૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

એક બાળક કે જેની માતૃભાષા ને એની આસપાસની સર્વભાષાઓ રચનાકીય રીતે અંગ્રેજીથી સાવ અલગ છે, તે બાળકને અંગ્રેજીમાં શિક્ષણ આપીને બાળકના કુમળા મગજ પર કેટલો બોજ આપણે લાદીએ છીએ? અને દાવો માંડીએ છીએ એ બાળકના ઉજળા ભવિષ્યનો, પણ આપણે ભવિષ્યના નામે બાળકનું ‘વર્તમાન’ તો નષ્ટ નથી કરી દેતાને? એમ છતાંય વળી મૂંઝવણો-ગુંચવાડામાંથી બહાર આવીને તે બાળક સાચે જ અંગ્રેજી ભાષાને આત્મસાત કરી જ લેશે એની શી ખાતરી? વળી, અંગ્રેજીને આત્મસાત કરવા માટે બીજા બધા વિષયો અને તેના જ્ઞાનને આત્મસાત કરવાનું તો બાજુ પર જ રહી જાય એ તો બકરું કાઢતાં ઊંટ પેસ્યા જેવું જ ને?

 

ગયા લેખમાં આપણે જોયું કે બાળક કેટલી સહજતાથી ને નૈસર્ગિકપણે માતૃભાષા શીખે છે ને એક ભાષાની વ્યવસ્થા કયાં પરિમાણો પર નિર્ભર હોય છે તથા એક બાળક માટે કોઈ પણ નવી ભાષા શીખવાની પ્રક્રિયા કેટલી જટિલ થઈ પડે છે. જ્યારે માતૃભાષા એને બહુ ધ્યાનપૂર્વકના સાયાસ પ્રયત્નો વગર પણ આવડી જાય છે.

નાનું બાળક સાવ નાનપણથી પોતાની આસપાસ ઘરે બોલાતી અને તેને સંભળાતી ભાષાનું પૃથ્થક્કરણ કરતું કરતું એ ભાષા શીખે છે અને એ ભાષામાં જ પોતાના વિચારો વ્યક્ત કરતાં શીખ્યું હોય છે. હવે આ બાળક જો માતૃભાષા તરીકે ભારતીય ભાષા શીખ્યું હોય, તો બાળક કે એના મગજે, અભાનપણે એ ભાષાની રચના તારવી લીધી હોય અને તેણે પૂર્ણપણે તે રચનાને આત્મસાત કરી લીધી હોય એટલે કે તેને બોલતી વખતે એ વિચારવું નથી પડતું કે કયો શબ્દ ક્યાં આવે અથવા ક્રિયાપદનો કાળ કયો આવે કે કયો પ્રત્યય લાગે વગેરે.

વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે આ જ બાળક જ્યારે ૨-૩ વર્ષનું થાય, તો તેને અંગ્રેજી માધ્યમની શાળામાં બેસાડવામાં આવે કે જેથી આ બાળકનું ભવિષ્ય ઉજળું બને, બાળકને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે, ભવિષ્યનું ભણતર સહેલું બની જાય વગેરે. પણ શું ખરેખર બાળકના ઉજળા ભવિષ્યની આ રીતે અંગ્રેજી માધ્યમના શિક્ષણ સાથે લેવાદેવા છે?

શાળામાં પ્રવેશેલા ત્રણ વર્ષના બાળકને અંગ્રેજી ભાષાનો મહાવરો નથી, સાંભળીને અભાનપણે તેના નિયમો તારવી લે તેવું વાતાવરણ એને મળ્યું નથી, બાળક માટે અંગ્રેજી સહજ બની ગઈ નથી. તો આ અવસ્થામાં શું થાય, ચાલો આપણે વિચારીએ…

ભારતમાં આજે ૨૨ સંવિધાનિક ભાષાઓ છે, તેમની અનેક બોલીઓ છે. તે ઉપરાંત ૧૦૦થી પણ વધારે માતૃભાષાઓ છે, જેમને સંવિધાનમાં સ્થાન નથી મળ્યું. આટલી મોટી સંખ્યામાં ભારતમાં ભાષાઓ હોવાં છતાં, આ બધી જ ભાષાઓમાં (એકાદ બે ભાષાઓના અપવાદ સિવાય) રચનાકીય રીતે ઘણું સામ્ય રહેલું છે.

