બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા, અન્ય ભાષા કે અંગ્રેજી જેવી પરભાષામાં અપાવું જોઈએ તે અંગે શિક્ષણ જગતમાં ઘણા વખતથી ચર્ચા ચાલી રહી છે. આ બાબત વિષે ખાર કેળવણી મંડળના ચૅરમૅન કૃષ્ણકુમાર મારફતિયાના વિચારો અને મંતવ્યો આજના લેખમાં જાણીએ.
માતૃભાષા એટલે એ ભાષા, જે બાળક માના ગર્ભમાંથી જ સાંભળતા સાંભળતા અને સમજતા સમજતા વિકાસ પામ્યો છે. મહાભારતમાં શ્રી કૃષ્ણે અભિમન્યુને ગર્ભમાં જ યુદ્ધના કોઠાઓ શીખવ્યા હતાએ જાણીતી વાત છે. શ્રી શુકદેવજીનો પણ એવો જ દાખલો છે. માના ગર્ભમાંનું બાળક માત્ર સાંભળી જ નહિ, સમજી પણ શકે છે, એ વાતની પુષ્ટિ આજના વૈજ્ઞાનિકોએ પણ કરી છે. આ રીતે, બાળકને માતૃભાષામાં કહેલી, શીખવેલી કે સમજાવેલી વાત એના મગજમાં સરળતાથી ઉતરી જાય છે. માતૃભાષા એવી ભાષા છે જે બાળકખૂબ જ સાહજિક રીતે અને રમત રમતમાં પોતાના ઘરમાંથી કે મિત્રવર્તુળમાંથી લગભગ ઓછા કે ન જેવા પ્રયત્ને, અભાનપણે જ પ્રાપ્ત કરી લે છે. આ માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવું, એ બાળક માટે ખૂબ જ અગત્યનું છે;કારણકે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ, જ્ઞાન, અભિવ્યક્તિ ક્ષમતા, સર્જનાત્મક કે ફળદાયક ક્ષમતા- આ બધાની કૂંપળો માતૃભાષામાંથી જ ફૂટે છે. આથી માતૃભાષાને શાળાના અભ્યાસક્રમમાં મહત્વનું આગવું સ્થાન આપવું અને મળવું જોઈએ.
એ માટે આપણે કેટલાંક મહત્વનાં કારણો સમજીએ.
માતૃભાષા એ સંદેશાવ્યવહાર કે પોતાનાવિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાનું ઉત્તમ અને સમર્થ માધ્યમ છે. માણસની, ખાસ કરીને માતૃભાષા બોલવાવાળાની, પોતાના સામાજિક વર્તુળ કે સંગઠનની રચના સહજ રીતે થઈ જાય છે. વળી,જે તે વિષયમાં તેની પૂરેપૂરી નિપુણતા, પારંગતતા કે તજજ્ઞતા પણ માતૃભાષા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે.
જ્ઞાનપ્રાપ્તિ માટે વિચારતંત્ર અત્યંત જરૂરી છે. વિચાર કરવા માટે ભાષા પણ એટલી જ આવશ્યક છે. પી. બી. બેલાર્ડે કહ્યું છે કે ‘માતૃભાષામાં કેળવણી એટલે એ ભાષામાં કેળવણી જે ભાષામાં બાળક વિચારે છે અને સ્વપ્નાં પણ સેવે છે. છીછરાપણામાંથી સુંદરતમ માનવ સંસ્કૃતિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન એટલે માતૃભાષા.’
ભાષા વગર બુદ્ધિનો શ્રેષ્ઠતમ વિકાસ પણ અશક્ય છે. વાંચન, અભિવ્યક્તિ, જ્ઞાન સંપાદન કરવું, બૌદ્ધિક દલીલો કરવી, એ બધા બુદ્ધિવિકાસના માધ્યમો છે. આ બધું ભાષાથી જ, ખાસ કરીને માતૃભાષા દ્વારા જ ઉત્તમ રીતે શક્ય બને છે. આથી, આપણા વિદ્યાર્થીઓની વિદ્યાપ્રાપ્તિનો પાયો મજબૂત, મક્કમ અને અડગ કરવા માતૃભાષામાં શિક્ષણ અત્યંત આવશ્યક છે.
