બાળકના જીવનને સંસ્કારોથી શણગારવાનું છે અને તેની માટે જરૂરી છે શિક્ષણ. જીવનને સદ્ગુણો અને સંસ્કારોથી સમૃદ્ધ કરનારી પહેલી વ્યાસપીઠ છે, માતાની કૂખ. એવું કહેવાય છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. આપણી સંસ્કૃતિમાં અભિમન્યુથી લઈને શિવાજી સુધીના અનેક દાખલા છે, જેમણે માતાના ગર્ભમાંથી શિક્ષણના સંસ્કાર મેળવવાનાં શરૂ કર્યા છે. અભિમન્યુએ ચક્ર્વ્યૂહના કોઠામાં પ્રવેશ કરવાનું જ્ઞાન માતાના ગર્ભમાં મેળવ્યું તો શિવાજીએ ‘પેટમાં પોઢીને સાંભળેલી, રામ-લક્ષ્મણની વાત’ના સંસ્કારો જીવનમાં ઊતાર્યા. આમ, બાળકને એના જીવનનું પ્રથમ જ્ઞાન – પહેલું શિક્ષણ એના કુટુંબમાંથી મળે છે. જો કે,આજની બદલાયેલી શિક્ષણ પદ્ધતિમાંપણ, માતાપિતાનો ફાળો જરાય નાનોસૂનો હોતો નથી.
બાળપણમાં બાળકોના શિક્ષણની જવાબદારી બાળકના માતાપિતા અને કુટુંબની હોય છે. બાળક થોડું મોટું થાય અને શાળામાં જવાનું શરૂ કરે ત્યારે તેની દુનિયા વિશાળ બને છે. હવે તેની દુનિયામાં કુટુંબ ઉપરાંત શાળાનાં શિક્ષકો અને બીજા બાળકો પણ ઉમેરાય છે. બાળક હવે ઘણી નવી નવી વસ્તુઓ શીખે છે અને તેના વ્યક્તિત્વનાં ઘડતરમાં શાળા એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેનું કયું વર્તન સમાજમાં સ્વીકાર્ય છે અને કયું નહિ તેની જાણકારી પણ તે શાળામાંથી પ્રાપ્ત થતાં વાતાવરણમાંથી મેળવે છે અને ધીમે ધીમે બાળક એ દિશામાં ઘડાય છે.
જો કે, ઔપચારિક શિક્ષણના આ ગાળામાં પણ કુટુંબ દ્વારા મળતાં શિક્ષણ કે સંસ્કારોનું યોગદાન જરાય ઓછું થતું નથી. આથી, બાળકનાં શિક્ષણનાં મુખ્ય બે પાયા- કુટુંબ અને શાળા દ્વારા બાળકોના શિક્ષણ માટે અપનાવાતી પદ્ધતિઓ પરસ્પર વિરોધી ન હોય તે ખૂબ જરૂરી છે. ખરેખર તો, બાળકનું ઔપચારિક શિક્ષણ,શિક્ષકો અને વાલીઓ – બંનેની સહિયારી જવાબદારી બની રહે છે, જે દ્વારા બાળકનો પરિપૂર્ણ વિકાસ શક્ય બને. તેની માટે શાળાનાં શિક્ષકો અને બાળકોનાં વાલીઓ વચ્ચે વિચાર વિનિમય થાય તે અતિ આવશ્યક છે. તે માટે વાલીઓએ પણ બાળકોના શિક્ષણમાં રસ લઈ, તેની જવાબદારી સ્વીકારવી જોઈએ.
વાલી-શિક્ષક સભા દ્વારા શિક્ષકોની સાથે વાલીઓ ભેગા મળી, શાળા અને શાળામાં અપાતાં શિક્ષણને નવી ઊંચાઈએ પહોંચાડી શકે, તે માટે તેઓ નીચે મુજબ કાર્ય કરી શકે છે:
- શાળા અને શિક્ષણની પ્રગતિ માટે વાલીઓના મત દર્શાવવા, અને શાળાની મુખ્ય સમસ્યાનો ઉકેલ શોધવો.
- બાળકોના શિક્ષણ અને કલ્યાણ માટેની માહિતી અને સંશોધનની વાલીઓ અને શિક્ષકો વચ્ચે આપ-લે કરવી.
- વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અનુભવાતી મુશ્કેલીઓનો ઉકેલ શોધવો.
- મેનેજમેન્ટ સમક્ષ વાલીઓના પ્રતિનિધિત્વ દ્વારા હકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપવું.
- વાલીઓ અને શિક્ષકો વચ્ચે સહયોગ જાળવવો.
- શાળામાં બાળકોને શીખવવામાં આવતાં સ્વચ્છતા, નિયમિતતા, એકતા જેવાં મૂલ્યોને ઘરમાં પણ પ્રોત્સાહન આપવું.
- શાળાની વાર્ષિક યોજના માટે સાથે મળીને કામ કરવું.
- પોતાની આવડત મુજબ, વાલીઓએ શાળાના વિદ્યાર્થીઓની પ્રગતિ માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવું.
- વધારે સુવિધાવાળી મોંઘીદાટ શાળાઓમાં બાળકને મૂકવાને બદલે, માતૃભાષાની શાળાઓના વિકાસ માટે શક્ય એટલું આર્થિક યોગદાન આપવું અને તે દ્વારા બાળકોને સારી સુવિધાઓ અને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરાવવું.
