૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

ડો. રઈશ મણીયાર આપણા જાણીતા મનોચિકિત્સક ને કવિ છે. બાળમાનસશાસ્ત્રના એ વિશેષજ્ઞ છે. સાહિત્ય-સંસ્કૃતિની જવાબદારીભરી સમજ અને વૈજ્ઞાનિક દૃષ્ટિનો દુર્લભ સમન્વય આ કવિમાં જોવા મળે છે. રઈશભાઈ મક્કમપણે માને છે કે બાળકને પ્રાથમિક શિક્ષણ તો એની માતૃભાષામાં જ મળવું જોઈએ ને એમ ન થવાને લીધે બાળકોના મનમાં માનસિક તેમ જ સાંસ્કૃતિક દુવિધાઓ જન્મે છે. સાંસ્કૃતિક દુવિધા? એ વળી શું?

આવો, એ રઈશભાઈ પાસેથી જાણીએ-સમજીએ.

એમની વાતોનો ટૂંકસાર: બાળક માતાપિતા પાસેથી જે ભાષા-શબ્દો સાંભળે એ ભાષા-શબ્દોમાં કંઈ પણ સહેલાઈથી શીખી શકે છે. આવ્યો, ગયો, ચાલ, બેસ, ઊઠ વગેરે જેવા અનેક શબ્દોના અર્થ એની ક્રિયા-પ્રક્રિયાઓ સાથે બાળકે અજાણપણે જ સમજેલા હોય છે. આને લીધે એના વિચારોની પ્રક્રિયા પણ એ ભાષામાં ઘડાયેલી હોય છે. આ ભાષા એને સહજપણે સમજાતી હોય છે. આ સમાજની-પરિસરની સમજણ, પોતાની ઓળખ, એની આસપાસની દુનિયા શું છે? વગેરે જેવી બધી પ્રાથમિક સમજણો-ઓળખાણો એને પોતાની ભાષામાં મળેલી હોય છે.

હવે, બાળક અંગ્રેજી કે અન્ય માધ્યમમાં ભણે છે તો શું થાય છે?

પહેલાં તો એણે જે ભાષાની પ્રાથમિક સમજણ કેળવેલી છે એ ભાષા તદ્દન નકામી થઈ જાય છે. હવે બાળકે જે કંઈ નવું ભણવાનું છે અને એ માટે માધ્યમ તરીકે વપરાતી ભાષા પણ નવી છે. એટલે એક સાથે બે મજૂરી. નવી બાબતો સમજવા સાથે નવી ભાષાની રચના સમજવામાં પણ મગજ કામે લગાડવાનું. બાળક એક સાથે એ બંને બાબત કરી શકે?

 

રઈશ મણીયાર જણાવે છે કે બાળક અંગ્રેજીમાં ભણતું હોય એટલે તેનું અંગ્રેજી જ્ઞાન પૂરેપૂરું પુસ્તકિયું થઈ જાય છે ને સવાલોના જવાબ પણ અંગ્રેજી ભાષામાં લખવાના હોવાથી ગોખણપટ્ટીનો જ એક માર્ગ વધે છે. જે આવડતું હોય-સમજાયું હોય એ પણ નવી ભાષામાં અભિવ્યક્ત કરી શકવાની અસમર્થતાના ડરને લીધે બાળક નથી કરી શકતું. એ બાળકે નવેસરથી તદ્‌ન જુદું જ વ્યાકરણ સમજવું-શીખવું પડે છે ને ન સમજાય તો ગોખવું પડે છે, જ્યારે માતૃભાષાનું વ્યાકરણ એને કદી શીખવું નથી પડતું કે વ્યાકરણનો વિચાર કરીને બોલવું નથી પડતુંકે. ત્રણ-ચાર વર્ષની છોકરી એમ નહીં જ બોલે કે હું પડી ગયો કે એ જ ઉંમરનો છોકરો એમ નહીં બોલે કે હું જમીને આવી… એ સાચું વ્યાકરણ જ બોલશે. અન્ય ભાષામાં બાળક માટે રજૂઆત અઘરી બની જાય છે. એના મગજ પર ભણતર હાવી થઈ જાય છે. એને નિબંધના વિષયની ખબર હોય પણ લખતા ન ફાવે. પ્રિય મિત્ર કે મારી માતા વિશે બાળક પાસે હજારો વાતો હશે. જો એની માતૃભાષામાં લખવાનું આવે તો એ કોઈ અડચણ વગર લખી શકશે, પણ એ જ નિબંધ બીજી ભાષા જેનું વ્યાકરણ, વાક્યરચનાથી જ બાળક બરાબર પરિચિત નથી એમાં કઈ રીતે લખશે? માટે એના વિચારો પણ મર્યાદિત થઈ જાય છે. અભિવ્યક્તિની ભાષા બીજી હોવાથી એના વિચારોને પણ મોકળું આકાશ નથી મળતું ને એના ઉત્સાહી વિચારોની હાલત પાણી વગરના છોડવા જેવી થઈ જાય છે.

