બે તદ્દન સાચ્ચા કિસ્સા.
જુનિયર કોલેજના બીજા વર્ષમાં મુંબઈની જાણીતી કોલેજમાં ભણતી અનિપ્રાને ગયા વર્ષે જ ૨૦૧૪માં દસમા ધોરણમાં ૮૮ ટકા આવ્યા..એને અંગ્રેજી સારું ફાવે છે, રેડિયો-ટીવી ને નાટકોમાં એ ગાય છે અભિનય કરે છે. હળવીફૂલ થઈ હરેફરે છે ને ભણી તો લે જ છે હસતાં-રમતાં. એક દિવસ એણે એના પપ્પાને અચાનક કહ્યું હતું કે “પપ્પા થેંક્યુ.”
કેમ પપ્પાને થેંક્યુ? એ આગળ જાણીએ.
બીજો કિસ્સો.
ગુજરાતી માધ્યમની શાળામાંથી જ દસમુ પાસ કરી ૨૦૧૦માં કોલેજમાં આવેલો સ્મિત રાવલ મુંબઈની નામચીન એન્જિનિયરિંગ કોલેજમાં ભણી રહ્યો છે, એ તાજેતરમાં જ અમેરિકા જઈ એરોસ્પેસની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ આવ્યો ને સારો નંબર પણ કમાવી લાવ્યો.
એ કહી દઈએ કે અનિપ્રા કે સ્મિત સી.બી.એસ.સી. કે આઈ.સી.એસ.ઈ. બોર્ડની શાળામાં નહોતાં ભણતાં કે નહોતાં ભણતાં કોઈ કોન્વેન્ટ સ્કૂલમાં. સામાન્ય અંગ્રેજી માધ્યમની શાળા સાથે પણ એમને કોઈ લેવાદેવા નહીં. એ તો ભણ્યાં હતાં, કાંદિવલીની એક સાદીસરળ ગુજરાતી માધ્યમની શાળામાં.
સ્મિત-અનિપ્રા જેવી અંગ્રેજી પરની પકડ, એન્જિનિયરિંગ ને કળા જેવા ક્ષેત્રમાં શરૂઆતી વર્ષોમાં જ અવલ્લ સ્થાને પહોંચી જવાની આવડત, જો અંગ્રેજી માધ્યમમાં જવાથી મળી જતી હોય તો કેમ દર વર્ષે એવા લાખો સ્મિત કે અનિપ્રા પેદા નથી થતાં? અને માતૃભાષાના માધ્યમથી ભણી આવેલા વિદ્યાર્થીઓ સીમાચિહનરૂપ સિદ્ધિઓ કેવી રીતે મેળવે છે? એ આભારી છે માતૃભાષામાં મળેલા શિક્ષણને..
અનિપ્રાએ એના પપ્પાને થેંક્યુ એની માટે જ કહ્યું હતું કે, “થેંક્યુ પપ્પા, તમે મને ગુજરાતી માધ્યમમાં ભણાવી, અંગ્રેજીમાં મને આ બધુ ક્યાંથી શીખવા મળત?”
આ કોઈ દાયકાઓ જૂના કિસ્સા નથી. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં બનેલી ઘટનાઓ છે અને આવા તો બીજા અનેક કિસ્સા છે.
ટૂંકસાર એટલો કે મુંબઈમાં હજી પણ સારાં પરિણામો આપતી ગુજરાતી માધ્યમની અડીખમ શાળાઓ છે. “અરે મુંબઈમાં તો ગુજરાતી સ્કૂલ છે જ ક્યાં?” એવું કહેતા ચિંતકોને જણાવવાનું કે “ભાઈ, હજી ગુજરાતીની શાળાઓ છે-અઢળક છે- ને એમાંય શહેરના ગુજરાતી-પરાંમાં તો એક જોઈએ ત્યાં ત્રણ-ચાર છે.
હાલ મુંબઈના ચોવીસ વોર્ડમાં અનુદાનિત ૬૦થી વધુ શાળા છે ને સાથે પાલિકાની શાળાઓની સંખ્યા છે ૯૨.
=અને આપણે એવું માનવાની ભૂલ ન કરીએ કે ગુજરાતી શાળા એટલે જૂની-પુરાણી શાળા. હા, બધી જ શાળાઓ આલિશાન ઈમારતવાળી નથી, પણ આપણી મોટા ભાગની સ્કૂલો અપટુડેટ છે. કમ્પ્યુટર અને અંગ્રેજીના પ્રશિક્ષણ વર્ગ વગેરે જેવી તમામ સુવિધાઓથી સુસજ્જ છે. ઉપરાંત સાહિત્ય-સંગીત અને આપણી સાંસ્કૃતિક પરંપરાને લગતી વિવિધ પ્રવૃત્તિઓથી પણ ધમધમે છે આ શાળાઓ… સાથે સાથે મૂલ્યોનું શિક્ષણ તો માતૃભાષાની શાળામાં જ મળે ને?
