૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

મુંબઈ ગુજરાતી લેખશ્રેણી. (જન્મભૂમિ દૈનિકમાંથી સાભાર.)

ઇતર ભાષાના માધ્યમમાં શીખવાથી બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય’. ‘શિક્ષણનું માધ્યમ જો માતૃભાષા હોય તો બાળકના મગજ પર શિક્ષણનો બોજો ખૂબ જ હલકો થઈ જાય’, અને ‘બાળકને પોતાનું બાળપણ ખરેખર જીવવા મળે’ વગેરે બાબતો આપણે અહીં અગાઉના લેખોમાં સમજી. આજે આપણે બાળકમાં ભાષાકીય વિકાસના પગથિયાં, ભાષા વ્યવસ્થાની જટિલતા અને શિક્ષણના માધ્યમ તરીકે જો ઇતર ભાષા અંગ્રેજી હોય તો બાળક માટે શું અને કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે તે વિશે વિચારીએ.

——————————————————————–

બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની પાટી સાવ કોરી હોય છે, તેને કેટકેટલું શીખવાનું હોય છે. દરેકેદરેક ઇન્દ્રિયની ક્ષમતા તેણે પ્રાપ્ત કરવાની હોય છે, વિવિધ અંગ-ઉપાંગના ઉપયોગ, દિશા અને સમયનાં પરિમાણો અને કેટકેટલું તેણે શિશુ અવસ્થામાં શીખવાનું હોય છે. ભાષા પણ તેને માટે એક નવી જ વસ્તુ છે. પણ બીજી ક્ષમતાઓ અને ભાષાની ક્ષમતાની પ્રાપ્તિમાં એક મૂળભૂત ફરક છે: બીજી બધી ક્ષમતાઓમાં એક, બે કે ત્રણ પરિમાણ હોય છે, જ્યારે, ભાષા વ્યવસ્થામાં કેટકેટલાંય પરિમાણો હોય છે.

બાળકની મનોભૂમિ પર ભાષાબીજ કેવી રીતે અંકુરિત થાય છે એ જાણતા પહેલાં કોઈ પણ એક ભાષા માત્રની સંરચનાના મૂળભૂત મુદ્દા ને એના વિવિધ પરિમાણો વિશે જાણી લઈએ, જેથી પછી એ ભાષાને બાળક કેવી રીતે ગ્રહણ કરે છે-ગ્રહણ કરવાની એ પ્રક્રિયા કેટલી અઘરી કે સહેલી છે વગેરે વિશે ખ્યાલ આવશે.

ભાષા વ્યવસ્થાનું એક પરિમાણ હોય છે ધ્વનિઓનું – દરેક ભાષામાં આવતી ધ્વનિઓ નિશ્ચિત હોય છે. વળી આ ધ્વનિઓના એકબીજા સાથે જોડાવાના નિયમો પણ હોય છે. જેમ કે ‘ળ’ કે ‘ણ’ ગુજરાતીમાં શબ્દની શરૂઆતમાં ન આવી શકે વગેરે. દરેકે દરેક ભાષામાં આવા નિયમો પણ નિશ્ચિત હોય છે. એટલે કોઈપણ નવી ભાષા શીખતી વખતે તે ભાષાના ધ્વનિઓ અને જોડાણના નિયમો પણ શીખવા પડતા હોય છે.

બીજું પરિમાણ હોય છે ધ્વનિઓ જોડાઈને બનતા ધ્વનિસમૂહના અર્થનું–એટલે કે શબ્દોના અર્થનું. વળી, કેટલાક શબ્દો નક્કર વસ્તુ દર્શાવે છે, તો કેટલાક ક્રિયા કે પ્રક્રિયા દર્શાવે છે, કેટલાક સ્થિતિ દર્શાવે છે, કેટલાક કાળ દર્શાવે છે. વળી કોઈપણ ભાષામાં આવતાં શબ્દોની સંખ્યા ઘણી મોટી હોય છે!

ભાષામાં શબ્દો જોડાઈને પદ બને છે અને તેમના અર્થ, તેમના ઉપયોગ, તેમના ગૂઢાર્થ વગેરેના પણ અનેક પરિમાણો હોય છે – જેમ કે ગુજરાતીમાં ‘મારવું’ નો અર્થ ‘કોઈને ભૌતિક રીતે ઈજા પહોંચાડવાની ક્રિયા’ છે, પરંતુ જો ‘મારવું’ની જોડે ‘પોતું’ કે ‘ઝાડુ’ જોડાય તો? તો એક અર્થ નીકળે છે કે ‘તે વસ્તુ વડે મારવાની ક્રિયા’, અને બીજો અર્થ નીકળે છે ‘એક નિર્ધારિત વસ્તુ વડે ધૂળ આદિની સાફ સફાઈ કરવાની ક્રિયા’.

