૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

શિક્ષણ અને શિક્ષણ પદ્ધતિઓની ચર્ચા ઘણી થઈ છે, ત્યારે આજે વાત કરીએ દેશ-વિદેશમાં પ્રયોગાતી અવનવી પરીક્ષા પદ્ધતિઓની. એવી પરીક્ષા પદ્ધતિઓ જેનો હેતુ વિદ્યાર્થીઓના અભ્યાસ-શિક્ષણ-લર્નિંગને તપાસવાનો હોય, ન કે એમની ગોખણપટ્ટીની આવડતને માપવાનો !

મુંબઈ ગુજરાતીના અગાઉના અનેક લેખોમાં આપણે શિક્ષણની પદ્ધતિઓ વિશે વાત કરી, એમાં પરીક્ષાઓ અને પરીક્ષા પદ્ધતિઓના ઉલ્લેખ આવ્યા. આજે પરીક્ષા પદ્ધતિના વિવિધરૂપો સમજવાનો પ્રયાસ કરીએ. હકીકતમાં, આપણે શિક્ષણમાં આધુનિકતાની વાતો કરીએ છીએ અને આધુનિક નિયમો લાવવા માટે કાર્યરત બન્યા છીએ, પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં પરીક્ષા પદ્ધતિ હજી એ જ જૂનીપૂરાણી છે. આ આઉટડેટેડ પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને વાલીઓ પણ પરેશાન થતા રહે છે.

આપણી પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિનો કેન્દ્રવર્તી વિચાર વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા કે તેમને કેટલું આવડ્યું એ નહિ, પણ શિક્ષક કે પરીક્ષકને શું પૂછવું છે એના પર આધાર રાખે છે. નવી શિક્ષણ પદ્ધતિના ઘડવૈયાઓ, શિક્ષણશાસ્ત્રીઓ, આ પરીક્ષા પદ્ધતિને બદલવા મથી રહ્યા છે. તેઓ સૂચનો ભેગા કરી રહ્યા છે તેમ જ અનેકવિધ પ્રયોગો કરી રહ્યા છે. જોકે કોઈ પણ પદ્ધતિ, વિદ્યાર્થીની સંપૂર્ણ શક્તિ-ક્ષમતાઓ પૂર્ણ રીતે તપાસી શકે એવી સમર્થ નથી નીવડી. આથી તારણ એવું નીકળે છે કે વિદ્યાર્થીઓ પર જુદા જુદા સમયે, જુદી જુદી પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ કરી, શ્રેષ્ઠ નહીં તોય શ્રેષ્ઠની નજીકનું પરિણામ મેળવી શકાય છે.

અગાઉ શિક્ષણના અંગો વિશેના લેખમાં આપણે વિદ્યાર્થીના લર્નિંગ પર ખાસ ભાર મૂકેલો, એ લર્નિંગ કેટલું થયું એ તપાસવા માટે આપણી પાસે પરીક્ષા સિવાય બીજો કોઈ કારગત નુસખો નથી. આ કાર્ય બહુઆયામી હોવાથી, એકાદ પદ્ધતિ કે ટેકનીક બધા માટે ને દરેક વખતે કારગત ન નીવડે. આથી જુદી જુદી પરીક્ષા પદ્ધતિઓ વિશે જાણી, યોગ્ય સમયે એનો પ્રયોગ કરવાથી સારાં પરિણામ મેળવી શકાય છે.

પહેલાં, વર્તમાન પરીક્ષા પદ્ધતિને સમજી લઈએ. અત્યારે મોટા ભાગે લેખિત ને મૌખિક પરીક્ષા લેવાય છે. એ બન્નેમાં વિદ્યાર્થીની યાદશક્તિ માત્રની કસોટી થાય છે, એમાં વિદ્યાર્થીને પોતાની મૌલિકતા દર્શાવવાની ભાગ્યે જ તક મળે છે. પ્રશ્નપત્ર પણ જૂની ઘરેડમાં તૈયાર થાય છે, એમાં મૌલિક વિચારશક્તિની કસોટી કરે એવું કશું બહુ હોતું જ નથી. અહીં પણ, શિક્ષકો નવી નવી પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીની વિશિષ્ટ શક્તિઓ ને આવડતનું મૂલ્યાંકન કરી શકે છે. જૂની પદ્ધતિમાં એ જ લાંબા-ટૂકાં સવાલજવાબ, ખાલી જગ્યા પૂરો, ટૂંકી નોંધ, વિચારવિસ્તાર ને નિબંધ વગેરે હોય છે. મૌખિક પરીક્ષા પણ લેખક-સંશોધક વગેરેનાં નામો ને ઘટનાનાં તારીખ-સ્થળો વગેરેની માહિતી સુધી જ મર્યાદિત હોય છે.

