૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

વિવિધ વાલીસભાઓ-કાર્યક્રમો-આયોજન-વર્ગો-શાળાઓમાં વાલીઓ સાથે સતત ચર્ચામાંથી પ્રકટેલાં તારણો કેવાં છે? આવો જાણીએ, અંગ્રેજી માધ્યમની કેફિયત, એમના જ વાલીઓના અનુભવો-બળાપા પરથી.

સમાજમાં ઘણી બધી ખોટી પ્રથાઓ, માન્યતાઓ, દેખાદેખી દ્વારા થતા વર્તન, વ્યવહારિકતા, રીતભાત વગેરે પ્રચલિત હોય છે, પણ તે બાબતોનો વિરોધ કરીને સાચી બાબતને સાથ આપવાની હિંમત મહત્ત્વની છે, જેનો અભાવ આજના સમાજમાં, કહેવાતા જાગ્રત લોકોમાં, ભણેલાગણેલા આધુનિક વાલીઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

આપણે જાણતા જ હોઈએ છીએ કે માતૃભાષામાં ભણતરનું ખૂબ મહત્ત્વ છે, તેના ફાયદા કેટલા બધા છે વગેરે, પણ લોકોના ગળે આ વાત ઉતારવી ખૂબ જ અઘરી છે. લોકો સમજે છે પણ સ્વીકારતા નથી. ઘણીવાર જ્યારે એનું મહત્ત્વ સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ધોબીના કૂતરા જેવા હાલ થઈ ગયા હોય છે. તે સયમે ગાલે તમાચો મારીને ગાલ લાલા અને મોઢું હસતું રાખ્યા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. ગુજરાતના એક અગ્રણી અખબારના તંત્રી-વરીષ્ઠ પત્રકારે જાહેર કાર્યક્રમમાં લોકો વચ્ચે આ વાત સ્વીકારી છે કે એમને દીકરાના અંગ્રેજી માધ્યમમાં ભણાવવા મૂકતા તો મૂકી દીધો હતો, પણ પાછળથી એમને બહુ પસ્તાવો થયો છે, ઘણાં ખરાબ પરિણામ ભોગવવાં પડ્યાં છે અને બાળકોને માતૃભાષાના માધ્યમમાં જ ભણાવવાની વિનંતી કરી છે.

હાલના સમયમાં વેકેશનમાં ઘણાં પરાઓમાં માતૃભાષા શીખવવાના વર્ગો ચાલી રહ્યા છે અને એને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ખુબ જ ખુશીની વાત છે કે વાલીઓ સજાગ થયા છે. ના, એના કરતા એમ કહીએ કે વાલીઓ બાળકોના ભવિષ્ય માટે, તેમની ઉન્નત્તિ માટે અને તેમની પ્રગતિ માટે સજાગ તો હતા જ,  એટલે જ અંગ્રેજી માધ્યમમાં મૂક્યા. પોતાની આસપાસના વાતાવરણ સાથે તાલબદ્ધ થવા. કશે નીચા જોવા જેવું ન થાય એટલા માટે, આર્થિક રીતે સધ્ધર છીએ તેનો સમાજમાં પરિચય કરાવવા માટે અથવા તો અંગ્રેજીજ્ઞાનના અભાવને કારણે પોતાનામાં જે ઉણપ રહી ગઈ છે તે પૂરી કરવા માટે. આ બધાની સાથે બાળકોને માતૃભાષાથી વંચિત કરી નાખ્યા છે તેનું દુઃખ તો છે જ. એટલે જ હાલના વાલીઓ બાળકોને માતૃભાષા શીખવવા વર્ગની શોધખોળ કરે છે. એટલું જ નહીં એવા વર્ગોમાં બાળકોને માતૃભાષા શીખવવા માટે મૂકે છે. ફક્ત એક જ આત્મસંતોષ માટે કે મારા બાળકને માતૃભાષા લખતા-વાંચતા આવડે છે.

આમાં ઘણા વાલીઓ પોતે જ ગુજરાતી ‘માતૃભાષા’ના માધ્યમમાં ભણ્યા હોય છે. છતાં પરિવારના દબાણ હેઠળ બાળકને અંગ્રેજી માધ્યમાં મૂકવાનો અને છતાં પણ અંગ્રેજી ન આવડવાનો સંતોષ કરતા હોય છે. મુંબઈ ગુજરાતી દ્વારા આયોજિત માતૃભાષાના માધ્યમમાં ભણતાં બાળકો માટે વેકેશનમાં ‘અંગ્રેજીના વર્ગો’માં ઘણાં એવા વાલીઓ પણ આવે છે, જેમનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય છે અને છતાં અંગ્રેજી બરાબર બોલીવાંચીસમજી ન શકતાં હોય. તમે એ અંગ્રેજી માધ્યમમાં જ ભણતાં ગુજરાતી બાળકનું અંગ્રેજી સારું કરાવશો? એવી વિનંતી કરીને મૂકી જાય છે. તો પછી વિચાર આવે કે અંતે આ અંગ્રેજી માધ્યમની દોડાદોડ શાને માટે?

