૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

બોરિવલી-કાંદિવલી-મલાડના ખીચોખીચ વિસ્તારો ગુજરાતીઓના ગઢ ગણાય છે ને માટે જ ત્યાં વર્ષોથી અડીખમ રહેલી કેટલીક ગુજરાતી શાળાઓની રોનક જ જુદી છે. એમાંની એક શાળા એટલે મલાડની જયોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલ. જે.ડી.ટી. હાઈસ્કૂલ.

આવો પહેલા આ શાળા જે સંસ્થાએ સ્થાપી એના રસપ્રદ ઈતિહાસ પર નજર નાખીએ.

આજથી ૫૦ વર્ષ પહેલાં મુંબઈના આ પશ્વિમના પરામાં મોટે ભાગે આર્થિક રીતે નબળા લોકોની વસ્તી હતી. શિક્ષણ સંસ્થાઓ ખૂબ જ ઓછી તેમાં પણ કુરાર જેવા ગામમાં પાકા રસ્તા, લાઇટ અને પાણી વગેરે સુવિધા પણ નહોતી અને હાઈવે ઓળંગીને બાળકોને ભણવા જવું પડતું. તે માટે માબાપની માનસિક તૈયારી નહોતી. મધ્યમવર્ગના શિક્ષણથી વંચિત બાળકોની કેળવણી માટે કુરારમાં જ ઘર આંગણે શિક્ષણ મળે એવી સગવડ કરવી જોઈએ અવો વિચાર સ્વ શ્રી ધીરજલાલ તલકચંદ શાહને સતત આવતો. આવા કુરારના ડુંગરાળ અને પછાત વિસ્તારમાં મહાનગરપાલિકાની શાળા પણ નહોતી. જયાં સારા અને સેવાભાવી વિચારો હોય ત્યાં ઈશ્વર પણ સાથ આપે છે.

સ્વ. શ્રી ધીરુભાઇને તે માટે તેમના જેવા સમાજસેવી  મિત્રો પણ મળી ગયા. શ્રી શરદભાઈ પટેલ, શ્રી અમૃતલાલ યાજ્ઞિક, તેમના ભાઇ સ્વ. શ્રી નટુભાઇ શાહ, સ્વ.શ્રી પ્રાણલાલ મજલાની , સ્વ.શ્રી ધીરજલાલ વોરા, સ્વ. શ્રી મનુભાઇ તથા સ્વ. શ્રી કાંતિભાઇ માથુકિયા વગેરે મિત્રોએ મળીને સંસ્કાર સર્જન એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી.

ઈ.સ. ૧૯૬૪માં એક ઝૂંપડા જેવી ઓરડીમાં ફકત એક જ શિક્ષક અને ૨૮ વિદ્યાર્થીઓ દ્વારા શાળાની શરૂઆત થઈ. એક ઓરડો એક ધોરણ, બીજાવર્ષે બે ઓરડા બે ધોરણ, બે શિક્ષકો. આમ શિક્ષણની માગને અને શાળાની માગ સંસ્થાના હોદ્દેદારોની જાણે પરીક્ષા કરી રહ્યા હતા. વધતી સંખ્યાને પહોંચી વળવા સંસ્થાને શાળા માટે એક મકાનની જરૂરિયાત હોવાથી ધીરુભાઇએ પોતાના કારખાનાની ૮૦૦૦ ચોરસવાર જમીન શાળા માટે દાનમાં આપી. આ જમીન પર ૨૩ ઓરડા, મોટી પ્રયોગશાળા, વિશાળ સભાગૃહનું બાંધકામ થયું. પૂરીબાઇ સિદ્દિક કલાણિયા બાલમંદિર શરૂ થયું. શાળાને ધીરુભાઇનાં પત્નીનું નામ અપાયું, જયોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલ.

સ્વ. શ્રી ધીરુભાઈને ફક્ત શાળાથી સંતોષ ન હતો. તેમને તો કુરારનાં બાળકો માટે કે.જી.થી કોલેજ સુધીની સગવડ કરવી હતી. આમાટે શાળાની બાજુમાં રહેલા પ્લોટ પર કોલેજ બાંધવાનું નકકી કર્યું અને ઇ.સ. ૧૯૮૪માં પાનાચંદ ડુંગરશી તુરખીયા જુનિયર કોલેજ ઓફ કોમર્સ અને સાયન્સ તેમ જ ઇ.સ. ૧૯૮૬માં ધીરજલાલ તકલચંદ સાકળચંદ શાહ કોલેજ ઓફ કોમર્સની પણ શરૂઆત થઇ. ધીરૂભાઈના વરદહસ્તે વિદ્યા અને જ્ઞાનના પાયારૂપી છોડનું વાવેતર થયું. એ વિદ્યારૂપી છોડનું સંવર્ધન કરવા માટે પ્રગતિની ધરોહર જેવા જયેષ્ઠપુત્ર શ્રી પ્રફુલભાઇએ હસ્તાંતરિત કરી. સાથે તેમના નાનાભાઇ શ્રી શૈલેષભાઇ પણ તેમાં જોડાયા તેમજ પ્રફુલભાઇના પુત્રપરીનભાઇએ પણ શાળાની પ્રગતિ માટે સહકાર આપી ઉત્તરાધિકારીનું પદ સંભાળ્યું.