સૌથી પહેલા તો વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાંઉ પેસી ગયો છે એ કાઢવાના પ્રયાસો કરવા જોઈએ. વર્ગમાં એવું વાતાવરણ નિર્માણ થવું જોઈએ કે જેથી રોજબરોજની Teach-Learning Activityની જેમ જ વિદ્યાર્થીઓને પરીક્ષા પણ એક સામાન્ય શિક્ષણ-પ્રવૃત્તિ જેવી હળવી જ લાગે. વિદ્યાર્થીઓમાં એ વિશ્વાસ જન્માવવો જરૂરી છે કે એમની પરીક્ષાનો હેતુ, માત્ર તેઓ કેટલું શીખ્યા છે એ જાણવા પૂરતો જ છે. વિદ્યાર્થીઓનું ખરું મૂલ્યાંકન થાય તો એમના સુધાર-વિકાસ માટે યોગ્ય પગલાં પણ લઈ શકાય. આમ તો આપણા શિક્ષકો રાજ્ય-કેન્દ્રની જટીલ શિક્ષણ વ્યવસ્થાના કાયદાઓમાં બંધાયેલા છે ને એટલે પરીક્ષા પદ્ધતિઓમાં છૂટથી પ્રયોગ નથી કરી શકતા, છતાં ઈચ્છુક શિક્ષકો મર્યાદા વચ્ચે પણ એનો પ્રયોગ કરી શકે છે. જુદી જુદી રીતે પ્રશ્નો ગોઠવીને વિદ્યાર્થીઓનો રસ જાળવી શકાય છે. પ્રશ્નપત્ર ગોઠવવા વિશે તો જુદો લેખ કરી શકાય, પણ અત્યારે માત્ર આપણે પરીક્ષા પદ્ધતિઓની વિવિધતા વિશે વાત કરીએ.

* વૈકલ્પિક જવાબોવાળા પ્રશ્નો (Multiple Choice Questions)

આ રીત તો શાળાથી લઈ યુનિવર્સિટી અને સ્પર્ધાત્મક પરીક્ષોમાં પણ ઘણી પ્રચલિત છે. બધે વ્યાપકપણે વપરાય છે. અહીં વિદ્યાર્થીઓને બહુ યાદ રાખવાનું નથી હોતું, માત્ર આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરવાનો હોય છે. વિદ્યાર્થીને પ્રશ્નના વિષય કે બાબતની સામાન્ય સમજ હોય તો પણ એ અહીં સારું પ્રદર્શન કરી શકે છે, કારણ એને સાચા જવાબના સંકેત મળી જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અહીં ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ-નકારાત્મક ગુણ અપાય છે, જ્યારે મોટા ભાગે શાળા-કોલેજના સ્તરે ફક્ત સાચા જવાબોને મહત્વ આપી એના સકારાત્મક ગુણ જ અપાય છે. અહીં વિદ્યાર્થીના વિષયને લગતી પ્રાથમિક જ્ઞાન-માહિતીની ચકાસણી થાય છે અને એણે ગોખણપટ્ટીનો સહારો નથી લેવો પડતો. આ પદ્ધતિમાંય ઘણી મર્યાદા છે. અહીં વિદ્યાર્થીની વર્ણનશક્તિ-આલેખનશક્તિને વિકસવાની તક નથી મળતી. વિદ્યાર્થીઓની સંપૂર્ણ આવડત વિશે કોઈ ખયાલ નથી મેળવી શકાતો. એ છતાં આ પદ્ધતિ ઘણી રીતે ઉપયોગી છે.

* વર્ણનાત્મક પદ્ધતિ (Essay Type Examination)

વિસ્તૃત વર્ણન આપવાની પરીક્ષા, જે અત્યારે પણ સ્કૂલોમાં પ્રચલિત છે. જોકે એમાં થોડાંક પરિવર્તનો આવે એ જરૂરી છે. આ પ્રકારમાં વિદ્યાર્થીઓના વિચારો, એની અભિવ્યક્તિની ક્ષમતા વગેરે જાણવાની તક મળે છે, પણ એ અભિવ્યક્તિ વિસ્તૃત નિબંધ ઉપરાંત ચિત્ર કે કવિતા કે આકારો-ડાયગ્રામ દ્વારા પણ કહેવા માગતો હોય તો એની છૂટ હોવી જોઈએ. આ પદ્ધતિનો હેતુ વિદ્યાર્થીઓના વિચારો ને એના અનુસંધાનની કળા(કમ્યુનિકેશન સ્કીલ) જાણવાનો છે. અહીં વિદ્યાર્થીને એનો મનગમતો પ્રશ્ન લખી, મનગમતો જવાબ લખવાની છૂટ હોવી જોઈએ. ઘણા અનુભવી શિક્ષકોએ પણ આ રીતથી સારાં પરિણામ મેળવ્યાં છે. આ રીતે વિદ્યાર્થીના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય છે. જોકે આમાં મૂલ્યાંકન અઘરું છે, પણ અનુભવી શિક્ષકો એનો ઉકેલ મેળવી શકે છે. પરીક્ષા અને મૂલ્યાંકન, બંનેમાં થોડો સમય વધારે લાગે એમ હોવા છતાં આ પદ્ધતિથી વિદ્યાર્થીઓ વિશે જાણવામાં પણ મદદ મળે છે.

