૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

સવા બે કરોડની કુલ વસ્તીમાંથી આશરે ચાલીસ લાખની ગુજરાતી વસતી ધરાવતું મુંબઈ સવાર પડેને માર્ગો પર ઉતરી આવે. મુંબઈની ધોરીનસની જેમ લોકલ ટ્રેનો દોડતી હોય તો વાહનોથી ધમધમતા માર્ગો પર દિવસભર બીઈએસટીની બસો મુંબઈને જીવતું રાખે છે. લાખો બાળકો રોજ આવી સ્કૂલબસો દ્વારા જ શહેરના એક ખૂણાથી બીજા ખૂણાની સ્કૂલ સુધી પહોંચી શકે છે. ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓ એમની ખાનગી બસસર્વિસ ધરાવતી હોય છે, જે વાલીઓને આકર્ષવાનું કાર્ય પણ કરે છે. તો કેટલીક સરકારી ને અનુદાનિત શાળાઓમાં પણ આવી વ્યવસ્થા હોય છે. ઘણી સ્કૂલોમાં આવી સુવિધા નથી મળી શકતી એટલે પણ વાલીઓ પરસપર સાથે મળી બાળકોને સ્કૂલ મૂકી જવા-લઈ જવા માટે વેન કે મિનિબસ જેવું વાહન મહિનાના ભાડે કરી લે છે. આ સમગ્ર દૃશ્યમાં મહત્વની વાત એ છે કે બાળક દરરોજ સમયસર શાળા સુધી પહોંચે ને સુરક્ષિત રીતે પાછું આવી શકે. અલબત્ત, આ બધા જ પ્રકારમાં વાલીઓએ બસ કે અન્ય વાહનની સુવિધા માટે જે કંઈ કિંમત થતી હોય એ ચૂકવવી પડે છે.

ગુજરાતી માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓને પણ ક્યાંક ક્યાંક આવી વાહનસુવિધા મળે છે, પણ જ્યાં આ સુવિધા નથી મળી શકતી ત્યાં શાળા, બાળક સાથે સમાજને પણ નુકસાન થાય છે, કારણ કે પછી એ બાળક ગુજરાતી માધ્યમને બદલે નજીકની અંગ્રેજી મિડિયમ કે બીજા માધ્યમની સ્કૂલમાં ભણે છે. બાળક માટે માતૃભાષાના માધ્યમમાં ભણવાનું કેમ જરૂરી છે એ વિશે જન્મભૂમિના અગાઉના લેખોમાં આપણે ઘણી વાત કરી ચૂક્યા છીએ ઉપરાંત નિષ્ણાતોના પણ એ વિશે સ્પષ્ટ મત જાણી ચૂક્યા છીએ. ગુજરાતી બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું શું કામ હિતાવહ નથી એની પણ ચર્ચા અગાઉના લેખોમાં આપણે કરી છે. એથી હવે શહેરમાં જ્યાં જ્યાં ગુજરાતી માધ્યમની શાળાઓ છે, ત્યાં સુધી ન પહોંચી શકતા વિદ્યાર્થી માટે શું થઈ શકે એની વાત મહત્વની થઈ પડે છે.

મુંબઈમાં બાવન અનુદાનિત, ત્રણ ખાનગી અને નેવુ જેટલી પાલિકાની ગુજરાતી માધ્યમની શાળા છે. આમ જોતા તો શહેરના મોટા ભાગના વિસ્તારમાં આમાંથી કોઈકને કોઈ શાળા આવી જાય, એ છતાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં થોડાઘણા પણ ગુજરાતીઓ વસે છે ને નજીકમાં ગુજરાતી શાળા નથી તો ક્યાંક વળી મોટા વિસ્તારમાં છૂટાછવાયા ગુજરાતી પરિવારો છે ને ગુજરાતી શાળા ખૂબ દૂર છે. પશ્ચિમના ગુજરાતી ઉપનગરોમાં ગુજરાતી પરિવારો અને ગુજરાતી શાળા બંનેની સંખ્યા સારી છે એ છતાં ત્યાં ઈસ્ટ ને વેસ્ટના વિસ્તારો તેમ જ હાઈવેથી લિન્ક રોડ સુધીના વિસ્તારોમાં વસતા ગુજરાતીઓને એસવી રોડની આસપાસના વિસ્તારોની શાળા સુધી આવવા-જવા માટે વાહનસુવિધાની જરૂર પડે છે તો મધ્ય પરા ને હાર્બરમાં પણ ગુજરાતી વિસ્તારો અને ગુજરાતી શાળાઓ વચ્ચે સેતુ બાંધવાનું કામ વાહનસુવિધા જ કરે છે. (મુંબઈની ગુજરાતી શાળાઓ, ગુજરાતી વિસ્તારો વગેરેનાં નામસરનામાં સાથેની પૂરી વિગતો લેખના અંતે જોઈએ.)

