૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

આપણા દેશમાં શિક્ષણની આજની પ્રણાલી સામે ઘણા સવાલો છે. માતૃભાષાની અવહેલના વારેવારે થતી રહી છે, તેવા સમયે આપણે ૬૯ વર્ષ પહેલાંના ઇતિહાસમાં ડોકિયું કરી તેમાંથી નોંધપાત્ર શીખ લેવી રહી. વાત છે ૧૯૫૨ની, ભારતનો જ એક અવિભાજ્ય ભાગ પૂર્વીય પાકિસ્તાન તરીકે ઓળખાતો (આજનું બાંગ્લાદેશ). ૧૯૫૨માં ઉર્દુને આ પ્રદેશની રાષ્ટ્રીય ભાષા બનાવવામાં આવી જે સ્થાનીય બાંગ્લાભાષી જનતાને અસ્વીકાર્ય હતું. વિરોધ પ્રદર્શન માટે રેલી કાઢવા ઉપર પ્રતિબંધ મુકાયો, તેમ છતાં ઢાકા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને તે સ્વીકાર્ય ન હતું, ૨૧ ફેબ્રુઆરી ૧૯૫૨ના દિવસે તેમણે વિરોધ પ્રદર્શન માટે આંદોલન છેડયું અને સ્થાનિક પ્રશાસન સામે સંઘર્ષમાં ૪ વિદ્યાર્થીઓ માતૃભાષા માટેની લડાઈમાં શહીદ થયા. આ પ્રકરણની નોંધ વિશ્વસ્તરે લેવામાં આવી અને તેથી જ ૨૧ ફેબ્રુઆરીને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.

વિશ્વ માતૃભાષા દિવસ ૨૦૨૧ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ‘આત્મમંથન – એક સંવાદ; મારી શાળા, મારી જવાબદારી’ સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગોષ્ઠિ વિશ્વ માતૃભાષા દિવસ ૨૧ ફેબ્રુઆરીને રવિવારના રોજ બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન ઓનલાઈન ગૂગલ મીટના માધ્યમે યોજાઈ હતી. ‛માતૃભાષાની શાળાઓની હાલની દશા માટે જવાબદાર કોણ?’ આ વિષય પર આત્મમંથન કરી તેને ફરી ધમધમતી કરવાના ઉપાયો માટે વિચાર-વિમર્શ કરવાનો સંગોષ્ઠિનો હેતુ હતો, જે સફળ નીવડ્યો. સંગોષ્ઠિમાં મુંબઈ, નાશિક અને પૂનાની વિવિધ શાળા-કૉલેજોના આચાર્ય, શિક્ષકો, સંચાલકો તેમ જ માતૃભાષાપ્રેમીઓએ સહભાગી થઈ આત્મમંથન કરી પોતાના વિચારો ચર્ચામાં રજૂ કર્યા હતા.

મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં ૧૦ વર્ષથી મહારાષ્ટ્રની આપણી માતૃભાષાની શાળાઓ સાથે સંકળાયેલું છે અને શાળાના ઉત્થાન અને ઉત્કર્ષ માટે વિવિધ રીતે કાર્ય કરતું રહ્યું છે. આ કાર્યકાળ દરમિયાન સંગઠનને થયેલા અનુભવ અને જોયેલી જમીની હકીકત પર મનોમંથન કરી મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા તે વિચારો ચર્ચામાં પી.પી.ટી. મારફતે મૂકવામાં આવ્યા હતા. માતૃભાષાની શાળાની આજની દશા માટે કોઈ એક ચોક્કસ પરિબળને જવાબદાર ગણી શકાય નહીં, કારણ આ સમાજની સહિયારી જવાબદારી છે. સંગઠનના મતે માતૃભાષાની શાળાની આજની દશા માટે મુખ્યત્વે કુલ છ પરિબળો જવાબદાર છે. ૧) સરકારી નીતિઓ, ૨) સંચાલકો/ટ્રસ્ટીઓ, ૩) આચાર્ય, ૪) શિક્ષકો, ૫) પ્રસાર માધ્યમો, ૬) વાલીઓ. આ પરિબળો કઈ રીતે જવાબદાર છે તે જાણીએ.