એક બહેને વાલીસભામાં તો એમ કહ્યું હતું કે અમારા બાળકને માતૃભાષામાં જ ભણાવવો હતો પરંતુ અમારા સમાજમાં જો ખબર પડે, એવી વાત થાય, કે તેમની પરિસ્થિતિ સારી નથી એટલે બાળકને અંગ્રેજી શાળામાં ન મૂક્યું, તો સમાજમાં બીજા લોકો શું વિચારશે? એટલા ડર માત્રથી બાળકોને અંગ્રેજીમાં મૂક્યાં. આના પરથી નિષ્કર્ષ એવું પણ મળે છે કે અમે સાધનસંપન્ન છીએ એવું પૂરવાર કરવાય આપણામાંથી કેટલાક લોકો બાળકોના બાળપણનો ભોગ લે છે. આપણે માતૃભાષાને ફક્ત ગરીબીની ભાષા બનાવી દીધી છે. આનાથી મોટી માનસિક દરીદ્રતા શું હોઈ શકે?

વાલીસભામાં આવેલા વાલીઓને પોતાના વિસ્તારમાં માતૃભાષાની શાળાઓ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે, શાળા સાધનસંપન્ન-સુસજ્જિત છે, વગેરેની જાણ પણ ન હતી. આપણે ફક્ત ચાર મીંડા અને પાંચ મીંડા વાળી ફી હોય તેવી જ શાળાઓની માહિતી ભેગી કરવામાં સાચું જ્ઞાન, સાચી કેળવણી, સરળ ભણતર આપતી આપણી માતૃભાષાની શાળાઓની માહિતી જ કઢાવવાનું ભૂલી ગયા. અને હા, પાછા દેકારા તો ચાલું જ હોય છે કે અંગ્રેજી માધ્યમની શાળાઓની ફી ખૂબ જ વધારે હોય છે. એક્સ્ટ્રા એક્ટિવીટીના નામે કે પછી બીજા ત્રીજા બહાને પૈસા પડાવ્યા જ રાખે છે. પાછા કહે કે સરકાર આના માટે કંઈ કરતી નથી. જાણે, સરકારે જ એમને બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકવાનો આદેશ ન આપ્યો હોય ! નિર્ણયો પોતાના અને દોષારોપણ સરકાર પર! અરે તમને જે હાઈફાઈ સુવિધાઓ, ઈન્ટરનેશનલ માહોલ અને બધી જ સગવડો જોઈતી હોય, પોતાના બાળકને પોતાની માનસિકતાને શોભે એવી હાઈપ્રોફાઈલ સ્કૂલમાં મૂકવા હોય, તો તેના પૈસા તો ચૂકવવા જ પડે ને. તો પછી આ બધી કાગારોળ શા માટે? સરકારે તો સારી સુવિધાવાળી અનુદાનિત શાળાઓ આપી જ છે. પરંતુ આપણને એની સુગ છે. તો પછી અત્તરની સુગંધ માણવાની કિંમત તો ચૂકવવી જ પડે ને.

વળી પાછું બહેરું અજ્ઞાન કેવું! કે માતૃભાષાની શાળામાં પહેલાથી જ અંગ્રેજી શીખવાડવામાં આવે છે તેની જાણ સુધ્ધા નથી. અંગ્રેજી નહીં આવડે તો રેસમાંથી પાછળી પડી જશે. ભવિષ્ય બરબાદ થઈ જશે, હરિફાઈના જમાનમાં જરૂરી છે. આવા વિચાર ધરાવનારાઓને ક્યાં ખબર છે કે અંગ્રેજી માધ્યમના મોટા ભાગના વિદ્યાર્થીઓની નાવ અધવચ્ચે આવીને થાકી જાય છે. કાં તો વિદ્યાર્થી સમય સાથે દોડી નથી શકતો, કાં તો પછી મા-બાપની પૈસાની થેલી ખાલી થતી જાય છે. અને હા, જરૂરી નથી કે બધા સફળ થવાના જ. પછી એક બાળકને એક શાળામાંથી બીજી શાળામાં ચલકચલાણી રમાડવાની, નાસીપાસ થઈ જાય તો ગુસ્સો બાળક પર કાઢવાનો. જાણે બાળકે જ ન કહ્યું હોય કે મને અંગ્રેજી માધ્યમમાં ભણાવજો, ‘માતૃભાષા માધ્યમની શાળામાં નહીં. નિર્ણયો મા-બાપના અને બકરો બાળક બને.