આમ સંપૂર્ણ ચિત્ર એવું છે કે આજે દરેક ગુજરાતી શાળા માટે વાહનસુવિધા અનિવાર્ય થઈ ગઈ છે. જ્યાં વાહનસુવિધા છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી છે કારણ કે દૂરદૂરથી પણ વિદ્યાર્થી આવી શકે છે. ઘટતી સંખ્યાવાળી શાળાઓની એક સમસ્યા વાહનસુવિધાનો અભાવ કે મર્યાદા અને દૂરના વિસ્તારોના ગુજરાતી પરિવારો સુધી ન પહોંચી શકવાની વિવશતા પણ છે. આ સમસ્યાનું સમાધાન ઘણી શાળાઓએ, ઘણા શિક્ષકોએ પોતપોતાની રીતે કાઢ્યું છે. શહેરમાં સારી સંખ્યા સાથે ચાલતી ગુજરાતી શાળાઓમાં એ નોંધવા મળ્યું છે કે ત્યાંના સંચાલકો અથવા શિક્ષકોએ નજીકદૂરના ગુજરાતી વિસ્તારોને પહેલાંથી જ તાકી લઈ ત્યાં સુધીની વાહનસુવિધા કરાવી આપી. ઘણા વિદ્યાર્થી આર્થિકમર્યાદાવાળા પરિવારમાંથી આવતા હોવાથી એમની માટે ક્યાંક વાહનસુવિધા નિઃશુલ્ક તો ક્યાંક સાવ મામૂલી રકમ લઈ આપવામાં આવી. આને લીધે એ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર રહી છે. આ શૈક્ષણિક કાર્યમાં ઘણો મહત્વનો સાથસહકાર કેટલાક સામાજિક સંસ્થાઓએ પણ આપ્યો છે, જેમણે ઘણી શાળામાં વાહનસુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા કરી આપી. ઉપરાંત એની આર્થિક જવાબદારી પણ લીધી.

આમ છતાં હજી ગુજરાતી માધ્યમની શાળાઓ માટે  વાહનસુવિધા અપૂરતી છે. હજી કેટલીક શાળામાં આ સુવિધાની જરૂર છે. ઘણી શાળા છે જ્યાં વાહનસુવિધા આપવામાં આવે તો શાળાની સંખ્યામાં સારો ફરક પડી શકે. ઘણા વિસ્તાર છે જ્યાંથી વિદ્યાર્થીઓને લઈ જવા મૂકવાની વ્યવસ્થા તૈયાર કરવામાં આવે તો ત્યાંથી વિદ્યાર્થીઓ ગુજરાતી શાળામાં ભણવા આવી શકે.

મુલુંડ જેવા ગુજરાતી પરામાં ચાલતી ત્રણ ગુજરાતી શાળા માટે જુદા જુદા વિસ્તારો પ્રમાણે ત્રણથી ચાર બસ ચાલે છે જેનો વ્યાપ વધારી શકાય એમ છે. આ બધી શાળા ને વિસ્તારોની વિગત લેખના અંતે જાણીએ, પણ એ પહેલાં વાત કરી લઈએ “ગુજરાતી શાળાઓ માટેની કેન્દ્રિકૃત વાહનસુવિધા”ના સૂચન વિશે.

આ સમગ્ર સુવિધા-પ્રયાસનો હેતુ એવો છે કે પોતાના બાળકને માતૃભાષામાં ભણાવવા ઈચ્છતા વાલીઓને શાળા સુધી બાળકને પહોચાડવાની ચિંતા ન રહે.

હવે મૂળ સૂચન એવું છે કે જો શહેરભરમાં ગુજરાતી માધ્યમની કોઈ પણ શાળાને વાહનવ્યવસ્થાની જરૂર હોય તો એ માટે એક કેન્દ્રિકૃત સંચાલક મંડળ હોય જે શહેરની ગુજરાતી શાળાઓને, એના વિસ્તાર અને વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે વાહનસુવિધા કરી આપી શકે. વાલીઓ પાસેથી નિર્ધારિત રકમ લેવા સાથે, શાળાને સહયોગ કરી એ વાહનસુવિધાનું સંચાલન કરી શકે ને એની આર્થિક જવાબદારી માટે પણ અમુક યોગદાન આપી શકે.

ટૂંકમાં, એક એવું મંડળ, જે ખૂણેખાચરેની ગુજરાતી શાળાઓ, ખૂણેખાચરેના ગુજરાતી પરિવારો અને સેવાભાવી સંસ્થા-આગેવાનો વચ્ચે સેતુ પૂરો પાડવાનું કામ કરી શકે. જેનો લાભ આપણા વિદ્યાર્થીઓને એટલે કે આપણા સમાજને જ મળવાનો છે.

