ભારતના ભવ્ય ઈતિહાસ સાથે સંકળાયેલું કલ્યાણ ગામ એ નકશા પરનું એક ભૌગોલિક બિંદુ માત્ર નથી, પણ ગુર્જર સંસ્કૃતિને શાશ્વત બનાવવાના ઓરતા સાથે ઊભેલું અડીખમ નગર છે. આ નગરની મધ્યમાં વસેલી એકમાત્ર ગુજરાતી કન્યાશાળા એટલે સાક્ષાત જ્ઞાનની પરબ! ગુર્જર સમાજની આન, બાન અને શાન!! અનંત જ્ઞાનાકાશને આંબવાની ક્ષમતા બાળાઓમાં કેળવાય તે માટે સંસ્થા શ્રી બૃહદ્ ગુજરાતી ઍડ્યુકેશન સૉસાયટી વિદ્યાદાનના યજ્ઞકુંડને સતત પ્રજ્વલિત રાખી, તેમાં પ્રયત્નોની સમિધા અર્પતી રહે છે. સંસ્થાના મુઠ્ઠીઊંચેરા માનવસમૂહે રચેલી સેવા, સમર્પણ, ખંત, ખમીર, ખુમારીની મજબૂત વાડે વિદ્યાદાનની સાથે સાથે ગુર્જરીની ઝાકમઝોળને જ નહિ, પણ સંસ્કાર સમૃદ્ધ, વિચાર સમૃદ્ધ બને તેવા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે.
આજના સ્પર્ધાત્મક યુગમાં જ્ઞાનની ક્ષિતિજો સતત વિસ્તરતી રહે છે, ત્યારે કન્યાઓમાં રહેલાં સુપ્ત ગુણ કૌશલ્યોની શોધ કરવી જરૂરી બને છે. આવી શોધ માટે શાળામાં વિશેષ પ્રયત્નો થાય છે. શાળામાં કે શાળા બાહ્ય યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં બાળાઓ સફળતાપૂર્વક સહભાગી થઈ, તેનામાં રહેલાં ઉત્તમાંશોનું આવિષ્કરણ કરી શકે, તે રીતે તેમને ઘડવામાં આવે છે. પરિણામે, નિબંધ લેખન, વક્તૃત્વ, ગાયન, વાદન, ચિત્રકામ, રંગભરણ, વિજ્ઞાન પ્રકલ્પ (project), રમતગમત, યોગ વગેરે ક્ષેત્રે અમારી બાળાઓ અવ્વલ સાબિત થાય છે. આ સર્વે સ્પર્ધાઓનું મૂલ્યમાપન કરનાર પરીક્ષક પણ અમારી બાળાઓની સૂઝબૂઝથી અચંબિત થયા વગર રહેતાં નથી. આ સાથે જ બાળાઓ ભારતના ભવિષ્યની શ્રેષ્ઠ નાગરિક બને તે હેતુથી શૈક્ષણિક- સાંસ્કૃતિક પ્રગતિની સાથે સાથે ભારતની અને વિશ્વની વિવિધ સમસ્યાઓથી તેમને સુમાહિતીગાર કરાય છે, જેથી સંસ્કૃતિરક્ષકની સાથે સાથે તે સમાજરક્ષક અને દેશરક્ષક પણ બની શકે.
