૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

વેકેશનમાં ગુજરાતી માધ્યમની શાળાઓ પગ તાણીને આરામ કરવાને બદલે પોતાના વિદ્યાર્થીઓ માટે તનતોડ મહેનતે લાગી ગઈ અને વાલીઓ-વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી ગયેલા અંગ્રેજીના ભૂતને ભગાડી દીધું. અંગ્રેજી ભાષા બોલવામાં અવિશ્વાસ ધરાવતાં બાળકો જ 20 દિવસના સ્પોકન ઈંગ્લીશના વર્ગ પછી થઈ ગયા અંગ્રેજીમાં આત્મવિશ્વાસથી બોલતા વિદ્યાર્થીઓ ! મજાની વાત એ રહી કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટેની આ પહેલમાં બિનગુજરાતી યુવકોએ પણ મહત્વનો ફાળો આપ્યો, ત્યારે હવે આપણે ગુજરાતી થઈને જ ગુજરાતી શાળઓની પડખે નહીં આવીએ?

 

એપ્રિલ – મેના સ્કૂલ વેકેશનના સુવર્ણ સમયનો સદુપયોગ મુંબઈના પરાંની ત્રણ ગુજરાતી માધ્યમની શાળાઓએ એવી રીતે કર્યો કે વિદ્યાર્થીઓને ભવિષ્યના શિક્ષણ માટેની પ્રસાદી મળી રહે. મુંબઈ ગુજરાતી સંગઠન આ કાર્યમાં માધ્યમ બન્યું અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ એ પ્રસાદીની લ્હાણી કરનારા બન્યા.

પેલી વાર્તાની, શિયાળા માટે અન્નનો કોઠાર ભરતી ખંતીલી કીડીઓની પેઠે મલાડની જે.ડી.ટી., કાંદિવલીની એસ.વી.પી.વી.વી. અને દહીસરની માતૃછાયા શાળાઓમાં વિદ્યાર્થીઓ એકવીસ દિવસના અંગ્રેજી બોલવાના વર્ગો ભરવામાં આવ્યા. મુંબઈ ગુજરાતી સંગઠન દર વેકેશનમાં શાળાઓના સહયોગથી આ વર્ગોનું આયોજન કરે છે, જેમાં ધોરણ એકથી દસ સુધીના તમામ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અંગ્રેજી બોલવાની તાલીમ અપાય છે. આ વર્ષે પણ મુંબઈ ગુજરાતીના લગભગ પચ્ચીસેક શિક્ષકોની ટીમ, અંગ્રેજીના અનુભવી શિક્ષક ફારુખ સરની આગેવાની હેઠળ ત્રણ શાળાઓમાં ‘સ્પોકન ઈંગ્લીશ’ના વર્ગો પાર પાડ્યા.

આ વર્ગો માટે ધોરણ અનુસાર ફારોખ સર અને મુંબઈ ગુજરાતીની ટીમે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. વ્યાકરણ, જોડણી અને લેખન પર ધ્યાન આપવાની બદલે વાતચીત, સંવાદ અને બોલવા પર ધ્યાન રાખીને અભ્યાસક્રમ ઘડવામાં આવ્યો. બાળકો હસતા-રમતા અંગ્રેજી બોલતા થઇ જાય એ માટે તેમને વિવિધ અંગ્રેજી-લક્ષી રમતો રમાડવામાં આવે છે. “વેકેશનમાં પણ ભણવાનું …?”, એવું કોઈ બાળકને ન થાય તેની ખાસ તકેદારી રાખીને આ વર્ગોની રૂપરેખા બની. આ વર્ગોનો હેતુ બાળકોને અંગ્રેજીનું જ્ઞાન આપવું એ તો ખરો, પરંતુ એથી વધુ અગત્યનો હેતુ એ કે તેમના મનમાંથી અંગ્રેજીનો હાઉ દૂર કરવો. અંગ્રેજી પણ અન્ય ભાષાઓની જેમ એક ભાષા માત્ર છે. જો વિદ્યાર્થીને ગુજરાતી, હિન્દી અને મરાઠી આવડતી હોય તો અંગ્રેજી કેમ નહિ? આ એકવીસ દિવસને અંતે દરેકે દરેક બાળક થોડું ઘણું અંગ્રેજી બોલતો થાય એ માટેના યત્નો બધા જ શિક્ષકો સતત કરી રહ્યા છે.