૧. સરકારી નીતિઓ:- શિક્ષણનો અધિકાર જરૂરી છે, પણ સરકારે માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત બનાવવું જોઈએ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ આ બાબતનું સમર્થન કરે છે. સરકાર શાળાઓ પાસેથી ઘણી બધી વિગતો લેતી હોય છે, પરંતુ બધું જ આકલન ચોપડા પર કરવું શક્ય નથી, તેમાં વિદ્યાર્થીઓની સમજણની અને શિક્ષણની ગુણવત્તાનું ગણિત થઈ શકે નહીં. અહીં નીતિઓ સાથે તેના અમલીકરણમાં ખામી હોવાના કારણે પણ જોઈતા પરિણામ મેળવી શકતા નથી અને તે ઉપક્રમ પાછળ સરકારે ખર્ચેલા નાણાં વેડફાય છે. 

દેશ આઝાદ થયાનાં આટલાં વર્ષો પછી પણ આપણે હજુ એક દેશ, એક શિક્ષણ જેવી ઉત્તમ નીતિઓ અમલમાં મૂકી શક્યા નથી તે આપણું દુર્ભાગ્ય છે. આજનું શિક્ષણ અસમાનતાથી ભરેલું છે, જે ગરીબ અને શ્રીમંત વચ્ચે ભેદભાવ કરે છે. જેનો કોઈ ઉપાય સરકારે જ કરવો રહ્યો. આપણી સરકારી પ્રણાલીમાં ગેરવ્યાજબી નિયમોની પ્રથા રહી છે અને કાયદાની અનેક તકનીકી બાંધછોડનો લાભ લઈ ભ્રષ્ટાચારીઓ પોતાની દુકાન ચલાવતા આવ્યા છે.

નાપાસ ન કરવાની સરકારની નીતિનું જો સારી રીતે અમલીકરણ થયું હોત તો કદાચ નવમા ધોરણમાં વિદ્યાર્થીઓ સારું અને સાચું ભણીને આવત.

૨) સંચાલકો/ટ્રસ્ટી:- ટ્રસ્ટી, એટલે કે જેના પર ટ્રસ્ટ-વિશ્વાસ મૂકી શકાય તેવી વ્યક્તિ. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સંચાલકોની પ્રાથમિકતાની યાદીમાં શાળા મોખરે નથી જેને કારણે સંચાલકો પણ ઘણીવાર શાળાની સ્થિતિ, ઊભી પરિસ્થિતિ અને જમીની હકીકતોથી અજાણ હોય છે. જો ટ્રસ્ટમાં માતૃભાષાની શાળા સાથે-સાથે વિદેશી ભાષાની શાળા પણ હોય તો સંચાલકોનો ઝુકાવ તે તરફ હોવાની વાત નવી નથી. સંચાલકનું કામ ગાઇડ જેવું છે, શાળાને પ્રગતિના પંથે લઈ જવા માટે દુરંદેશી સાથે કામ કરવું મહત્ત્વનું છે, પણ જો સંચાલકો જ આગેવાની કરવાની આ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી પલાયનવાદી દૃષ્ટિકોણ અપનાવશે તો શાળાનું સંચાલન નબળું પડશે. માત્ર દાન આપી સંચાલક મંડળમાં જો એવા લોકો આવશે જેને શિક્ષણ ક્ષેત્રનો અનુભવ નથી કે દૂર-દૂર સુધી શિક્ષણ સાથે કોઈ નિસબત નથી, તો શાળાનો પાયો જ કાચો બનશે. આ માનસિકતા આજની શાળાની દશા માટે જવાબદાર છે.

ભારતમાં શિક્ષણ આજે પણ સેવાનું કાર્ય ગણવામાં આવે છે, તેને લીધે જ તો શાળા શરૂ કરવા માટે પબ્લિક ટ્રસ્ટ બનાવવામાં આવે છે, કંપની નહિ. તો પછી સંચાલકોની આર્થિક નફાખોરીની માનસિકતા કેમ સાંખી લેવાય? માતૃભાષાની શાળા માટે દાનમાં મેળવેલ જમીન પર અંગ્રેજી માધ્યમની શાળા ઊભી કરી ધંધાકીય દૃષ્ટિકોણ સાથે તેને ચલાવવી તે દાતા અને સમાજ સાથે ખુલ્લી છેતરપિંડી છે અને તેની સામે અવાજ ઉઠાવવો જ રહ્યો.

સંચાલકો જો પૂરતો સમય ન ફાળવી શકે તો પદ પર બેસેલા વ્યક્તિને સરમુખત્યારશાહી મળી જાય અને મને-કમને બીજાઓએ તેની પૂજા કરવી પડતી હોય છે. જે શાળાના ભવિષ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા સમાજની આગવી સંસ્થા મરણતોલ બને છે.

