૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

આજના સમયમાં અંગ્રેજી સાથે અંગ્રેજી માધ્યમનો પ્રચાર પણ ખૂબ વધી ગયો છે, ખાસ કરીને શહેરોમાં! એમાંય દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં તો અંગ્રેજી માધ્યમની શાળાઓ એટલી બધી વધી ગઈ છે કે વિદ્યાર્થીઓતથા શિક્ષણ અને ઈતર પ્રવૃત્તિઓથી ધમધમતી ગુજરાતી શાળાઓ, હજુ પણ મુંબઈમાં છે, એની મોટા ભાગના લોકોને જાણ પણ નહિ હોય! આજની તારીખે, હજુ પણ ગુજરાતી માધ્યમની ૫૨ (બાવન) જેટલી અનુદાનિત અને કેટલીક ખાનગી શાળાઓ છે અને ૯૨બુહદ્ મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓ છે.ચાલો, મુંબઈના કયા કયા વિસ્તારમાં કેટલી અને કઈ કઈ ગુજરાતી માધ્યમની શાળાઓ આવેલી છે, તે વિશે જાણીએ..

લેખ :

તળ મુંબઈમાં મુંબઈના પ્રવેશદ્વાર ગણાતા દહીંસરથી જોઈએ તો દહીંસર પૂર્વમાં જ પાંચ પાંચ ગુજરાતી શાળાઓની સંખ્યા સાથે આપણને નવાઈ પમાડે એવી શરૂઆત થાય. એમાંથી (૧) શેઠ ‍જી.કે. શાળાના આચાર્ય અને શિક્ષકોની સુંદર કામગીરી દ્વારા શાળાના બાલમંદિર તથા પ્રાથમિક ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, જે આપણને આનંદાશ્ચર્યમાં મૂકી દે એવી ખબર છે. એ સિવાય, (૨) સરદાર વલ્લભભાઈ પટેલ શાળા, (૩)શ્રી એન. બી. ભરવાડ શાળા,(૪) ડી. એચ. મિશ્રા ગુજરાતી શાળા, (૫) માતૃછાયા ગુજરાતી શાળા જેવી શાળાઓ પણ છે.

હવે, થોડા આગળ વધીને, બોરીવલી પૂર્વમાં પ્રવેશ કરીએ તો (૧)ગોપાલજી હેમરાજ શાળા જેવી શાળા આજે પણ પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે.એ સિવાય પૂર્વમાં (૨) એમ. એમ. પટેલ (જયાબહેન ખોત) શાળાઅને (૩) ભારત જાતીય વિદ્યામંદિર તથા બોરીવલી પશ્ચિમમાં માતોશ્રી (૪) વી. વી. ગાલા અને (૫) જે. બી. ખોત જેવી શાળાઓ છે.

મુંબઈનું ગોકુળિયું ગામ કહેવાતા કાંદિવલી પશ્ચિમમાં સૌથી અદ્યતન સુવિધાઓ સાથેની, આજે પણ ધમધમતી ગુજરાતી શાળા છે,(૧)સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય! એ સિવાય, (૨) શેઠ સી.વી. દાણી વિદ્યાલય, (૩) બાલભારતી શાળા પણ જાણીતાં નામ છે. બાય-મિડિયા માટે સૌથી પ્રખ્યાત એવી (૪) એમ. કે. એન. ભાટિયા જેવી ખાનગી શાળાઓ પણ આ પરામાં આવેલી છે.

હવે, વાત મલાડની, જ્યાં પશ્ચિમમાં શેઠ (૧) એન. એલ. શાળા, પ્રખ્યાત(૨)જે. પી. શ્રોફ નૂતન વિદ્યાલય અને પૂર્વમાં (૩)નવજીવન, (૪)વેલાણી,(૫)ધનજીવાડી અને સમયની સાથે કદમ મિલાવીને ચાલતી (૬) જે. ડી. ટી. હાઈસ્કુલ જેવી શાળાઓ છે.

આમ, ગુજરાતીની બહોળી વસ્તી ધરાવતાં માત્ર આ ચાર ગુજરાતી પરાં મળીને જ ૨૦ જેટલી ગુજરાતી શાળાઓ માતૃભાષા શિક્ષણના આ મહાયજ્ઞમાં પોતાનો ધરખમ ફાળો આપી રહી છે અને પ્રગતિના સોપાનો સર કરી રહી છે.

ગોરેગાંવમાં (૧) ઊર્મિસર્જન,(૨) સંસ્કારધામ, (૩) પી. ઝેડ. પટેલ વિદ્યાલય જેવી ત્રણ શાળાઓ અને જોગેશ્વરી પૂર્વમાં (૧) સૂરજબા જેવી શાળા પણ ઘણી જ અગ્રેસર છે.

વિલે પાર્લાપશ્ચિમના શ્રીમંત વિસ્તારમાં પણ (૧) શ્રી મણિલાલ વાડીલાલ નાણાવટી (ગોકળીબાઈ), (૨) માતોશ્રી કાનબાઈ લાલબાઈ જેવી નોંધપાત્ર શાળાઓ છે, જે આજે પણ પાયાકીય સુવિધા અને આધુનિકતાનો સમન્વય કરીને ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી રહી છે.

