૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

આપણે જોઈ રહ્યા છીએ કે ચારે તરફ સામાજિક, ધાર્મિક, રાજકીય (અને હવે તો જ્ઞાતિગત) સંગઠનોની મોટાપાયે હોહા મચી છે. આ બધાં સંગઠનો સંસ્કૃતિના-દેશના હિતરક્ષક હોવાનો, લોકહિતમાં કાર્ય કરતાં હોવાનો દાવો કરે છે અને પોતપોતાનાં ક્ષેત્રમાં ભૌતિક રીતે કાર્યરત પણ રહે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ બધાં સંગઠનો માત્ર પોતપોતાની વિચારધારા અને માન્યતાઓના પ્રચાર-પ્રસારને બદલે અથવા એની સાથે સાથે, સમાજવિકાસના મૂળમાં રહેલાં માતૃભાષાના માધ્યમથી બાળશિક્ષણ ને યુવાનોના ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કેમ ન કરે? આમ તો એ બધાં સંગઠનો મોટાભાગે સાંસ્કૃતિક વારસાને સાચવવાના પક્ષકાર હોય છે, પણ તે માટેનાં પાયાકીય પ્રયત્નો કરવાને બદલે ઉપરછલ્લાં કાર્યો કરીને સંતોષ માની લે છે.

બીજી વાત આપણા ધાર્મિક-સાંસ્કૃતિક સાહિત્યની, એમાં જે મૂળ તત્વ રહેલું છે, તે અંગ્રેજી જેવી બીજી ભાષામાં રૂપાંતરિત થાય ત્યારે એના મૂળ સ્વરૂપમાં જ બની રહે છે કે કેમ એ પ્રશ્ન મહત્વનો છે. પાછલી અનેક પેઢીઓનું સાંસ્કૃતિક ઘડતર કરનારી આપણી અનેક લોકવાર્તાઓના આજે ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદો વાંચીએ ત્યારે સમજાય છે કે આ તો કથાનો અનુવાદ થઈ ગયો, પણ કથાસાર તો ક્યારેય અનુવાદિત થઈ શકશે એમ નથી લાગતું. ‘ચકી-બેન’ જેવા સંબોધન પાછળ માત્ર ચકલીને બોલાવાની વાત તો વાર્તાનો ભાગ છે, પણ ચકલી સુદ્ધાંને ‘બેન’ કહેવા પાછળનો બંધુત્વભાવ આપણી સંસ્કૃતિનો પાયો છે.(ઉંદરમામા, સૂર્યદાદા વગેરેવગેરે.) એનો અનુવાદ સન-અંકલ કે માઉસ-અંકલ થયો તોય શું? એવા શાબ્દાનુવાદો થાય, પણ ભાવાનુવાદો મુશ્કેલ છે, જે અનુવાદો ભણનારા માટે વધારે ઘાતક ને કંટાળાજનક બની શકે. ચેતવણી એ માતાપિતાઓ માટે પણ છે કે જે બધાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવતાં-ભણાવતાં માત્ર શનિ-રવિવારે કે અન્ય રજાના દિવસે પાઠશાળા કે સાંસ્કૃતિક-ધાર્મિક કેન્દ્રોમાં મોકલીને સંસ્કૃતિ-સંસ્કાર સાથે જોડાયેલા હોવાનો ભ્રમ પાળે છે. તેમણે સમજવું જોઈએ કે માતૃભાષા વગર એ કાર્ય એક પૈડે રથ દોડાવવા જેવું છે. અંતે એ બાળક માટે ફક્ત બોજારૂપ  બની રહે છે.

