ભાષાઃ એક જીવી શકાતો ઇતિહાસ…
પણ આપણે જીવતા નથી…
માણસ જન્મે છે અને પશુ જન્મે છે તે બે-માં શું ફરક હોય છે? અનેક, પણ એક અત્યંત મહત્વપૂર્ણ ફરક એ કે માણસ ભાષા સાથે જન્મે છે. જેની સેંકડો પેઢીઓ ચિતા પર બળી ગઈ છે તે મનુષ્યનું નવજાત શિશુ દુનિયામાં પ્રવેશે છે ત્યારે તેની પેઢીઓનો વારસો, સદીઓના સંસ્કાર… તેની ભાષા તેને આપે છે. સદીઓથી એક જ પરંપરા કેવી રીતે ચાલી આવી શકે છે? એ ભાષા વગર સંભવ છે? માનવ એકવીસમી સદીમાં પ્રકૃતિની બરાબરી કરતું સર્જન કરવા સમર્થ બન્યો છે તે વિકાસગાથા ભાષા વગર ક્યાં અટકેલી હોત? શું કલ્પી શકો છો? ભાષાના અવિષ્કાર વગર માણસની પ્રગતિનો ગ્રાફ હજી ક્યાં સુધી પહોંચ્યો હોત? એક વાંદરો બીજા વાંદરાને શબ્દોની સહાનુભૂતિ નથી આપી શકતો, કોઈ કુતરો બીજા કુતરાને પોતાના માણસ સાથેના સારાનરસા અનુભવો બયાન નથી કરી શકતો, કોઈ પણ પશુ તેની પશુપંચાયતમાં માનવઅત્યાચાર સામે ફરિયાદ નથી નોંધાવી શકતું… આવી પશુપંચાયતનું સર્જન પશુઓ માનવ પહેલાંના પૃથ્વી પર હોવા છતાં નથી કરી શક્યાં… કેમ? ફક્ત બુદ્ધિ જ કારણભૂત છે?
ભાષા, સંપર્ક, વાતચીત, ચર્ચા… શબ્દો… કદાચ માનવ મગજની મૂળ પેદાશોની ભૂમિ તૈયાર કરનારી આ શોધોને સર્વોચ્ચ સ્તર અપાય તો એમાં કંઈ ખોટું નથી.
પછી… ભાષા કોઈ પણ હોઈ શકે… અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, મલયાલી, બંગાળી, તમીળ, હિબ્રુ… કે ઝોક્યુ-યાપાનેકો, લિમરિજ, તૌશિરો, તાનિમા, ચામીકુરો, લિકિ, કાવાસ્કર, વિન્ટુ-નોમ્લાકી, ટિનિગુઆ, ટોલોવા, વિલેલા, વોલોવ… અરે ભાઈ હા… આ બધાં પણ ભાષાઓનાં જ નામ છે. એ સર્વેનો ઉલ્લેખ સકારણ-હેતુપૂર્વક કરાયો છે… આમાં હિબ્રુ પછીનાં જે બાર નામો લખ્યાં છે તે વિશ્વની એવી ભાષાઓનાં છે જેના હયાત ભાષકો હવે દસ કરતાં પણ ઓછી સંખ્યામાં છે, આજે એવી લગભગ કુલ બસો ભાષાઓ છે જેના ભાષકોની સંખ્યા દસ કરતાં ઓછી છે. એટલે કે આ ભાષાઓની છેલ્લે ઘડીઓ ગણાઈ રહી છે. વિશ્વભરમાં અત્યારે આ ચર્ચા જોરમાં છે, કેટલીય ભાષાઓ વિનાશને આરે ઊભી છે,… યુનેસ્કો અને બીજી સંસ્થાઓ આ દિશામાં સન્માનીય રીતે કાર્યરત છે.
ભાષા કેટલી ઉઁમર લઈને જન્મે છે? ભાષાની કેટલી ઉંમર હોવી જોઈએ? કોઈ નક્કી કરી શકે છે? ભાષા જેટલું આત્મનિર્ભર માનવતત્ત્વ બીજું કોઈ છે ખરું? તમે જે ભાષા સાથે જીવો છો… એની ખરી રોમાંચકતા ખબર છે? એ ભાષા… એ શબ્દો… એ વાક્યરચનાઓ, રૂઢિપ્રયોગો, સંજ્ઞાઓ, સમાસો… એ ભાષાની લઢણ, ઢાળ… એ ઉચ્ચારો… મહદંશે સદીઓને સર કરીને પણ એમ ના એમ હોય છે. ભાષા એકમાત્ર જીવાતો ઇતિહાસ છે એવું મારું માનવું છે. શું એ કલ્પના માત્ર રોમાંચિત નથી કરી દેતી કે જે “કેમ છો?””મજામાં” આપણે બોલીએ છીએ એ જ “કેમ છો?””મજામાં” નરસિંહ મહેતા પણ બોલતા હતા… નર્મદ પણ બોલતા હતા… અને ગાંધીજી પણ બોલતા હતા… આટલી વ્યાપક, આટલી ઐતિહાસિક, આટલી સમર્થ અને એટલી જ પ્રસ્તુત અનુભૂતિ બીજી કઈ હોઈ શકે?