૩) આચાર્ય:- શાળા માટે આચાર્ય એન્જિનનું કામ કરે છે, તે જ શાળાને સાચી દિશામાં વેગ આપવાને બદલે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા પર વધુ ધ્યાન આપે છે. પદ પર બની રહેવા સમજદારી પૂર્વક જ્યારે આંખો બંધ કરે છે ત્યારે સ્વાર્થ જીતી જાય છે અને શાળા એમના પદભાર પર હોવા સુધી ટુકડે-ટુકડે મરતી જાય છે. બે કે પાંચ વર્ષ પછીનો વિચાર કરી, તે દિશામાં પગલાં ભરવાની જવાબદારીને બાજુએ મૂકી, પદના અહંકાર અને રાગ-દ્વેષથી ગ્રસિત થઈ અંદરો-અંદર રાજરમત રમવાને બદલે સાથ સહકારની ભાવના સાથે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સેતુ બનાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવતો હોય તે ખૂબ જ ઓછું જોવા મળે છે. નિવૃત્તિના દિવસો ગણવા કરતાં પોતાના કાર્યોની એવી છાપ ઊભી કરવી જોઈએ જેથી સાથી કર્મચારીઓમાં સહકાર્યની ભાવનાનું સિંચન થાય અને એકતા વધે.

પોતાના નિવૃત્ત થયા પછી પણ કોઈ એના સકારાત્મક કાર્યોને આગળ વધારે એવાને તૈયાર કરીને જાય જેથી માતૃભાષાની જ્યોતરૂપી શાળા અખંડ પ્રજ્વલિત રહે.

૪) શિક્ષક:- શિક્ષક વગર સભ્ય અને સમૃદ્ધ સમાજની કલ્પના કરવી અશક્ય છે. શિક્ષકની જવાબદારી અભ્યાસક્રમ સુધી સીમિત હોય શકે નહીં. બાળકોમાં સંસ્કારનું સિંચન કરી સ્વની ભાવનાથી આગળ વધી સમાજ માટે કંઈક કરવાની ભાવના ઉત્તપન્ન કરવાનું કામ શિક્ષકનું છે, પરંતુ શિક્ષકો જ જો વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાથી ગ્રસિત થઈ, ‘હું મારું કામ બરાબર કરું છું’ કહી નવું શીખવા જાણવાની ઉત્કંઠા ત્યજી દેશે તો બાળકમાં શાળા પ્રત્યેનું આકર્ષણ તેઓ ઊભું કરી શકશે નહીં. માત્ર અભ્યાસક્રમ પૂરો કરવાની હોડમાં શિક્ષકો પોતાના વિદ્યાર્થીને પૂરતો સમય આપતા નથી, જેથી વિદ્યાર્થીઓની પરિસ્થિતિથી તેઓ વાકેફ થઈ શકતા નથી.

વર્ગખંડની બહાર જઈ ભણાવવાના નવતર પ્રયોગ કરવામાં શિક્ષકો રસ લેતા નથી. પુસ્તકિયા જ્ઞાનને બાજુએ મૂકી વિદ્યાર્થીમાં રહેલી સર્જનાત્મકતાને ખીલવવાના પૂરતા પ્રયાસ શિક્ષકોએ કરવાની ખાસ જરૂર છે. નોકરીના ડરે એકાદી અપ્રિય ઘટનાને પ્રોટોકોલ અને નિયમોને નામે દબાવી દેનાર શિક્ષક બાળકને નિર્ભય કેવી રીતે બનાવશે? અંદરો-અંદર થતી દેખાદેખી, અહંકારની ભાવનાથી જો શિક્ષક જ ગ્રસિત હશે તો વિદ્યાર્થીઓને યોગ્ય કેળવણી મળવી મુશ્કેલ છે. નિવૃત્તિના દિવસો ગણનાર શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને નવું શીખવાનો આનંદ માણતા શીખવી શકે નહીં, જે વિદ્યાર્થીનું નુકસાન છે.

ખરા સૈનિક તો શિક્ષકો જ છે. જો તેઓ સૈનિકની જેમ એક ધ્યેય સાથે એકબીજા સાથે સામંજસ્ય કેળવી કાર્ય કરે તો સફળતા મળે જ છે એના ઘણાં ઉદાહરણો છે.