આજના વાલીઓને માહિતી જ નથી કે આજની માતૃભાષાની દરેક શાળામાં પહેલેથી જ અંગ્રેજી શીખવાડવામાં આવે છે અને ઘણી શાળાના સંચાલકોએ તો SPOKEN ENGLISH માટે વધારાના નિષ્ણાત શિક્ષકો પણ નિયુક્ત કર્યા હોય છે. જો કે એક ભાષાને સારી રીતે શીખવી સહેલી છે કે પછી માતૃભાષા વગર બધા જ વિષ્યો પરભાષામાં ગોખણપટ્ટી કરી સમજ્યા વગર શીખવા? સમાજમાં આ જાગૃતિ લાવવાની જરૂર છે કે આજે અંગ્રેજીની જરૂરિયાત છે એની ના નહીં પણ કેટલી? અંગ્રેજી સર્વસ્વ તો નથી જ. તેની જેટલી જરૂરિયાત છે તેટલી શીખી લિવાય તો જીવન સરળ, બાળપણ સુંદર અને ભણતર આસાન બને.

આજના સમયમાં કોઈને ચાઈનીઝ, જાપાનીઝ કે રશિયનને અંગ્રેજી બરાબર આવડતું ન હોય તો આપણને નવાઈ ન લાગે, પણ એક ભારતીયને જો અંગ્રેજી ન આવડે તો જાણે પહાડ તૂટી પડ્યો હોય, કોઈ મોટી ભૂલ થઈ ગઈ હોય એવો આભાસ આપણે જ આપણા બાળકોને કરાવતા હોઈએ છીએ. આ એક ગુલામીની માનસિકતા દર્શાવે છે. જો માતૃભાષા કે રાષ્ટ્રભાષા હિન્દી ન આવડે તો શરમ આવવી જોઈએ, પણ આપણા મૂળથી જુદી હોય એવી વિદેશની ભાષા ન આવડવાથી આટલી શરમ આવે તે દરિદ્ર માનસિકતા છે, આપણા મૂળ-સાંસ્કૃતિ-ભૌગોલિક વાતાવરણથી જુદી ભાષાને શીખતા સમય લાગે, બાળકને એ સમય આપવો જોઈએ. વૈશ્વિકતા માટે એ શીખવી જ જોઈએ, પણ એ બાળકના સાંસ્કૃતિક ઘડતરમાં પ્રાથમિક મુદ્દાઓને બદલે એના શૈક્ષણિક ઘડતરના બીજાત્રીજા તબક્કે શીખવવામાં આવવી જોઈએ. આખું શૈક્ષણિક કે સાંસ્કૃતિર ઘડતર એ એક ભાષા(અંગ્રેજી)ને કેન્દ્રમાં રાખીને કરવાની વાત તો નદીમાં તરતી હોડીમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા એ હોડીમાં વધારા કાણા પાડવા જેવી બેવકૂફી ભરેલી છે.

‘મુંબઈ ગુજરાતી’ સંગઠનના સભ્યો મુંબઈની લગભગ મોટાભાગની શાળાઓની મુલાકાત લઇ ચૂક્યા છે ને અવારનવાર પ્રતીયોગીતાઓ, વાર્ષિક મહોત્સવ તેમ જ એવા અન્ય સમારોહમાં ઉપસ્થિત રહીને પણ શાળાઓ, શિક્ષકો, સંચાલકોના સતત સંપર્કમાં રહ્યા કરે છે. ચર્ચાઓ કરીને જાગૃતિ માટે મહેનત કરે છે.