ગુજરાતી વિશે ચિંતા કરવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે એ પણ કરશું પરંતુ હમણા તો એને પ્રેમ કરી લેવો જોઈએ એવું નથી લાગતું?
દર વર્ષે નવરાત્રી પસાર થઈ જાય છે, તેમાં સૌથી વધારે સંવેદના ઝંકૃત કરતું તત્વ કયું? તો કે ગરબાનો લયઢાળ… ભલે આપણે નાચવા ન ગયા હોઈએ પણ આ સમયગાળામાંથી પસાર થતા જ મનમાં ક્યાંક ને ક્યાંક “ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી…” ચાલ્યું હોય અને આ “વાત ખાનગી” આપણે કોઈને કહેતા નથી… નવરાત્રીનો સમય ગુજરાતીયતને મનાવવાનો છે. નવરાત્રી સંપૂર્ણપણે ગુજરાતી જ બની રહે છે, વલસાડમાં ઉજવાતી હોય કે પછી તે લંડનમાં ઉજવાતી હોય છે ત્યારે પણ. આપણને ગુજ્જુ કહી વેપારી માનસ માટે વગોવતા બિનગુજરાતીઓની જીભે પણ “ઓઢણી ઓઢું તો ઊડી ઊડી જાય…” તમને સાંભળવા મળ્યું જ હશે… ગુજરાતી ગીતો જનમાનસમાંથી અને ગરબા, નવરાત્રી, ચરરર ચરરર મારું ચગડોળ ચાલે… વગેરે-ને ગુજરાતી કુંડાળામાંથી બહાર ખેંચી કાઢવા અશક્ય છે… આ આપણી ભાષાએ આપણને આપેલો વારસો છે… અબજોની સંપત્તિ છે, આપણું વિશ્વવારસો-વર્લ્ડહેરિટેજ નહીં, વારસાનું વિશ્વ-હેરિટેજવર્લ્ડ છે, જીવાતો ઈતિહાસ છે… ફક્ત જીવાતો જ નહીં જીવી જનારો ઇતિહાસ.
અને આજે સ્ટેજ પર ગાવા ઈચ્છતા દરેક સિંગરે પ્રોફેશનલ બનવા માટે ગુજરાતી શીખી જ લેવું પડે છે… કારણ, એની દુકાન ગુજરાતી ગીતો ગાયા વગર ચાલવાની નથી. આપણી ભાષાની આ સત્વશીલતાને સત્કારવાનો કોઈને સમય છે ખરો? તેની સલામી આપણા પરંપરાગત કવિઓને, સંગીતકારોને જાય છે… સંજય લીલા ભણશાળી જેવા ગુજરાતી ફિલ્મમેકર પણ ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવવામાં થાપ ખાઈ ગયા છે, થોડા મહિના પહેલાં ઝવેરચંદ મેઘાણીનું લોકપ્રિય ગીત… (મૂળ રવીન્દ્રનાથના ગીતનો ગુજરાતી અનુવાદ) “મન મોર બની થનગાટ કરે…” તેમણે પોતાની ફિલ્મમાં વાપર્યું પણ તેમાં મૂળ અને અનુવાદક કવિનો ક્યાંય ઉલ્લેખ ન કરી શક્યા… તેમની માટે એ ગીત એક “પ્રસિદ્ધ પરંપરાગત લોકગીત” માત્ર જ હતું. (બીચારા મેઘાણીજી, એમણે આ ગીતનો જ્યારે 1942માં અનુવાદ કર્યો ત્યારે આગળ જતા કોઈ કોપી રાઈટ નામનો ગુણધર્મ વિકસવાનો છે એનો ખ્યાલ ક્યાંથી હોય?)