વળી પદો જોડાઈને વાક્ય બને છે, તો તેમાં માહિતી આપવી હોય તો વાક્ય રચના અલગ, કાળ પ્રમાણે વાક્ય રચના અલગ, તો પ્રશ્નો પૂછવા હોય તો રચના અલગ, અને કોઈને આજ્ઞા આપવામાં આવે તેવા વાક્યોની રચના અલગ.

વળી, ઘણાખરા વાક્યોનો સાદો અર્થ તો હોય જ છે, પણ તેનો ગૂઢાર્થ અને પ્રાસંગિક અર્થ પણ અલગ હોય છે. વળી સંદર્ભ પ્રમાણે, સાંભળનાર કોણ છે તે પ્રમાણે અને સંજોગો પ્રમાણે ઉપયોગ પણ બદલાય. આમ, કંઈકેટલાય સ્તરો છે ભાષાની રચનાના.

આવી જટિલતમ વાગ્વ્યવહારની વ્યવસ્થા એક બાળકે સમજવી, ગ્રહણ કરવી કેટલી અઘરી હશે તેનો અંદાજ આપણને આ ઉપરથી આવી શકે. વળી, આ બધી વ્યવસ્થા બાળક સમજે, પણ તેનો ઉપયોગ કરીને તેમાં જ પોતાના વિચારોને વ્યક્ત કરતાં તેને વધારે સમય લાગે છે.

હવે આપણે એ પણ જોઈએ કે માતૃભાષાની આ આખી વ્યવસ્થા બાળક કેવી રીતે ગ્રહણ કરતો હોય છે.

બાળક ૩ મહિના જેટલું હોય ત્યારે તો હજી તે ફક્ત અવાજો સાંભળે છે, માતાનો અવાજ (અથવા ખૂબ નિકટતમ વ્યક્તિનો અવાજ) ઓળખે પણ છે, બીજા બધાનો અવાજ સાંભળે છે, સાંભળવાની ક્ષમતાનો વિકાસ કરતું રહે છે, અને, ફક્ત થોડાક જ અવાજો કાઢતું હોય છે.

જેમ જેમ બાળક મોટું થાય, તેમ તેમ, ‘માનવ જે બધા ધ્વનિઓ કાઢી શકે તે બધા જ ધ્વનિઓ કાઢવાનો’ બાળક પ્રયત્ન કરતું હોય છે. આ ધ્વનિઓ તેની આસપાસની ભાષામાં હોય કે ન પણ હોય. તે એકસરખું મોઢામાંથી કોઈ ને કોઈ ધ્વનિ કાઢતું રહે છે – ‘કકકક’ ‘બબબબ’ વગેરે વગેરે.

૬થી ૯ મહિનાનું બાળક પોતાની આસપાસના વ્યક્તિઓનો અવાજ ઓળખવા લાગે છે. બાળક હવે ધીરે ધીરે સમજવા લાગે છે કે આ માણસની વસ્તીમાં દરેકે દરેક વસ્તુ માટે ધ્વનિઓનો બનેલો એક સંકેત લોકો વાપરે છે. આ સંકેતો તે સમજવાની શરૂઆત કરી દે છે. તેની સાથે બોલાતા વાક્યોમાંથી શબ્દોને પકડવાની, તે શબ્દોથી સંકળાયેલી વસ્તુઓ કે ક્રિયાઓ સમજવાની શરૂઆત તો તેણે કરી જ દીધી હોય છે.

૯-૧૨ મહિનાનું બાળક તેની આસપાસના લોકોમાં બોલાતી ભાષાના ધ્વનિઓ – એટલે કે તેને સંભળાતા ધ્વનિઓ તરફ વધારે ધ્યાન આપે છે અને પોતાની ભાષાકીય કાબેલિયત પ્રાપ્ત કરવા માટે તે હવે બીજા ધ્વનિઓને ભૂલવા માંડે છે. સાથે જ હવે તે પણ ભાષાની સાંકેતિક ક્ષમતાનો ઉપયોગ કરવાનું, બહાર જવા માટે ‘બાબા બાબા’ પપ્પા માટે ‘પાપા પાપા’ કે ખાવા માટે ‘મમ મમ મમ’ વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. પણ આ સાથે, અભાનપણે તેનું મગજ તેની આજુબાજુ સંભળાતી ભાષાનું પૃથ્થક્કરણ કરતું રહે છે. પોતાની આસપાસ સંભળાતી બોલાતી ભાષાને અભાનપણે તે ગ્રહણ કરતું હોય છે.