સૌથી મહત્ત્વનું, ઊડીને આંખને વળગે તેવું રચનાકીય સામ્ય એ છે કે વાક્યમાં આવતાં વિવિધ શબ્દો આ બધી ભાષાઓમાં એક જ પ્રકારે ગોઠવાય છે. જેમ કે, ‘રમેશે સફરજન ખાધું’ એવા વાક્યમાં કર્તા-રમેશ હોય, કર્મ-સફરજન હોય અને ક્રિયાપદ-ખાધું હોય, તો, વાક્યમાં સૌથી પહેલા કર્તા-રમેશ આવે, પછી કર્મ-સફરજન આવે, છેલ્લે, ક્રિયાપદ-ખાધું આવે. આવા અનેક વાક્યો હોય, રમેશે પાણી પીધું, સવિતાએ રસોઈ બનાવી, હું પુસ્તક છાપીશ… મરાઠીનું ‘મી શાળેલા જાતો’ હોય કે હિન્દીનું ‘હમ ખેલ ખેલેંગે’, સિન્ધી, કોકંણી કે ક્ચ્છીનું કોઈ વાક્ય હોય, બંગાલીનું ‘આમી ભાત ખાઈ’ હોય કે તામીલનું ‘નાન તાન (હું) પેટ્ટી (પેટી) આઇ તિરાપ્પન (ખોલું છું)’ હોય, પંજાબી હોય કે મણિપુરી હોય, એની કર્તા-કર્મ-ક્રિયાપદની રચના સરખી જ રહે છે.

બાળકે નાનપણમાં અભાનપણે આ રચનાકીય લક્ષણ શીખી લીધું હોય કે વાક્યમાં કર્તા પછી કર્મ અને છેલ્લે ક્રિયાપદ આવે.

હવે અંગ્રેજીની રચના જોઈએ.

Ramesh ate an apple.

I ate rice (મેં ખાધું સફરજન)

I will publish a book (હું છપાવીશ પુસ્તક)

I go to the school (હું જાઉં શાળાએ)

He opened the box (તેણે ખોલ્યું ખોખું)

ઉપરના વાક્યો જોતાં જ સમજાય કે અંગ્રેજી ભાષામાં વાક્યની રચનામાં પહેલા ક્રમાંકે કર્તા આવે, પછી, ક્રિયાપદ આવે અને પછી જ કર્મ આવે.

બાળક ઘરે હોય, બાળક બહાર નીકળે, અરે શાળામાં સહાધ્યાયીઓ જોડે પણ વાત કરે ત્યારે વાક્યરચના હોય કર્તા+કર્મ+ક્રિયાપદ અને અંગ્રેજીમાં શિક્ષક બોલે, ભલે તે કોઈ પણ વિષયની વાત હોય, તો વાક્યમાં કર્તા+ક્રિયાપદ+કર્મ જ હોય. કોઈ બોલે, તો તે સમજવું કેટલું મુશ્કેલ પડતું હશે એ નાના બાળકને? કેટકેટલા દિવસો, મહિનાઓ, વર્ષો લાગશે તેને હજી તો આ રચનાને આત્મસાત કરવામાં?

જેમ જેમ બાળક આગળના ધોરણમાં આવતો જાય, તેમ તેમ વધારે ને વધારે વિષયો અંગ્રેજીમાં ભણાવાતાં જાય. તો રૉકેટ ઝડપે સામે આવતાં વાક્યોનો અર્થ સમજતાં તો તેને કેટલી મુશ્કેલી પડશે? ને વળી તે સમજી, પોતાના શબ્દોમાં વિચારોમાં વ્યક્ત કરવાનું એની માટે કેટલું મુશ્કેલ બની જશે?

એવું નથી કે ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં એક આ જ મહત્ત્વનો ફેરફાર છે.

આપણે અહીં ફક્ત ગુજરાતીનાં જ ઉદાહરણો લઈશું, પણ તમે જોશો કે મોટાભાગની (એકાદ બે અપવાદો સિવાયની) બધી ભારતીય ભાષાઓ માટે આ ઉદાહરણો જેમના તેમ લઈ શકાય છે.

ગુજરાતીમાં કોઈ વસ્તુના સ્થાન વિશે વાત કરવી હોય, એટલે કે ધારો કે ‘મોબાઇલ ક્યાં છે’ તે કહેવું હોય તો કહેવાય કે ‘ટેબલ ઉપર’, ‘ખૂરશી નીચે’ વગેરે. અંગ્રેજીમાં જોઈએ તો, ‘on the table’, ‘under the chair’, ‘in the book’ વગેરે. હવે વિચારીએ કે એક બાળક માટે તો આખી વિચારવાની પ્રક્રિયા બદલાઇ જાય, તો કેટલું મુંઝાઈ જતું હશે જ્યારે ‘પલંગની ઉપર’ને બદ્લે તે સાંભળે ‘ની ઉપર પલંગ’ (on the bed) અને ‘પંખાની નીચે’ ને બદલે સાંભળે ‘ની નીચે પંખા’ (under the fan).