મુંબઈ ગુજરાતીની શિક્ષકોની ટીમ સાથે વિલેપાર્લેની એસ.એન.ડી.ટી., કાંદિવલીની કે.ઈ.એસ. અને કાંદિવલીની ગુન્દેચા કોલેજના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ સ્વયંસેવક તરીકે જોડાયા. એક જ વસ્તુને નવી રીતે સમજાવવાની અવનવી રીતો આ યુવાશિક્ષકમિત્રો લઇ આવ્યા. ત્રણ અઠવાડિયાના આ વર્ગો જ્યારે શરૂ થયા ત્યારે ફક્ત પાંચ – દસ તેજસ્વી વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં બોલી શકતા હતા, જ્યારે અંતે નેવું ટકા વિદ્યાર્થીઓમાંથી ઊભા થઈને અંગ્રેજીમાં જવાબ આપવાનો ડર ચાલ્યો ગયો છે. આનો શ્રેય શિક્ષકોના દોસ્તીભર્યા વલણ અને અવનવી પદ્ધતિઓને જાય છે. મોટાભાગના વર્ગોમાં બે શિક્ષકો રહ્યા, જેથી એક શિક્ષક ભણાવતો હોત ત્યારે બીજો શિક્ષક નબળા વિદ્યાર્થીઓ પર અલગથી ધ્યાન આપી શકે.

આ વર્ગોનું આયોજન શું કામ? એવો પ્રશ્ન થાય તો જણાવી દઈએ કે બાળકોને અંગ્રેજી નહીં આવડે, એ ડર જ વાલીઓને ગુજરાતી માધ્યમથી દૂર કરે છે. એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું આ સ્પોકન ઈઁગ્લીશના વર્ગોનું. આ વર્ગોને વાલીઓ તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળે છે, એ વાતનીય સાબિતી આ વખતે મળી. જે.ડી.ટી. હાઈસ્કૂલની વાલીસભામાં વાલીઓએ એ કબૂલ્યું. તે સ્કૂલના વિનોદસર અને સંધ્યાબહેનના મક્કમ નિર્ધાર ને અથાક પ્રયત્નોથી વેકેશન હોવા છતાં ત્યાંના વર્ગોમાં વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી રહી હતી. શાળામાં એમની હાજરી પણ લેવામાં આવતી. પરિણામરૂપે માત્ર 20 દિવસમાં 600થી 650 વિદ્યાર્થીઓએ આ વર્ગોનો લાભ લીધો અને એમના મનમાંથી અંગ્રેજીનો હાઉ દૂર થયો. પોતાનાં બાળકોને અંગ્રેજીમાં વિકાસ કરતા જોયા ત્યારે વાલીઓના ચહેરા પર પણ સંતોષ ને આનંદની લાગણી તરી આવી સાથે એમને માતૃભાષા ગુજરાતીમાં ભણવાનો પણ ગર્વ હતો. દહીંસરની માતૃછાયા શાળાનાં સંગીતાબહેન ભટ્ટના સહકારથી દહીંસરની જ એમ.બી. ભરવાડ શાળાના વિદ્યાર્થીઓએ પણ ત્યાં સ્પોકન ઈઁગ્લીશના વર્ગોનો લાભ લીધો. વાલીઓ તરફથી પણ એવો પ્રતિભાવ મળ્યો કે આવા વર્ગો દર વર્ષે થવા જોઈએ. અંગ્રેજી ભાષાથી જે બાળકો ડરતાં હતાં એ જ પછી સ્ટેજ પરથી અંગ્રેજીમાં સારી રજૂઆત કરતા જોવાં મળ્યાં, એ સૌના માટે આનંદની વાત રહી.

આવી જ રીતે બધી શાળાઓ, સંચાલકો, શિક્ષકો જો નિર્ધાર કરે કે આપણી શાળાઓમાં અંગ્રેજીનું ઉત્તમ શિક્ષણ આપવાના બધા જ પ્રયત્નો કરીશું તો વાલીઓ તરફથી ખરેખર ખૂબ સકારાત્મક પ્રતિસાદ મળે છે. એ વાલીઓ પોતે જ પછી શાળાના પ્રચારનું કાર્ય જાણેઅજાણે કરી આપે છે.

