જે શાળાનાં પ્રાંગણમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરોજિની નાયડુનાં પાવન પગલાં પડયાં હતાં, એવી બોરીવલી ઍડ્યુકેશન સૉસાયટી સંચાલિત શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ, જેની સ્થાપના ૮૦ વર્ષ પૂર્વે ૧૯૩૩-૩૪માં અંગ્રેજોના શાષનકાળ દરમ્યાન થઈ હતી.૮૦ વર્ષના લાંબા સમયગાળા દરમ્યાન કેટલાય વિદ્યાર્થીઓએ અહીં જ્ઞાનનું અમૃત પીધું છે.
લેખ :
શેઠ જી ઍચ. હાઈસ્કૂલ સંસ્થાના મોભ સમાન મુરબ્બી શ્રી વિનુભાઈ વલિયાની છત્રછાયા હેઠળ વિકસી રહેલું એક વટવૃક્ષ છે, જે સતત ૮૦ વર્ષથી સફળતાના શિખર સર કરી રહી છે. શેઠ જી. ઍચ. હાઈસ્કૂલ એ બોરીવલી પૂર્વની સૌથી મોટી શાળા છે. બોરીવલી પૂર્વના મોટાભાગના ઉચ્ચ હોદ્દેદારો આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આજે ઘણાય વડીલો શાળાના પોતાના ભૂતકાળને વાગોળતાં હોય છે.
શાળાની જૂની ઈમારત એક કિલ્લાની યાદ અપાવતી હતી, જેમાં વિશાળ પુસ્તકાલય, પ્રયોગશાળા, રંગભવન અને મોટો સભાગૃહ હતો. શાળાની પાછળ એક મોટું મેદાન હતું. સમયની સાથે મકાન જર્જરિત થયું ત્યારે અમારી બોરીવલી ઍડ્યુકેશન સૉસાયટીની મૅનેજિંગ કમિટિએ બધીજ સુખસગવડવાળી મોટી ઈમારત બનાવી આપી. આજની શેઠ જી. ઍચ. હાઈસ્કૂલ એટલે કે જાણે કુદરતની સંપૂર્ણ કૃપા પામેલી શાળા જ્યાં કુદરતી વાતાવરણની વચ્ચે વિદ્યાર્થીઓ ભણે છે. ભરપૂર હવા-ઉજાસવાળા વિશાળ વર્ગો, શાળાના મેદાનમાં કૂવો એઍલે પાણીની પૂરી વ્યવસ્થા, મોટું મેદાન, જ્યાં ફરતે વૃક્ષો, છોડની કમાન, બધી બાજુથી મજબૂત દીવાલનું બાંધકામ, જે વિદ્યાર્થીઓને સુરક્ષિત બનાવે છે. શાળામાં પુસ્તકાલય, વિજ્ઞાનની પ્રયોગશાળા, કમ્પ્યુટર રૂમ, ‘ડાર્ક રૂમ’, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મોટો હૉલ પણ બનાવેલ છે.
શેઠ જી. ઍચ. હાઈસ્કૂલ એક અનુદાનિત શાળા છે, જેમાં ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે વોર્ડ લૅવલ પર યોજાતી હરિફાઈઓમાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવે છે તેમ જ સરકાર દ્વારા લેવાતી દરેક પરીક્ષાઓ NMMS, NTS, Scholarship, Math Concept, Rashtrabhasha, Drawing Grade Exam જેવી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં બેસાડવા શાળાના શિક્ષકો તેમને વધુ સમય આપી, વિના મૂલ્યે માર્ગદર્શન આપે છે.
NMMS, NTS, Scholarship, Drawing Grade Exam, SSC, HSC Board Examનુંકેન્દ્ર પણ હોય છે. શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપે છે અને સારા ગુણોથી ઉત્તીર્ણ પણ થાય છે. NMMSની પરીક્ષામાં આ વર્ષે શાળાના ચાર વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ પણ મેળવી છે.