જો આપણે કોઈ કપડાં વિશે વાત કરતાં હોઈએ  અને ‘કપડાંનો રંગ’ને બદલે બાળક સાંભળે ‘રંગ નો કપડાં’ (colour of cloth). ‘કપડાંનો રંગ કાળો છે’, તેને બદલે આવે ‘રંગ નો કપડા છે કાળો’. (colour of the cloth is black). શું થાય એ બાળકનું?

અરે બાળકને શિક્ષક આજ્ઞા આપે કે ભાઈ તને ન ભણવું હોય તો ‘બહાર જા’, અને તેને કહે કે ‘જા બહાર’ (GET OUT), અથવા, ભણવા માટે ચોપડી કાઢવા માટે કહે ‘કાઢ ચોપડી’ (TAKE OUT THE BOOK), તો બિચારું બાળક ચોપડી કાઢવાનું ક્યાંથી સમજે!

તેમાં પણ જેમ દરેક ભાષામાં હોય તેમ અંગ્રેજીમાં પણ લાક્ષણિક શબ્દપ્રયોગો હોય જ. પણ બાળક માટે એ કેટલું મુશ્કેલ બને? ચાલુ કરવા માટે આમ તો ‘START’ અને બંધ કરવા માટે ‘STOP’ છે, પણ, લાઈટ ચાલુ કરવા માટે ‘PUT THE LIGHTS ON’ ને બંધ કરવા માટે ‘PUT THE LIGHTS OFF’. ચડવા માટે ‘climb up’ ને ઉતરવા માટે ‘climb down’ જેવા જોડકાં વપરાય તો કાઢવા માટે ‘take out’ વપરાય. આ સંજોગોમાં બાળક, બાળક રહી શકે ખરું? આ બધી નવા જ પ્રકારની વાક્યરચનાઓ સમજવા માટે કુતુહલથી ભરેલા એના કુમળા મગજે મશીનની જેમ ચીલઝડપે ગોખણપટ્ટી માત્ર કરવી પડે છે.

અંગ્રેજીની બીજી એક મુશ્કેલી તો જગ જાણીતી છે, એ છે ઉચ્ચાર અને જોડણીની.

જો BUT શબ્દનો ઉચ્ચાર થાય ‘બટ’, CUTનો ‘કટ’, SHUTનો ‘શટ’, NUTનો ‘નટ’, HUTનો ‘હટ’, તો ભાઈ કેમ PUTનો ‘પુટ’?

જો CINEમાં ‘C’નો ‘સ’ થાય, CITYમાં ‘સ’ થાય, તો કેમ CATમાં ‘ક’ અને COATમાં ‘ક’? એક નાના બાળકને આ સમજાવવું મુશ્કેલી ભર્યું હોય છે.

જો GO, NO, HO, SOમાં ‘O’નો ઉચ્ચાર ‘ઓ’ થાય, તો DO અને TOમાં કેમ ‘ઉ’?

જો BAT, CAT, FAT, HAT, BAN, PAN, MAN, JACK, SACK વગેરે બધામાં ‘A’નો ઉચ્ચાર ‘ઍ’ થાય તો, BAR, FAR, JAR વગેરેમાં કેમ ‘આ’ થાય?

જો COUGH ‘કફ’ થાય તો COUCH કેમ ‘કાઉચ’ થાય?

અંગ્રેજી ભાષામાં આવી તો રચનાકીય, ઉચ્ચાર અને જોડણીની, વપરાશની, પ્રાસંગિક અર્થની, ને એવી કંઈ કેટલીય અસમાનતાઓ છે જેની મથામણ નાના બાળકની સમગ્ર વિચારપ્રક્રિયા પર અસર કરે છે. એક બાળક કે જેની માતૃભાષા, જેની આસપાસની સર્વભાષાઓ રચનાકીય રીતે અંગ્રેજીથી સાવ અલગ હોય, તે બાળકને અંગ્રેજીમાં મૂકવાથી બાળકના કોમળ મગજ પર કેટકેટલો બોજો આપણે લાદીએ છીએ? અને વળી તે પણ ‘બાળકનું ભવિષ્ય ઉજળું બને તે હેતુથી’! આપણે ભવિષ્યના નામે બાળકનું ‘વર્તમાન’ તો નષ્ટ નથી કરી દેતાને? અને વળી આટઆટલા ગુંચવાડામાંથી બહાર આવીને તે સાચે જ અંગ્રેજી ભાષાને આત્મસાત કરી લેશે, એની શું ખબર? વળી, અંગ્રેજીને આત્મસાત કરવા માટે બીજા બધા વિષયો અને તેના જ્ઞાનને આત્મસાત કરવાનું બાજુ પર રહી જશે તે નફામાં ને?

