૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

શાળાઓમાં રજાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે વેકેશનના ફ્રી-ટાઈમને ફન-ટાઈમમાં બદલી નાખવા માટે કેટલીક રોમાંચકારી, જ્ઞાનવર્ધક, વિચારપ્રેરક ને સાથે મજેદાર પણ હોય એવી વાંચનસામગ્રીની ભલામણ

 

ઉનાળાની રજાઓ-વેકેશન એટલે બાળકો જ નહીં, પણ વાલીઓ-શિક્ષકો માટેય આનંદો. બાળકો માટે તો પોતાની રોજિંદી ઘરેડમાંથી બહાર નીકળીને નવું કંઈ કરવા માટેનો સમય, પોતાના મિત્રો સાથે ધમાલમસ્તી કરવાનો, કુટુંબીજનો સાથે ફરવા નીકળી જવાનો સમય. ઉનાળાની રજાઓ આમ તો બાળકો માટે મોજમજા સાથે, ઈત્તર વાચન, નવું કંઈ શીખવા માટેનો, વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટેનો પણ ઉત્તમ સમય છે. શિક્ષકો માટે પણ નવા શૈક્ષણિક વર્ષની તૈયારી-વાચન વગેરે કરવાનો શ્રેષ્ઠ સમય છે. તો આ લેખમાં આવાં જ કંઈ કેટલાંક વાંચનનો પરિચય મેળવીએ, જે વેકેશન દરમિયાન બાળકો તેમ જ શિક્ષકોને કંઈક પામ્યાનો અનુભવ આપે. પહેલાં વાત કરીએ કેટલાંક પુસ્તકોની. ખાસ યાદ રહે, આ પુસ્તકો-વાચનસામગ્રીની યાદી અપૂર્ણ છે, એમાં તમે તમારાં મનગમતાં પુસ્તકોની સૂચિ પણ ઉમેરી શકો છો.

 

1) આ છે સિયાચીનઃ

સફારી સામયિક વાચતા મિત્રો માટે હર્ષલ પુષ્કર્ણા નામ અજાણ્યું નથી. એમનાં રાષ્ટ્રલક્ષી માહિતીલેખો ને પ્રવાસવર્ણનો યુવાવર્ગમાં પ્રચલિત છે, આ પુસ્તક પણ એમના એવા જ એક પ્રવાસવર્ણનનું છે, પણ અહીં લેખકનો હેતુ ફક્ત પ્રવાસવર્ણન આપી અટકી જવાનો નથી, પણ દેશના દુર્ગમ ખૂણા જેવા સિયાચીનમાં સૈનિકોની હાડમારી ભરી જિંદગીનો પ્રત્યક્ષ પરિચય કરાવવાનો છે. તેમની લાગણીઓ વાચકો સુધી પહોંચાડવાનો છે. દેશના સૈનિકો સાથે થોડો સમય ગાળીને દેશના નાગરિકો પણ એમની લાગણીના ભાગીદાર છે એ જતાવવાનો છે. સિયાચીન એક દુર્ગમ ને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર હોવાથી સામાન્ય નાગરિક માટે ત્યાં જવું ખૂબ મૂશ્કેલીભર્યું છે. મંત્રાલયોમાંથી જાતજાતની પરવાનગીઓ ને પરવાના મેળવ્યા પછી જ ત્યાં જવા મળે છે. વળી, પરવાનગીઓ મળી ગયા પછી પણ શારીરિક સજ્જતા વધારે જરૂરી છે. માઈનસ 50 ડિગ્રી સુધી ઠરી જતા ત્યાંના તાપમાનમાં પ્રવાસ કરવો મૃત્યુને આવકારવા બરાબર છે. જોકે આવા બધા પડકારો સહન કરીને 2-3 વર્ષની પૂર્વતૈયારી બાદ ત્યાં રહી લેખકે વાચકો સામે સિયાચિનને ખડું કર્યું છે. ત્યાં ફરજ બજાવતા સૈનિકોની મનોસ્થિતિનું ચિત્રણ કર્યું છે. સિયાચિનના ઈતિહાસ ઉપરાંત નકશાઓ ને ચિત્રો જેવી તમામ માહિતીસભર વિગતો સમાવી હોવાથી આ એક ઉત્કૃષ્ટ પુસ્તક બન્યું છે. વાચનારને સિયાચીનનો ઈતિહાસ જ નહીં, ભૂગોળ પણ સુપેરે સમજાવતું પુસ્તક છે.

