5 સપ્ટેમ્બરે શિક્ષકદિન ગયો અને ઘણી નવીન સમસ્યાઓની ભેટ આપતો ગયો, બહરહાલ-શિક્ષણને લગતી જ. ડૉ રાધાકૃષ્ણન્, જેમના જન્મદિવસે આ શિક્ષકદિન આખો ભારત દેશ ઉજવે છે તેઓ એવું કહેતા હતા કે શિક્ષણનું અંતિમ પેદાશ એટલે એવી મુક્ત સર્જનાત્મક વ્યક્તિ જે ઐતિહાસિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક વિપત્તિઓ સામે લડી શકે. એવું મુક્ત, સર્જનાત્મક વ્યક્તિત્વ આપણે ત્યાં હવે પેદા થાય છે ખરું? અને થાય પણ તો શું એ શિક્ષણની પેદાશ છે? આપણા દેશનો સૌથી મોટી સમસ્યા જ આ છે કે આપણને વિભૂતિઓ બનાવવાનો બહુ શોખ છે. કારણ-તેમની પાછળ કંઈક વાદ ઊભો કરી શકાય અને બિચારા એ વિભૂતિના મૂળભૂત સિદ્ધાંતોને તો આપણે તોડીમરોડીને વેચી ખાઈએ છીએ… પછી તેમાં ગાંધીજી હોય, આંબેડકર હોય કે રાધાકૃષ્ણન્ …
મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે મહારાષ્ટ્રનાં પાંચ મૂખ્ય પ્રાધાન્યોમાં એક શિક્ષણની ગુણવત્તા માટે છે, અને તે ફક્ત ઉચ્ચ શિક્ષણ માટે નહીં પ્રાથમિક શિક્ષણ માટે પણ. એટલે કે અહીંના પ્રાથમિક શિક્ષણની પણ ગુણવત્તા વધારવાની જરૂર છે એવા વાતાવારણમાં વિદ્યાર્થીની હાલત શું છે? પાયાવિહોણુ શિક્ષણ આપતું એક ચેઝ બોર્ડ છે તંત્ર અને તેનું પ્યાદુ બનીને રહી જાય છે વિદ્યાર્થી… તેની કરેલી અઠળક મહેનત તેને ભરચક માર્ક્સથી વધારે કંઈ નથી આપી શકતી. અને તે માર્ક્સનો સિલસિલો ડિગ્રી પર જઈ અટકી જાય છે (એ સિવાય, શું તમે સારા માર્ક્સને લીધે ચારે તરફથી મળતી વાહવાહને કંઈ ઉપયોગી ગણો છો? તો એ મળે છે ખરી) અને ડિગ્રી… ડૂપ્લિકેટ તો ડજનોના ભાવે મળતી થઈ ગઈ છે. અને કોઈ વ્યવસાયમાં ફક્તને ફક્ત ડિગ્રીના દમ પર હવે નોકરીઓ મળી નથી રહી… એટલે કે અંતે આખું જ શિક્ષણચક્ર વિષચક્ર બની ગયું છે… તો શું કરોડો વિદ્યાર્થી અંધારામાં દોટ મૂકી રહ્યા છે? જવાબ હા પણ છે અને ના પણ. જે વિદ્યાર્થીઓ ખરેખર પ્રતિભાશાળી છે તે તો આંખોમાં આગ ભરી, દીવાલો તોડીને પણ પોતાનો રસ્તો કરી લેશે… વાત એક સામાન્ય વિદ્યાર્થીની છે જેને જો તમે ડૉકટર બનાવા ચાહો તો તે ડૉકટર બને અને એન્જિનિયર બનાવા ચાહો તો એન્જિનિયર… ભલે એ મૂળભૂત રીતે તો એક કવિજીવ હોય… પણ એક વિદ્યાર્થી જેને સંપૂર્ણ શિક્ષણની જરૂર પડે છે… તે આજના વાતાવરણમાં ગુમરાહ થઈ જવાનો. દેશના મહામૂલા યુવાધનમાંથી ઘણુંખરું આવી રીતે કૂવામાં પડી રહ્યું છે. જ્યુવેનાઇલ ક્રાઈમ(સગીર વયજૂથ દ્વારા આચરવામાં આવતા ગૂનાઓ)નું પ્રમાણ ચોંકાવનારી સંખ્યામાં વધી રહ્યું છે. ડ્રોપ આઉટ્સ આશ્ચર્યજનક રીતે વધી રહ્યા છે.. કારણ? સ્પષ્ટ છે માથાભારે અને નૈતિકતાવિહોણુ શિક્ષણ.
