સરહદને સળગતી રાખતા આંતકવાદી કેમ્પો પર ને પછી અર્થવ્યવસ્થાને પાયમાલ કરતા કાળા નાણાં પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈક પછી હવે જરૂર છે શિક્ષણવ્યવસ્થા પર એવા જ આકરા પરિવર્તનના પ્રહારની ! પણ એ સ્ટ્રાઈક એકપક્ષી ન થઈ શકે, એની માટે પહેલાં પ્રજાએ પ્રતિકાર કરવાની જરૂર છે.
એક તરફ દુર્વ્યવસ્થાથી ઘેરાયેલું માળખું, બીજી તરફ ભ્રષ્ટ મનોવૃત્તિવાળા કેટલાક સત્તાધીશો, ત્રીજી તરફ ફક્ત પગારલક્ષી અભિગમ ધરાવતા શૈક્ષણિક કર્મચારી ને ચોથી તરફ શિક્ષણના શબ્દેશબ્દમાંથી લાખો રળી લેવાની વાસનાવાળા સંચાલકો… આ છે આજની આપણી શિક્ષણદશાની ચતર્મુખી તસવીર. વારંવાર આ હકીકતો (જન્મભૂમિમાં જ) વાંચી, (ફિલ્મ-ટેલિવિઝન પર) સાંભળી, (આડોશપાડોશમાંથી) જાણી અને (ડોનેશનો આપીઆપીને) અનુભવી છતાં આ પરિસ્થિતિ ઠેરની ઠેર છે એમાં દોષ વ્યવસ્થાનો અસ્વીકાર કરવામાં અસમર્થ આપણા સહુનો છે કે વ્યવસ્થાને બદલવાની રાજકીય મહત્વાકાંક્ષા ન ધરાવતી સત્તાનો છે એ પ્રશ્ન પેચીદો છે. બંને પક્ષ સાચો છે, કારણ કે દોષ બંને પક્ષનો સો-સો ટકા છે એટલે કે કુલ બસ્સો ટકા દોષને લીધે જ આજે શિક્ષણવ્યવસ્થા એક કુચક્ર બનીને રહી ગઈ છે. ઘેટાંબકરાંની જેમ બાળકો ભરીને સવારે સ્કૂલબસો-રિક્ષાઓ નીકળે છે ને સાંજે ડમ્પર કાંકરામાટી ઠાલવી જાય એમ બાળકોને જે-તે સ્થળે ઠાલવી જાય છે અને આપણે જોતાં રહીએ છીએ. આપણા બાળકને પણ એમાં ઘસેડાતું-તગેડાતું જોતાં રહીએ છીએ, ફક્ત એટલું ધ્યાન રાખીએ છીએ કે આપણી શિક્ષણવ્યવસ્થા એને ભલે ફંગોળ્યા કરે, બસ એ ફંગોળાટમાં એને વાગી ન જાય, એના કોણી-ઘૂંટણ ન છોલાય કે એનું મોઢું ન અથડાય, બસ, બાકી એના આંતરમનને જે થતું હોય એ થાય.
