૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

ગુજરાતી માધ્યમની શાળાઓની વાત કરીએ ત્યારે ઘણા કહે છે કે બાળકનું શિક્ષણ મહત્વનું છે, એનું ઘડતર સારી રીતે થવું જોઈએ, પણ તમે બધા ભાષાને આટલું બધું મહત્વ શું કામ આપો છો?

અરે, શું ભાષા એ ફક્ત શિક્ષણના માધ્યમનું એક સાધન છે એવું અમે કહીએ છીએ? ના. ના. શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા જ શ્રેષ્ઠ છે એ ઉપરાંત ભાષા એની આગવી વિશેષતાઓને લીધે મહત્વપૂર્ણ છે.

માણસ જન્મે છે અને પશુ જન્મે છે તે બે-માં શું ફરક હોય છે? અનેક, પણ એક અત્યંત મહત્વપૂર્ણ ફરક એ કે માણસ ભાષા સાથે જન્મે છે. જેની સેંકડો પેઢીઓ ચિતા પર બળી ગઈ છે તે મનુષ્યનું નવજાત શિશુ દુનિયામાં પ્રવેશે છે ત્યારે તેની પેઢીઓનો વારસો, સદીઓના સંસ્કાર… તેની ભાષા તેને આપે છે. સદીઓથી એક જ પરંપરા કેવી રીતે ચાલી આવી શકે છે? એ ભાષા વગર સંભવ છે? માનવ એકવીસમી સદીમાં પ્રકૃતિની બરાબરી કરતું સર્જન કરવા સમર્થ બન્યો છે તે વિકાસગાથા ભાષા વગર ક્યાં અટકેલી હોત? શું કલ્પી શકો છો? ભાષાના અવિષ્કાર વગર માણસની પ્રગતિનો ગ્રાફ હજી ક્યાં સુધી પહોંચ્યો હોત? એક વાંદરો બીજા વાંદરાને શબ્દોની સહાનુભૂતિ નથી આપી શકતો, કોઈ કુતરો બીજા કુતરાને પોતાના માણસ સાથેના સારાનરસા અનુભવો બયાન નથી કરી શકતો, કોઈ પણ પશુ તેની પશુપંચાયતમાં માનવઅત્યાચાર સામે ફરિયાદ નથી નોંધાવી શકતું… આવી પશુપંચાયતનું સર્જન પશુઓ માનવ પહેલાંના પૃથ્વી પર હોવા છતાં નથી કરી શક્યાં… કેમ? ફક્ત બુદ્ધિ જ કારણભૂત છે?

ભાષા, સંપર્ક, વાતચીત, ચર્ચા… શબ્દો… કદાચ માનવ મગજની મૂળ પેદાશોની ભૂમિ તૈયાર કરનારી આ શોધોને સર્વોચ્ચ સ્તર અપાય તો એમાં કંઈ ખોટું નથી.

પછી… ભાષા કોઈ પણ હોઈ શકે… અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, મલયાલી, બંગાળી, તમીળ, હિબ્રુ… કે ઝોક્યુ-યાપાનેકો, લિમરિજ, તૌશિરો, તાનિમા, ચામીકુરો, લિકિ, કાવાસ્કર, વિન્ટુ-નોમ્લાકી, ટિનિગુઆ, ટોલોવા, વિલેલા, વોલોવ.

હા… આ બધાં પણ ભાષાનાં જ નામ છે. એ સર્વેનો ઉલ્લેખ સકારણ-હેતુપૂર્વક કરાયો છે… આમાં હિબ્રુ પછીનાં જે બાર નામો લખ્યાં છે તે વિશ્વની એવી ભાષાઓનાં છે જેના હયાત ભાષકો દસ કરતાં પણ ઓછી સંખ્યામાં છે, આજે એવી લગભગ કુલ બસો ભાષાઓ છે જેના ભાષકોની સંખ્યા દસ કરતાં ઓછી છે. એટલે કે આ ભાષાની છેલ્લે ઘડીઓ ગણાઈ રહી છે. વિશ્વભરમાં અત્યારે આ ચર્ચા જોરમાં છે, કેટલીય ભાષાઓ વિનાશને આરે ઊભી છે, યુનેસ્કો અને બીજી સંસ્થાઓ આ દિશામાં સન્માનીય રીતે કાર્યરત છે.

