આપણે એવું માનવાની ભૂલ ન કરવી જોઈએ કે સાહિત્ય એ એક જુદું ક્ષેત્ર છે ને શિક્ષણ એ જુદું… હા, વ્યવસાય તરીકે એ બે ભિન્ન છે, પરંતુ સમાજઘડતરના મહત્વના અંગ તરીકે સાહિત્ય ને શિક્ષણ એકબીજાના પૂરક હોય એટલા લગોલગ જોડાયેલા છે. સંસ્કૃતિની જાળવણીમાં આજે સૌથી મોટી સત્તા સરકાર-વ્યવસ્થા-સંસ્થાઓ નિષ્ફળ નીવડી રહ્યાં છે તો આ સત્યને અવગણીને નાનાં એકમો તરીકે કોણ-કોણ ફરજ ચૂકી રહ્યું છે?
એક સમય હતો જ્યારે શિક્ષણજગત અને સાહિત્યજગત એકમેક સાથે તંતોતંત જોડાયેલું હતું. મોટા ગજાના સાહિત્યકારો શાળાઓ, વિદ્યાપીઠોમાં શિક્ષક હતા. વિદ્યાર્થીઓને સાહિત્યના આસ્વાદ સાથે સાહિત્યદ્રષ્ટિ પણ મળતી અને એ કારણે જરૂરી નથી કે દરેક વિદ્યાર્થીઓ સાહિત્યકાર બની જતો, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં જીવન પ્રત્યે સૌંદર્યદ્રષ્ટિ ને સાહિત્યરસ અચૂક સિંચાતા હતા. એનાથી વ્યક્તિમાં સૈદ્ધાંતિક મૂલ્યોનું ઘડતર પણ થતું ને સાહિત્યની સમજ વિકસતી. આને લીધે જીવનમાં ટકી રહેવાની હિંમત તેમ જ ચરિત્રશુદ્ધિ-વિચારશુદ્ધિની ટેક યુવાનોમાં સચવાતી. મૂર્ધન્ય સાહિત્યકારોના હાથ નીચે ભણ્યા હોય એટલે વિદ્યાર્થીઓના મનમાં એ સાહિત્યકારની આજીવન છાપ મૂકાઈ જતી અને સાથે આજીવન એ વિદ્યાર્થી સાહિત્ય સાથે ને સાહિત્યના માધ્યમથી સંસ્કૃતિ તેમ જ ભાષા સાથે જોડાયેલો રહેતો… આ રીતે સંસ્કૃતિનું, સાહિત્યનું, ભાષાનું સૌંદર્યચક્ર ચાલ્યા કરતું અને આ કારણે જ પાછલી પેઢીના આગમન સુધી સંનિષ્ઠ સાહિત્યકારો સાથે આપણને સંનિષ્ઠ વાચકો-સાહિત્યરસિકો-સાહિત્યમર્મીઓ પણ મળતા રહ્યા.
આજે આખું દ્રશ્ય બદલાઈ ગયું છે, સૌંદર્યચક્ર વિષચક્રમાં ફેરવાઈ ગયું છે. આજે ફક્ત વાચકો, ફક્ત સાહિત્યરસિકો, ફક્ત સાહિત્યમર્મીઓ ક્યાં રહ્યા છે? નથી જ નથી. આજે વાચકોની સંખ્યા વધવાના જે દાવા થાય છે એ એકંદરે જે વસતી વધી છે એના પ્રમાણમાં વાચકો-સાહિત્યરસિકોની સંખ્યા વધી છે એના દાવા છે, પણ સરેરાશ નથી વધી એ હકીકત આપણે ભૂલી જઈએ છીએ. ઉપરાંત આપણે જેને આ સુજ્ઞ સાહિત્યરસિક વર્ગ કહીએ છીએ ને જે પુસ્તકોના ખરીદદાર કે કાર્યક્રમોના પ્રેક્ષક મનાય છે, એમાં પચાસ ટકાથી વધુ એવા લોકો છે જે પોતે પણ સર્જનપ્રવૃત્તિ, સાહિત્યિક પ્રવૃત્તિ, સંસ્થાકીય પ્રવૃત્તિ કે આડકતરી રીતે સાહિત્ય-પ્રકાશન કે કાર્યક્રમ સાથે સંપૂર્ણરીતે સંકળાયેલા-જોડાયેલા હોય છે. બાકી વધેલા વર્ગને, જેને ઘણા હજી સંનિષ્ઠ સાહિત્યચાહકો કહે છે, એ ગઈ પેઢીના સાહિત્યરસથી સીંચાયેલા ને નિવૃત્તિ પછી નવરા પડેલા, વડીલો ને વડીલો માત્ર છે.