હવે એક બીજું પાસું પણ જોઈએ. અંગ્રેજી માધ્યમના નવમા ધોરણનો એક ટ્યુશનવર્ગનો કિસ્સો અહીં ટાંકું છું. સારી રીતે વિષય સમજાય, તેની ઉપર બરાબર ધ્યાન આપી શકાય, અને તેની તર્કશક્તિ કેળવાય એ હેતુથી છોકરાઓ આ વર્ગમાં જતા હોય છે. બાળકો હોંશિયાર છે, અંગ્રેજી માધ્યમમાં ભણે છે, અંગ્રેજીમાં બાળકોને વધારે મુશ્કેલી પણ પડતી નથી. હવે, અહીં, શિક્ષક બાળકોને સમજાવવા જે ભાષા બોલે છે, તેમાં શબ્દો તો છે અંગ્રેજી (ALLOY, METAL, RESPIRATION, SQUAREROOT, TRIANGLE, CONSTITUTION વગેરે વગેરે). પણ, વાક્યરચના તો શિક્ષક મોટે ભાગે હિન્દીની જ વાપરે છે, (TWO METALS COMBINE હો કે ALLOY બનતી હૈં….) આ ફક્ત મને જ દેખાયું એવું નથી, તમારી આસપાસ, ખૂણે ખાંચરે, જ્યાં જ્યાં ટ્યુશન્સ ચાલતા હોય ત્યાં તમે જરા ધ્યાનથી સાંભળજો આવા અનેક વાક્યો સાંભળવા મળશે.

આમ કેમ? કારણ કે આટલું હોશિંયાર બાળક છે તે છતાં જો બાળકને સાચી સમજણ પાડવી હોય તો તેને પોતાની માતૃભાષા કે પોતે જે ભાષાને અંગ્રેજી કરતાં સારી રીતે સમજી શકતો હોય તે ભાષામાં જ સમજાવવું પડે. તો જ તે વિષયમાં બાળક તાર્કિક વિચારણા કરી શકે.!!! જો ટ્યુશન ટીચર આટલી વાત સમજી શકે તો આપણે કેમ આ વાત સમજતા નહીં હોઈશુ?

ઘણીવાર મા-બાપ એમ કહે છે, કે ‘ભાઈ અમે તો અમારાં બાળકોને પહેલેથી જ અંગ્રેજી શીખવાડ્યું છે, અંગ્રેજીમાં જ અમારાં બાળકો જોડે વાત કરીએ છીએ’. હા મા-બાપે નાનપણથી બાળકને પંખાને બદલે FAN, HOUSE, BIRD, SPARROW, WATER, PLATE, MUG, BAG, TABLE, CHAIR, SUN, MOON, STAR કે RAIN શીખવાડ્યું હોય, પણ તેવા કેટલા શબ્દો? ૧૦૦-૨૦૦-૩૦૦-૪૦૦? યાદ કરી જોજો. અને વિચારો તો અંગ્રેજીમાં કેટલા શબ્દો છે? તેના કેટલા ટકા શબ્દો બાળકને આપણે શીખવાડયા છે કે તેમને આપણે અંગ્રેજી માધ્યમમાં મૂકવા ચાલ્યા છીએ? અરે બાળક તો ત્રણ સાડા ત્રણ વરસનું થાય ત્યાં સુધીમાં માતૃભાષાના ૫૦૦થી ૨૦૦૦ શબ્દ સહેલાઈથી શીખી લે છે, સાથે માતૃભાષાની રચના પૂર્ણપણે એને આવડી ગઈ હોય છે. તે ભાષામાં તો બાળક વાતો કરતાં થાકતું નથી. અને અંગ્રેજીમાં? તમે ક્યારે જોયું છે કોઈ બાળક કે જે વર્ગમાં બનેલા બનાવોનું વર્ણન માતા પાસે અંગ્રેજીમાં કરતું હોય? જે મા-બાપ કહેતા હોય કે અમે તો બાળક જોડે અંગ્રેજીમાં જ વાત કરીએ છીએ, તે વાલીઓ પણ શું બાળક જોડે પેલા ટ્યુશન ટિચર જેવું અંગ્રેજી નથી બોલતાં હોતાં? અને બાળક ઘરથી બહાર તો નીકળે ને? મિત્રો જોડે, બહાર દુકાન વાળા જોડે, બસ કે રીક્ષાવાળા જોડે તેને કઈ ભાષામાં વાત કરવી પડતી હોય છે તે વિચાર્યું છે આ વાલીઓએ?

અંગ્રેજી ભાષામાં ભારતીય ભાષી બાળકને પ્રાથમિક શિક્ષણ લેવડાવવું એ બાળકની દૃષ્ટિએ તેના ‘માનવ અધિકાર’ની વિરુધ્ધની વાત નહીં હોય? પણ બિચારું બાળક!!! એ ક્યાં સમજી શકશે આ બધું? ક્યાં બોલી શકશે? કોને કરવા જશે એની ફરિયાદ?

-અસ્તુ.

 

X
X
X