આ વર્ષે પણ શેઠ જી. ઍચ. હાઈસ્કૂલે વિવિધ ક્ષેત્રમાં ઘણી સફળતા મેળવી છે. NCSC દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રકલ્પમાં National Level સુધી પહોંચ્યાં. ત્યાં પાંચ વિદ્યાર્થીઓને સુવર્ણપદક મળ્યાં.
આર- પૂર્વ વિભાગ વિજ્ઞાન પ્રદર્શન ૧૦૧૫-૧૬માં, સહશાલેય કાર્યક્રમમાં ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધામાં બીજું ઈનામ મેળવ્યું.
વિજ્ઞાન પ્રકલ્પ જુનિયર ગ્રુપ – ત્રીજું ઈનામ
સિનિયર ગ્રુપ – પહેલું ઈનામ
શૈક્ષણિક સાધન જુનિયર ગ્રુપ – બીજું ઈનામ
સિનિયર ગ્રુપ – બીજું ઈનામ
લૅબ ઍટેન્ડન્ટ – પ્રથમ ઈનામ
નૈસર્ગિક મંડળ – બીજું ઈનામ
વિજ્ઞાન મંડળ – પ્રથમ ઈનામ
તેમાંનાં બે પ્રોજેક્ટ Zonal Level સુધી ગયા.
આર – પૂર્વ વિભાગમાં અનુદાનિત શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રથમ ક્રમાંક મેળવે છે. આ વર્ષે અનુદાનિત શાળામાં પ્રથમ અને વિના અનુદાનિત સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
‘કુછ ઓર’ ૨૦૧૫-૧૬ ‘ સ્ટુડન્ટ્સ ઈનિશિએટ’ આ સ્પર્ધામાં, આખા મુંબઈમાંથી શાળાને પ્રથમ ક્રમાંક માટે ટ્રૉફી અને પાંચ વિદ્યાર્થીઓને સુવર્ણપદક મળ્યાં છે.
સંસ્કૃતિ સંવર્ધન દ્વારા આયોજિત રામાયણ, મહાભારત અને કાંતિગાથાની મૂલ્યશિક્ષણ આપતી પરીક્ષાઓ પણ શાળાનાં બધાં જ વિદ્યાર્થીઓ આપે છે અને સારા ગુણ મેળવી પાસ થાય છે. ૨૦૧૪-૧૫માં ૪૫૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ વિશેષ ગુણવત્તા મેળવી પાસ થયા અને શાળાને આદર્શ શાળાનો પુરસ્કાર પણ મળ્યો છે. આ વર્ષે પણ તેમાં ૯ વિદ્યાર્થીઓ વિશેષ ગુણવત્તા મેળવી પાસ થયાં.
પ્રગતિ મિત્ર મંડળ અને મુંબઈ ગુજરાતી જેવી સંસ્થાઓ દ્વારા યોજાયેલી સ્પર્ધાઓમાં પણ આ શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લઈ ઈનામ મેળવી લાવ્યાં છે.
વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી શાળામાં અનેક હરિફાઈઓનું આયોજન થાય છે. સુંદર લેખન હરિફાઈ, મહેંદી હરિફાઈ, રંગોળી હરિફાઈ, ટેટુ હરિફાઈ, આરતી-દીવા હરિફાઈ, બેસ્ટ આઉટ ઑફ વૅસ્ટ, ફૅસ પેઈન્ટિંગ જેવી ઘણી હરિફાઈઓનું આયોજન થાય છે, જેનું માર્ગદર્શન પણ શાળાના શિક્ષકો દ્વારા જ અપાય છે. ડાન્સ, સંગીતનું માર્ગદર્શન પણ શિક્ષકો જ આપે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરાવાય છે.
કનિષ્ટ વિદ્યાલયમાં ૧૧માં ધોરણમાં પ્રવેશ લેતી વખતે ગુજરાતી માતૃભાષા ધરાવતાં વિદ્યાર્થીઓને નિયમ પ્રમાણે પ્રાધાન્ય આપવામાં આવે છે, તેમ જ ૧૨માં પછી અહીંથી પાસ થયેલાં વિદ્યાર્થીઓને ‘બોરીવલી ઍડ્યુકેશન સોસાયટી’ સંચાલિત માતૃશ્રી ‘પુષ્પાબહેન વી. વાલિયા કૉલેજ ઑફ કોમર્સ’માં પ્રવેશ મેળવવા પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યાં B.Com, B.B.J, B.Ms, B.A.I, M.Com (મુંબઈ યુનિવર્સિટી) અને B.C.A (YCMOU)નાં વર્ગો ચાલે છે.
