૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

માતૃભાષામાં પાયાનું શિક્ષણ અનિવાર્ય છે. જોકે માતૃભાષાના શિક્ષણ સાથે જોડાયેલી બીજી મહત્વપૂર્ણ બાબતોનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.. એટલે કે માતૃભાષાના શિક્ષણનો બાળકને વધારેમાં વધારે ફાયદો મળે એ રીતનું શિક્ષણ એને મળવું જોઈએ. એ માટે  જરૂરી વાતાવરણ  અને અનુકુળ પરિસ્થિતિ ઊભી કરવાની જવાબદારી આપણા પર રહે છે. (અહીં, “આપણા” એટલે ગુજરાતી શાળાઓ ઉપરાંત એના શિક્ષકો, વિદ્યાર્થીઓનાં માતા-પિતા ને સમગ્ર ગુજરાતી સમાજ આવી જાય છે.)

સરકારે તાજેતરમાં જે મુદ્દા પર ખૂબ ભાર મૂક્યો છે એ યોગ્ય જ છે કે બાળકોનું  શિક્ષણ ફક્ત શાળાઓના વર્ગખંડમાં જ સીમિત ન રહેવું જોઈએ, પણ પ્રવૃત્તિલક્ષી ને પ્રવૃત્તિમય હોવું જોઈએ. હકીકતમાં બાળક એની મોટા ભાગની પ્રવૃત્તિઓમાંથી સતત કંઈ ને કંઈ શિખતી જ હોય છે. આ “અન્ય” શિક્ષણની ભૂમિકા એના જીવનઘડતર ને ચરિત્ર નિર્માણમાં મહત્વની હોય છે.

શિક્ષણ મેળવવા માટેના બાળક પાસે ત્રણ મુખ્ય સ્રોત હોય છે.

  1. વર્ગખંડમાં શીખેલી બાબતો કે સમજ.
  2. પોતાની ઉમરના તેમ જ બીજા લોકો ને જોઇને /નિરીક્ષણથી શીખેલી વાતો અને સમજ.
  3. માતાપિતા કે ઘરના બીજા સભ્યોની સાથેના વાર્તાલાપ કે તેમના સંસર્ગ-અનુભવથી મેળવેલી સમજ.

-વર્ગખંડ ઉપરાંત પણ બાળક જ્યાંથી કંઈ ને કંઈ શીખે છે એ કઈ ભાષાના માધ્યમથી આવે છે એ પ્રશ્ન પણ મહત્વનો છે. જો બધા જ સ્રોતોમાંથી માતૃભાષામાં જ જ્ઞાનનો પ્રવાહ વહેતો હોય તો તો કોઈ સમસ્યા નથી, પણ ઘણીવાર આ ત્રણેય જુદા જુદા સ્રોતોમાંથી જુદી જુદી ભાષામાં આવી રહેલી માહિતીના બોજા નીચે બાળક ચગદાઈ જાય છે. એ બાબતે ધ્યાન રાખવાનું કાર્ય પણ માતા-પિતા, શિક્ષક એ બધાનું છે. વર્ગખંડ ઉપરાંત ઘરના શિક્ષણ પર વાલીઓ અને શિક્ષકો પોતાનું નિયંત્રણ રાખી શકે છે  તેમજ પોતાની તરફથી માતૃભાષાના શિક્ષણ માટેનું જરૂરી વાતાવરણ ઊભું કરવામાં એક બીજાને સહયોગ આપી શકે છે તેમજ ઉપયોગી થઈ શકે છે.

આ માટે, વાલીઓ અને શિક્ષકો શું કરી શકે છે? અને કેવી રીતે બાળકોના  શિક્ષણને વધુ રચનાત્મક તેમજ રસાળ બનવી શકે છે? – એ માટે કેટલાક વિચારો અમે રજૂ કરીએ છીએ જેમાં, વધારે ઉમેરા તેમ જ ચર્ચાનો પૂરો અવકાશ છે.

એ વિચારોને અહીં મુદ્દાસ્વરૂપે નોંધ્યા છે.

– સૌથી પહેલાં તો બાળકના શિક્ષણમાં અંગત રસ લેવો ખુબ જરૂરી છે ફક્ત બાળકના સ્વાધ્યાય સુધી નહિ પણ જેટલો વધુ સમય બાળકો સાથે નવી નવી બાબતો શીખવા(એમને શીખવવામાં) ગાળી શકાય એટલો ગાળવો જોઈએ.

– શિક્ષકોએ ખાસ સમજવું જોઈએ કે સમજાય એવી ભાષામાં અને સરળ પડે એવી પદ્ધતિથી થઈ શકે એટલી નવીન બાબતો બાળક સામે મૂકતા રહેવાથી એનું કુતૂહલ જળવાઈ રહે છે ને શિક્ષણ પ્રત્યે એનો રસ કેળવાતો જાય છે.