શાળાના પ્રમુખ શ્રી શરદભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઇશાહ, સેક્રેટરી તેમજ ભૂતપૂર્વ આચાર્ય શ્રી દિનેન્દ્રભાઇ જોશી, સેક્રેટરી શ્રી દેવેન્દ્રભાઇ શાહ, શ્રી પરીનભાઇ શાહ, ટ્રેઝરર શ્રી અમિતભાઇ કોઠારી, સભ્ય શ્રી નરેન્દ્રભાઇ પટેલ, શ્રી સતીષભાઇ શાહ, શ્રીમતી ગીતાબેન મલકાન વગેરેના ટીમવર્કથી શાળાની ઉત્તરોતર પ્રગતિ થઈ રહી છે.

હવે જાણીએ, કેવી ચાલી રહી છે આ શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ?

આ સંસ્થા દર વર્ષે શાળાના આર્થિક રીતે નબળા એવા ૧૦૦ વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ આપે છે. શાળામાં બાળમંદિરથી અંગ્રજી તેમ જ કોમ્પ્યુટર શીખવવામાં આવે છે.  બાળમાનસને તથા શિશુ કેળવણીને ધ્યાનમાં રાખી ભાર વિનાનું ભણતર ભણાવવામાં આવે છે. નબળા તેમજ ક્ષતિયુકત વિદ્યાર્થીઓનું કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. બાળમંદિરથી ધોરણ૧૦ સુધીના વિદ્યાર્થીઓને પ્રોજેકટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

શાળામાં દરેક તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થાય છે, જેમ કે જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી, નાતાલ વગેરે. વિવિધજ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ દ્વારા હસતારમતા સંસ્કાર આપી બાળકોનો સર્વાંગી વિકાસ એ જ આ શાળાનું અંતિમ ધ્યેય છે. શાળામાં પ્રશ્રમંજૂષા, વકતૃત્વસ્પર્ધા, જયોત્સ્નાબેનની પુણ્યતિથિ આંતરશાળા ચિત્રકામ સ્પર્ધા, રંગપૂરણી સ્પર્ધા, ટ્રેડીશનલ ડ્રેસ, વેશભૂષા, અભિનયગીત , કાવ્યપઠન, શ્લોક, સુલેખન , માટીમાંથી ફળ, ફૂલ, શાકબનાવવા, ગણપતિ બનાવવા, નિબંધલેખન, રંગોળી, મહેંદી, સંગીત, ગરબા વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન થતી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને અનેક ઇનામ આપવામાં આવે છે. દફતર, પેડ, ચોક કલર, કંપાસ, ટિફિનબોકસ, વોટરબોટલ, નોટો, વાર્તાની ચોપડીઓ, પેન્સિલ, પેન, રબર, પાઉચ વગેરે ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમ જ શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક-કાર્યક્રમ ને રમતોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે.

સ્વ. શ્રી ધીરજલાલ તલકચંદ શાહના સ્મૃતિપર્વ નિમિત્તે શાળામાંથી બેસ્ટ ટીચર, કોલેજમાંથી બેસ્ટ પ્રોફેસર અને નોનટીંચીંગ સ્ટાફમાંથી બેસ્ટ કર્મચારીનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેમાં ૧૧,૦૦૦ રૂા.નો ચેક, સર્ટીફીકેટ, શાલ, શ્રીફળ અને હાર આપી તેમનું સન્માન કરવામાં આવે છે.

સરકારમાન્ય હિન્દી રાષ્ટ્રભાષા, સ્કોલરશીપ, એમએમએસ, એમટીએસ જેવી અનેક પરીક્ષાઓ લેવામાં આવે છે. સલામબોમ્બે ફાઉન્ડેશન દ્વારા તંબાકુ વિરુધ્ધ અભિયાન ચાલે છે. ઇન્ટેકટકલબ દ્વારા વૃક્ષારોપણ, વૃધ્ધાશ્રમમાં સમાજસેવા જેવી અનેક પ્રવૃત્તિઓ પણ શાળામાં ચલાવવામાં આવે છે.

એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટે કરિયર ગાઈડન્સ, ગણિત-વિજ્ઞાનના માર્ગદર્શક વર્ગો, આઈસીટી. વગેરેના સેમિનાર યોજવામાં આવે છે તેમજ ઈ.એન.ટી, બ્લડ, ટીથ વગેરેની તપાસ કરાવવા માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.

શાળામાં રમતનું મેદાન, ઓડીટોરિયમ, એ.વી. રૂમ, કમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા છે. શાળામાં ક્રિકેટ, કરાટે, સ્કેટીંગ, બેડમીંટન, વોલીબોલ જેવી વિવિધ રમતો પણ રમાડવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓએ ઉચ્ચતરનું શિક્ષણ મેળવી અનેક ક્ષેત્રોમાં અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે અને પોતાનું જીવન સફળ બનાવ્યું છે.

શાળામાં ગયા વર્ષે એસ.એસ.સી બોર્ડમાં સુતાર પ્રિયંકા ૯૫.૮૦ % મેળવીને આખા મુંબઇમાં ગુજરાતી માધ્યમની શાળામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે.

આમ અંગ્રેજી માધ્યમની પાછળ દોટ મૂકતાં સમયમાં પણ જે.ડી.ટી. હાઇસ્કૂલે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષા પરની પકડ મજબૂત બને તે માટે અભ્યાસક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક અંગ્રેજી ભાષાના વર્ગોનું પણ આયોજન કરાય છે. નબળા વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ થાય છે.

વિદ્યાર્થીઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ જાગૃત કરવા કાગળ અને કાપડના ફૂલોમાંથી બનતાં તોરણો, ગુલદસ્તો, પેચ વગેરે શીખવવામાં આવે છે તેમજ વિવિધ પર્સ, ફ્રેમ, માળા, રાખડી, બકકલ, બૂટ્ટી, ગ્રીટીંગ્સ કાર્ડ વગેરે ઉપયોગી વસ્તુ બનાવતા શીખવી તેનું વેચાણપણ વિદ્યાર્થીઓ દ્વારા કરાવવામાં આવે છે. તે રૂપિયામાંથી વૃધ્ધાશ્રમ તેમ જ અનાથાશ્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દાન અપાવવામાં આવે છે. આમ, દરેક સંસ્કારનું સિંચન શાળામાં થાય છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાનો મહામૂલો ખજાનો છે. તેમના દ્વારા પણ ગણવેશ, ફી વગેરેની સહાય પહોંચાડવામાં આવે છે. તેમ જ દર વર્ષે એસ.એસ.સી.માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી તેમને પ્રોત્સાહિત કરે છે.

જેમ એકલે હાથે તાળી ન પડે તેમ શાળાની પ્રગતિ માટે અભ્યાસમાં, અન્ય પ્રવૃત્તિઓમાં તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાટે સંચાલકો, શિક્ષકો, વાલીઓ, શાળાના કર્મચારીગણ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સર્વના એક સમાન સહકારથી જ આ શાળાના વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે. સંચાલકો તરફથી મળતું માર્ગદર્શન સૌનો કાર્યભાર હળવો કરવામાં મદદ થાય છે.

માતૃભાષામાં શિક્ષણઆપનારી આ સંસ્થાએ રજતજયંતી ખૂબ ધામધૂમી ઉજવી. હવે તે સુવર્ણજયંતી તરફ આગળ વધી રહી છે. અમારા સંચાલકો શાળાને પ્રગતિના પંથે લઇ જઇ સુવર્ણજયંતી તરફ પહોંચાડવા તત્પર છે. આંખના પલકારામાં સુવર્ણજયંતી પણ પાર થાય તેવી મહેચ્છા છે.

આ સંસ્થાનો સૌથી મોટો ફાયદો એટલે બાળમંદિરથી કોલેજ સુધીનું શિક્ષણ. પાનાચંદ ડુંગરશી તુરખીયા જુનિયરકોલેજ ઓફ કોમર્સ અને સાયન્સ તેમજ ધીરજલાલ તકલચંદ સાકળચંદ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ કોલેજમાં B.Sc-IT, BMS, BMM, BAF, Accounting Finance Management વગેરે જેવી ડીગ્રી ચાલે છે.

આમ, માતૃભાષાનું ગૌરવગાન ગાતી ગુજરાતી માધ્યમની આ શાળાની ઉત્તરોતર પ્રગતિ થઈ રહી છે ને સાથે વિસ્તારના ગુજરાતી વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણ માટે પણ એક ઉત્તમ વિકલ્પ પૂરો પાડી રહી છે.

-અસ્તુ.

X
X
X