 

ત્રણ-ચાર વર્ષના કુમળા બાળકને આવી માનસિક પળોજણમાં ધકેલી દેવું એ બાળમજૂરી કરતાંય ખરાબ અપરાધ નથી લાગતો? એ બાળક પર અત્યાચાર થતો હોય એમ નથી લાગતું?

 

પેલી સાંસ્કૃતિક દુવિધાની વાતને સમજતા પહેલાં આજના વાતાવરણ પર નજર નાખીએ ને પ્રખ્યાત ભાષાશાસ્ત્રી ડો. ઊર્મિબહેન દેસાઈ આ વિશે શું કહે છે એ જાણીએ. કોઈ પણ સંજોગોમાં બાળકને એનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવાની અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ભાષાશિક્ષણ આપવાની વાત ઊર્મિબહેન કરે છે.

 

એક ભાષાશાસ્ત્રી તરીકે એ દ્રઢપણે માને છે કે બાળકોને અપાતું પ્રાથમિક શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ હોવું જોઈએ. માતૃભાષા શીખ્યા પછી બીજી કોઈ પણ ભાષા (પરદેશની અંગ્રેજી જેવી ભાષાઓ પણ) જો ભાષાશિક્ષણના નિયમ મુજબ શીખવવામાં આવે તો બાળક એ ભાષા પર પ્રભુત્ત્વ મેળવી, તેને યોગ્ય રીતે અને કડકડાટ બોલી શકે.

 

કોઈ નવી ભાષા શીખવવાની હોય ત્યારે ભાષાશિક્ષણની સૌથી અદ્યતન અને કાર્યક્ષમ એવી પ્રત્યક્ષ પદ્ધતિ પ્રમાણે ભાષા શીખવવી એટલે બાળક સાથે એ ભાષાના વર્ગમાં એ જ ભાષાનો ઉપયોગ કરવો; માતૃભાષાનો પણ નહીં. અભિનય સાથે નાનાં નાનાં વાક્યોથી શરૂઆત કરવાથી ધીમે ધીમે બાળકોનાં મનમાં એ ભાષાનું બંધારણ બંધાતું જાય. બાળકોની યાદશક્તિમાં સચવાયેલા શબ્દોને જુદા જુદા વિષય પ્રમાણે વર્ગીકૃત કરી બોલાવવાથી અને પછી એ વિષયને આધારે જ નવા શબ્દો શીખવવાથી બાળકોનું શબ્દભંડોળ પણ વધારી શકાય. આમ, શરૂઆતના બે-ત્રણ મહિના સુધી બાળકોને માત્ર સાંભળવા સમજવા બોલવાની તાલિમ આપવી જોઈએ અને પછી લેખનની તાલિમ આપી શકાય.

 

બાળમાનસ ને શિક્ષણ ક્ષેત્રે પાયાનું કામ કરનારું વધુ એક ઊજળું નામ છે મધુરીબહેન મુનીમ. ભાષાશિક્ષણ ને શિક્ષણનું માધ્યમ માતૃભાષા વિશેના ચિંતન-ચર્ચામાં એ પણ આપણી વહારે આવે છે.  વિલેપાર્લેની નાણાવટી સ્કુલનાં ડાયરેક્ટર મધુરીબહેન મુનીમ બાળમાનસના અચ્છા જાણકાર છે. કોઈ પણ ભાષાના શિક્ષણની તાલિમ રમતરમતમાં થવી જોઈએ એવું તેમનું મંતવ્ય છે.