ભાષા કેટલી ઉઁમર લઈને જન્મે છે? ભાષાની કેટલી ઉંમર હોવી જોઈએ? કોઈ નક્કી કરી શકે છે? ભાષા જેટલું આત્મનિર્ભર માનવસર્જિત તત્ત્વ બીજું કોઈ છે ખરું?  તમે જે ભાષા સાથે જીવો છો… એની ખરી રોમાંચકતા ખબર છે? એ ભાષા… એ શબ્દો… એ વાક્યરચનાઓ, રૂઢિપ્રયોગો, સંજ્ઞાઓ, સમાસો… એ ભાષાની લઢણ, ઢાળ… એ ઉચ્ચારો… મહદંશે સદીઓને સર કરીને પણ એમ ના એમ હોય છે. ભાષા એકમાત્ર જીવાતો ઈતિહાસ છે. શું એ કલ્પના માત્ર રોમાંચિત નથી કરી દેતી કે જે “કેમ છો?” “મજામાં” આપણે બોલીએ છીએ એ જ “કેમ છો?” “મજામાં” નરસિંહ મહેતા પણ બોલતા હતા… નર્મદ પણ બોલતા હતા…  અને ગાંધીજી પણ બોલતા હતા… આટલી વ્યાપક, આટલી ઐતિહાસિક, આટલી સમર્થ અને એટલી જ પ્રસ્તુત અનુભૂતિ બીજી કઈ હોઈ શકે?

દર વર્ષે નવરાત્રી પસાર થઈ જાય છે, તેમાં સૌથી વધારે સંવેદના ઝંકૃત કરતું તત્વ કયું? તો કે ગરબાનો લયઢાળ… ભલે આપણે નાચવા ન ગયા હોઈએ પણ આ સમયગાળામાંથી પસાર થતા જ મનમાં ક્યાંક ને ક્યાંક “ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી…” ચાલ્યું હોય અને આ “વાત ખાનગી” આપણે કોઈને કહેતા નથી… નવરાત્રીનો સમય ગુજરાતીયતને મનાવવાનો છે. નવરાત્રી સંપૂર્ણપણે ગુજરાતી જ બની રહે છે, વઢવાણમાં ઉજવાતી હોય કે પછી તે વર્સોવામાં ઉજવાતી હોય છે ત્યારે પણ. આપણને ગુજ્જુ કહી વેપારી માનસ માટે વગોવતા બિનગુજરાતીઓની જીભે પણ “ઓઢણી ઓઢું તો ઊડી ઊડી જાય…” તમને સાંભળવા મળ્યું જ હશે… ગુજરાતી ગીતો જનમાનસમાંથી અને ગરબા, નવરાત્રી, ચરરર ચરરર મારું ચગડોળ ચાલે… વગેરે-ને ગુજરાતી કુંડાળામાંથી બહાર ખેંચી કાઢવા અશક્ય છે… આ આપણી ભાષાએ આપણને આપેલો વારસો છે… અબજોની સંપત્તિ છે, એ આપણો વિશ્વવારસો (વર્લ્ડહેરિટેજ) નહીં, વારસાનું વિશ્વ (હેરિટેજવર્લ્ડ) છે, જીવાતો ઈતિહાસ છે… ફક્ત જીવાતો જ નહીં જીવી જનારો ઇતિહાસ.

ભાષા કે ભાષી શેના પર નિરભર હોય છે? ભાષા માણસનું સવાયું અવયવ છે… વાણી વગર જીવી શકાય છે, પણ વાણી સાથે જે થઇ શકે છે, માણસે અત્યાર સુધી જે કર્યુ છે એ એનું મહત્વ સમજાવવા પર્યાપ્ત છે.

ગુજરાતી શબ્દ જાતિવાચક નામ અને વિશેષણથી આગળ વધીને અભિગમવાચક શબ્દ બની ગયો છે અને ગુજરાતી શબ્દને એક ખુમારી, એક વલણ, એક વળગણ, એક જિંદાદિલી માટે પણ વાપરવામાં આવે છે.

