૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

અનેક સામાજિક-આર્થિક પડકારો છતાં મુંબઈ શહેરમાં હજી ઘણી નોંધપાત્ર ગુજરાતી માધ્યમની શાળાઓ સમય સાથે ડગલાં માંડી અડીખમ ઊભી છે એની વાત આ લેખશ્રેણીમાં આપણે જાણી. આ લેખથી હવે શહેરની એવી જ કેટલીક શાળાઓ વિશે વિગતવાર માહિતી મેળવવાની શરૂઆત કરીએ ને આવતા વરસના પ્રવેશનો સમય આવે એ પહેલાં આસપાસના લોકોને પણ એ શાળાઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે જણાવીએ. આ શ્રેણીની શરૂઆત કરતા આપણી સંસ્કૃતિ અને આધુનિકતાની બેજોડ દ્રષ્ટાંત સમાન કાંદિવલીની ગુજરાતી શાળા, સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનો પૂરો પરિચય કેળવીએ.

 

દેશના એક અગ્રણી સપૂત અને યુગપ્રભાવક પ્રતિભા ધરાવનાર સરદાર વલ્લભભાઈ પટેલનાં નામ અને આદર્શો સાથે જોડાયેલી, ‘કાંદિવલી એડ્યુકેશન સૉસાયટી’ દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય એક પ્રતિબદ્ધ અને પ્રગતિશીલ શાળા છે. દિવસે ને દિવસે સતત વિસ્તરતી અને વિકાસ પામતી આ સંસ્થા, બાળમંદિરથી લઈને પ્રાથમિક-માધ્યમિક શાળા, કળા, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજ, લો કોલેજ, ટેક્નિકલ વિભાગ, રાત્રિશાળા અને અનેક ડિપ્લોમાના વર્ગો-અભ્યાસક્રમોનું સફળ સંચાલન કરે છે અને તે દ્વારા સમાજને ઉપયોગી થનાર જાગૃત વ્યક્તિત્વનું નિર્માણ કરે છે.

શાળાનો ઈતિહાસ:

ઈ.સ. ૧૯૩૬ની ૧૨મી એપ્રિલે, માત્ર ૧૩ વિદ્યાર્થીઓ સાથે શેઠ શ્રી લવજી મેઘજીના બંગલામાં શરૂ થયેલી આ શાળા, આજે કુલ ૧૬,૦૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે. સ્થાપનાના ૮૦ વર્ષમાં આ સંસ્થા, કાંદિવલીમાં તથા પશ્ચિમ પરામાં શિક્ષણનું સર્વાધિક મહત્ત્વનું અને આદરપાત્ર ધામ બની છે.

અહીંના રહેવાસીઓનો પ્રેમ અને વિશ્વાસ જીતી, આ સંસ્થા લવજી મેઘજીના બંગલામાંથી, શાંતિલાલ મોદી માર્ગ પરની ભવ્ય ઈમારતમાં અને શાળા-કૉલેજોનાં આકર્ષક ભવનોમાં પરિવર્તિત થઈ, અનેરો વિકાસ પામી છે. આ શિક્ષણ સંસ્થાની શાળા-કૉલેજોમાં ૫૦ % બેઠકો ગુજરાતી લઘુમતી માટે અનામત રાખવામાં આવી છે. આ વિસ્તારમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોવાથી, મુંબઈની ઍસ.ઍસ.સી બોર્ડની ગુજરાતી શાળાઓમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યાનું ગૌરવ ધરાવતી આ શાળા, ગુજરાતી બાળકને સંગીન શિક્ષણ મળે, તે ઉદેશ્ય ધરાવે છે.