વળી, આમ તો આપણે સંદેશાવ્યવહાર કે માહિતીની આપ-લે તો કોઈ પણ ભાષામાં કરી શકીએ છીએ; છતાં પણ સર્જનાત્મક અભિવ્યક્તિ તો માતૃભાષામાં જ શ્રેષ્ઠ રીતે શક્ય બને છે. આથી જ જગતના મહાવિદ્વાન લેખકોએ ઉત્કૃષ્ટ અને અદ્ભુત સાહિત્યનું સર્જન પોતાની સ્વભાષામાં જ કર્યું છે, જેનું અનુમોદન આપણે પછીથી કરીશું.
આ વાત પછી આપણને એ વિચાર આવે કે શું અંગ્રેજી કે ઈતર ભાષામાં કંઈ ન શીખી કે સમજી શકાય? જરૂરથી શીખી, સમજી શકાય. પણ, એને માટે નાજુક મગજ પરિપક્વ થવું જોઈએ. બાળકની સમજણ, સ્મરણ, ગ્રહણ અને યાદશક્તિ ઘણી જ કુશાગ્ર હોય છે. એનો સંપૂર્ણ ઉપયોગ કરવા, બાળકનું મગજ પરિપકવ થાય ત્યાં સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવું આવશ્યક છે. બાળક ૧૦-૧૨ વર્ષનું થાય ત્યારે લગભગ આ બધી શક્તિઓ પરિપક્વ થાય છે. આ ઉંમરે એ ઘણુંખરું ચોથા થી સાતમા ધોરણ સુધી પહોંચી જાય છે. આના પછી એને અંગ્રેજી કે અન્ય ભાષામાં વિગતે વ્યાકરણ સહિત શિક્ષણ આપવું યોગ્ય ગણાશે. બહુભાષી શિક્ષણમાં ખાસ ઉલ્લેખનીય એ છે કે ‘પહેલી ભાષામાં પહેલાંશિક્ષણ’ એટલે, શરૂઆત માતૃભાષાથી કરવી ને પછી બીજી ભાષાઓ શીખવી. બહુભાષી શિક્ષણના બહોળા સ્વીકાર માટે ‘યુનેસ્કો’એ ચાર તબક્કા સૂચવ્યા છે. ૧. બાળકને શિક્ષણ સંપૂર્ણપણે એની સ્વભાષામાં આપવું. ૨. માતૃભાષા પર અસ્ખલિત કાબૂ આવે પછી બીજી ભાષાનો પરિચય કરાવી, બોલવાની તથા વાતચીતની શરૂઆત કરાવવી. ૩. બીજીભાષા પર પણ પહેલા જણાવ્યા મુજબ સંપૂર્ણપણે કાબૂ આવે પછી સાહિત્યનો પરિચય તથા અભ્યાસ કરાવવો. ૪. આ પછી જિંદગીભર તમે એનો અભ્યાસ તથા ઉપયોગ કરો. આવી રીતે જેટલી ભાષાઓ શીખવી હોય તેટલી શીખાય.
આ કોઈ નવી પ્રથા નથી. અગાઉ આ પ્રથા પ્રચલિત હતી. એ પ્રથાથી એ જમાનામાં પણ આપણે ત્યાં ઘણાં રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રિય સ્તરે ઉચ્ચ કોટિના વિદ્વાનો પાક્યા છે. સાધારણતયા, તેઓ ઘણું જ સારું વ્યાકરણની રીતે શુદ્ધ અંગ્રેજી તથા અન્ય ભાષાઓ લખતાં વાંચતાં તથા બોલતાં હતાં. અંગ્રેજો અને અન્ય ભાષીઓ પણ એમની ભાષાથી પ્રભાવિત હતાં.