જેમ જેમ બાળક મોટું થતું જાય છે, તેમ તેમ તે ભાષાની રચના, તેમાં કયા શબ્દો ક્યાં આવે, સવાલ કેવી રીતે કરાય, જવાબ કેવી રીતે અપાય, કોઈને આજ્ઞા કેવી રીતે અપાય વગેરે રચનાકીય દરેકે દરેક સ્તરનું પૃથ્થકરણ તેનું મગજ કરતું હોય છે. તેની સમક્ષ આવતા શબ્દો, તેના અર્થ વગેરે પણ આ સાથે ગ્રહણ કરતું હોય છે. એક શબ્દનું બનેલું વાક્ય, બે શબ્દોનું બનેલું વાક્ય એમ ધીરે ધીરે નાના વાક્યોથી શરૂઆત કરીને મોટા વાક્યો સુધી પહોંચે છે. ત્રણ વરસની ઉંમરે તેનું શબ્દભંડોળ ૫૦૦થી ૨૦૦૦ શબ્દો જેટલું વિસ્તરી જાય છે.

ત્રણ સાડા ત્રણ વર્ષની ઉંમરે બાળકે પોતાની સમક્ષ બોલાતી રહેલી ભાષાની રચના આત્મસાત કરી લીધી હોય છે, બાળક હવે નવા શબ્દો શીખતો જાય છે, ક્રિયાઓ માટેના વિવિધ શબ્દો શીખતો જાય છે. પોતે આત્મસાત કરેલી રચનામાં વિવિધ શબ્દો મૂકીને પોતાના વિચારો રજૂ કરતા શીખી ગયો હોય છે, ક્યારેક રચનાકીય દૃષ્ટિએ સાચી, પણ મોટાઓની ભાષામાં ઉપયોગમાં ન લેવાતી એકાદ ભાષારચના બાળક કરે દા.ત. ‘સિંહ-સિહંણ, વાઘ-વાઘણ’ પ્રમણે જ ‘બળદ-બળદણ’ કરે, ત્યારે તેને મળતા પ્રતિભાવોને નોંધી, તે ભાષાના ઉપયોગને સુધારતો-મઠારતો ચાલે છે. ભાષાકીય ઉપયોગ પણ શીખતો જાય છે, જેમ કે, મહેમાનને ‘તમે ક્યારે જશો?’ એમ ન પૂછાય. કઈ પરિસ્થિતિમાં શું બોલાય, ક્યારે શેનો અર્થ શું થાય, વગેરે ભાષાના વિવિધ ઉપયોગો શીખતા શીખતા તેને ઘણાં વર્ષો લાગે છે. જેમ જેમ તેની સમક્ષ ભાષાના નવા નવા ઉપયોગો આવે તેમ તેમ બાળક તે શીખે છે.

આમ, વિચારી તો જૂઓ કે એક ભાષાને આત્મસાત કરી પોતે તેને સારી અને યોગ્ય રીતે સમજી, બોલી, પોતાના વિચારો વ્યક્ત કરી શકે, તે માટે એક બાળકે – તેના કુમળા મગજે કેટકેટલી મહેનત કરવી પડતી હશે?

એક બાળક ત્રણ વર્ષ સુધી તો ઘરમાં જ વધારે રહેતો હોવાથી, ઘરના સભ્યો દ્વારા બોલાતી ભાષા, તેની રચના, તેના શબ્દો શીખે છે, જે તેની માતૃભાષા કે પહેલી ભાષા કહી શકાય. બાળક ઘરની બહાર જવા લાગે તો પોતાની આસપાસ બોલાતી ભાષા પણ અભાનપણે શીખતો જાય છે. હવે, આ પરિસ્થિતિમાં વિચારીએ કે જો બાળકને ૨-૩ વર્ષની ઉંમરે પોતાના ઘરમાં બોલાતી ભાષા કે પોતાની આસપાસ બોલાતી ભાષાથી અલગ એવી પરભાષામાં એટલે કે બાળકે જે ભાષા હજી જરાય આત્મસાત નથી કરી અથવા તો સાવ જ થોડા અંશે આત્મસાત કરી છે તે ભાષામાં શિક્ષણ આપવામાં આવે તો શું થાય?