માતૃભાષામાં ભણતા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ સારું અને સાચું શિક્ષણ તો મળે જ છે, જે દ્વારા બાળકોની સર્જનાત્મકતાનો પૂરેપૂરો વિકાસ શક્ય બને છે અને તે એક સારો માણસ બનવાના ગુણો પણ કેળવે છે. આ કાર્યમાં જો વાલીઓનો સહયોગ મળે, તો જાણે સોનામાં સુગંધ ભળે.
આજે, મુંબઈની કેટલીક ગુજરાતી માધ્યમની શાળાઓમાં વાલીઓના સહયોગથી અનેક મહત્વનાં કાર્યો થઈ રહ્યાંછે.
મુંબઈની એક શાળામાં, અત્યાર સુધી ઘણાં વાલીઓ,શાળા અને સંચાલકો પાસે મફત શિક્ષણ મેળવવાની આશા રાખતાંહતાં. પરંતુ, આ વર્ષે વાલી-શિક્ષક સભા દ્વારા શક્ય હોય તેટલાં વાલીઓને ફી ભરવા માટે આહ્વાન આપવામાં આવ્યું. અને ખરેખર, એનું આશ્ચર્યકારક હકારાત્મક પરિણામ જોવા મળ્યું. મોટા ભાગનાં બધાં વિદ્યાર્થીઓનાં વાલીઓ ફી ભરી ગયાં. આને લીધે જે ખરેખર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે, તેમને પૂરતી મદદ થઈ શકી. કેટલાંક વાલીઓ મફત શિક્ષણ માટે મદદ લેવાને બદલે એમ કહી ગયાં કે અમને ફી માફીની જરૂર નથી, પણ જેમને જરૂર છે, તેવા વાલીઓને તમે એ પૈસાથી મદદ કરો. આમ, વાલીઓમાં અરસપરસ અને શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે પણ એક સહકારની ભાવના જન્મી છે.
આમ પણ,ગુજરાતી માણસ જો ઈચ્છે, તો તે પૈસાનું ભંડોળ ઊભું કરી જ શકે. સારાં કાર્યો માટે મદદ કરનારાં પણ અનેક લોકો આગળ આવે. પણ આ શાળાના વાલીઓએ તો ખુમારીપૂર્વક પોતાનાં બાળકોની ફી ભરવાનું બીડું ઝડપી લીધું છે. આ શાળામાં દૂરદૂરના વિસ્તારમાંથી આવતાં વિદ્યાર્થી માટે ક્ષુલ્લક દરે બસ સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ઘણાં લોકો પાસેથી પૈસાની મદદ મળી છે. વળી, એ સાથે એમાં વાલીઓનો પણ અદ્ભુત સહયોગ જોવા મળ્યો છે. વાલીઓએ બસની સુવિધા માટેની બીજી બધી જવાબદારીઓ, ભેગાં મળીને ઉપાડી લીધી છે. જે પ્રમાણે, શાળા સુધી બસમાં બાળકોને લાવવા અને લઈ જવા માટે દરરોજ કોઈને કોઈ વાલી બસમાં હાજર રહે છે. આને પરિણામે, વિદ્યાર્થીઓ નિયમિતપણે શાળામાં આવતાં થયાં છે અને તેમની ગેરહાજરીનું પ્રમાણ ઘટયું છે, જે એક આવકારદાયક બાબત છે.
શાળામાં આખા વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ માટે અનેક પ્રવૃત્તિઓ થાય છે. પણ એ માટેની તૈયારી માટેનો ખર્ચ બધાને પરવડી શકે એમ હોતો નથી. પરંતુ, એક શાળામાં દર વર્ષે ઉજવાતાં વાર્ષિક મહોત્સવ કે અન્ય કાર્યક્રમોમાં બાળકોને તૈયાર કરવાની જવાબદારી કેટલાંક વાલીઓ વિના મૂલ્યે ઉપાડી લીધી છે. તેઓ આશરે ૨૫૦ જેટલાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે મેક અપ કરી આપે છે. એ જ પ્રમાણે, એક શાળાના બી.એ. ભણેલાં એક વાલી ચિત્રકામની આવડત ધરાવે છે. વિદ્યાર્થીઓને ચિત્રકામની સ્પર્ધા માટે તૈયાર કરવા માટેતેઓ વિના મૂલ્યે મદદ કરે છે.
દહીંસરની એક શાળામાં વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સાથે મળીને છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલયોની વ્યવસ્થા ઊભી કરી છે.
મુંબઈની ઘણી ગુજરાતી શાળાઓમાં વાલીઓ અને શિક્ષકોના સહિયારા સહયોગથી ઉનાળાની રજાઓમાં અને ચાલુ શાળાએ શનિ-રવિ વારે બાળકો માટે અંગ્રેજી બોલવાના વર્ગો શરૂ થયા છે. આના પરિણામે, વિદ્યાર્થીઓમાં અંગ્રેજી બોલવાનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ આજની દુનિયામાં બધાંની સાથે આગળ વધી શકે છે.
આજના જમાનામાં બાળકોની કેળવણી અંગે સુસજ્જ એવા વાલીઓને આહ્વાન છે કે તેઓ શિક્ષણની પ્રક્રિયામાં રસપૂર્વક ભાગ લઈ, પોતાનાં જ બાળકોની શિક્ષણની પ્રગતિ માટે કાર્યરત બને. વધારે ને વધારે શાળાઓમાં જો વાલીઓનો જો આવો સહયોગ મળતો રહે, તો ગુજરાતી શાળાઓ અને તેના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિનાં સોપાનો સર કરતાં રહેશે.