ગુજરાતી માધ્યમની શાળામાં ભણી, એન્જિનિયરિંગ ક્ષેત્રે કાઠું કાઢનારી એક પ્રતિભા આશરે એક દાયકો પૂર્વ-પશ્ચિમનાં દેશોમાં ફરી વધુ શિક્ષણ મેળવે છે ને ત્યાં વ્યવસાયિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરે છે ને છેવટે ફરી દેશમાં આવીને જ શિક્ષણ ક્ષેત્રે કામે વળગે છે, ત્યારે એના માતૃભાષા અને શિક્ષણ વિષયક વિચારો કેવા છે એ જાણીએ.
OR ( બોરીવલીની ગોપાલજી હેમરાજ શાળામાં ભણેલા ડો. સૌરભ મહેતા મુંબઈથી બીટેક કરીને દક્ષિણ કોરિયા ગયા, ત્યાં બે વર્ષમાં માસ્ટર ડીગ્રી મેળવી, પછીનાં બે વર્ષ પાછા યુરોપના વિવિધ દેશોમાં ફરી “વાયરલેસ ટેકનોલોજી”માં એમનું રિસર્ચ પૂરું કર્યું. ત્યારબાદ કોરિયા પરત આવી કન્સલ્ટન્સી શરૂ કરી. ૫-૬ વર્ષ એ કાર્ય કર્યા બાદ એ ભારત પાછા આવ્યા અને ૨૦૧૧થી નામચીન “વિધાલંકાર એન્જિનિયરિંગ ઈન્સ્ટીટ્યુટ”માં પ્રોફેસર છે. હાલ એ ત્યાંના “ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનીકેશન” વિભાગના વડા (હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ) છે. અહીં તેઓ માતૃભાષા પ્રત્યેનાં એમના વિચારો ને દેશ-વિદેશના શૈક્ષણિક અનુભવો રજૂ કરે છે. )
” અંગ્રેજી વગર તો કારકિર્દી નથી, જેને અંગ્રેજી નથી આવડતું એનું કોઈ ભવિષ્ય નથી.”
” અંગ્રેજી વગર વિજ્ઞાન/ટેક્નોલોજી શીખી શકાય ખરું?”
” અંગ્રેજી વગર દેશ તો શું વ્યકતિનો વિકાસ પણ શક્ય નથી. ”
– આપણે બધાએ આવાં વાક્યો કે આવા જ મતલબની વાતો સાંભળી હશે. એ વાતો મહદ્અંશે સાચી પણ માની લીધી હશે. હકીકતમાં આ બધી વાતો એ ફક્ત ‘ઘર કરી ગયેલી માન્યતા’ માત્ર છે અને આ વાત હું મારા વિદેશ પ્રવાસ તેમ જ દુનિયાના વિવિધ દેશના તજજ્ઞોની સાથે કામ કરવાના મારા અનુભવ પરથી કહી શકું છુ.
અંગ્રેજી ભાષા આજની તારીખે દુનિયાભરમાંથી ફક્ત ૮ % લોકોની જ માતૃભાષા છે. ને લગભગ 30 % લોકો જ અંગ્રેજી ભાષાનો એક માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. વળી, આ ઉપયોગનું કારણ આર્થિક કે સામાજિક પ્રતિષ્ઠા નથી, પણ વિવિધ ભાષાના લોકોને જોડવાની એક કડી તરીકેનું છે અને એ જ કારણ છે કે બાળકોને અંગ્રેજીનું જ્ઞાન આપવું જોઈએ, પણ એ માટે સંપૂર્ણ શિક્ષણ અંગ્રેજીમાં આપવાની જરૂર નથી.
દુનિયાભરના અંગ્રેજીભાષી દેશોને બાદ કરતા લગભગ બધા જ દેશોમાં પ્રાથમિક શિક્ષણ જે-તે દેશના લોકોની માતૃભાષામાં જ અપાય છે. અમેરિકા ખંડમાં આવેલા મેક્સિકોથી લઇ આફ્રિકી દેશો, યુરોપના જર્મની, ફ્રાંસ, ઈટલી વગેરે દેશો, તો પૂર્વમાં ચીન, કોરિયા, જાપાન જેવા દેશોમાં માતૃભાષાના શિક્ષણનું ખાસ મહત્વ છે. તે લોકો માટે, માતૃભાષામાં ભણવાની વાત સહજ ને સ્વાભાવિક છે. તેઓનું માનવું છે કે માતૃભાષામાં શિક્ષણ તેઓની પ્રગતિના પાયામાં છે. માતૃભાષાના શિક્ષણને લીઘે જ વિદ્યાર્થીઓનું મનોબળ, સર્જનાત્મકશક્તિ ને કલ્પનાશક્તિ ખીલવાની ભરપૂર તક મળે છે ને કદાચ એટલે જ તેમને ત્યાં ઘણા નામી ઈજનેરો, વૈજ્ઞાનિકો ને અન્ય ક્ષેત્રોના વિદ્વાનો કાઠું કાઢી રહ્યા છે.
દક્ષિણ કોરિયાના મારા વસવાટ દરમ્યાન ઘણા વિદ્વાનો તેમ જ શિક્ષણવિદોને મળવાનું ને તેમની સાથે ચર્ચા-વિચારણા કરવાનો અવસર મને મળ્યો. આપણા મહારાષ્ટ્ર રાજ્યથી પણ નાના એવા આ દેશે છેલ્લા છ દાયકામાં અદ્વિતીય પ્રગતિ સાધી છે. ભારતના મોટા ભાગનાં શહેરોના દરેક ઘરમાં કોરિયામાં બનેલી કોઈ ને કોઈ વસ્તુ તો વપરાતી જ હશે, જેમાં નાનીનાની દવાથી લઇને, સ્ટેશનરી કે ઘરગથ્થુ સામાન, મોટર કે બીજા ઈલેકટ્રોનિક્સ ઉપકરણોનો સમાવેશ થાય છે.
