૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page
કવિ શ્રી નયન દેસાઈ

કવિ શ્રી નયન દેસાઈ

જ્યારે જ્યારે હું દુનિયામાં સાચો પડ્યો

ત્યારે ત્યારે મને એક તમાચો પડ્યો

સ્વર્ગ બાંધ્યું હશે એણે કોઈ ના નથી,

પણ જગત બાંધવામાં એ કાચો પડ્યો

 

નયન હ. દેસાઈ એ ગુજરાતી ગીતગઝલના સૂવર્ણકાળની હાજરમૂડી સમા કવિ છે. પરંપરા અને પરંપરાને પડકારતી સફળ પ્રયોગશીલતા, બંનેય એકસાથે એમણે નિભાવી છે… અને પ્રયોગશીલતાની સફળતા જેટલી જ લોકપ્રિયતા પણ મેળવી છે. અંધેરી ભવન્સમાં ગત શુક્રવારે, તેર જૂને કાવ્યસંપદાના ઉપક્રમે એમના કાવ્યપાઠ ઉપરાંત કવિનાં બે પુસ્તકો-મેઘધનૂષના મેળામાં(બાળગીતો) અને શ્રુતિસાગર(લઘુકાવ્ય)નું વિમોચન પણ થયું. કાવ્યસંગ્રહોનું લોકાપર્ણ તખ્તા-ટેલીવિઝનના વરીષ્ઠ ને લોકપ્રિય કલાકાર સનત વ્યાસે કર્યું.

માતૃવંદનાથી શરૂ થયેલા એમના કાવ્યદૌરમાં કેટલાય વિષયોને સ્પર્શતી કવિતાઓ આવતી રહી, અનેક આયામો સુધી વિસ્તરતી કવિની કાવ્યક્ષિતિજને ભાવકોએ મન મૂકી વધાવી પણ ખરી. કવિતા સાથે કવિતા પાછળના પ્રેરકપ્રસંગો વહેંચતા કવિએ અનેક સંદર્ભો આપી અંતરંગ વાતો કરી. કવિતાની વ્યાખ્યા બાંધતા એમણે કહ્યું કે…

કવિતા જ્યારે જીવનમાંથી ત્યારે જ ગમે છે… લાગણી દરિયા બને એ આંસુ થાય છે ને આંસુ શબ્દો બને એ કવિતા…

એ ઉપરાંત ચકલીકાવ્ય, મંજૂકાવ્ય, મગનમુક્તકો, પ્રાયોગિક ગઝલો, હાસ્યરચનાઓ વગેરે અનેક શૈલી-પ્રકારને રજૂ કરતી કાવ્યબાની સાથે કવિએ શ્રોતાઓને આહલાદક કાવ્યમૌજ કરાવી.

લોકાર્પણ ઉપરાંત લોકપ્રિય કલાકાર સનત વ્યાસે પ્રસંગસૂચક કવિનાં કેટલાંક લઘુકાવ્યોનું પોતાની આગવી ને મનોરંજક શૈલીમાં પઠન કર્યું હતું તો પ્રકાશક તરીકે ઉપસ્થિત કવિ કિરણસિંહ ચૌહાણે પણ પ્રાસંગિક વાતો ઉપરાંત એમના ગુરુકવિ નયન દેસાઈનાં કાવ્યો સંભળાવ્યાં હતાં. નયન દેસાઈના આ લઘુકાવ્યના પુસ્તકનું પ્રકાશન સાંનિધ્ય પ્રકાશન દ્વારા થયું છે, જે કવિ કિરણસિંહ ચૌહાણ સૂરતમાં ચલાવે છે. કિરણસિંહે નયન દેસાઈ એમની માટે ગુરુતુલ્ય હોવાથી એમના પુસ્તકપ્રકાશનને પોતાની એક અંતરંગ ઈચ્છા ગણાવી હતી. ઉપરાંત કિરણસિંહે ગઝલપાઠ પણ કર્યો હતો, જેનો પહેલો શેર અહીં રજૂ છે.

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે

નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે…

 

અને સાથે નયન દેસાઈના સુંદર લઘુકાવ્યોનું એક ઝાપટું…

 

હું કવિતા લખતી વખતે

એમાં શિવ મૂકું છું

પછી મઠારતી વખતે

જીવ.

પત્ની ફાટેલું પહેરણ સાંધે

તેની સાથે

એના અબોલા પણ સંધાઈ જતા

હોય છે કે નહીં

રસ્તે ચાલતા પગરવ

વૃક્ષો પર પંખીઓનો કલરવ

ખળખળ પાણીનો જળરવ

બારણે ટકોરાનો ટકરવ

અને આ કવિતા

એટલે મનરવ…

-અસ્તુ

( કાવ્યપ્રેમીઓ નયન હ. દેસાઈના આ ઊર્મિનાં રત્નો સમાં લઘુકાવ્યો (કિરણસિંહના શબ્દોમાં) નું પુસ્તક મેળવવા સંપર્ક કરી શકે છેઃ સાંનિધ્ય પ્રકાશન-0261-2766860, khc150@gmail.com )

X
X
X