આ વર્ગોમાં તો ઘણા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના વાલીઓની પણ વિનંતી આવી હતી કે એમને પણ આ વર્ગનો લાભ અપાય, કારણ કે તેમનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે તો છે, પણ અંગ્રેજી બોલતા હજી એને ફાવતું નથી. આ ઉદાહરણ પરથી એટલું તો સમજી લેવું જોઈએને કે ગાડરિયા પ્રવાહમાં વહી જઈને અંગ્રજી માધ્યમનો કેડો પકડવાને બદલે બાળકને માતૃભાષામાં શિક્ષણ અપાવીએ એ જ હિતાવહ છે.

જો બાળક, આવા સ્પોકન ઈંગ્લીશના વર્ગોમાં હસતારમતા અંગ્રેજી શીખી શકતું હોય તો પછી એક ભાષા માટે થઈને બધા વિષયો એના માથે અંગ્રેજીમાં નાખવાની શી જરૂર? એવો હઠાગ્રહ શું કામ? અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોનું અંગ્રેજી પણ પૂરેપૂરું સાચું ને સારું જ થઈ હોય છે એવુંય નથી એ બાબત પણ પૂરવાર થઈ ગઈ છે. માતૃભાષાના માધ્યમમાં શિક્ષણ આપવાની સાથે ઉત્તમ અંગ્રેજીની તાલીમ એ જ શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઊભરી આવી રહ્યું છે ને આ પ્રયાસો આગળ જતા વધારેને વધારે સારાં પરિણામ તેમ જ વ્યાપક સ્તરે જનજાગ્રતિ લાવી શકે છે, માત્ર આપણા સહિયારા પ્રયાસની જરૂર છે.

બાળકોને રોજ પંદરેક મિનિટ અંગ્રેજી સબટાઈટલવાળા વિડિયો દર્શાવવામાં આવે, દસેક મિનિટ અંગ્રેજી મેગેઝિન વંચાવવામાં આવે, રસ્તામાં આવતા અંગ્રેજીના બોર્ડ વંચાવતા રહેવામાં આવે ને એનો અર્થ સમજાવતા રહેવામાં આવે તોય બાળક સામાન્ય અંગ્રેજી શીખી સરળતાથી જઈ શકે છે. આ રીતોથી એમનું શબ્દભંડોળ પણ વધે છે.

આ જ પ્રકારના કાર્યક્રમ-આયોજન માટે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા બડી પ્રોગ્રામ માટે યુવાનોની ટીમ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં દર અઠવાડિયે બે કલાકનો એક વર્ગ લઈ, એમાં બાળકોમાંથી અંગ્રેજીનો હાઉ દૂર કરવાની પહેલ કરવામાં આવશે. ઘણી શાળાઓ તરફથી આ પહેલને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઘણા શિક્ષકોય આ કાર્યક્રમમાં જોડાયા છે. અહીં યુવામિત્રો, યુવા માતૃભાષા પ્રેમીઓને એ પ્રોગ્રામ માટે સહયોગ-સહકાર આપી આ કાર્યમાં જોડાવાનું આહવાન છે.

સમયની જરૂરિયાત અંગ્રેજી છે, એ શીખવા માટે, આટલી સરળ-સરસ પદ્ધતિઓ હોય, એ વધારે કારગત નીવડતી હોય તો બાળકોને સમગ્ર વાતાવરણ અંગ્રેજીમય આપવાની ક્યાં જરૂર છે? આ સમજ આપણા સહુમાં છે જ, વાલીઓ પણ આ બાબતે જાગ્રત ને સમજુ છે, હવે જરૂરત માત્ર એક સાહસભરી પહેલની છે. એવી પહેલ થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે, હવે બસ વ્યાપક સ્તરે લોકો આ હિંમતભરી પહેલ કરે અને કહે કે બાળકને અંગ્રેજી તો શીખવી દેવાશે, પણ એનું સમગ્ર શિક્ષણ, સમગ્ર ઘડતર તો આપણી ભાષાના માધ્યમથી, આપણી સંસ્કૃતિ દ્વારા, આપણી પરંપરાગત રીતથી જ થશે… તમે પણ બની શકો છો આવી હિંમત કરનારા માતૃભાષાપ્રેમી વાલી…

–     અસ્તુ.

 

મુંબઈ ગુજરાતી: ૦૯૮૬૯૦૪૦૬૮૦૦૭૭૯૮૧૯૯૦૦૧,

૦૯૯ર૦૮૭૦૭૦૪૦૯૮ર૦3રપ3પ૦

ઈમેઈલ- mumbaigujarati@gmail.com

વેબસાઈટ- mumbaigujarati.com

ફેસબૂક-યુટ્યુબઃ / mumbaigujarati

X
X
X