અમુક વાલીઓની એવી દલીલ હોય છે કે માતૃભાષાની શાળામાં આર્થિક રીતે નબળા પરિવારનાં જ બાળકો આવે છે, તેઓની સાથે રહીને અમારાં બાળકો પણ બગડી જાય, આ વાલીઓને જણાવવાનું કે અમારી નજરમાં બાળક તો બાળક જ હોય છે, તેને તેના ઘરની પરિસ્થિતિ સાથે મૂલવવો ખોટો દ્રષ્ટિકોણ છે. બીજી વાત એ કે ઘણી શાળાઓમાં જ્યારે વર્ગમાં જઈએ ત્યારે, કયું બાળક ગરીબ પરિવારનું છે કે કયું અમીરપરિવારનું, તે કહેવું મુશ્કેલ હોય છે એટલે જો બાળક વ્યવસ્થિત તૈયાર થઈને આવે, શિસ્તબદ્ધ રહેતું હોય, તો ગરીબ અમીરનો ભેદ ક્યાં રહ્યો? ઉલટું આ જ બાળકો એટલા પ્રેમાળ હોય છે કે જેઓને સુખ સુવિધાઓ નથી મળી અને તેઓ માટે જો થોડું કંઈક કરીએ તો તેઓ કૃતજ્ઞ થઇ જાય છે. બાકી વધારે ફી ભરવાવાળી શાળાઓમાં પણ સારા સંસ્કારવાળા બાળકો આવે છે એની ખાતરી ક્યાં હોય છે? આ બાબત તો આપણને આપણા સંસ્કારો પર કેટલો વિશ્વાસ છે તેના પર નિર્ભર છે. એક બહેને તો કહ્યું હતું કે મારે તો મારી દીકરીને એકદમ જોરદાર બનાવવી છે કારણ કે આજના માહોલમાં બાળકો જો ઢીલાપોચા હોય તો તેની આજુબાજુનો માહોલ તેને ખાઈ જાય, હું તો એને જેવા સાથે તેવા થઈને ઈંટનો જવાબ પથ્થરથી દેવાનું એમ જ શીખવીશ. આ કેટલા દબાયેલા-ગભરાયેલા વાલીઓ છે આજના માહોલથી, વાતાવરણથી, વિચારોથી, છતાં પણ એ જ માહોલમાં બાળકને ખોટું શીખવીને પણ રાખવાનો મોહ છૂટતો નથી? ખરાબ છે ખબર છે છતાં તેને છોડીને સારા માહોલમાં ઓછી સગવડવાળી શાળામાં મુકવાની વાત વિચારવાને બદલે પોતાના સારા સંસ્કારોને નેવે મુકીને પણ લડવું છે. એ જ માહોલમાં રહેવું છે.આનાથી વધુ માનસિક લાચારી કઈ હોઈ શકે એક સમજદાર વાલીની પણ…

એક વાલીએ ખુલ્લેઆમ શાળાઓમાં અપાતા શિક્ષણ માટે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે આટઆટલા પૈસા ભરવા છતાંય ટ્યુશન તો કરાવવા જ પડે છે. વાલીસભામાં પણ અમારે કંઈ બોલાય તો નહીં જ, કારણકે બાળક જ ના પાડે કે મમ્મી તું નહૂ બોલતી કેમ કે તું બરાબર અંગ્રેજીમાં નહિ બોલી શકે તો મારી ફજેતી થશે અને શિક્ષક મારા પર ખાર રાખીને હેરાન કરશે એ નફામાં. જુઓ તો વિચિત્રતા આટલી મોટી ફી ભરીને પણ બોલવાની સ્વતંત્રતા નહિ, શું ખૂટે છે ક્યાં ખૂટે છે તેની ચર્ચા – વિચારણા પણ નહિ. ફક્ત મોઢાં હલાવી હા પાડ્યે રાખવાની અને બીજા એક બહેને કહ્યું કે અમારી શાળામાં તો કંઠી પહેરવી તો પણ પરવાનગી લેવી પડે, નહીતર રિમાર્ક મળે, પૂછ્યા વગર હાથમાં રક્ષાપોટલી ન બાંધી શકાય, વાહ. બાળકોને એમના ધર્મની કંઠી કે રક્ષાપોટલી પહેરવા માટેની પરવાનગી પણ આ કહેવાતી હાઈ-ફાઈ શાળાઓ પાસેથી લેવાની? કેટલા ઓશિયાળા બનાવી દે છે? એક નિર્ણય જે આપણને ડગલેને પગલે માનસિક ગુલામ, ઓશિયાળા બનાવી દે તેના પર પસ્તાવો કરવા સિવાય બીજું થઈ પણ શું શકે?