આજના સ્પર્ધાના યુગમાં શાળાના નિર્વાહ માટે એનો પ્રચાર ખૂબ જરૂર બની ગયો છે, માટે કલ્પના કરી જોઈએ કે જો શહેરભરની ગુજરાતી શાળાઓની એકસરખા રંગની બસો, એકસરખા બેનરો, એકસરખા સુવિચારો ને એકસરખા પ્રચારાત્મક સૂત્રો સાથે ફરતી હશે તો મુંબઈના નકશા પર ગુજરાતીપણુ કેવું ઠસ્સાભેર નિખરી ઊઠશે, કોન્વેન્ટ સ્કૂલોના ભરાવદાર પ્રચાર અને ઈન્ટરનેશનલ બોર્ડસના ચમકાટથી અંજાયેલી લોકોની આંખોમાં માતૃભાષાના માધ્યમની શાળા માટે જે નકારાત્મક વિચાર પ્રવર્તે છે એ આ પહેલથી દૂર થશે અને આ બધાનો સૌથી મોટો ફાયદો એ થશે કે આપણા લોકો આપણી સંસ્કૃતિનું સંવર્ધન કરતી માતૃભાષાની શાળાઓમાં જ પોતાનાં સંતાનોને ભણાવતા અચકાશે નહીં.

ગુજરાતી શાળાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનોની હાલ બહુ બોલબાલા જામી છે તો એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની (તેમ જ અન્ય ગુજરાતી) શાળા માટે આવી સુવિધાઓ કરી આપવાની જવાબદારી પણ લઈ શકે, અહી એ સહુને અહવાન છે.  ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉપરાંત, સામાજિક સંસ્થાના આગેવાનો, સેવાભાવી સંગઠનો, માતૃભાષાપ્રેમીઓ, કેળવણીકારો, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ, સાંસ્કૃતિક-મનોરંજનાત્મક કાર્યક્રમોના આયોજકો વગેરે કોઈ પણ આ પહેલમાં પોતાનું યોગદાન આપી શકે છે. આપણા શહેરમાં હજી ઘણી ગુજરાતી શાળાઓ છે ને વિદ્યાર્થીઓ પણ છે. આમ જોવા જઈએ તો આખા મુંબઈની ગુજરાતી શાળાઓ માટે આવી કેન્દ્રીકૃત સુવિધા ઊભી કરવાનું બહુ મોટું લાગતું કાર્ય અઘરું કે અશક્ય નથી. સહુ આગેવાનો સાથે આવી આ બીડું ઝડપે એવી અપેક્ષા.

 

ગુજરાતી શાળાઓમાં ચાલતી વાહનસુવિધાની વિગતો.

 

મુલુંડ

લુહાણા કન્યાશાળા –

શેઠ મોટી પચાણ શાળા

નવભારત નુતન શાળા

પાંચ બસ, ૨૫૦ વિદ્યાર્થી,

વિદ્યાર્થીઓનો વિસ્તાર- મુલુંડથી મુંબ્રા.

દાતા- ગુજરાતી વિચાર મંચ.

 

કુર્લા

કુર્લા ગુજરાતી સમાજ શાળા –

બે બસ, ૧૫૦ વિદ્યાર્થી,

વિદ્યાર્થીઓનો વિસ્તાર= ધરાવી ને આસપાસના વિસ્તાર.

દાતા- એક તબીબ.

 

દહીસર

જીકે ગુજરાતી શાળા.

ત્રણ વાહન, ૪૦ વિદ્યાર્થી.

વિદ્યાર્થીઓનો વિસ્તાર- દહીસર ઈસ્ટનો અંતરિયાળ વિસ્તાર.

દાતા- શાળાના શિક્ષકો.

 

કાંદિવલી

સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય.

એક બસ, ૪૫ વિદ્યાર્થી.

વિદ્યાર્થીઓનો વિસ્તાર- કાંદિવલી ઈસ્ટ દામુ નગર. અશોક નગર, મહિન્દ્ર ગેટ.

દાતા- અમી નીલેશ ગિયા (શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની) અને મુંબઈ ગુજરાતી.

 

વિલે પાર્લે

કાનબાઈ લાલબાઈ શાળા.

૪ બસ, ૨૦૦ વિદ્યાર્થી.

વિદ્યાર્થીઓનો વિસ્તાર- ચકલા, સહાર કાર્ગો, વર્સોવા, મ્હાડા.

દાતા- શાળા પોતે.

અપૂર્ણ…

(આ સિવાય પણ અનેક ગુજરાતી શાળામાં આવી વાહનસુવિધા ઉપલબ્ધ છે, પણ જરૂરિયાત ઘણી વધારે છે.)

– અસ્તુ.  2015

X
X
X