જોકે ‘બધું બળતું હોય ત્યાં જે બચ્યું એ સોનુ’ના ભાવથી કાર્યરત આવાં કેટલાંક કેન્દ્રો આમ ભલે ધન્યવાદને પાત્ર ગણાય, પણ એ કાર્યો અપૂરતાં-અધકચરાં છે. કહેવાય છે કે અધૂરું જ્ઞાન વધારે જોખમી છે, એમ આ રીતની અધકચરી સંસ્કૃતિરક્ષા સંસ્કૃતિને વધારે નુકસાનદાયી સાબીત થઈ રહી છે. સાંપ્રત સળગતા પ્રશ્નો વિશે વિચારીશું તો પણ સમજાશે કે સામાજિક-રાજકીય ક્ષેત્રે પણ આપણે સહુ એ પ્રકારની અધકચરી સંસ્કૃતિરક્ષાને લીધે આપણા સંસ્કાર-સંસ્કૃતિને વધારે નુકસાન પહોંચાડતી પરિસ્થિતિઓના સાક્ષી બની રહ્યાં છીએ.

આમ માત્ર અનુનાયીઓ વધારવાની હોડમાં મૂળ ઉદ્દેશ કે કાર્યપદ્ધતિની અવગણના કરીને અંગ્રેજીમાં સાંસ્કૃતિક-ધાર્મિક-સામાજિક શિબિરો-વર્ગોનું આયોજન કરનારાઓ અંતે શું મેળવવાના છે ને એમના કયા હેતુમાં, કેટલા અંશે સફળ થવાના છે એ વિચારવા જેવું છે.

હકીકત એ છે કે સામાજિક, ધાર્મિક કે રાજકીય એવાં મોટા ભાગનાં સંગઠનો પોતપોતાના વાડા સુધી જ સીમિત રહેવા માગે છે ને તેથી દાયકાઓથી કાર્યરત હોવા છતાં સમાજ માટે ઉન્નત પરિણામ લાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે.(સંસ્થાગત રીતે સહુએ જે-જે ગિનિસમાં નોંધાયેલી સિદ્ધિ મેળવી હોય એ ભલે.) બીજી તરફ આવાં સંગઠનોના કાર્યકર્તાઓએ પોતે પણ અંગ્રેજી-અસર હેઠળ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યાં છે, તો બીજાને કઈ રીતે સમજાવી શકે? એથી ઉપરછલ્લાં છબછબીયાંમાં જ સંતોષ માની લે છે.

જો ખરેખર સાંસ્કૃતિક પરિવર્તન લાવવાનો એક માત્ર ઉદ્દેશ આ સામાજિક-ધાર્મિક-રાજકીય સંગઠનોનો હોય તો શું માતૃભાષા વગર એને પરિપૂર્ણ કરી શકાશે એ પ્રશ્ન એમણે વિચારવો જોઈએ. સામાજિક સંગઠનો જો સંપૂર્ણ પરિવર્તન લાવવા માગતા હોય તો તેમની પ્રવૃત્તિઓના કેન્દ્રમાં બાળકેળવણી, અને એ પણ માતૃભાષામાં જ હોવું જોઈએ. એ બાબતનો આગ્રહ હોવો જોઈએ. અયોગ્ય નિર્ણય કર્યાનો સ્વીકાર હોવો જોઈએ. એને સુધારવાની તૈયારી હોવી જોઈએ. એ બાળકેળવણી પણ પાછી શિક્ષણમાં પ્રચલિત કોપી-પેસ્ટવાળી ભાષામાં નહીં, પોતિકી ભાષામાં હોવી ઘટી. આપણી શાળા-કોલેજ-યુનિવર્સિટીઓ મોટાભાગે અનુકરણ કરતા જ શીખવે છે, જેના પરિણામ સ્વરૂપે એક સદી પહેલાંના સાહિત્યકારોએ ભેગી કરીને સાચવેલી ગુજરાતી ભાષાની અડધાથી વધારે હસ્તપ્રતો આજે પણ વણ-સંશોધાયેલી ભંડારો-ગ્રંથાલયોમાં પડી છે અને કહેવાતા ‘સંશોધકો’ એકના એક સંશોધિત વિષયો પર ફરીફરીને સંશોધનો કરતા રહે છે. (એનું એક કારણ એ પણ ખરું કે આપણા ઘણા વિદ્વાન પ્રાધ્યાપકો પોતાના પ્રાપ્ત-જ્ઞાનને અનુકૂળ વિષયો પર જ વિદ્યાર્થીઓ સંશોધન કરે એવો આગ્રહ રાખે છે ને…)

