૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

સાંઈ લીલા વેલફેર ટ્રસ્ટ દ્વારા દર મહિનાના પહેલા શનિવારે યોજાતા ઝરૂખો વક્તવ્યશ્રેણીમાં ગત શનિવારે ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે લોકપ્રિય સાહિત્યકાર વીનેશ અંતાણીનું વક્તવ્ય આયોજિત થયું હતું.
“હું અને મારું સર્જન” વિશે વાત કરતા વક્તવ્યકારે એમના સર્જનનાં અનેકવિધ પાસાં ને સર્જન પૂર્વે-પછીના અનુભવોની વાતો સાથે અત્યંત રસપ્રદ શૈલીમાં એમનું વક્તવ્ય પૂરું કર્યું હતું.
એમણે આપેલા વક્તવ્યમાંના કેટલાક અંશોઃ
છૂટા પડી ગયેલા પારાની જેમ દડદડતી એકલતા મેં માણી છે…
રણમાં રાતે બાઝતા ઝાકળની ભીનાશ હું છું…
સર્જનને હું મનથી મન સુધીની યાત્રા કહું છું… મારા મનમાં અનુભવાયેલું હું લખું ને એ વાચકના મન સુધી પહોંચે-એના મનને પણ સ્પર્શે…
એમની ગદ્યશૈલીમાં ક્યાંક ક્યાંક પદ્યની સુંદરતા પડઘાય છે એ વિશે જણાવતા એ કહે છે, “શરૂઆત મેં કવિતા લખવાથી કરી હતી, પછી કવિતા લખવાનું છૂટ્યું પણ મારી અંદરની કવિતા હંમેશાં જીવતી-ધબકતી રહી… ને એ ગદ્યને સુંદર બનાવતી રહી”
જૂની કૃત્તિઓમાંથી શીખવાનું હોય પણ એને જેમની એમ વાપરવાની ન હોય એ બાબતે પ્રકાશ પાડતા એમણે સુંદર ઉદાહરણ સાથે કહ્યું હતું કે “જૂના ઘરનું અજવાળું જરૂરી છે પણ જૂના ઘરની મૂડી ન ચાલે…”
સર્જક વિશે એમણે ખૂબ જ રસપ્રદ વાત કરતા કહ્યું હતું કે “સર્જક સમાજ માટે જ લખતો હોય છે ને એટલે સમાજે પણ સર્જકનું સન્માન કરતા જ રહેવું જોઈએ… લખતા લખતા જે પીઠ તોડી નાખી હોય એ પીઠને અંતે થાબડવાવાળું પણ કોઈ હોવું જોઈએને…
પ્રિયજન નવલકથા વિશે એમણે એક જ વાક્યમાં સરસ વાત કહી હતી કે પ્રિયજને મને લોકપ્રિય બનાવ્યો છે…
સર્જન વિશે એમના વિચારઃ નવલકથા-વાર્તા-નિબંધને પણ અવતરવાની ગરજ હોય છે-ગર્ભની જરૂર હોય છે… ઘણી વાર સમજાય એટલું અનાયાસે લખાઈ જતું હોય છે…
સર્જન માટેનો ઉભરો આવે એ ફક્ત આનંદદાયી જ નહીં અસહ્ય હોય છે ને એને વર્ણવવો તો શક્ય જ નથી… એ આશ્ચર્ય મારા એકલાનું નહીં દરેક સર્જકનું આશ્ચર્ય છે…
મેં શબ્દોને નહીં શબ્દોએ મને ઘડ્યો છે… સર્જક તરીકે કયા તબક્કે છું ખબર નહીં પણ માણસ તરીકે હું લખતા લખતા ખૂબ વિકસ્યો છું… અને જો આ વરદાન નથી તો આનાથી મોટું કોઈ વરદાન હોઈ પણ ન શકે…
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ સંજય પંડ્યાએ કર્યું હતું. કવયિત્રી પ્રતિમા પંડ્યા, કવિ મુકેશ જોષી. જાણીતા કટાર લેખક જયેશ ચિતલિયા, બાળવાર્તાકાર મીનાક્ષી દિક્ષિત, કવિ સુરેન્દ્ર થાનકી વગેરે ને બીજા મહાનુભાવોની નોંધનીય હાજરી રહી હતી.

X
X
X