તેઓ પોતાના અંગ્રેજી વિષેના ઓછા જ્ઞાનની નાનપ નથી અનુભવતા, પરંતુ પોતાની માતૃભાષા માટે ખૂબ ગર્વ અનુભવે છે. આ બધા દેશો સફળ, વિકસિત ને આર્થિક રીતે અગ્રગણ્ય દેશ છે તેનું એક મુખ્ય કારણ ત્યાં માતૃભાષામાં અપાતું શિક્ષણ છે. માતૃભાષામાં ભણતરને લીધે તેઓ વિજ્ઞાન, ગણિત જેવા વિષયોને ખૂબ ચીવટથી ભણ્યા હોય છે ને એથી જ એમાં ખૂબ ઊંડાણપૂર્વક કામ કરી શકે છે. માતૃભાષામાં ભણવાને લીધે વિદ્યાર્થીઓને એવા તર્કબુદ્ધિ માગી લેતા વિષયોમાં ગોખણપટ્ટી કરવી નથી પડતી, પણ સવાલના જવાબો લખતી વખતે કે કોયડાઓ ઉકેલતી વખતે તેઓ પોતાની કલ્પનાશક્તિ ને સર્જનાત્મકતાનો ખૂબ આત્માવિશ્વાસથી ઉપયોગ કરી શકે છે. માતૃભાષાને લીધે તેમને ભણતરનો બોજ લાગતો નથી ને ખરેખર ભણતરને માણી શકે છે. આવો જ સૂર જાપાન, જર્મની, ચીન, રશિયાના તજજ્ઞો ને શિક્ષણવિદો સાથેના સંવાદમાંથી પણ મળે છે.
હા, સાથે એ પણ કબૂલ કરવું પડે કે માતૃભાષા સિવાય પણ શિક્ષણને લગતાં બીજા મુદ્દા છે જે અમારી ચર્ચા દરમ્યાન ધ્યાન પર આવ્યા. માતૃભાષામાં શિક્ષણ તો જરૂરી જ છે, પણ તે સાથે માતૃભાષામાં શિક્ષણ મેળવવા જરૂરી વાતાવરણ પણ ઉપલબ્ધ કરવું રહ્યું.
કોરિયા, જાપાન, ચીન જેવા દેશોમાં દુનિયાભરના પ્રખ્યાત કે નવાં પ્રગટ થતાં પુસ્તકોનો અનુવાદ ૨ કે ૩ મહિનામાં જ ઉપલબ્ધ થઇ જાય છે. આમ તેઓને નવા જ્ઞાનથી વંચિત રહેવું પડતું નથી. ત્યાં દરેક માહિતીનો સ્રોત તેમની માતૃભાષામાં ઉપલબ્ધ હોય છે, પછી તે કોઈ વેબપેજ હોય કે સરકારી માહિતી. આને લીધે જે-તે ભાષા વધારે સમૃદ્ધ તો બને જ છે, વળી, જો આ કાર્યને સરકારનો પણ સહયોગ મળે, તો તે ભાષાના વિદ્યાર્થીઓ માટે એક નવું ક્ષેત્ર પણ ખુલે છે.
બીજી મહત્વની વાત તે શિક્ષણનો રચનાત્મક અભિગમ, તેમની શિક્ષણની પદ્ધતિ “પ્રોબ્લેમ બેઝ્ડ લર્નિંગ”ની છે. જેમાં વિદ્યાર્થીઓ રચનાત્મક અભિગમથી શિક્ષણ મેળવે છે. પોતાની શીખેલી વસ્તુઓનો રોજબરોજનાં જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય? તેવો અભિગમ કેળવે છે. જેમ કે રસાયણશાસ્ત્રનો અભ્યાસ ને તેના મહત્વના મુદ્દા તેમને રસોડામાં થતી રસોઈ દ્વારા શીખવવામાં આવે છે, જેનાથી સંયોજન, વિભાજન જેવા મહત્વના વૈજ્ઞાનિક મુદ્દા શીખે છે. આ તો ફક્ત એક ઉદહરણ થયું, પણ આવી બીજી ઘણી રચનાત્મક રીતો છે જેનો વિનિયોગ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે.
અંગ્રેજી શીખવી જોઈએ, પણ જે ભાષાનો ઉપયોગ એક માધ્યસ્થ ભાષા તરીકે કરવાનો છે એનું શિક્ષણ ફક્ત એક ભાષા તરીકે જ હોવું જોઈએ ને? જયારે આપણે ત્યાં ઊંધું થઇ ગયું છે, આપણે એને શિક્ષણનું માધ્યમ બનાવી દીધી છે અને માતૃભાષાઓને એક ભાષા તરીકે શીખવવા મથીએ છીએ.
આમ જો માતૃભાષામાં શિક્ષણ તેમ જ રચનાત્મક અભિગમ અપનાવવામાં આવે તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઇ શકે છે એમાં શંકા નથી.
આશા રાખીએ કે માતૃભાષાના માધ્યમથી અને રચનાત્મક અભિગમ દ્વારા શિક્ષણનો આ વિચાર ભારતનું કેળવણી ખાતું તેમ જ બધી શાળાઓ પણ અપનાવે. આવું જો થાય તો આપણા સ્વર્ગીય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના ૨૦૨૦ના ભારતનું સ્વપ્ન સાકાર થાય.
– અસ્તુ.