‘હા, હું હજી જવંત છું’ કેમ નવાઈ લાગીને, આ તે કોણ પોતાના જીવંત હોવાના પુરાવા આપે છે?
આ એ જ છે, જેણે આપણા બાળપણને આનંદમય બનાવ્યું, વિદ્યાર્થીકાળને અવિસ્મરણીય બનાવ્યો અને યુવાનીમાં પણ સંઘર્ષોનો સામનો કરી આગળ વધવાની તાકાત આપી, હા બરાબર જીવનની સૌથી મીઠી મધુરી યાદગાર પળો જેણે આપી છે, એ આપણી માતૃભાષાની શાળા! જેણે આજે આપણને એટલા સામર્થ્યવાન બનાવ્યા છે કે આપણે જીવન માણી શકીએ.
તો એ આમ ‘હા, હું હજી જવંત છું’ના નારા કેમ લગાડે છે? તમને ખબર હતી કે તમારી શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે? ભલે ઓછા છે પણ છે? તમે આટલા વર્ષોમાં તમારી શાળાની જાણકારી મેળવવાની કોશિશ પણ કરી છે?
‘ના’ બસ તો જેને છેલ્લાં ઘણા વર્ષોથી એમ માનીને ભુલાવી દીધી છે કે હવે તો કોણ ભણતું હશે? ક્યારનીય બંધ થઈ ગઈ હશે! આ તમામ ભ્રમ તોડવા જ એ હવે ગરજે છે કે હું હજી જીવંત છું. તમારા તરફથી થયેલા દુર્લક્ષ્યએ તેને આ દશા પર લાવીને ઊભી રાખી દીધી છે કે તેણે પોતે જ હવે પોતાના જીવંત હોવાના પુરાવા આપવા પડે છે. જેમ પેન્શન મેળવવા માટે દર વર્ષે બેંકમાં જીવંત હોવાના આપવા પડે છે ને તેમ!
કેટલી શરમજનક વાત છે ને કે એક ‘મા’એ પોતાના જીવંત હોવાના પુરાવા આપવા પડે? પણ એ ક્યારે? જ્યારે એના વિદ્યાર્થીઓ ભણીને ગયા, પછી એને ભૂલી ગયા. સમયની સાથેસાથે એને સંભાળનારાઓએ તેની તરફ દુર્લક્ષ્ય રાખી એનામાં જરૂરી બદલાવ લાવવાની, તેની સારસંભાળ રાખવાની, તેને સમય પ્રમાણે કદમતાલ કરાવવાની તસ્દી ન લીધી. ચૂપચાપ ગુમનામીના વર્ષોએ એને આજે આ ગર્જના કરવા મજબૂર કરી.
જ્યારે અસ્તિત્વ ટકાવવાની વાત આવેને તો હિંમત પોતાની મેળે આવી જ જાય છે, પછી ભલે કોઈ સાથે ચાલે કે ન ચાલે, પણ એ તો પોતાના વિજયપથ તરફની કૂચ માંડી જ દે.
ખૂબ અચરજ અને આનંદ પણ થયો કે મારી શાળા, મારી ‘મા’ હજુ જીવંત છે અને એક અફસોસ પણ કે મારી બેદરકારીથી એની આ દશા થઈ, પણ કંઈ વાંધો નહિ, જાગ્યા ત્યારથી સવાર, હવે તો સજાગ થઈ એની સાથે કદમતાલ મેળવીને ચાલવાનો મોકો મળ્યો છે, એ જો હાથમાંથી જવા દઈશ તો જીવનભર પસ્તાવા સિવાય કંઈ જ નહીં બચે.
ખરેખર દુઃખ થાય છે કે, આપણે આપણામાં એટલા વ્યસ્ત થઈ ગયા, એટલા દેખાદેખીના રવાડે ચઢી ગયા કે, આપણી જનનીને જ વિસરી ગયા. આપણે જે સંસ્કાર, સારા વિચારો, સૂઝ, કાબેલિયત જેની પાસેથી મેળવી તેનાથી જ આપણી નવી પેઢીને દૂર કરી નાખી. સમાજના દુષણોનો સામનો કરવાની ક્ષમતા હવે ક્યાંથી આવશે?
ચાલો જાગીએ અને આ માતૃગર્જનાના આર્તનાદને સમજીએ અને તેને ફરી બેઠી કરી એવી તાકાત આપીએ કે પહેલાં જેવી ધમધમે અને નવી પેઢીના સંસ્કાર, સર્જનશક્તિ, સહજતા સરળતાથી પામે.
ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આપણે આપણી શાળાને ભૂલી જ કેવી રીતે શકીએ? શું આપણે આપણી માતાને ભૂલી શકીએ છીએ? ના, તો પછી જે શાળાએ આપણને કારકિર્દી બનાવવા સક્ષમ બનાવ્યાં તો શું આપણે કારકિર્દી બનાવતાં કે બની ગયાં પછી શું શાળાને જીવંત રાખવાં માટે કાંઈ કરી ન શકીએ? કેમ ન કરી શકીએ? અરે જરૂર કરી શકીએ! જરૂર છે માત્ર એક નિર્ણય લેવાની અને સમય કાઢી, પોતાની માતૃભાષાની શાળાની આજની શું દશા થઈ ગઈ છે તે જાણવાની અને ત્યારબાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રી યુનિયન કરી શાળાનાં પ્રચાર-પ્રસાર કરી પોતાની જે શાળા જીવંત રહેવાનાં પુરાવા આપે છે તેને ધમધમતી કરવાનો.