 

2) અકૂપારઃ

ધ્રુવ ભટ્ટ નામ પણ જેમ સાહિત્યમાં અજાણ્યું નથી, એમ અકૂપાર નામ હવે અનેકવાર લોકોના કાને પડઘાઈ ગયું છે, કારણ કે આ અદભૂત નવલકથા પરથી એટલું જ સફળ ને સ-રસ નાટક બન્યું છે ને અત્યારે ગુજરાતમાં વિવિધ ખૂણે ભજવાઈ રહ્યું છે. ગીરની પૃષ્ઠભૂમિમાં રચાયેલી આ નવલકથામાં લેખકે ભાષાવૈવિધ્ય, ત્યાંની બોલીઓની મીઠાશ, પ્રકૃતિની નજીક રહેતા લોકોની સહજ વાતોમાં ઊતરી આવેલું જીવનદર્શન વગેરેનું હૃદયસ્પર્શી ચિત્રણ કર્યું છે. શહેરીકરણને લીધે આજનો માણસ પ્રકૃતિથી કેટલો દૂર ચાલ્યો ગયો છે ને એનાથી એણે શું મેળવ્યું છે એ વિચાર માગી લેતો પ્રશ્ન આ કથા આપણી સામે રજૂ કરી જાય છે. પ્રકૃતિ અને માનવના આદર્શ સહજીવનનો દસ્તાવેજ બની આ નવલ ગુજરાતીમાં અવતરી છે.

 

3) બકોર પટેલની દુનિયાઃ

બાળકોનો સૌથી મોંઘો ખજાનો એટલે તેમની કલ્પનાઓની દુનિયા, એમની સ્વપ્નસૃષ્ટિ, એનું ઉત્તમ દ્રષ્ટાંત મળે છે બકોર પટેલની દુનિયામાં, આપણામાંથી ઘણા આ અદભૂત અનુભવમાંથી પસાર થયા હશે. હવે સમય છે નવી પેઢીને પણ એ રોમાંચક અનુભવો આપવાનો. આજની ગુજરાતી પેઢીને પણ બકોર પટેલ ને એમના મિત્રપાત્રોની અદભૂત સૃષ્ટિ સાથે પરિચય કરાવવો રહ્યો. દરેક મા-બાપ, શિક્ષકોએ બકોર પટેલની વાર્તાઓનો સંગ્રહ ઘરે-શાળામાં વસાવી બાળકોને તે વાંચવા પ્રોત્સાહિત કરવા જોઈએ. એમની વાર્તાઓના સંગ્રહો સારીએવી માત્રામાં પ્રકાશિત થયાં છે ને ઓનલાઈન-ઓફલાઈન વિક્રેતાઓ પાસે સરળતાથી ઉપલબ્ધ છે. આ વાર્તાઓની બીજી ખૂબી છે એની સુંદરતા ને રસાળતા, જે એકની એક વાર્તાઓ વારંવાર વાચવા માટે પ્રેર્યા કરે છે. બકોર પટેલ, પટલાણી, હાથીભાઈ, વાઘજીભાઈ, બંદર મુનીમ, કેટકેટલાં પાત્રો, તેમની નોખીઅનોખી વાતો, તેમનું સમાચારપત્ર પ્રાણીજગત વગેરે વિગતો વાચનારના મગજમાં આજીવન છાપ છોડી જાય છે.

 

4) પરિચય પુસ્તિકાઓઃ

આજના ઈન્ટરનેટના જમાનામાં માગો તે માહિતી આંગળીના ટેરવે મળી જાય છે, છતાં પણ તેમાંથી કામની અને નકામી માહિતીને તારવવાનું કાર્ય મુશ્કેલ થઈ જાય છે. જોકે બિનજરૂરી માહિતીના બોજ વગર જ્ઞાનસભર વાચન કરવા માટે પરિચય પુસ્તિકાઓ ઉત્તમ માધ્યમ છે. ગુજરાતી ભાષા-સાહિત્ય પણ આવી પરિચયપુસ્તિકાઓના સાહિત્યથી સમૃદ્ધ છે.