આપણે નાના બાળકને “જે જે” કરવા મંદિરે લઈ જઈ એને આરતી લેવડાવીએ… એ આરતીના દીવાનું અર્ધ્ય કેમ એના માથે ચડાવીએ છીએ એની સમજણ કઈ ભાષામાં આપી શકાશે? એ તો પોતીકી ભાષામાં જ સમજાય ને?
નાહક દેખાદેખીમાં મા-બાપ બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકી દે છે, પણ એમને જાણ કરીએ કે ગુજરાતીની શાળા જ નથી એવું કહેવાને બદલે ગુજરાતી શાળાની મુલાકાત લઈ આવી ને પછી બાળકના ભવિષ્યનો નિર્ણય કરવો જોઈએ.
અહીં એવું માનવાની ભૂલ પણ ન થાય કે આ લેખમાં ગુજરાતી માધ્યમની શાળાઓ એટલે જ પરિપૂર્ણ શાળા એવો દાવો થઈ રહ્યો છે, દરેક વિસ્તાર પ્રમાણે, શાળાના વ્યવસ્થાપકો-સંચાલકો-શિક્ષકો અને વિસ્તારનાં રહેવાસીઓ પ્રમાણે અમુક ગુજરાતી શાળાને પણ કંઈક ને કંઈક ખામીઓ વેંઢારવી પડતી હોય છે, પણ અન્યભાષી શાળા કે આંતરરાષ્ટ્રીય બોર્ડ ધરાવતી શાળાઓ પણ બહારી રંગરોગાન જેટલી જ અંદરથી ટીપટોપ ક્યાં હોય છે?
કહેવાનો ભાવાર્થ એટલો જ કે સરખામણી કરીને જોઈએ તોયે, થોડીક સુવિધાઓના ભોગે પણ માતૃભાષાની શાળાઓ જે આપી શકે છે એનો વિકલ્પ બીજી કોઈ શાળા પાસે નથી.
મુંબઈની ગુજરાતી શાળાઓના પ્રચાર-પ્રસાર સાથે આપણી આસપાસ ક્યાં, કેટલી અને કઈ ગુજરાતી શાળા ચાલી રહી છે, એમાં શું શું પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ કેવી છે- એ બધા વિશે દરેક વાલીને જાણકારી રહે અને પ્રવાહમાં તણાવાને બદલે એ વાલીઓ આ ગુજરાતી શાળાઓને જોઈ-તપાસી, એમાં સહજતા-સરળતાથી બાળકને ભણતા જૂએ; પછી એમના બાળકને ક્યાં ભણાવવું એનો નિર્ણય કરે. એવા ઉદ્દેશ્ય સાથે ઘણાં સંગઠનો શહેરની ગુજરાતી માધ્યમની શાળાઓ માટે કાર્યરત છે, કારણ કે માતૃભાષામાં ભણવાથી ભણતરનો કોઈ ભાર રહેતો નથી એ વાત હવે સૌને સમજાતી જાય છે.
એ કેવી રીતે?
આખા વિશ્વમાં પૂરવાર થઈ ગયું છે કે શિક્ષણ તો માતૃભાષામાં જ અપાવવું જોઈએ અને આપણા જેવા, વેઢે ગણાય એટલા, દેશોને બાદ કરતાં ક્યાંય સ્થાનિક માતૃભાષા સિવાયની ભાષાઓમાં શિક્ષણ અપાતું હોય એ પ્રણાલી સ્વીકાર્ય નથી. માતૃભાષામાં શિક્ષણ આપવાથી કેવા ને કેટલા ને કયા કયા ફાયદા થાય છે એ વિશે મોટા ભાગના સમજદાર લોકો જાણે જ છે, છતાં એની વિસ્તારથી વાત આવતા અઠવાડિયે… ત્યાં સુધી મુંબઈ ગુજરાતીનો બ્લોગ અને ફેસબૂક પેજ લાઈક કરવાનું ન ભૂલતાં.
– અસ્તુ.
જાણકારી માટે બોક્સ
મુંબઈની ગુજરાતી શાળાઓની યાદી જોવા, એમનો સંપર્ક સાધવા, ગુજરાતી શાળાની પ્રવૃત્તિઓ વિશે જાણવા ને ગુજરાતી માધ્યમની શાળાને લગતી અન્ય બાબતોની જાણકારી મેળવવા માટે તમે આ બ્લોગલિન્ક-(www.mumbaigujarati.wordpress.com) પર તપાસ કરી શકો છો અથવા આ ફેસબૂક પેજ (મારી માતૃભાષા મારી જવાબદારી-મુંબઈ ગુજરાતી સંગઠન) ને લાઈક કરી જાણકારી મેળવી શકો છે.
—————————————-
એ કહી ગયા…
આવ ગિરા ગૂજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું
જાણની પાસ વખાણ કરાવું, ગુણીજનમાં તુજ કિર્તી ગજાવું
-કવિ દલપતરામ
————————————–
– મુંબઈ ગુજરાતી સંગઠન.
સંપર્કઃ ૦૭૭૯૮૧૯૯૦૦૧/૦૯૮૬૯૪૦૬૮૦