભાષાની શાળાઓએ આમાંથી પ્રેરણા લઈ નવતર પ્રયોગ કરવા રહ્યા.

X
X
X