– વાલીઓ માટે જરૂરી છે કે એ ઘરમાં બને ત્યાં સુધી બાળકોની સાથે બેસી વાર્તા વાંચી સંભળાવે. રોજની 15 મિનિટનો સમય પણ બાળકોની કલ્પનાશક્તિ તથા ભાષા સમૃદ્ધ કરવામાં ખુબ ઉપયોગી નીવડે છે.

– શિક્ષકો માટે બાળકોને વધુમાં વધુ કઈ રીતે અભ્યાસ ને ઈતર પ્રવૃત્તિમાં રસ લેતા કરી શકાય તે માટે દરેક બાળકની અંગત પસંદ નાપસંદ સમજી ને તેમને ભણવાનો ચાર્ટ તૈયાર કરી શકાય છે.

– બાળકો સાથે માતૃભાષા કે બીજી કોઈ પણ ભાષામાં વાત કરો ત્યાંરે થઈ શકે એટલું બીજીત્રીજી ભાષાના શબ્દોની ભેળસેળ ન કરતા ચોખી ભાષા વાપરવી જોઈએ. બાળકો પર તેનો ખુબ ઊંડો પ્રભાવ પડે છે.

– બાળકોની શક્તિને ઓછી ન આંકવી જોઈએ. એમની પાસેથી બને તેટલું અઘરું પણ રસાળ કામ લેવાના પ્રયાસ કરવા જોઈએ. એમની સામે સતત નવા નવા પ્રશ્નો કરતા રહેવું જોઈએ,(અથવા એવી પ્રવૃત્તિઓ કરાવતા રહેવું જોઈએ જેથી એમનામાં નવા નવા પ્રશ્નો જન્મે) જેથી બાળકની વિચારશક્તિ ખીલતી રહે.

– બાળકનો પ્રકૃતિ સાથેનો નાતો જાળવી રાખવો ખૂબ જરૂરી છે, બાગબગીચા, અભ્યારણ્ય વગરેની અવારનવાર મુલાકાત લઈ પ્રકૃતિ પ્રત્યે એમનો રસ જાગૃત રાખવાના પ્રયત્નો કરતા રહેવું જોઈએ.

– સમય મળે એમ બાળકોની સાથે જુદી જુદી મેદાની રમતો રમાવવી જોઈએ.

– બાળકને પોતાની વાતો ને વિચારો રજુ કરવાની તક આપવી. પોતાના ઘરકામ કે સ્વાધ્યાય માટેની સામાન્ય રીતો કરતા નવી રીતો અપનાવી શકે એ માટેનું પ્રોત્સાહન ને પૂરતી મોકળાશ આપવી.

– સમજણાં થતાં બાળકોને તેમની નાની નાની ખરીદી કરવા તેમ જ હિસાબ રાખતા શીખવતા રહેવું જોઈએ. થોડું મોટું થાય કે તરત બાળકને પોતાની રોજનીશી લખવા પ્રોત્સાહિત કરવું જોઈએ.

– બાળકોને તેમની ઉંમર પ્રમાણેની વાર્તાઓના પુસ્તક તથા જ્ઞાન વિજ્ઞાનના સામાયિકો વંચાવવા જોઈએ. તે વિષે તેમની સાથે ચર્ચાઓ કરવી જોઈએ.

– “બાળકોને આપણે કેટલું શિખવ્યું?” એમ નહીં, “બાળક કેટલું શીખ્યો?” એવો અભિગમ જરૂરી છે.

– વારેતહેવારે બાળકને આપણી સંસ્કૃતિ, તેમ જ આપણા સાંસ્કૃતિક વારસા વિશે સરળ ભાષામાં વાત કરતા રહેવું જોઈએ, જેથી એ મનોમન પોતે પોતાના વિશે વિચારે ત્યારે પોતાની ઓળખ સ્પષ્ટ કરતો થાય.

– વૃક્ષારોપણથી લઈ નાનાનાના વૈજ્ઞાનિક પ્રયોગો જેવી બાળકોમાં વૈજ્ઞાનિક ને તાર્કિક અભિગમ કેળવાય તેવી પ્રવૃતિઓ કરતા રહેવું જોઈએ.

– બાળક પોતાની રસરૂચિ પ્રમાણે વિકસે એ આપણે જોવાનું છે, આપણી વિચારધારા પ્રમાણેના બાળક તરીકે વિકસે એ નહીં.

– આ બધું વિશેષ ભણતર, અભ્યાસક્રમને અતિક્રમીને પણ હોવું જ જોઈએ, પણ એ બોજો ન બની જાય એ પણ ધ્યાન રાખવું રહ્યું.

– દરેક બાળક પોતાનામાં વિશિષ્ટ છે, તેમની સરખામણી એકબીજા સાથે ન કરતા, વર્ગખંડમાં ને બહાર એમની વચ્ચે ફક્ત એક તંદુરસ્ત હરીફાઈનું વાતાવરણ ઊભું થાય એવા પ્રયાસ થવા જોઈએ.

– ટેક્નોલોજી નવો આયામ છે, શિક્ષણ માટે સરળ ભાષામાં એનો થઈ શકે એટલો ઉપયોગ થવો જોઈએ, પણ સંપૂર્ણ ટેક્નોલોજી-આધારિત શિક્ષણ એ યોગ્ય નથી.