મુખ્યમંત્રી કહે છે કે જો શિક્ષણક્ષેત્રે પાયાથી ફેરફાર લાવવો હોય તો સમાજના દરેક ઘટકે તેની માટે આગ્રહ રાખવો પડે, ફક્ત સરકાર નહીં, વાલીઓ, શિક્ષક, પ્રસારણમાધ્યમો સર્વેનો સાથ સાંપડવો જોઈએ. પણ એ સાથ મળવાથી શું અને કેવી રીતે થવાનું છે એ તેમણે સ્પષ્ટ ન હતું કર્યું. અનેક ચર્ચાસત્રોની પૂર્ણાહૂતિ પછી પણ શિક્ષણ વ્યવસ્થામાં કેટલા ફેરફાર આવ્યા? શૂન્ય. સમસ્યાઓ અપરંપાર છે. પ્રાદેશિક ભાષાની શાળાઓને અંગ્રેજી માધ્યમનો સાપ ગળી જઈ રહ્યો છે. તો અંગ્રેજી શાળાઓમાં વર્ગખંડો લોકલના ડબ્બાની જેમ ખીચોખીચ ભરેલા છે, મર્યાદિત સમયમાં અભ્યાસક્રમ પૂરો કરવાની ચિંતામાં શિક્ષકો જે સમજાવે છે, જે ભણાવે છે તેનો કોઈ માપદંડ નથી… અને હવે તો તેની કોઈ કક્ષા પણ રહી નથી એવું લાગે છે. જે શિક્ષણ છે તેનું સ્વરૂપ પણ કેટલું અઘરું ને ભારેખમ છે એ આપણે સૌ જાણીએ છીએ. વિદ્યાર્થીઓ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ઉપરથી તેમના માથે ક્લાસીસ-ટ્યુશન્સનો મારો અલગથી થાય છે, ટેલીવિઝનના જ્યુનિયર રિયાલિટી શોઝ સીધો તેમના મનોજગત પર ફટકો પહોંચાડે છે. ઇન્ટરનેટ દ્વારા નાના થઈ ગયેલા વિશ્વની વધી ગયેલી મહત્વકાંક્ષાઓના ભાર નીચે દટાઈ જાય છે તેમનાં બાળસ્વપ્નો ને મુગ્ધ કલ્પનો…
કારણ? હવે તેઓને એક સાથે કેટલી દુનિયાઓમાં જીવવાનું હોય છે, સ્કૂલ, ટ્યુશન, કોઈક ને કોઈક ક્લાસીસ, મોબાઈલ, ફેસબુક, વેબસાઈટ્સ… અને હા, ઘર! એક બાળક પર વધારેમાં વધારે કેટલો ભાર મુકી શકાય, બસ હવે એના કાયદાની રાહ જોવાઇ રહી છે કે એક બાળકને તમે આટલાં કલાક જ પ્રવૃત્તિમય રાખી શકો ને આટલાં કલાક એને રમવા દેવો… એવો કાયદો આવે પછી જ આ ભાર કંઈક મર્યાદિત થશે.
અત્યારની મોટા ભાગની શાળાનાં વ્યવસ્થાતંત્રનો ધ્યેય કઈ દિશાનો છે? પૈસો.. રૂપિયા… મની!!! અને લાખો રૂપિયા ભર્યા પછી, શાળાના જ ઈત્તર ખર્ચામાં હજારો વેડફ્યા પછી, શાળાના ભયંકર શેડ્યુલને અપનાવા્યા પછી, ધડમાથા વગરના નિયમો માન્ય રાખ્યા પછી… આ બધા ”પછી”ઓ પછી પણ વાલીઓએ પ્લીઝ પ્લીઝ જ કર્યા કરવું પડે છે. બીજી તરફ શિક્ષકોનો દુકાળ પડી રહ્યો છે (સારા ખરાબ તો બાજુ પર મૂકો) એક અભ્યાસ મુજબ રાજ્યમાં 1.3 કરોડ વિદ્યાર્થીઓ સામે 5.42 લાખ શિક્ષકો જ છે… એટલે કે સરેરાશ પ્રમાણે મહારાષ્ટ્રની એક શાળામાં ફક્ત પાંચ શિક્ષકો જ છે.