૫) પ્રસાર માધ્યમો:- પ્રસાર માધ્યમો લોકશાહીનો ચોથો સ્તંભ છે, પરંતુ તેઓ તે જવાબદારીમાં સંપૂર્ણ રીતે ખરાં ઉતર્યા છે કે નહીં તે અચૂક ચર્ચાનો વિષય છે. સત્તાને પ્રશ્નો પૂછી જમીની હકીકત સમાજ સુધી પહોંચાડી સાચો અને પૂર્વગ્રહરહિત દૃષ્ટિકોણ સમાજ સમક્ષ મૂકવાની જવાબદારીમાંથી તેઓ નિવૃત્તિ લઈ લીધી હોય તેમ લાગે છે. એકાદી ઘટના માટે કોઈક બલીનો બકરો શોધી તેના માથે માછલાં ધોવા પૂરતું કામ આ માધ્યમો કરી રહ્યા છે. પ્રસાર માધ્યમો ધારે તો ક્રાંતિ લાવી શકે છે, પરંતુ આર્થિક ફાયદાને જ એકમાત્ર મહત્ત્વ આપી ધંધાકીય હરીફાઈમાં માતૃભાષાની અવગણના તેમના દ્વારા સતત થતી આવી છે. ખબર બધા જ માધ્યમોમાં એકધારી અને એક સરખી આવતી હોય છે, પણ માતૃભાષા માટે થતા કાર્યની નોંધ લેતી વખતે એક ખબર બધા માધ્યમો સ્વીકારતા નથી. માતૃભાષામાં ચાલતા માધ્યમોને પોતાના ભવિષ્યની પણ ચિંતા સતાવતી નથી કે તેઓ બેફિકર થઈ સરકારી ગેરરીતિઓ અને સંસ્થાકીય નીતિઓ સામે આંખ મિચામણાં કરે છે! જો માતૃભાષાની શાળાઓ જ નહીં હોય તો આ માધ્યમોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે ખરું?

૬) વાલીઓ:- બાળકને માતૃભાષાની શાળામાં ન મૂકવાનું સૌથી મોટું કારણ વાલીઓ માટે બાળકને અંગ્રેજી ન આવડવાનો ભય છે, પરંતુ બાળકને ૧ થી ૧૦ ધોરણના વેકેશનમાં જો સારું અંગ્રેજી શીખવવામાં આવે તો તેનો પાયો પાક્કો થશે તે વાત વાલીઓ સમજતા નથી. વાલીઓ માતૃભાષાની શાળાઓ જીવંત છે અને તેમાં આધુનિકીકરણ અને નવીનીકરણ થઈ રહ્યું છે તે વાતથી અજાણ છે. આજે નાનામાં નાની શાળા પણ સ્પોર્ટ્સ ડે, વાર્ષિક મહોત્સવ અને બીજા બધા જ તહેવારો ઊજવે છે. વાલીઓને એક સામાન્ય ભ્રમ છે કે વધારે પૈસા આપવાથી જ સારું ભણતર મળે છે અને તેમાં તેઓ વૈજ્ઞાનિક દૃષ્ટિએ માતૃભાષાના મહત્ત્વને વાચા આપતા નથી. દેખાદેખી અને આગળ વધવાની આંધળી દોટમાં બાળકોને પોતાનું બચપણ માણવાનો આનંદ મળતો નથી.

પોતે જીવનમાં સફળ ન થયા એનો દોષનો ટોપલો માતૃભાષામાં ભણ્યાં એના પર નાખવાને બદલે પોતાનામાં જ કંઈ ખામી રહી ગઈ એ નથી વિચારતાં. કારણ કે તેમની સાથે ભણનારામાંથી ઘણાં સફળતાના શિખરે પહોંચ્યાં જ હશે તો પોતે કેમ નહિ, એ વિચારવું રહ્યું.

વિશ્વભાષાથી માતૃભાષા તરફનું પ્રયાણ

વિશ્વ માતૃભાષા દિવસથી વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ – ૨૪ ઓગસ્ટ ૨૦૨૧) દરમિયાન મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા એક નવા ઉપક્રમની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈ ગુજરાતી સંગઠન આ સમય દરમિયાન માતૃભાષાની શાળાઓના સંચાલકો, આચાર્ય, શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મળી, શાળાના ઉત્કર્ષ અને તેના માટે જરૂરી ભાવિ પગલાંની વિગતવાર ચર્ચા કરી તે દિશામાં કદમતાલ કરવા તૈયાર છે. શું આપ પણ ખરા દિલથી તૈયાર છો તમારી શાળાને ફરી જીવંત કરી ધમધમતી કરવા?

તો ચાલો આપણે સૌ સાથે મળી ફરી આપણી માતૃભાષાની શાળાઓને ધમધમતી કરીએ. વિશ્વ ભાષાથી માતૃભાષા તરફ પ્રયાણ કરીએ.

X
X
X