રાજકારણ, સમાજકારણ, વ્યક્તિવિશેષો, ટેક્નોલોજી, પશુપક્ષી, સિનેમા, ખેલજગત, કળા, સંગીત, સાહિત્ય, વિજ્ઞાન, અવકાશવિજ્ઞાન, વિવિધ સર્જકો, કળાકારો વગેરે જેવા વિવિધ વિષયો-ક્ષેત્રોને આવરી લેતી પરિચય પુસ્તિકાઓ ઉપલબ્ધ છે. આ પુસ્તિકાઓનું મહત્વનું પાસું ટૂંકાણ છે, ને એથીય મહત્વનું પાસું, આ પુસ્તિકાઓ એકદમ ટૂંકાણમાં જે-તે વિષયનો વ્યાપક-પરિચય કરાવે છે. ટેક્નોલોજીના યુગમાં પણ આ પરિચય પુસ્તિકાઓ હાથવગા જ્ઞાનકોશથી કમ નથી. આ નાનીનાની પુસ્તિકાઓ આપણી મોટી વાચનભૂખ-અભ્યાસભૂખ-જ્ઞાનભૂખ સંતોષી શકે છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સતત આ પ્રકારની પરિચય પુસ્તિકાઓના વાચનનો મહાવરો રાખવો જોઈએ, જેથી એમનું સામાન્યજ્ઞાન વ્યાપક બને ને ઈત્તર વાચનરસ વિકસે.

 

5) ટીનટીનની ચિત્રપટ્ટીઓઃ

વર્ષોથી અનેક અખબાર-સામયિકોમાં ચિત્રપટ્ટીઓ આવે છે ને એને વાચવાની આગત રાખનારાં બાળકોને અંગ્રેજી જેવી અન્ય ભાષા શિખવવા માટે આ ચિત્રપટ્ટીઓ ખૂબ મદદરૂપ બનતી રહી છે. ચિત્રપટ્ટીમાં રહેલો કથારસ ને સાહસરસ બાળકોને વધારે આકર્ષતો હોય છે. ટીનટીનની ચિત્રપટ્ટીઓ એનું જ એક ઉત્તમ ઉદાહરણ છે, જે વાલીઓ-શિક્ષકોએ વેકેશન દરમિયાન બાળકોને વાચવા આપવી જોઈએ, જેથી એમને મજા પણ આવે ને અંગ્રેજીનો મહાવરો પણ થાય. આ ચિત્રપટ્ટીઓમાં ટીનટીનના નવાનવા સાહસોથી ભરેલા પ્રવાસો ચિતરાયેલા હોય છે. દરેક પટ્ટીમાં ટીનટીન નવો સાહસ ખેડવા નવા પ્રવાસે જાય છે. ટીનટીનના પાત્ર પરથી કાર્ટૂન ફિલ્મો પણ બની છે. દરેક ચિત્રપટ્ટીમાં નવો માહોલ, નવો દેશ, નવા લોકો હોવાથી બાળકને દેશ-વિદેશની પણ રોમાંચક જાણકારી મળે છે. જુદી જુદી સભ્યતા ને રીતિરિવાજથી એ પરિચિત બને છે. ટીનટીન એક પત્રકાર છે જે એના મિત્રોની મદદ લઈને નવાનવા સાહસો ખેડતો રહે છે. તે અવકાશ, નોર્થપોલ ને કેટલાક દુર્ગમ વિસ્તારોમાં પણ ફરે છે, એ વિશેની માહિતી બાળકોને રોમાંચિત કરી મૂકી એવી છે. ટીનટીનની 32 જેટલી વાર્તાઓનો આખો સંગ્રહ મળી રહે છે. આપણા બકોર પટેલની જેમ જ આ ટીનટીનની વાર્તાઓ જ્ઞાન સાથે ગમ્મત ને ગમ્મત સાથે જ્ઞાન કરાવી દે એવી છે.

-અસ્તુ.

 

મુંબઈ ગુજરાતી: ૦૯૮૬૯૦૪૦૬૮૦૦૭૭૯૮૧૯૯૦૦૧,

૦૯૯ર૦૮૭૦૭૦૪૦૯૮ર૦3રપ3પ૦

ઈમેઈલ- mumbaigujarati@gmail.com

વેબસાઈટ- mumbaigujarati.com

ફેસબૂક-યુટ્યુબઃ / mumbaigujarati

X
X
X