અફસોસ કે આ ગુજરાતી ભાષામાં બને છે. એક જ વ્યક્તિ, ભણશાળીસાહેબ જ, બે બે ગુજરાતી સાહિત્યવીરોની અવગણના એક જ સમયગાળામાં કરી જાય છે( ટીવીસિરિયલ સરસ્વતીચંદ્ર, ગો. મા ત્રિપાઠી, મૂળકૃતિને સંપૂર્ણ અન્યાય… સમાચાર સૌએ સાંભળ્યા હશે…) અને આપણી પ્રજાને કુંભકર્ણની બાકી રહી ગયેલી ઊંઘ પૂરી કરવામાં, શેરબજારનું લિસ્ટિંગ ચેક કરવામાં અને વળતર ગણવામાંથી ફૂરસદ નથી.
એટલે ગુજરાતીને પ્રેમ કરવામાં મસ્ત અમારા જેવાઓને પણ આ સમયમાં ન છૂટકે ભાષાની ચિંતા કરવા મંડવું પડે છે. ભાષા વિશે અમે હવે કશુંક વધાર પડતું લખી રહ્યા છીએ એવું પણ એકાદ બે મિત્રોનું કહેવું છે… પણ શું કરીએ આ ભાષા… આ ઈતિહાસને જીવાતા આનંદને શબ્દકાય આપવાની લાલચ ટળતી નથી અને અમુક કિસ્સાઓમાં લખ્યા સિવાય કળ વળતી નથી.
બીજી એક મહત્વની વાત કરવી છે લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાની. તાજેતરમાં જ તેમણે જે સર્વેનાં પરિણામો બહાર પાડ્યાં એમાં ઘણી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી.
એક તો 1950થી લઇને અત્યાર સુધી ભારતમાં ઓછામાં ઓછી 250 જેટલી ભાષાઓ નાશ પામી છે… અને બીજું ભારતનું ભાષા વૈવિધ્ય આપણે સત્તાવાર રીતે જેટલું દર્શાવાયું છે એનાથી ઘણુ વધારે છે.
આજે ભારતમાં 780 ભાષાઓ છે, જેમાંથી 122 સત્તાવાર સરકારી માન્યતા પ્રાપ્ત છે. ભાષા વૈવિધ્યમાં ભારત વિશ્વમાં નવમા સ્થાને છે. ઘણી ભાષાઓ નાશ પામવાના ભય હેઠળ પણ ટકી રહી છે. અમુક આંતરરાષ્ટ્રીય સૂત્રોની ગણતરી પ્રમાણે ભારતમાં 198 ભાષાઓ નાશ થવાના ભય સાથે જીવી રહી છે, જે વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધારે છે.
બીજી બાજુ હિન્દીની વિકાસયાત્રા જારી છે. અત્યારની પ્રગતિ જોતા 2100 સુધીમાં વિશ્વભરમાં અંગ્રેજીભાષી લોકો અને હિન્દીભાષી લોકોની સંખ્યા સરખી હશે એવું કહેવાય છે. ભારતની કુલ વસ્તીના 41.03 ટકા લોકો હિન્દી બોલનારા છે, જેમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં છે. બીજા ક્રમે બંગાળી ભાષા ભારતની કુલવસ્તીમાંથી 8.11 ટકા સાથે છે. તેલગુ 7.19 ટકા સાથે ત્રીજા અને મરાઠી 6.99 ટકા સાથે ચોથા ક્રમે છે. આ યાદીમાં ગુજરાતી 4.48 ટકા સાથે ભલે છેક સાતમા ક્રમે છે પણ તે ભારતની કુલ લોકવસ્તીમાં ગુજરાતીઓની સંખ્યા તપાસતા તેનો ક્રમ શ્રેષ્ઠ ન ગણાય?
એક વાત સ્વીકારવી પડે કે ભાષા પણ કાળ અને સમયનું જ સંતાન છે, એક ને એક દિવસે કાળ ફરી તેને પણ ગર્ક કરી જશે, જેમ વિશ્વની અનેક ભાષાઓને કરી ગયો છે, અનેક પ્રજાતિઓની વિલુપ્તી થઈ ગઈ છે… નગરો ગુમ થઈ ગયા છે,,, સંસ્કૃતિઓ ડૂબી ગઈ છે… ભાષા પણ ઇતિહાસથી અલગ નથી. પરંતુ પહેલાં કહ્યું એમ એ ઇતિહાસનું સૌથી રસપ્રદ પાસુ છે, તે પોતે જ ઈતિહાસ છે… જીવાતો ઈતિહાસ… હું માણી રહ્યો છું… તમે પણ માણો છોને ઈતિહાસની રોચક સફર?
– અસ્તુ.
– સુનીલ ગુજરાતી
– અંતરંગ સામાયિકમાંથી સાભાર