બાળકોનાં બાળપણનું મહત્વ પુસ્તકીયા સિદ્ધાંત જેવું અવાસ્તવિક બની ગયું છે ને છતાં આપણે બધા એકબીજાને તાળીઓ આપીઆપીને દુર્વ્યવસ્થા પર જોક્સ કર્યા કરીએ છીએ ને સુવ્યવસ્થાના ક્વોટ્સ વાંચીને ફોરવર્ડ કર્યા કરીએ છીએ. ભણતર ભારરૂપ થઈ ગયું છે ને સરકાર એ વિશે બેદરકાર થઈ ગઈ છે ને હવે તો ખાનગીકરણનો જ જમાનો રહેવાનો છે ને વગેરેવગેરે જેવી વાતો તો લોકોક્તિઓ થઈ ગઈ હોય એ હદે આપણને કોઠે પડી ગઈ છે. ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીના નામે વાલીઓ પાસે ગધ્ધામજૂરી જેટલું હોમવર્ક-અસાઈનમેન્ટ્સ-પ્રોજેક્ટ્સ કરાવનારા સંચાલકો-શિક્ષકોને આપણે વરસે લાખો રૂપિયા આપીને પોષીએ છીએ, પોંખીએ છીએ ને એમની સામે સ્કૂલમાં ગુજરાતી-હિન્દી ભાષામાં પ્રાર્થના ગવડાવાની વિનંતી તો શું, બાળકોને અંદરોઅંદર પોતિકી ભાષામાં વાત કરવા દેવાની પરવાનગી પણ નથી માગી શકતા કે બીજી કોઈ પણ બાબતે ચૂં કે ચાં નથી કરી શકતા અને આપણે માનીએ છીએ કે એ આપણી બેવકૂફી નથી, એ આપણી કાયરતા નથી, એ તો આપણો વિવેક છે, એ તો આપણો શિષ્ટાચાર છે. એ જ આપણી સંસ્કારિતા છે. સ્કૂલ ને સ્કૂલની રીતે કામ કરવા દેવાની, યસ, જેમ તબેલામાં દૂધ લેવા જઈએ ત્યારે ભૈયાજીઓ કેવીરીતે દૂધ કાઢે છે એની આપણે ફિકર નથી કરતા, માત્ર એ દૂધ કાઢીને આપણને આપી દે એટલી જ આપણી નિસ્બત હોય છે ને પૈસા આપી દૂધ લઈ આપણે છૂટા થઈ જઈએ છીએ એ જ રીતે સ્કૂલ-કોલેજમાંથી પણ આપણે માત્ર બાળકને માર્ક્સ-ડિગ્રી મળી જાય એની જ ફિકર કરીએ છીએ, એ માર્ક્સ-ડિગ્રી મેળવવા માટેની પદ્ધતિ શું છે કે એ માટે વિદ્યાર્થી પર શું-શું આચરવામાં આવે છે એની આપણને ખાસ ચિંતા નથી, કદાચ ચિંતા છે પણ આપણ કરતા નથી, હવે કરવી નથી, બહુ મોડું થઈ ગયું છે, બરાબર. જોકે એવી ચિંતા હોત તો અત્યાર સુધી આમ લાખોની સંખ્યામાં ખાનગી શાળાઓ ઊભી ન થઈ ગઈ હોત, ખૂણેખાંચરે પ્રિ-સ્કૂલો ને પ્રિ-પ્રાયમરીઓ ને પ્લે-ગ્રૂપ્સના નામે માલેતુજાર સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ ન ફૂટી નીકળી હોત.
બસ, હવે આ તબક્કો છે થોભો કહેવાનો. શિક્ષણની કુવ્યવસ્થા સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો, જે સરકાર નહીં કરી શકે. સત્તા નહીં કરી શકે. વ્યવસ્થા નહીં કરી શકે… એ પ્રજાએ પોતે કરવાનો છે. પ્રજા પોતે કહેશે કે એને સારી સરકારી શાળાઓમાં, માતૃભાષાના માધ્યમથી જ પોતાનાં બાળકોને ભણાવવા છે તો સરકારે એ પૂરી પાડવી જ પડશે, એ જ એની ફરજ છે, બહુમતીથી પ્રજા જે માગે સરકાર એ કરવા બંધાયેલી છે, પણ જ્યાં સુધી પ્રજા બાળકોને રંગોરોંગાનથી ઝગમગતી ઈમારતોમાં જ મોકલવા માગે છે, ત્યાં સુધી સરકાર સરકારી શાળાઓને રંગરોગાનથી સજાવવાની દરકાર નહીં કરે. કેમ કરે?
હા, પરિણામ તરત નહીં આવે, શરૂઆતી તબક્કે વિદ્યાર્થીઓએ જ મૂશ્કેલ વેઠવી પડશે, પણ કોઈને કોઈએ તો આ શરૂઆત કરી ને મૂશ્કેલીનો મુકાબલો કરવાની તૈયારી રાખવી પડશે, બાકી વિષચક્રનો અંત નથી.
નક્કી આપણે કરવાનું છે કે આજના આપણાં બાળકો, આવતીકાલના આપણા નાગરિકો, અને એ પછીની કાલોનું ઘડતર કરનારા દેશવાસીઓ, આપણા સંસ્કારકોશમાંથી વૈષ્ણવજનનું ભજન સ્મરણમાં રાખતારાખતા મોટો થાય કે એ લોકોના ઈતિહાસકોશમાંથી વાઈસરાયોનું પ્રવચન !
-અસ્તુ. (ડિસેમ્બર 2016)