– ડોક્ટર્સને જેમ ડિગ્રી સાથે દર્દીની સેવાના શપથ લેવડાવવામાં આવે છે, વકીલને કાયદાની સર્વોપરિતા શીખવાડવામાં આવે છે અને સૈનિકને દેશસેવા જ સર્વોચ્ચ છેની સમજ આપવામાં આવે છે  એમ શિક્ષકો પણ શિક્ષણ એ ફક્ત નોકરી નહીં, પણ સમાજ નિર્માણનો ભાગ છે એવો અહેસાસ કરે તે જરૂરી છે.

હવે આ બધા મુદ્દા નોંધી શિક્ષકો-વાલીઓ કે પાલકો સુધ્ધાં બાળકોના શિક્ષણ પ્રત્યેના એમના અભિગમ વિશે નવેસરથી વિચાર કરી શકે છે. દરેક બાળકની વિશિષ્ટ જરૂરિયાતોની ચર્ચા કરી આ મુદ્દાઓ અનુસરી રચનાત્મક શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ સર્જી શકાય છે. વાલીઓ અને શિક્ષકો એક સામાન્ય સભા ભરીને પણ આ વિશે ચર્ચા કરી આગળ વધી શકે છે.

હવે ચર્ચા કરીએ શિક્ષણને બાળકો માટે કેવી રીતે વધુ રસમય બનાવી શકાય છે એ મુદ્દાઓની. અહીં પણ વધુ ઉમેરા તેમ જ ચર્ચાને પૂરો અવકાશ છે.

– નાના બાળકની ભાષાજ્ઞાન સારું થતું જાય એ માટે નાનીમોટી સમજ આપવા જોડકણાં, બાળકાવ્યો, વાર્તાઓ, બોધકથાઓ વગેરેનો બને તેટલો વધુ ઉપયોગ કરવો રહ્યો.

– દરેક વર્ષના અભ્યાસક્રમ પ્રમાણે વરીષ્ઠ શિક્ષકો પરસ્પર ચર્ચા કરી કયા પાઠ્યક્રમમાં શેનો ઉપયોગ કરી શકાય એની નોંધ તૈયાર કરી, અભ્યાક્રમની રૂપરેખા ઘડી શકે છે.

– ગણિતના પાયા માટે રોજબરોજના હિસાબો અને આંકડાકીય રમતોનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ.

– વિજ્ઞાનને પુસ્તકો સુધી સીમિત ન રાખતા ઘરગથું પ્રયોગો દ્વારા અને બાળકો જાતે એ કરતા થાય એ રીતે શીખવાડીને એમને પ્રત્યક્ષ અનુભવથી શીખવા દેવા જોઈએ. નાનામોટા વૈજ્ઞાનિક પ્રયોગો એમની જાતે કરતા થાય એ માટે પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ. થોડા થોડા સમયે કચરામાંથી કલાકૃત્તિ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં એમને રસ લેતા કરવા જોઈએ.

– ઈતિહાસ-ભૂગોળમાં બાળકોને નાટકોથી, પાત્રો ભજવણીથી, તેમ જ અન્ય રમતોથી એ વિષયની માહિતી આપો અને પૂરક વાંચન રસમય બની રહે એવી રીતે શીખવવું જોઈએ.

– વર્ગને ઓળંગી જવાનો અભિગમ એકદમ સહજ રાખવો જરૂરી છે. ઘણીવાર ખુલ્લા પ્રાંગણમાં કે મેદાનમાં પણ શિક્ષકોએ વર્ગ લેવા જોઈએ. જેથી વાતાવરણની નવીનતા બાળકનું કૂતુહલ પોષે.

– ઘણી શાળાઓ પિકનિક લઈ જતી હોય છે, પણ એવી શાળાકીય પ્રવાસની સંખ્યા વધારવી જોઈએ ને એને દૂર લઈ જવા કરતા સ્થાનિક સ્થળોમાં બાળકોને નાનામોટા સંસ્થાનોમાં સંકળાઈ સ્વાનુભવ મેળવવાની તક આપવી જોઈએ.

– બાળકને થોડા થોડા સમયે એકાદ-બે યાદગાર મુલાકાતો કે પ્રસંગોનું આલેખન અથવા વર્ણન કરવાનું કહેવું જોઈએ, જેથી એની વિચારશક્તિ સાથે એની અવલોકનશક્તિ પણ ખિલે.

આ યાદી તો હજી અપૂર્ણ છે. આ મુદ્દાઓમાં ખરો ઉમેરો તો આપણા કેટલાય શિક્ષકો વાસ્તવિકરૂપે બાળકોને આપી રહ્યા છે એ બધાને સાથે લઈ થઈ શકે એટલા વધારે રચનાત્મક બની આપણી શિક્ષણ પ્રણાલીને સક્ષમ બનાવવી જોઈએ.

 

– અસ્તુ.

X
X
X