સાંતાક્રુઝ પશ્ચિમમાં શેઠ (૧) સી. એન. હાઈસ્કુલ છે અને ખારની (૧) એમ. એમ. પ્યુપિલ્સ હાઈ સ્કુલ ગુજરાતીનો ડંકો વગાડતી અડીખમ ઊભી જ નથી, પણ પ્રગતિ પણ સાધી રહી છે.

હવે વાત કરીએ મુખ્ય મુંબઈની જ્યાં ચર્નીરૉડમાં (૧) સંસ્કાર પ્રાથમિક શાળા,(૨) અશોકા હાઈસ્કુલ જેવી શાળાઓ છે.તાડદેવની (૧) બી. પી. કે. સહકારી શાળા, જ્યાંથી સુજાતા મહેતા અને દિલીપ રાવલ જેવા કલાકારોએ શિક્ષણ પ્રાપ્ત કરી, પોતાનું અને શાળાનું નામ રોશન કર્યું છે. મઝગાંવમાં (૧) શ્રી આર્યસોપવિદ્યામંદિર, ચીંચપોકલીમાં (૧) મમ્માબાઈશાળા, (૨) માતોશ્રી કુંવરબાઈ વેલજી વિદ્યામંદિર જેવી શાળાઓ આવેલી છે.

સાયન-માટુંગા જેવા વિસ્તારમાં પણ (૧)એમ. પી. ભુતા સાર્વજનિક શાળા, (૨)અમુલખ અમીચંદ જેવી ખ્યાતનામ શાળા અને (૩)શિવાજી પાર્ક લાયન્સ પ્રાથમિક શાળા આજે પણ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપી રહી છે.

કુર્લા જેવા વિસ્તારમાં(૧) શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલયસ્ટેશનની નજીકમાં જ આવેલી છે, જેમાં ધારાવી, કુર્લા-સર્કલ જેવા વિસ્તારમાંથી બાળકો આવે છે.

હવે વાત કરીએ સેન્ટ્રલ સાઈડની. મીની કચ્છ તરીકે જાણીતા ઘાટકોપર તથા મુલુંડમાં કચ્છીઓની વસ્તી ઘણી વધારે છે. અહીં ઘાટકોપરમાં છ અને મુલુંડમાં ત્રણ મળીને નવ શાળાઓ તો આ બે પરામાં જ છે. ઘાટકોપરમાં (૧) કે. વી. કે. સાર્વજનિક શાળા, (૨) પી. વી. ગુરુકુળ ગુજરાતી શાળા, (૩) શેઠ ધનજી દેવજી રાષ્ટ્રીય શાળા, સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી (૪) રામજી આસર શાળા, જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ તેના સંચાલન મંડળમાં છે, ૧૧૦૦ થી વધારે કન્યાઓ જે શાળામાં ભણી રહી છે તેવી (૫) મુંબાદેવી મંદિર શાળા, (૬) સોમૈયા ગ્રુપની શ્રી એસ. કે. સોમૈયા શાળા જેવી શાળાઓ અહીં માતૃભાષાનું સુકાન સંભાળીને આગળ વધી રહી છે. એક જ પરામાં છ-છ શાળાઓ હોવાં છતાં આ બધી જ શાળાઓ સુંદર રીતે કાર્યરત છે. સાથોસાથ, મુલુંડની (૧) શ્રી લુહાણા કન્યાશાળા, (૨) નવભારત નૂતન વિદ્યાલય અને (૩) શેઠ મોતીપચાણ રાષ્ટ્રીય શાળા જેવી ત્રણ શાળાઓ મુલુંડને ગજવે છે. અહીં, ગુજરાતી વિચાર મંચ દ્વારા અપાયેલી વાહનવ્યવહારની સહાયથી મુંબ્રા જેવા દૂરના વિસ્તારમાંથી પણ બાળકો ભણવા આવે છે. આવી વાહનોની વ્યવસ્થા જો બધાં પરામાં કરવામાં આવે તો ઘણાં વિદ્યાર્થીઓને એનો લાભ મળે અનેશાળામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં  ઘણો વધારો થઈ શકે. આમથાય તો અત્યારે ચાલી રહેલી ગુજરાતી શાળાઓની કાયાપલટ જ થઈ જાય!