ભોગીલાલ રૂડિયા રોડ પર આવેલી, ૧ થી ૪ ધોરણની ગુજરાતી પ્રાથમિક શાળામાંથી અભ્યાસ કરીને, અનેક બાળકોએ દેશમાં અને વિદેશમાં પણ ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ જ શાળા આજે, વટવૃક્ષ બનીને, સુભાષ માર્ગ પર આવેલી, અત્યંત આધુનિક સુવિધાવાળી ૮ માળની ઈમારતમાં ફેરવાઈ ગઈ છે. અંગ્રેજી માધ્યમના વર્તમાન વહેણની વચ્ચે, આજે પણ અહીં ગુજરાતી પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક મળીને, આશરે ૧200થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. અહીં વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમ જેવી બધી જ સુવિધાઓ આર્થિક બોજ વગર પૂરી પાડવામાં આવે છે.

ડો. દિનકર જોશી જેવા વરીષ્ઠ સાહિત્યકારના માર્ગદર્શન હેઠળ અને શ્રી સતીશભાઈ દત્તાણી અને શ્રી મહેશભાઈ ચંદારાણા જેવા સંચાલક મંડળના નિષ્ઠાવાન સભ્યોની કુશળ કાર્યશૈલીના પ્રભાવે ગુજરાતી માધ્યમનો અવિરત વિકાસ ચાલુ છે. આર્થિક ખર્ચાની પરવા કર્યા વગર, અહીં બધાં બાળકો માટે ઍડ્યુકૉમ, વિશાળ હવા-ઉજાસવાળાં, આકર્ષક ચિત્રોસભર વર્ગખંડ, દરેક બાળક માટે અલગ કમ્પ્યુટરની વ્યવસ્થાવાળી કમ્પ્યુટર લૅબ, પુસ્તકાલય, વિજ્ઞાનની પ્રયોગશાળા; તો શિક્ષકો માટે અલાયદાં સ્ટાફ રૂમ જેવી અત્યંત આધુનિક સુવિધાઓ સાથે સ્વચ્છતા અને સલામતીની પણ પૂરતી કાળજી લેવાય છે. દરેક માળ પર શૌચાલય, પાણીની વ્યવસ્થા, અગ્નિશામક યંત્રો, સી.સી.ટી.વી. કૅમેરા વગેરે જેવી સુવિધાઓ ધરાવતી આ શાળા, ‘ઈન્ટરનૅશનલ સ્કૂલ‘ના નામની પાછળ ભાગતી આપણી પ્રજાને, તેના જેવી જ, અલબત્ત તેનાથી વધારે સારી સગવડોવાળી શાળાની ગરજ પૂરી પાડે છે. એટલે જ તો, આ શાળા કાંદિવલી જેવા પરાનું ગૌરવ ગણાય છે. એમાંથી ભણીને પ્રગતિ સાધનાર દરેક વિદ્યાર્થીઓને, સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાંથી શિક્ષણ મેળવ્યાનો ગર્વ છે.

આજના મોંઘવારીના સમયમાં, આટલી ઓછી ફીને લીધે, અનેક લોકો પોતાના બાળકોને અહીં આર્થિક મૂંઝવણ વગર સારું શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે છે અને એ ઓછી ફી પણ ન ભરી શકતા વિદ્યાર્થીઓના ફીની જવાબદારી સૉસાયટીનું વિદ્યોતેજક મંડળ ઉપાડે છે. આ સિવાય, તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી, શારીરિક અક્ષમ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપવું વગેરે જેવી વિદ્યાર્થીના વિકાસલક્ષી પ્રવૃત્તિ પણ આ સંસ્થાની ખાસિયત છે.

વિશાળ મેદાન, ઈલેક્ટ્રોનિક સુવિધાઓથી સજ્જ સભાગૃહ ધરાવતી આ શાળામાં, વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે સાથે અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત અને વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે. નૃત્ય, સંગીત, હસ્તકલા, ચિત્રકામ જેવી દરેક ઈતર પ્રવૃતિઓ માટે અને શારીરિક શિક્ષણ, મરાઠી, અંગ્રેજી, કમ્પ્યુટર જેવા વિષયો માટે, તે વિષયના નિષ્ણાતને અલગથી નીમવામાં આવેલા છે, જેનો પૂરો ખર્ચ સંસ્થા ઉપાડે છે. ઉપરાંત આ શાળાના વિદ્યાર્થીઓ પણ શિક્ષણની સાથે સાથે નૃત્ય સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકૃત્વસ્પર્ધા, વિજ્ઞાનનું પ્રદર્શન, બૅનર પ્રતિયોગિતા, અભિનય, મેદાની રમતો, કરાટે વગેરે જેવી ઈતર પ્રવૃતિઓમાં પણ વિજયપતાકા લહેરાવતાં આવ્યાં છે.