બાળકને આ પરભાષા આવડતી નથી, તે ભાષાના ધ્વનિઓ, ધ્વનિઓની રચના, તેના શબ્દો, શબ્દોના અર્થો, પદો, પદોના અર્થો, વાકય રચના, પ્રશ્ન, આજ્ઞા, તેના અર્થો, તેના વપરાશની પરિસ્થિતિઓ, સાદો અર્થ, ગૂઢાર્થ એમ દરેકે દરેક સ્તર આવડે ત્યારે જ ભાષા આત્મસાત થઈ કહેવાય. તેને આ નવી ઈતરભાષા સાવ નવેસરથી શીખવી પડે છે.

ત્રણ વર્ષ માતૃભાષાને સમજ્યા બાદ અચાનક એક તબક્કેથી ઈતરભાષા વ્યવહારમાં આવવા લાગે, ઈતરભાષામાં શિક્ષણ અપાવવા લાગે તો બાળકનું મગજ એ અન્ય ભાષાની રચનાને સમજવામાં વ્યસ્ત થાય, વળી શબ્દો પણ નવા હોય, એટલે તેમનો અર્થ પણ ન સમજાતો હોય એટલે બાળકનું મન ફરી એ બધું સમજવામાં અટવાઈ જાય છે.

વળી, પરભાષા બાળકના શિક્ષણનું માધ્યમ બને છે ત્યારે તેને આત્મસાત કરવા માટે બાળકે માતૃભાષાથી વિપરિત અભાનપણે નહિ પણ સભાનપણે પ્રયત્ન કરવો પડે છે; કારણકે, તે સાંભળી સાંભળીને આ ભાષા શીખી શકે તેટલા પ્રમાણમાં આ ઇતરભાષા તેની આસપાસ બોલાતી નથી કે નથી તેને એટલા બધા પ્રતિભાવો મળતા. વળી, વર્ગમાં પણ ૩૦-૪૦ બાળકો હોય, શિક્ષક દરેકની ભાષાને પ્રતિભાવ આપવા જાય તો જે તે વિષય ક્યારે ભણાવે?

આ બધામાં એ ભાષા દ્વારા શીખવાતા વિષયની સમજણ તો એક સરેરાશ બાળક માટે દૂરની વાત થઈ જાય છે. આ ઇતરભાષામાં અન્ય વિષયોનું પણ શિક્ષણ મેળવવાનું હોય, તેમાં જ જવાબ લખવાનો હોય. પણ હજી તો બાળકનું મગજ આ ભાષા સાંભળીને, તેનો રચનાકીય અર્થ સમજવામાં ને તેના નિયમો તારવવામાં રહેલું હોય, ત્યાં તે કેવી રીતે ઇતરભાષામાં શીખવાડાતા વિષયને સમજી શકે? તેનું નાનું મગજ ક્યાં ક્યાં દોડે અને કેટલું દોડી શકે? અને પછી ન સમજી શકે એટલે ટ્યુશન, અને ગોખણપટ્ટી સિવાય કયો આધાર રહે?

કેટલાક બાળકોમાં ‘ભાષા’ તરફ એક રુચિ હોય છે, તેવા બાળકો થોડીક વધારે ઝડપથી નવી ભાષા શીખી લે છે, પણ, તે છતાં, તેઓ પણ માતૃભાષામાં જેટલી સહેલાઈથી પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હોય છે, તેટલી સહેલાઈથી ઇતર ભાષામાં વિચારો વ્યક્ત કરી શકતા નથી.

આમ, બાળકની બાલ્યાવસ્થામાં જ આપણે બાળકને સારું, શ્રેષ્ઠ આપવાના ખ્યાલમાં જ કેટલો બધો બોજો બાળક પર લાદી દઈએ છીએ અને બાળકનું કેટલું અહિત કરતા હોઈએ છીએ એની કોઈ ગણતરી પણ શક્ય નથી.

આ બધો જ માનસિક ત્રાસ એક બાળક ઉપર આપણે લાદીએ છીએ,  ઇતર ભાષામાં શિક્ષણ આપીને. આ ઇતર ભાષા જો અંગ્રેજી હોય તો??? આપણે આવતા અઠવાડિયે ‘ભારતીય ભાષી બાળકો માટે માધ્યમ તરીકે અંગ્રેજી ભાષા કેમ વધારે મુશ્કેલ બને છે’ તે ઉદાહરણ સાથે જોઈશું…

એ કહી ગયાઃ

જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા સિવાયનો શીખવતી નથી. વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય.

– ચંદ્રકાન્ત બક્ષી.

X
X
X