૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

SEA
કેટલીય સરકારો બદલાઈ, પણ મુંબઈ વિશે એક પ્રશ્ન અનુત્તર રહે છે કે મુંબઈનાં ચહેરા અને પ્રકૃતિને બદલવાનું બીડું કોઈ ઝડપશે ખરું? ને ઝડપે તોય કેવી રીતે? કારણ કે આઝાદીનાં સાત દાયકા પછી પણ મુંબઈની સરકારી પ્રણાલીઓ અને મુખ્ય વ્યવહારમાં જૂની પરંપરાઓનો જ પ્રભાવ દેખાઈ આવે છે. એકેય સરકાર મુંબઈનો સ્વભાવ તો નથી જ બદલી શકી(કે ન જ બદલી શકે) પણ મુંબઈના ચહેરાને પણ નથી બદલી શકી. આપણાં મુખ્ય કાર્યાલયો એ અંગ્રેજોની અડીખમ ઈમારતો છે… દાયકાઓ પહેલા કામચલાઉ તૈયાર કરી આપેલી રેલપાટા પર મુંબઈની લાઈફલાઈન કહેવાતી આખી લોકલટ્રેનવ્યવસ્થા દોડે છે… આપણી ઐતિહાસિક વિરાસત(ગેટ વે) એ ઈંગ્લેન્ડનાં રાણીની ગુલામીનું સ્મારક છે… આપણું ગૌરવ વિવશતાનું સુધારેલું રૂપ છે… અને આપણી વ્યસ્તતા એ આપણું વ્યસન થઈ ગયું છે… તો પણ, એમ છતાંય, લેકિન ફિર ભી… મુંબઈ પર અને મુંબઈના હોવાનું અભિમાન છાતી ફાટીને બહાર આવી જાય છે… એ ન સમજાય એવો વિરોધાભાસ છે.
કદાચ આ દરિયા કિનારે વસવાટ કિધાનો અપરાધ છે કે દરિયાઈ દિલ રાખવું જ પડે… જે આવે એને, જેવા આવે એને સમાવી લેવા પડે, મુંબઈના માહોલને ન સમજનારા પણ મુંબઈ વિશે નિર્ણય લઈ લે તો પણ એ સ્વીકારી લેવા પડે, કારણ કે અપનાવી લેવાનો-દરિયાઈ દિલ રાખવાનો સ્વભાવ છે મુંબઈનો… આપણો…
મુંબઈ એ દરિયાઈ છાતીની વેદના બનીને રહી ગયું છે…
ઐતિહાસિક વિરાસતો, અનેક મુખ્યમથકો, સમગ્ર દેશના અર્થશાસ્ત્રને પ્રભાવિત કરતો આર્થિક વ્યવહાર, અધધ મૂડિરોકાણ સાથે સાથે સૌથી મોટી ઝૂંપડપટ્ટી, અઢળક માર્ગરહેવાસી, બેફામ ગંદકી, પ્રદૂષિત વાતાવરણ, નિયમોને ઐસીતૈસી કરી ફરતા પંટરો અને સતત વધતી ગુનાખોરીનો અજબ સમન્વય આ નગરમાં છે. જાણે કે વિશ્વભરના પ્રવાસીઓને ભારતમાં મુંબઈ એની ટીકા કરવા માટે જ આકર્ષે છે. બહારના લોકો આવી મુંબઈને વગોવી જાય એ મુંબઈને માફક આવી ગયું છે કે શું?
કદાચ, કારણ એ હશે કે મુંબઈને ન પચાવી શકનારા લોકોને મુંબઈ મોટો ઓડકાર ખાઈ બહાર ફેંકી દે છે એટલે…
પણ જે પ્રજા મુંબઈના આંતરવિશ્વમાં જીવે છે, એને મુંબઈની પ્રકૃતિ, મુંબઈનો સ્વભાવ ખબર છે ને એટલે જ એ મુંબઈને અનુકૂળ થઈ જીવી જાણે છે. મુંબઈ ઉન્નતિનું શહેર છે, ગતિનું શહેર છે… એ ગતિશીલતામાં માને છે. એ થોભનારાને ધક્કો આપે છે ને દોડનારાને જુસ્સો. અહીં આવ્યા પછી તકની રાહ જોવી નથી પડતી… ફક્ત રાહ પકડવી પડે છે અને પછી તો તમારે જાતે જ નક્કી કરવાનું હોય છે કે તમારે વિકાસપર્વતના કયા શિખર પર અટકવું છે… આ જ શહેરમાં પોતાનો સંઘર્ષ આરંભનારા વિકાસપંથી-મુંબઈગરાઓને તરત સમજાઈ ગયું હશે કે આ શહેરે એમને કયા તબક્કે ધક્કા માર્યા છે ને કયા તબક્કે જુસ્સો ભરી આપ્યો છે…
અવિરત વિકાસની શક્યતાઓ ખોલી આપતું આ શહેર આપણું છે… મુંબઈ કોઈ ભાષાને નકાર નથી આપતું પણ અમુક ભાષા એને વિશેષ વ્હાલી છે… અને નિઃશંક એમાં એક ગુજરાતી છે. એને આમચી મુંબઈ જેટલું જ આપણું મુંબઈ કહી શકાય એટલું ગુજરાતી છે આ શહેર… અને એ ગુજરાતીઓના ગૌરવશાળી ઈતિહાસ અને નવીનતાની ચાહનાને પોષવાના હેતુથી જ આ નવા સ્વરૂપને સ્વીકાર્યો છે… નવી શરૂઆત કરી છે… પણ જેમ મુંબઈ ઈતિહાસના સરકતાં પાનાં પર એની પરંપરાને વળગી રહ્યું છે એમ જ આપણા ગુજરાતીપણાને સજાગ રાખવાના ઉપક્રમની અમે આશા સેવી છે…

તારીખ- ઓક્ટોબર 2014
સુનીલ ગુજરાતી

X
X
X