સરકારી શાળાઓની સ્થિતિ તો મહદંશે ખરાબ છે. 40 ટકા સરકારી શાળાઓની આસપાસ દીવાલ નથી. 36 ટકા શાળાઓ પાસે નાનું એવું પણ મેદાન નથી. 82 ટકા પ્રાથમિક શાળામાં કમપ્યુટર નથી અને એનાથી મોટું આશ્ચર્ય તો એ છે કે હજી 24 ટકા સરકારી શાળાઓમાં નિયમિત વીજળીનું કનેક્શન પણ નથી. 5 ટકા શાળાઓમાં કોઈ પણ જાતના શૌચાલય નથી. (આ બાબતમાં 5 ટકા ગણા વધારે કહેવાય… એટલે કે હાલત સારી છે.) મુંબઈની 94 ટકા શાળાઓમાં શાળાના મૂળભૂત નિયમો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણી ને શૌચલયની વ્યવસ્થા, મેદાન વગેરે જેવી બાબતો)માંથી એકાદાનું તો ઉલ્લંઘન થયેલું જ છે. ક્લાસરૂમમાં બે ગણા વિદ્યાર્થીઓ છે એ તો નોંધ્યું, સરકારી સિવાયની શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર હાઈ ક્લાસ છે અને ઇન્ટલીજન્સ-સ્ટ્રક્ચર જર્જરિત. (એમાં તો સરકારીમાં પણ એવું જ છે.) 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ઘરે ગયા પછી આજે શું શીખવ્યું એ જાણ જ નથી હોતી… એવું એક અનુમાન કહે છે.
વિદ્યાર્થીઓના શિખવાની ક્ષમતામાં થતો ઘટાડો એ બીજી મોટી સમસ્યા છે. વિદ્યાર્થીઓને કેટલું ને શું ભણાવવામાં આવે છે તેની સામે તેઓ કેટલું અને કેવું ભણ્યા તે પણ ચિંતાનો વિષય છે. અને તે વિષય ચોંકાવનારા આંકડા આપે છે. અંગ્રેજી માધ્યમના સાતમા ધોરણના 50 ટકા વિદ્યાર્થીઓને અંગ્રેજીનું એક આખું વાક્ય વાચતા નથી ફાવતું.
…મગજનો એક મોટો હિસ્સો મોબાઈલ-ક્મ્પ્યુટર, ગેમ્સ ને ઇન્ટરનેટને સમજવામાં વાપરી નાખ્યા પછી બાળકના મગજને શીખવાનું શું બાકી રહ્યું… પોતાનો નાનો ટપુડો ફાવટથી ગેઝેટ વાપરતો થઈ જાય એનો ગર્વ લેતા પહેલા દરેક વાલીએ વિચારી લેવું પડે એમ છે. એવું નથી કે મગજની શક્તિ મર્યાદિત છે પણ તેની પાસેથી એક સાથે કેટલું કામ લઈ શકાય એ માનસશાસ્ત્રીઓનો પ્રશ્ન છે. જે દરેક શાળાએ સમજવો પડે અને વાલીઓએ પણ. આ બધામાં જે બાબતને તદ્દન અવગણવામાં આવી છે એ છે દરેક શાળામાં એક સાયકોલોજિસ્ટની આવશ્યકતા. હા, ભાઈ એ બાબત પણ તદ્દન યોગ્ય છે કે જ્યાં ટોઇલેટ્સ ને પીવાના પાણીના વાંધા હોય ત્યાં એક કાઉન્સેલર કમ સાયકોલોજિસ્ટ એ તો બહુ વધારે પડતી અપેક્ષા ગણાય. પરંતુ જો શિક્ષણના સર્વાંગી વિકાસની વાતો જોરશોરથી થતી હોય અને આવનારી કાલોમાં આપણે ત્યાં શિક્ષણનું દ્રશ્ય એકદમ સ્વચ્છ ને ઉમદું હશે એવાં આશ્વાસનો મળી રહ્યાં હોય તો એમાં આવી બેચાર બીજી અતિશયોક્તિ ભરી અપેક્ષાઓ રાખવી જ પડે… એમાં કંઈ ખોટું નથી… હવે આ અતિશયોક્તિ સાબિત થાય છે કે પૂર્વોક્તિ એ તો આવનારી કાલ જ કહેશે!
– અસ્તુ.
(તારીખઃ 10 સપ્ટેમ્બર 2014
સુનીલ ગુજરાતી)