 

ભાષાશિક્ષણ માટે તેઓ નૈસર્ગિક રીતે શીખતી ભાષાના કૌશલ્યના પ્રમાણે તબક્કાવાર શિક્ષણ આપવાની હિમાયત કરે છે. ભાષાશિક્ષણની શરૂઆતની તાલિમ વખતે લખવાનું નામોનિશાન પણ ન હોવું જોઈએ. આ માટે તેઓ સાદાં સરળ ટીચિંગ એઈડ્સ અને એ દ્વારા રમાડી શકાય એવી કેટલીય રમતોનાં ઉદાહરણ આપે છે. જે ભાષા શીખવવી હોય એ ભાષામાં વાતચીત કરીને પહેલાં તો શિક્ષક બાળકને એ ભાષાની સાથે જોડે એ જરૂરી છે. જયારે એ ભાષાના શબ્દો બાળક સાંભળતું અને બોલતું થઈ જાય પછી બાળકને લખેલા શબ્દો ઓળખતા અને ધીમે ધીમે નાનાં શબ્દો તથા વાકયો વાંચતાં શીખવાય છે. ત્યાર બાદ મુદ્રિત રેખા-વળાંકો દેખાડી એ ભાષાના અક્ષરો લખતાં શીખવવામાં આવે છે. આ બધા તબક્કા પછીનું છેલ્લું કૌશલ્ય છે, લેખન.

 

જો બાળક શ્રવણ-કથન-વાંચનના કૌશલ્યમાં નિપુણ થઈ જાય તો પછી તેને લેખનમાં મુશ્કેલી ન પડે; ઊલટાનું બાળક તે સહેલાઈથી અને ઝડપથી શીખી શકે. માતૃભાષા કે અન્ય ભાષામાં પણ લખવાની તાલિમ સરખા વળાંકવાળા અક્ષરો કે અંક દ્વારા કરાવવી બાળકો માટે વધારે સરળ રહે છે.

 

હવે અન્યભાષામાં ભણતા વિદ્યાર્થીઓએ જેનો સામનો કરવો પડે છે એ સાંસ્કૃતિક દુવિધાની વાત પર પાછા ફરીએ.

 

રઈશભાઈ વિગતે સમજાવે છે કે બાળક દસ વર્ષનું થાય ત્યાં સુધી ક્યાં એને ટેક્નોલોજી કે સાયન્સ કે કમ્પ્યુટરમાં એક્સપર્ટ થઈ જવાની જરૂર છે? ત્યાં સુધી એને પ્રાથમિક શિક્ષણ, મૂળભૂત સમજણો, શિક્ષણની મૂળભૂત બાબતો, વિજ્ઞાન-ગણિતના પાયાના સિદ્ધાંતો, એ બધું જ માતૃભાષામાં શીખવો અને એને સમજી પોતાના વિચારો ખિલવવા દ્યો. વિજ્ઞાન-તકનીક કે કમ્પ્યુટર ટેક્નોલોજી જેવા બધા વિષયોના પાયામાં રહેલું મૂળ જ્ઞાન માતૃભાષામાં મળેલું હશે તો જ એ બાળક સ્પષ્ટ દૃષ્ટિકોણથી વિષયો શીખી શકશે ને મુંઝાશે નહીં. સાથે અંગ્રેજીની તો ક્યાં ના જ છે. આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે એનું મહત્વ સ્વીકારીએ જ છીએ, પણ એને ત્રણ-ચાર વર્ષના બાળક પર લાદી મારવાનો અર્થ નથી. એકવાર બાળકનો માતૃભાષાનો પાયો મજબૂત કરી, માધ્યમિક શિક્ષણની મુખ્ય ધારામાં જોડાય ત્યાંથી એને અંગ્રેજીનું યોગ્ય શિક્ષણ અપાવવાની શરૂઆત થવી જોઈએ. એ પહેલાં નાની ઉંમરે અંગ્રેજીનું એકદમ પ્રાથમિક શિક્ષણ અપાય તો વાંધો નહીં, પણ એમાં લાંબાલચક વાક્યો કે વ્યાકરણની માથાકૂટ ન હોવી જોઈએ.

 

આમાં સાંસ્કૃતિક દુવિધા શું થઈ? ઓહો, પાછી સાંસ્કૃતિક દુવિધાની વાત તો રહી જ ગઈ… ચાલો, અંતે તો અંતે એ વાતનો તંતુ રઈશભાઈ સાધે છે.