આજે જ્યારે ઠેરઠેર મૂલ્યોના મકબરા ચણાઈ રહ્યા છે, ત્યારે તેના ઉપાય તરીકે શાળામાં આવનાર યુવા મસ્તિષ્કને મૂલ્યોથી શણગારવા વિવિધ કાર્યક્રમો શાળામાં યોજાય છે. સહિષ્ણુતા અને એકતા જેવા મૂલ્યો આરોપવા ૪-૫ દિવસના લાંબા પર્યટનની વ્યવસ્થા કરાય છે, તો દેશદાઝ નિર્માણ કરવા વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ નિર્માણ કરવા વિવિધ સ્થળે યોજાતા વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લેવડાવાય છે, તો સેવા, સ્વચ્છતાનું મૂલ્ય વિકસાવવા તે પ્રમાણેના પ્રસંગો નિર્માણ કરવામાં આવે છે. આમ, હકીકતે, હિંદુસ્તાનના ઉજ્જવળ ચિત્ર બાળાઓ સામે રજૂ થઈ શકે તેવા પ્રયત્નો શાળા કરે છે. આ સાથે, આજની પ્રદુષિત હવામાં બાળાઓના આરોગ્ય તરફ લક્ષ આપવું જરૂરી બન્યું છે, જેથી સમયાંતરે બાળાઓના આરોગ્યની તપાસણી તજજ્ઞ ડૉક્ટરો દ્વારા કરાવવામાં આવે છે.
ટૂંકમાં, આત્મસંયમ, આત્મશિસ્તની સાથોસાથ આત્મજાગૃતિ, આત્મપરિવર્તનનું શિક્ષણ આપી, શાળામાં આવનાર ચેતનાસભર અસ્તિત્ત્વોની જ્ઞાનતૃષ્ણાને તૃપ્તિમાં ફેરવવાનો કર્મયજ્ઞ અહીં આદરવામાં આવ્યો છે. ક્રિસમસ ટ્રીની સાથે સાથે આંગણામાં શોભતા તુલસીક્યારાની અસ્મિતા કેવી રીતે જાળવવી? – એ યક્ષ પ્રશ્નનું સમાધાન બાળા સહજ રીતે શાળામાં મેળવે છે.
આમ, શાળા, સમાજ અને સંસ્થાના વિચાર સાંમજસ્યમાંથી એક મજબૂત શિક્ષણપ્રણાલી શાળામાં આકાર પામી છે, જેનું સંપૂર્ણ શ્રેય સંસ્થાપ્રમુખ શ્રી. વિનોદભાઈ પટેલ, માનદ્ મંત્રી શ્રી જયેશભાઈ કારિયાના નેતૃત્વ હેઠળ કાર્યરત શ્રી બૃહદ્ ગુજરાતી ઍડ્યુકૅશન સૉસાયટીને, નવવિચારમૂલક આચાર્યા શ્રીમતી પૂર્વાબહેન કુલકર્ણી અને તેમની સાથે અડીખમ ઊભાં રહેલાં શિક્ષિકાબહેનોને તેમ જ કલ્યાણના ગુર્જર સમાજને જાય છે.
આ સર્વના પરિપાકે આસપાસના પરિસરમાં આવેલી ઈતર શાળાઓની સરખામણીમાં માતૃશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. કલ્યાણમાં હોવા છતાં આ શાળા જાણે મુંબઈમાં જ હોય એ રીતે સમાઈ ગઈ છે અને મુંબઈની શાળાઓની પ્રતિયોગિતા જેવી કે પ્રગતિ મિત્ર મંડળની નિબંધલેખન, કવિતાપઠન કે વકતૃત્વની સ્પર્ધા હોય કે મુંબઈ ગુજરાતીની બૅનર પ્રતિયોગિતા, ટીચીંગ એઈડ કે લોકનૃત્ય સ્પર્ધા જેવી પ્રતિયોગિતામાં આટલે દૂરથી આવીને માત્ર ભાગ જ નથી લેતાં પણ પોતાની શાળાની વિજયપતાકાપણ ફેરવી જાય છે. આ માટે, શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષકો અને વાલીઓ ખરેખર અભિનંદનને પાત્ર છે,
અંતે, આપણા ગુજરાતી સમાજને આટલું જ કહીશું,
“આભારી અમે ઈશ્વરના થઈએ એવું લાગે
શાળા ગુર્જરીની જે હરિયાળી રાખે
શત્ શત્ વંદન કરું એવા મહામાનવને
જે
ગુજરાતી માધ્યમ જીવાડી જાણે!
ગુજરાતી માધ્યમ જીવાડી જાણે!!”