આ બધાના મૂળમાં અનેક સામાજિક-સાંસ્કૃતિક કારણો છે ને એમાંનું એક કારણ એ પણ છે કે પાછલી પેઢીના સાહિત્યકારોનો પ્રવાહ શિક્ષણ સિવાયની દિશાઓમાં વધુ ફંટાયો છે. વ્યાવહારિક રીતે અયોગ્ય લાગતી હોવા છતાં આપણે આ વાત સ્વીકારવી પડશે, કારણ કે એ કડવું સત્ય છે.
10થી 20 વરસના વિદ્યાર્થીઓ-બાળકોને, એમને ગમી જાય એવા અંદાજમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો, શ્રેષ્ઠ કવિતાઓનો, સાહિત્યના આનંદનો પરિચય કરાવવામાં ન આવે તો એ લોકોમાં સાહિત્ય માટે આકર્ષણ કઈ રીતે જન્મે? હા, સાહિત્ય માટે આદર નહીં, આકર્ષણ જન્મવું વધારે જરૂરી છે. આદર તો પછી આપોઆપ જાગે છે. નામપૂરતું આદર આપીને છૂટ્ટી જઈ શકાય છે, પણ આકર્ષણ જ કોઈ પણ બાબતની સાથે વ્યક્તિને જોડેલું રાખે છે… અને પોતાના સાહિત્ય સાથે જોડાયેલી વ્યક્તિ, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાના હોવાપણા સાથે તંતોતંત જોડાયેલી રહે છે.
-અને જાતજાતની સમસ્યાઓથી ઘેરાયેલી આજની શિક્ષણવ્યવસ્થામાં બધું જ ખાડે ગયું છે ત્યારે આ પ્રકારના દરેક સામાજિક પતન માટે વારંવાર શિક્ષકોને દોષિત ઠેરવી દેવાય છે, પરંતુ એ અભિગમ ખોટો છે. બધી જ ભૂલ એમની નથી. શિક્ષણથી તેમ જ નવી પેઢીના ભાષાઘડતરની સાહિત્યિક જવાબદારીથી દૂર જઈ ઊભી રહી ગયેલી સાહિત્યકારોની જમાતને પણ આ આક્ષેપનો રેલો અડકે છે.