 

સંસ્કૃતિ ને ભાષા વચ્ચે રહેલા અતૂટ સંબંધની વાત કરીને રઈશ મણીયાર કહે છે કે સંસ્કૃતિથી ભાષા કે ભાષાથી સંસ્કૃતિને જુદી નથી પાડી શકાતી. દરેક ભાષા એના ભૌગોલિક વિસ્તાર-સંસ્કૃતિ પ્રમાણે વિકસે છે ને એનું સાહિત્ય પણ એ પ્રમાણેનું હોય છે. આપણી પાસે આપણાં બાળગીતો, વાર્તાઓ, પંચતંત્રની વાતો જેવું બધું જ છે તો પછી આપણે આપણા નાના બાળકને શું કામ જેક એન્ડ જિલ કલ્ચર શીખવવું જોઈએ? સાથે એ મુદ્દો પણ નોંધી લેવો કે આ શિક્ષણ જીવનમાં એક જ વાર ને હંમેશા માટે અપાતું હોય છે. આ શિક્ષણ એની છાપ આજીવન છોડી જાય છે. એને પછી કદી બદલી શકાતું નથી. બાબા બ્લેકશીપ આપણે ત્યાં જોવા નથી મળતી, માટે જ આપણાં ગીતો-વાર્તામાં કાગડા, પોપટ ને ગાય આવે છે-જે આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. આપણી વાર્તાઓમાં દાદાદાદી-નાનાનાની-મામામામી-કાકાકાકી જેવા કેટલાય સંબંધો આવે છે જે આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે એ વિદેશી ભાષાની વાર્તા ભણતી વખતે નથી આવવાનું. જ્યારે વિદેશી ભાષાની વાર્તા-ગીતોમાં જે આવશે એ આપણે ત્યાં પ્રસ્તુત નથી. એ સંસ્કૃતિ આપણાથી જોજનો દૂર છે ને બાળક અહીં એની સાથે કેવી રીતે જોડાઈ શકે? આ બધાને લીધે બાળક એની જીવાતી જિંદગી અને અપાતા શિક્ષણ વચ્ચે બહુ મોટી ભેદરેખા જુએ છે એને લીધે એ બેમાંથી ક્યાંય જોડાઈ નથી શકતો. આપણી વાર્તાઓનું-ગીતોનું પરિસર-કુટુંબ બાળક માટે જાણીતું હોય છે અને એની સાથે એ જોડાઈ શકે છે. ભાષા-સંસ્કૃતિથી બાળકની આખી દુનિયા બદલાઈ જાય છે. આ રીતે અન્ય ભાષામાં ભણવાથી એને સાંસ્કૃતિક દુવિધા પણ અનુભવાય છે.

 

શરૂઆતના વર્ષોમાં તો એના વિચારો, એના શિક્ષણ, એની બોલચાલ અને એની અભિવ્યક્તિની ભાષા એક જ હોય એ હિતાવહ છે. પછી ભલે સાતમા-આઠમાનું તકનીકી, વૈજ્ઞાનિક ને ગાણિતિક શિક્ષણ એને અંગ્રેજીમાં અપાય. જોકે એ પહેલાંનાં વર્ષોમાં આ બધા વિષયોની પ્રાથમિક સમજણ માતૃભાષામાં સ્પષ્ટ અપાયેલી હોય એ જરૂરી છે.

 

ડો. રઈશ છેલ્લે બહુ સચોટ ટકોર કરતા જાય છે કે આપણે સૌએ એક વાત બહુ સ્પષ્ટ સમજી લેવાની છે કે ગુજરાતી માધ્યમમાં બાળકને ભણવા મૂકો છો એનો અર્થ એ નથી કે બાળકને અંગ્રેજી નથી શીખવતા, પણ એનો અર્થ એ છે કે બાળકને અંગ્રેજી સહિત બધું જ સારામાં સારી રીતે અને યોગ્ય સમયે શીખવવા મૂકીએ છીએ.

વળી, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોય તો બાળકને આગળના જીવનમાં ઉપયોગી જે તે ભાષા તે સહેલાઈથી શીખી શકે છે અને તેની સર્જનશક્તિનો મહત્તમ વિકાસ પણ થઈ શકે છે.

X
X
X