અને આજે સ્ટેજ પર ગાવા ઈચ્છતા દરેક સિંગરે પ્રોફેશનલ બનવા માટે ગુજરાતી ગાતા શીખી લેવું પડે છે. કારણ, મુંબઈમાં એની દુકાન ગુજરાતી ગીતો ગાયા વગર ચાલવાની નથી. આપણી ભાષાની આ સત્વશીલતાને સત્કારવાનો કોઈને સમય છે ખરો? તેની સલામી આપણા પરંપરાગત કવિઓને, સંગીતકારોને જાય છે.  અને આવી આ ભાષાની નાભિ કઈ? ભાષાની શ્વસનનળી કયા? ફક્ત લોકોમાં વાતચીત કરીને જીવી જાય એ ભાષાની પેટાબોલી માત્ર છે, પણ આપણી પૂરબહારે ખિલેલી ભાષાના શ્વાસો ક્યાંથી ઉઘડે ને ઉચ્છવાસે ક્યાંથી ફૂટે છે?

ભાષાની શાળાઓમાંથી જ.

એ શાળાઓ જો બીમાર હોય તો એમાં આપણી કશી જવાબદારી નહીં?

-શ્વસનનળી પર તાળા એટલે મૃત્યુને જાહેર નિમંત્રણ.

બીજી એક મહત્વની વાત. લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાની. આ સંસ્થાએ 2013માં જે સર્વેનાં પરિણામો બહાર પાડ્યાં એમાં ઘણી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી. એક તો 1950થી લઈને અત્યાર સુધી ભારતમાં ઓછામાં ઓછી 250 જેટલી ભાષાઓ નાશ પામી છે અને બીજું ભારતનું ભાષા વૈવિધ્ય સત્તાવાર રીતે જેટલું દર્શાવાયું છે એનાથી ઘણુ વધારે છે.

આજના ભારતમાં પણ 780 ભાષાઓ છે, જેમાંથી 122 સત્તાવાર સરકારી માન્યતા ધરાવે છે. ભાષા વૈવિધ્યમાં ભારત વિશ્વમાં નવમા સ્થાને છે. ઘણી ભાષાઓ નાશ પામવાના ભય હેઠળ પણ ટકી રહી છે. અમુક આંતરરાષ્ટ્રીય સૂત્રોની ગણતરી પ્રમાણે ભારતમાં 198 ભાષાઓ નાશ થવાના ભય સાથે જીવી રહી છે, જે વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધારે છે.

બીજી બાજુ હિન્દીની વિકાસયાત્રા જારી છે. અત્યારની પ્રગતિ જોતા 2100 સુધીમાં વિશ્વભરમાં અંગ્રેજીભાષી લોકો અને હિન્દીભાષી લોકોની સંખ્યા સરખી હશે એવું કહેવાય છે.(જો હિન્દીભાષી લોકો હિન્દી બોલતા રહ્યા તો.) ભારતની કુલ વસ્તીના 41.03 ટકા લોકો હિન્દી બોલનારા છે. બીજા ક્રમે બંગાળી ભાષા ભારતની કુલવસ્તીમાંથી 8.11 ટકા સાથે છે. તેલગુ 7.19 ટકા સાથે ત્રીજા અને મરાઠી 6.99 ટકા સાથે ચોથા ક્રમે છે. આ યાદીમાં ગુજરાતી 4.48 ટકા સાથે ભલે છેક સાતમા ક્રમે છે પણ તે ભારતની કુલ લોકવસ્તીમાં ગુજરાતીઓની સંખ્યા તપાસતા તેનો ક્રમ શ્રેષ્ઠ ન ગણાય? ગણી જુઓ.

નવરાત્રી આવે ને નાચવા મંડી પડીએ છીએ ત્યારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે અસ્મિતા પર છાતી પહોંળી કરવી છે ને જે સંસ્કૃતિ પર ગર્વ લેવો છે એની તબિયતની કાળજી લીધા વગર બેફિકર નાચ્યા કરીશું તો ચકલી ખેતર ચરી જશે પછી પસ્તાવાનું રૂદન પણ પારકી ભાષામાં ઉચ્ચારવું પડશું.

– અસ્તુ.

X
X
X