વળી એક બીજા ભાઈએ પૂછ્યું કે શું શાળાની વેકેશન ટુર ફરજીયાત હોય? મને થયું કે એમાં તો સારું જ છે ને કે બાળકો બહારગામ જાય, નવું નવું શીખે, પોતાની સારસંભાળ પોતે લે, બીજાની સાથે હળીમળીને રહેતા શીખે, કપરાં સંજોગોની સામનો કરતા શીખે, એમાં ખોટું શું છે? તો જાણવા મળ્યું કે ભાઈ એમના બાળકની શાળા દર વર્ષે અંતરરાષ્ટ્રીય ટૂર ગોઠવે અને તે પણ જો કોઈ વાલી ના પાડે તો એના પર માનસિક દબાણ આવે, વારંવાર ન મોકલવાનું કારણ રજૂ કરવાનું, પાંચ મેણાટોણા તો સાંભળવાના એ નફામાં, અરે ભાઈ આટલી મોટી ફી ભરી અને હવે ફરજીયાત અંતરરાષ્ટ્રીય ટૂર પણ કરાવવાની, (કે એ શાળાઓ આ ટૂર્સની ગોઠવણ પાછળ કમિશન ખાતી હશે એની પણ શક્યતા નકારી ન શકાય.) આ માંડ્યું શું છે? ભાઈ સાંભળો, આપણને જ અભરખા હતા ને હાઈ-ફાઈ શાળામાં મુકવાના તો બધું સહન કરવું પડે. પણ આપણા પૈસે શાળાના અલીયામાલીયા જલસા કરી આવે તેનું શું? બસ બળાપા કાઢવા કરતા, બાળકને એ શાળામાંથી ઉઠાડીને એવી શાળામાં મુકવાની હિંમત કરવી જોઈએ જ્યાં વાલીઓ પર ટૂર-પિકનિક-એક્સ્ટ્રા એક્ટિવિટી વગેરેને નામે ખોટા પૈસા વસુલ નથી કરાતા અને સ્ટડી ટૂર ખરેખરમાં બાળકોના અભ્યાસાર્થે જ હોય અને એની ફી પણ સામાન્ય હોય ઉપરાંત ચૂકવેલા પૈસાનો પાઈપાઈનો હિસાબ અપાતો હોય.

થોડા વખત થયે એક બહેનનો ફોન આવ્યો, કહે કે મારી છોકરીનું વર્ષ બચાવી લો. ધોરણ ૯માં પરીક્ષા આપી પહેલા પાસ છે એમ કહ્યું પછી એક વિષયમાં ફેઈલનું પરિણામ હાથમાં આપ્યું અને જ્યારે શાળામાં મળવા ગયા તો કહે તમે બીજી શાળામાં દસમાં ધોરણમાં એડમીશન અપાવી દઈશું. જ્યારે એ જ શાળામાં જેમને પહેલેથી કાઉન્સેલિંગના પૈસા ભર્યા હોય તેઓ ૩ વિષયમાં પણ ફેઈલ થયા હોય તો પણ દસમા ધોરણમાં ચડાવવામાં આવ્યા છે. કેવો વેવલો લઈને બેઠી છે શાળાઓ? અને દર વર્ષે આવા કિસ્સાઓ થાય છે સાંભળવા છતાં હાઈ-ફાઈ બોર્ડ માટે કેવું પાગલપન છે કે બાળકનું ભવિષ્ય પણ દાવ પર લગાડવા વાલીઓ તૈયાર છે?

આપણે સારા સમાજની આશા રાખીએ છીએ પણ આપણું યોગદાન સારા સમાજની રચના કરવા માટેનું કેટલું છે એ ક્યારેય વિચાર્યું છે? વિચારો, હજુ મોડું નથી થયું જગ્યા ત્યારથી સવાર..

આ વેકેશનમાં આવી જ સચોટ રજૂઆત લઈને આવેલી છે ટેક્સ ફ્રી હિન્દી મીડીયમ નામની ફિલ્મ જે સૌએ ખાસ જોવા જેવી છે, જેમાં આજના વાલીઓની માનસિકતા, શાળાઓની શિક્ષણ પ્રત્યેની વ્યવસાયિકરણની રીતો, પત્નીને ખુશ કરવા જાણવા છતાંય ખોટું કરતો પતિ, આપણી સમસ્યાઓની હદયસ્પર્શી રજૂઆત ફિલ્મમાં થઈ છે. શિક્ષણ ક્ષેત્રના ઘણાખરા પ્રશ્નોના ઉકેલ નીકળી શકે એમ છે. જો આપણે સહુ, નાગરિકો, વાલીઓ, જાગ્રત થઈએ, એ જાગૃતિ દર્શાવવાની હિંમત કરીએ તો…

-અસ્તુ.

મુંબઈ ગુજરાતી: ૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧,

૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦

ઈમેઈલ- mumbaigujarati@gmail.com

વેબસાઈટ- mumbaigujarati.com

ફેસબૂક-યુટ્યુબઃ / mumbaigujarati

X
X
X