પહેલાના મોટા ભાગના સાહિત્યકારોએ શિક્ષક તરીકે જ કારકિર્દીની શરૂઆત કરી હતી. કેટલાક લાંબા ગાળા સુધી તો કેટલાક આજીવન શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા હતા. બળવંતરાય ઠાકોર, સુરેશ હ. જોષી, રા. વિ. પાઠક, ઉમાશંકર જોશી, ભોળાભાઈ પટેલ, ધીરુભાઈ ઠાકર, ચંદ્રકાન્ત બક્ષી, સુરેશ દલાલ જેવા આપણા અનેક દિગ્ગજ સાહિત્યકારો દાયકાઓ સુધી શિક્ષણમાં રહ્યા, ને બાકી જે સાહિત્યકારો શિક્ષણમાં ન હોય એમને પણ આ સાહિત્યકારો અવારનવાર વિદ્યાર્થીઓ પાસે લઈ આવતા. ટૂંકમાં, જીવનકાર્યનો સારોએવો સમય આ સાહિત્યકારોએ આગલી પેઢીના ઘડતર માટે આપ્યો છે. નવી પેઢીના કૂતુહલને સંતોષ્યું છે ને એમનામાં સાહિત્યબીજ દ્વારા ભાષા-સંસ્કૃતિ માટે આદર-આકર્ષણ રોપ્યું છે. એ પછીની પેઢીમાં આવા સાહિત્યિક વલણનો અભાવ સમાજ તરીકે તો આપણને ભારે પડ્યો જ છે, સાથે આપણી ભાષા-સંસ્કૃતિ માટે પણ નુકસાનકારક પૂરવાર થયો છે એમાં કોઈ બેમત નથી.
આજે કાર્યક્રમ-કવિઓની, સામાયિક-સાહિત્યકારોની ને લખવા પૂરતા જ ભાષા-સંસ્કૃતિના ગુણગાન ગાતા ચિંતકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે, પણ કરુણતા છે કે અનેક સમસ્યાઓ સામે લડી રહેલી શિક્ષણ-વ્યવસ્થા માટે, મર્યાદાઓ સાથે ચાલી રહેલી શાળાઓ માટે, જાતજાતની પરિસ્થિતિથી ઘેરાયેલા વિદ્યાર્થીઓના સાહિત્યઘડતર-શિક્ષણઘડતર દ્વારા જીવનઘડતર માટે સંઘર્ષ કરે એવા સમાજલક્ષી સાહિત્યવીરોની મહાજાતિ હવે દુર્લભ થઈ ગઈ છે.
આ બધી સમસ્યાઓ સામે વ્યવસ્થાપન-સત્તા તો તદ્દન નિષ્ફળ ગયાં છે ને કોઈને દોષ દેવો જ હોય તો સૌથી પહેલાં એમને દઈ શકીએ, બીજી આંગળી પ્રજા તરીકે આપણે પોતાની પર જ ઊપાડવી પડે. એ સિવાય અહીં કોઈ સાહિત્યકારો પર આક્ષેપો કરવાનો કે કોઈને ઉતારી પાડવાનો હેતુ નથી, પણ એ જ રીતે, ઘરે બેઠાબેઠા ફક્ત ‘મનન-ચિંતન-લેખન’ કરીને ભાષા-સંસ્કૃતિના સંરક્ષક હોવાના દાવા કરનારાઓને માથે ચડાવવા સામે (દુઃખ છે પણ) વિરોધ નથી, બધું બધાની જગ્યાએ બરાબર છે, પણ અહીં તો બસ, સામુહિક-સામાજિક જવાબદારી માટે આજે પણ સતત સંઘર્ષ કરી રહેલા વ્યક્તિત્વો, સંસ્થાઓ, સંગઠનો ને મંડળોનો નગ્ન આક્રોશ છે. એ આક્રોશને નમ્ર ટકોર કે ઉગ્ર વિનંતી ગણીને ગુજરાતીના સાહિત્યિક-સામાજિક પ્રતિનિધિઓ ઈચ્છે તો હજી પણ શહેરની ગુજરાતી શાળાઓના વિકાસ-વિસ્તાર માટે જે-તે રીતે ફાળો આપી શકે છે. ઘણું કરી શકે છે. આજે અંગ્રેજી માધ્યમની શાળાઓની ભલે બોલબાલા રહી, પણ દરેક વાલી મનોમન