આ બધાં જ કાર્યોની અને સંસ્થાનાં શાળા અને કૉલેજોનાં વિદ્યાર્થી-શિક્ષકોની પ્રગતિ અને સિદ્ધિઓને વણી લેતી નોંધ, પ્રતિવર્ષ, વાર્ષિક અહેવાલ અને સંસ્થાની  સ્મરણિકાઓ – બાલવૃંદમાં લેવામાં આવે છે. સંસ્થાના હીરક મહોત્સવ વખતે ‘ભારતીય સંસ્કૃતિના સર્જકો’ જેવા અનોખા પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું હતું.

આજના યુગમાં, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય તે માટે, તેમને સારામાં સારું અંગ્રેજી બોલતાં કરવા, સંસ્થા તરફથી વિશેષ શિક્ષક નીમવામાં આવ્યા છે. તેઓ, શાળાના શિક્ષકોની સાથે મળીને, દર શનિવારે તથા રવિવારે, બે કલાક, પ્રાથમિક શાળાના બાળકોને નિ:શુલ્ક અંગ્રેજી શીખવે છે. આજે, આ શાળાના વિદ્યાર્થીઓ, વિના સંકોચે અંગ્રેજી બોલતાં અને સમજતાં થયાં છે.

શાળાનાં દરેક કાર્યક્રમોમાં, વાલીઓને પણ સહભાગી કરવામાં આવે છે. દર મહિને વાલીસભા યોજવામાં આવે છે, જેમાં વાલીઓને વિવિધ સૂચનાઓ આપવામાં આવે છે અને તેમનાં સૂચનો લેવામાં પણ આવે છે. આમ, વાલીઓ અને શિક્ષકો વચ્ચેનો સંબંધ વધુ પ્રબળ થાય છે.

આ શૈક્ષણિક સંસ્થાની વિદ્યાર્થીના વિકાસલક્ષી પ્રવૃત્તિની વાત કરી, એમાં તાજા કલમથી ઉમેરવાનું કે ગત વર્ષે મુંબઈ ગુજરાતી દ્વારા આયોજિત બેનર પ્રતિયોગિતાના સમાપનમાં, બેનરોનું પ્રદર્શન ને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે શાળાનો સભાગૃહ તેમ જ ખુલ્લી જગ્યા નિઃશુલ્ક ફાળવીને ગુજરાતી માધ્યમના વિકાસ માટે પણ આ શાળાના સંચાલકો-શિક્ષકો એમનું પ્રદાન નોંધાવી રહ્યા છે. એ જ રીતે આ વર્ષે થયેલી શૈક્ષણિક સાધનોની સ્પર્ધા અને લોકનૃત્ય સ્પર્ધાનો 30-31 જાન્યુઆરીએ થનારા બે દિવસીય સમાપન કાર્યક્રમ(જેની વિગતવાર નોંધ ટૂંકમાં જાહેર થશે.) માટે પણ આ સંસ્થાએ નિઃશુલ્ક જગ્યા ફાળવી છે.

આમ, ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા ‘કાંદિવલી ઍડ્યુકેશન સૉસાયટી’ની સરદાર વલ્લભભાઈ પટેલ નામની આ શાળા, એક આદર્શ શાળાનું ઉદાહરણ પૂરું પાડે છે અને ગુજરાતી માધ્યમના વિકાસ દ્વારા, સમાજમાં સાચું અને સારું પરિવર્તન લાવવામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપી રહી છે.

***

X
X
X