શાળામાં અને કૉલેજમાં થતી પ્રવૃત્તિ માટે સદાય શાળાના પ્રિન્સિપલ શ્રીમતી ઉજ્જ્વલા ઝારેનું અને સંસ્થાનાં દરેક કમિટી મૅમ્બર્સનું માર્ગદર્શન, પીઠબળ અને પ્રોત્સાહન મળે છે.
શાળામાં દરેક ધોરણમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવે છે. દસમાં ધોરણમાં પ્રથમ આવનાર અને વિષય પ્રમાણે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી પ્રોત્સાહન અપાય છે.
ગુજરાતી માધ્યમમાં પ્રથમ આવનાર વિદ્યાર્થિની મકવાણા દર્શિકાને ૧૪ ઈનામો, અંગ્રેજી માધ્યમમાં પ્રથમ આવનાર વિદ્યાર્થિની રાજ દિવ્યાને ૧૮ ઈનામો અને મરાઠી માધ્યમમાં પ્રથમ આવનાર ચવ્હાણ કૃતિકાને ૭ ઈનામ આપવામાં આવ્યાં હતાં.
વિદ્યાર્થીઓનો શારિરીક બાંધો મજબૂત કરવા માટે લૅઝિમ, ડમ્બૅલસ, પિરામીડ યોગા, ક્રિકેટ, ફૂટબૉલ, વૉલીબૉલ અને બુદ્ધિબળની રમતો પણ શીખવાડવામાં આવે છે. એક મોટી અને મોંઘી શાળામાં થતી દરેક પ્રવૃત્તિ આ અનુદાનિત શાળામાં કરાવવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રમાં મોખરે રાખવામાં આવે છે.
આ જ રીતે શેઠ જી. ઍચ. હાઈસ્કૂલની સાથે ‘જૂનિયર કૉલેજ ઑફ કૉમર્સ અને સાયન્સ’ પણ ચાલે છે. કનિષ્ટ વિદ્યાલયમાં પણ ખાનગી અને અનુદાનિત બંનેના વર્ગો ચાલે છે.
કૉલેજનાં વિદ્યાર્થીઓ પણ દરેક ક્ષેત્રમાં મોખરે હોય છે. ઈન્ટર કૉલેજની ઘણી સ્પર્ધાઓમાં બૅસ્ટ કૉલેજ તરીકે ઈનામ પ્રાપ્ત કર્યાં છે. કૉલેજનાં વિદ્યાર્થીઓએ આ વર્ષે ‘ Skin Donation Awareness’ કાર્યક્રમ કર્યો, જેમાં ‘Rotary Club’ દ્વારા કુમારી દિવ્યા જોષીને ગુજરાતીમાં લખેલા નિબંધને સર્વશ્રેષ્ઠ નિબંધનું પારિતોષિક મળ્યું.
કૉલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને આશરે ૨૫૦૦ વિદ્યાર્થીઓએ દહીંસરની નદીને બચાવવા ‘નદી બચાવો’ પ્રકલ્પ હેતુમાં રેલી કાઢી હતી.
આમ, બોરીવલી પૂર્વ સ્થિત શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ ઍન્ડ જૂનિયર કૉલેજે ગુજરાતી માતૃભાષા ધરાવતાં અને ગુજરાતી તેમ જ મરાઠી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થીઓ માટે એક આદર્શ વિકલ્પ છે.
એક ખાનગી શાળામાં અને અંગ્રેજી માધ્યમમાં વાલીઓ જે વિકાસ ઈચ્છે છે તે અહીં સહેલાઈથી, હસતાં-રમતાં થઈ જાય છે.