જાણે છે કે આંતરરાષ્ટ્રીય કે કેન્દ્રીય કે રાજ્ય બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં મૂકેલા એમના સંતાનની હાલ કેવી ભૂંડી થઈ રહી છે, કારણ કે એ માધ્યમોનું શિક્ષણ, શિક્ષણ નહીં, બસ એક સ્પર્ધા જ બની ગયું છે. માતૃભાષાના માધ્યમમાં પણ અનેક મર્યાદાઓ હશે, છે, પણ સંપૂર્ણતા તો જગતની કોઈ સુંદરતામાં નથી એ આપણે ક્યાં નથી જાણતા. ફક્ત સારી ઈમારત ને મોટું મેદાન ને વાતાનુકૂલિત સભાગૃહ ને દરેક વર્ગની કમ્પ્યુટર લેબ ને એવીએવી સુવિધાઓથી શાળા ભરચક હોય એટલે શિક્ષણ સારું જ મળી જવાનું? આજે જે વાલીઓ એમના સંતાનને શાળામાં મૂકવા વિશે મૂંઝાઈ રહ્યા છે એ પોતે એકવાર ફક્ત વિચારે કે એ લોકો પોતે કેવી શાળામાં ભણ્યા હતા? ને અસુવિધા હોવાથી એમનું શિક્ષણ શું કથળી ગયું હતું? સુવિધાઓ શાળાની શ્રેષ્ઠતાનો પુરાવો નથી એટલી સમજ તો ગુજરાતીઓની ચબરાક બુદ્ધિને ન હોય એ કેમ બને?
આજે મર્યાદાઓ સાથે પણ ગુજરાતી માધ્યમ જ શ્રેષ્ઠ ને સક્ષમ છે એ વાત આપણે સ્વીકારવી પડશે. એના પ્રચારપ્રસાર માટે જરૂર છે મોટા પાયે આહવાનની, મોટા વ્યક્તિત્વો-પ્રતિનિધિઓના સ્વીકારની, સહુને એ કહેવાની કે છેલ્લાં વીસ વરસમાં જે આંધળીદોટ મૂકતા મૂકાઈ ગઈ, થતાં થઈ ગયું, આપણી જ ધાંધલે ઘર તોડી નાખ્યું, પણ હવે અહીંથી ઘરને ફરી નવેસરથી ઊભું કરવાની, સજાવવાની તક છે, એ આપણે સહુ ઉપાડી લઈએ અને એના સર્વવ્યાપી આહવાનની જવાબદારી શું સાહિત્યકારો નહીં સ્વીકારે? ગુજરાત-મુંબઈમાં આજે મહિનાભરમાં સેંકડો સાહિત્યિક-સામાજિક કાર્યક્રમો થતા જ રહે છે, નાટકો-ડાયરાની તો વાત જ જવા દો, બીજું કંઈ નહીં તો દર વખતે આ સામાજિક-સાહિત્યિક પ્રતિનિધિઓએ આ કાર્યક્રમો દરમિયાન સતત માતૃભાષામાં શિક્ષણ આપવાનો સંદેશો ફેલાવતા રહેવાની પણ જરૂર છે, મર્યાદાઓ છતાં પણ આપણી ભાષાના માધ્યમની શાળાઓનો પક્ષ લેવો પડશે, પાછી એ સ્પષ્ટતા સાથે કે આ પગલું ભાષા કે સંસ્કૃતિના સંવર્ધન માટે નહીં, પણ આપણા પોતાના અસ્તિત્વ માટે જરૂરી છે. બાકી તો, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બોર્ડ્સ ને જાતજાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓના સૈનિકો જેવા અંગ્રેજીમાધ્યમ-પીડિત વિદ્યાર્થીઓને કદી મેદાનમાં રમતા ન જોઈ શકેલો આપણી બિલ્ડિંગનો વોચમેન પણ પ્રશ્ન પૂછતો થઈ ગયો છે કે કશા જ કૂતુહલભાવ વગર ફક્ત સ્કૂલથી ટ્યુશન વચ્ચે લથડિયા ખાતો આ તે બાળક છે કે રોબોટ ? જવાબ તો આપણે બધા જાણીએ જ છીએ.
-અસ્તુ.