આ બધા ઉપરાંત, કલ્યાણની  (૧) રા. સા. ગો. ક. રા. શાળા, (૨) એમ. જે. કન્યાશાળા, ડોમ્બીવલીની (૧) કે. બી. વીરા શાળા પણ વર્ષોથી આગળપડતી ગુજરાતી શાળાઓમાં સ્થાન પામે છે. આ ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ મુંબઈની શાળાઓની કોઈપણ પ્રતિયોગિતામાં પોતાની વિજયપતાકા ફેરવી જાય છે; પછી એ પ્રગતિ મિત્ર મંડળની નિબંધલેખન, કવિતાપઠન કે વકતૃત્વની સ્પર્ધા હોય કે મુંબઈ ગુજરાતીની બૅનર પ્રતિયોગિતા હોય! આ ત્રણે શાળાઓ દૂર હોવા છતાં જાણે મુંબઈમાં જ હોય એ રીતે સમાઈ ગઈ છે અને બધાં ક્ષેત્રમાં અગ્રેસર છે. આ માટે, શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષકો અને વાલીઓ ધન્યવાદને પાત્ર છે, જેઓ સમય, ખર્ચ કે અગવડતાની પરવા કર્યા વગર વિદ્યાર્થીઓને બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે અને તેમના વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા પ્રાપ્તપણ કરી બતાવે છે.

એવી જ રીતે, દહીંસરથી આગળ જઈએ તો ભાઈંદરમાં (૧) સરસ્વતી વિદ્યામંદિરઅને(૨)જે. એચ. પોદાર શાળા, નાલાસોપારામાં (૧) કંચન હાઈસ્કુલ અને (૨) આદર્શ ઍડ્યુકેશન સૉસાયટીની શાળા તથા વસઈમાં શાહ (૧) એમ. કે. હાઈસ્કુલ ૧૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે ધમધમે છે. વિરારમાં પણ (૧) એમ. એમ. દુગ્ગડ તથા અન્ય ગુજરાતી શાળાઓ સુંદર રીતે કાર્ય કરી રહી છે.

આ દરેકેદરેક પરામાં મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓ તો ચાલુ જ છે. માટે એ માન્યતા અહીં ખોટી પૂરવાર થાય છે કે મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળાઓ હવે છે જ ક્યાં? ફક્ત આપણે ધ્યાનથી નજર માંડીએ તો દેખાય કે આપણી નજીકમાં કોઈને કોઈ ગુજરાતી શાળા તો છે જ.

જો બધાં ગુજરાતીઓ ‘મારી માતૃભાષા, મારી જવાબદારી’ સૂત્રને અપનાવીને આપણી શાળાઓના પ્રસાર-પ્રચાર-ઉન્નતિ માટે કાર્ય કરે, તો એ દિવસ દૂર નથી કે આપણે ગર્વથી કહી શકીએ કે આજે પણ ગુજરાતી માધ્યમની ઘણી સારી શાળાઓ છે.

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનો વર્ષો પછી પાછાં ભેગાં મળે છે અને ખુશી ખુશી છાપામાં અહેવાલો મૂકે છે તેઓને પણ એક આહ્‌વાન છે કે જે શાળાને કારણે તમે બધાં ભેગાં થયાં છો અને જીવનમાં પ્રગતિના પંથે આગળ વધ્યાં છો, તે શાળાને જ શા માટે પાછળ મૂકી દો છો?ચાલુ શાળાએ, શાળાની મુલાકાત લઈને તે શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે અને ત્યાંના બાળકોની જરૂરિયાત વિશે જાણો અનેશાળાને તન-મન-ધનથી તમારી સેવા આપો! આજે જે ગુજરાતી માધ્યમની શાળાઓ ચાલી રહી છે તે ખરેખર સમાજમાં જાગૃતિ ફેલાવી, દેશસેવા અનેસમાજસેવાનું કાર્ય પણ કરી રહી છે. માત્ર પુસ્તકિયું કે ગોખણપટ્ટિયું જ્ઞાન નહિ, પણ જીવન જીવવાનાં સાચાં મૂલ્યો આ શાળાઓ ભવિષ્યની પેઢીને આપી રહી છે. આવી શાળાઓ, જેના મજબૂત પાયા ઉપર આપણે આપણી પ્રગતિની ઊંચી ઈમારત ચણી શક્યા છીએ, તે શાળાના ઋણસ્વીકાર તરીકે દરેક વિદ્યાર્થી આટલું તો કરી જ શકે!

જો આ કટિબદ્ધતા, ગુજરાતી માધ્યમમાં ભણેલાં દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં આવે તો ગુજરાતી માધ્યમની એક પણ શાળા, સમયની સાથે દોડવામાં પાછળ રહી જાય તેવી નથી. જેમ વૃંદાવનના દરેક ગોવાળિયાઓએ પોતાની લાકડીનો ટેકો આપીને, આખા ગોવર્ધન પર્વતને ઊંચકી લીધો હતો તેમ દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થી, પોતાના ‘માતૃભાષાની શાળા’રૂપી ગોવર્ધનને ઊંચકવામાં સહાયભૂત બનીને, તેને પ્રગતિના પંથે આગળ વધારશે, તેવી આશા છે.

હવે તો એમ કહેવાનું બંધ કરજો કે ગુજરાતી માધ્યમની શાળાઓ છે જ ક્યાં??! અને પોતાની જાતને છેતરવાનું બંધ કરજો એવી પ્રાર્થના!!

-અસ્તુ.

X
X
X