આપણા ભારતમાં જુદા જુદા વિસ્તારના લોકોની માતૃભાષા અલગ અલગ હોય છે. આમાં કેટલાક ઈલાકાના લોકોની પોતાની માતૃભાષા પ્રત્યે ઉત્કટ ભાવના અને ગૌરવ હોય છે, તો કેટલાકને ઓછી અથવા નહીંવત્ હોય છે. હવે, આમાં કેટલોક વર્ગ, જેવાં કે વ્યાપાર અથવા અમુક નોકરિયાત વર્ગ જે પરપ્રાંત અથવા વિદેશમાં વસે છે, તેમને બીજી ભાષાઓમાં અભ્યાસ કરવો પડે છે; કારણકે ત્યાં માતૃભાષાની સગવડ નથી હોતી. હવે, કેટલોક વર્ગ એવો પણ છે જે દેખાદેખીથી પોતાનું બાળક પાછળ ન રહી જાય અથવા એ આધુનિક કહેવાય માટે માતૃભાષાને બદલે અંગ્રેજીમાં શીખવવાનો આગ્રહ રાખે છે. ઉપર જણાવ્યા પ્રમાણે, તેની કુદરતી શક્તિનો લાભ આપણે ઝૂંટવી લઈએ છીએ. આમ કરવાથી, આપણી સંસ્કૃતિ જેના પર આપણે ઉન્નત મસ્તક રાખી ગૌરવ કરવું જોઈએ, તેનાથી તેને વંચિત રાખીએ છીએ. જે મનુષ્ય પોતાની સંસ્કૃતિને, ગૌરવને સન્માન નથી આપી શકતો, તેનું પોતાનું, કે પોતાના કુટુંબઅનેસમાજનું આગવું વ્યક્તિત્ત્વ શું રહે? એ ગુલામી વૃત્તિ છે. મનુષ્યનું સાચું ધન અને અલંકાર, ગૌરવ અને સન્માન છે. એ હોય તો મનુષ્ય ઉન્નત મસ્તકથી જીવી શકે છે, નહીં કે દેખાડાથી અને અભિમાનથી.
જો આપણે દુનિયાના ઈતિહાસમાં નજર નાખશું તો ખ્યાલ આવશે કે દુનિયામાં જેટલા મહાન સાહિત્યકારો, લેખકો, કવિઓ, વક્તાઓ, કથાકારો વગેરે છે ને થઈ ગયા છે, તેઓએ તેમની મહાન, ઉત્કૃષ્ટ રચના તથા ઉત્તમ, શ્રેષ્ઠ વક્તવ્યો પોતાની માતૃભાષામાં જ આપ્યા છે. શેક્સપીયર, ચેસ્ટરટન, વર્ડઝવર્થ વગેરે અંગ્રેજીમાં, કવિ કાલિદાસ, દંડી વિગેરેએ સંસ્કૃતમાં, એવી રીતે ફ્રાંસ, જર્મની, અન્ય યુરોપીય દેશો, આફ્રિકન દેશો, ચીન, જાપાન વગેરે દેશોના મહાન સાહિત્યકારોએ પોતાની આગવી રચનાઓ પોતાની માતૃભાષામાં જ લખી છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે “રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્કારી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે.” ગીતાંજલી પ્રથમ બંગભાષામાં લખાઈ હતી. મહાત્મા મુનશીરામજી જ્યારે હિન્દીમાં પોતાનું વ્યાખ્યાન આપે છે, ત્યારે તે સૌ ખુશીથી સાંભળે છે ને સમજે છે. શ્રીયુત મદનમોહન માલવીયાનું અંગ્રેજી ચાંદી જેવું ઝળકી ઊઠે છે એમ કહેવાય છે, પણ તેમનું હિન્દી ગંગાના પ્રવાહ જેવું છે અને તેમના હિન્દી વ્યાખ્યાનનો પ્રવાહ શુદ્ધ કાંચન સમો ચળકે છે. સ્વામી દયારામ, તુકારામ, રામદાસ, પ્રેમાનંદ, શામળ, દલપતરામે સાહિત્ય વધાર્યું છે તેનો જશ અંગ્રેજી ભાષા લઈ શકે તેમ નથી. આ ઉપરથી જણાય છે કે માતૃભાષાના વિકાસ માટે અંગ્રેજી ભાષાના જ્ઞાન કરતાં માતૃભાષા ઉપરના પ્રેમની – તેના ઉપરની શ્રદ્ધાની જરૂર છે”.
શિશુને માનું ધાવણ જેટલું અનિવાર્ય છે એટલું જ શિક્ષણમાં માતૃભાષા આવશ્યક છે.
એ કહી ગયાઃ
માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. – ગાંધીજી