ઉપરાંત આજે ભારતીયો સોફ્ટવેર અને આઈ.ટી.ના ક્ષેત્રમાં ખૂબ આગળ છે, તેમાં અંગ્રેજી ભાષાનો નહીં, પણ આપણી તર્કશક્તિ અને ગણિતમાં રહેલો આપણો હજારો વર્ષ જૂનો વારસો કારણભૂત છે. આજે વિશ્વમાં સ્પૅનિશ અને ચાઈનીઝ બોલનારા લોકોની સંખ્યા અંગ્રેજી કરતાં વધુ છે, નવી શોધખોળ, પૅટન્ટનું રજિસ્ટ્રૅશન કરાવવામાં ચાઈનીઝ, રશિયન, જાપાનીઝ લોકો આગળ છે, કારણ કે પોતાની માતૃભાષામાં એમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધુ ખીલ્યાં છે. તર્કશક્તિ અને બુદ્ધિમતા અમાપ હોવા છતાં ભારતીયો આ બાબતોમાં લોકવસ્તીના પ્રમાણમાં ઘણાં પાછળ છીએ એનું કારણ દરેક બાબત માટે આપણામાં ઘર કરી ગયેલું અંગ્રેજીમાંથી કોપીપેસ્ટ કરવાનું વલણ અને બીજાનું અનુકરણ કરવામાં જ મળતો આનંદ છે!

આ બધી વાતના ઢગલાનો નિષ્કર્ષ એટલો છે કે પોતપોતાની ભાષાનું ગૌરવ કરવામાં પાછા પડેલાઓને, સંસ્કૃતિને એના મૂળસ્વરૂપે સ્વીકારવામાં નાનપ રાખનારાઓને સંસ્કૃતિ અળગા કરીને ફેંકી દેશે. માત્ર શ્લોકોની ગોખણપટ્ટી ને રામા-લક્શમનાની સ્ટોરીઓ કહેવા જેવા ત્રૂટકછૂટક પ્રયત્નોનો અર્થ નથી, સિવાય એમાં વ્યક્તિગત રીતે ‘મેં મારાથી બનતું સારું કર્યુ’નો સંતોષ માની લેવો. જાહેર સામાજિક કાર્ય આજે એક ફેશન બની ગઈ છે ને ચારે તરફ સમાજસેવકો, સંસ્કૃતિરક્ષકોની ભીડ જામી છે ત્યારે બીજાં અનેક પરિબળોની સાથે સંસ્કૃતિને આ દિશાહિન તીરની જેમ છૂટેલા સંસ્કૃતિરક્ષકો સામે પણ સુરક્ષા પૂરી પાડવાની જરૂર છે, જોકે એની જવાબદારી કોણ લેશે? શિક્ષકો ઈલેક્શન-ડ્યુટી અને એમ-ટાટની તૈયારીમાં અટવાયેલા છે, ધર્મગુરુઓ ગ્રંથાધ્યનમાં મગ્ન છે, સામાજિક આગેવાનો વૉટ્સઍપ-મેસેજમાં આવેલી તસવીરમાંની એક ખોવાયેલી બાળકીની માતાને શોધવા નીકળ્યા છે, જ્યારે (સ્વાભાવિક છે કે) રાજકીય નેતાઓથી આવો બોજ ન ખમાય અને સાહિત્યકારો તો સ્વ-દેશી ને પર-દેશી લિટરેચર ફેસ્ટિવલોમાં સંડોવાયેલા, કહેવાનો અર્થ કે, રોકાયેલા છે.

-અસ્તુ.

X
X
X