* પુસ્તક સાથેની પરીક્ષા (Open Book Test)

ઘણા સમયથી આ પદ્ધતિની બોલબાલા છે. અહીં વિદ્યાર્થી માહિતીના સંદર્ભ માટે પોતે સાથે લાવેલી કોઈ પણ સામગ્રી(પુસ્તક, લેપટોપ, ઈન્ટરનેટ વગેરે)નો ઉપયોગ કરી શકે છે. પશ્ચિમી જગતમાં ખૂબ પ્રચલિત આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓના વિષયની સમજની પૂરેપૂરી કસોટી થાય છે. લખવા માટેની સામગ્રી તો મળી રહે છે, પણ પ્રશ્ન એવા હોય કે જે વિષયની ચોક્કસ સમજ માગે, ન કે માહિતીનો ઢગલો. અહીં શિક્ષકોની સજ્જતા સૌથી વધુ જરૂરી છે. આ પદ્ધતિમાં પૂછાતા અવનવા પ્રશ્નો સામે વિષયની સાચી સમજ હોય તે જ વિદ્યાર્થી જવાબો આપી શકે છે. સમયની સીમા અહીં પણ મર્યાદા છે, પણ ઘણા પ્રયોગોમાં અમર્યાદ સમય આપીને સારાં પરિણામો જોવાં મળ્યાં છે.

* ઘર લઈ જઈ શકાતી પરીક્ષા (Take Away Home Test)

નામ પ્રમાણે આ ઘરે લઈ જઈ શકાતી પરીક્ષા છે, જે ઓપન બૂક ટેસ્ટની જ જુદી આવૃત્તિ ગણી શકાય. અહીં વિદ્યાર્થીઓ પ્રશ્નો ઘરે લઈ જઈ એમાં માતાપિતા-વડીલો-મિત્રો વગેરેની મદદથી જવાબો તૈયાર કરી શકે છે. આમાં પણ નિશ્ચિત ને અનિશ્ચિત એમ બંને રીતની પરીક્ષા લઈ શકાય છે. ગોખણપટ્ટીથી વિપરિત જઈ વિદ્યાર્થીઓનું લર્નિંગ ખરા અર્થમાં તપાસાય એવો આ પદ્ધતિનો હેતુ છે, પણ શિક્ષકોની સજ્જતા અહીં પણ મોટી ભૂમિકા ભજવે છે અને પ્રશ્નો કારગત નીવડે એવા ન હોય તો આ પરીક્ષા અર્થ વગરની પણ બની રહી શકે.

* સમુહ પરીક્ષા (Group Test)

વિદ્યાર્થીઓના નાના સમુહને એક પ્રશ્નપત્ર આપી, સહુ સાથે મળી એના જવાબ શોધે છે. એ વાત જાહેર છે કે વિદ્યાર્થીઓ શિક્ષકો કરતાં મિત્રો ને સહવિદ્યાર્થીઓ અને વર્ગખંડની બહારના અનુભવોથી વધુ શીખે છે. અહીં ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓ એકબીજા સાથે સંકળાય છે ને જવાબ આપતા એકબીજા પાસેથી શીખે છે. ઉપરાંત પરીક્ષાનો ભાર ન વર્તાતા તેઓ આ પદ્ધતિમાં તો પરીક્ષાને માણે છે. અહીં પણ શિક્ષકોની સજ્જતાની કસોટી થાય છે.

આમ પરીક્ષાની જુદી જુદી પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ-વિશ્વાસ વધારીને એમને શિક્ષણ આપી શકીએ તો શિક્ષણનો મૂળભૂત હેતુ પણ સિદ્ધ થાય, વિદ્યાર્થીઓનો ભણવા પ્રત્યેનો અભિગમ પણ બદલાય. આ રીતે શિક્ષણનો પરીક્ષાલક્ષી અભિગમ ખરેખર અભ્યાસલક્ષી બની શકે છે. આપણા શિક્ષકો (તેમ જ ઘરે વાલીઓને પણ) વિનંતી છે કે તમેય આવી પદ્ધતિઓનો વિદ્યાર્થીઓ પર પ્રયોગ કરી તમારા અનુભવો મુંબઈ ગુજરાતી સાથે વહેંચો. આવી અવનવી પદ્ધતિઓથી પરીક્ષાના પ્રયોગ માટે કોઈ પ્રકારના માર્ગદર્શનની જરૂર પડે તો ડો. સૌરભ મહેતા(098339 55002)નો સંપર્ક કરી શકાય છે.

 

બોક્સ મેટર:

વેકેશનમાં અંગ્રેજીના વર્ગો માટે જાહેર આમંત્રણ

પરીક્ષાઓ પૂરી થવા આવી છે ને વેકેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે પાછલાં બે વરસની જેમ આ વરસે પણ મુંબઈ ગુજરાતી વેકેશનમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી તાલીમના વિશેષ વર્ગોનું આયોજન કરવાનું છે. વિદ્યાર્થીઓને અંગ્રેજીની તાલીમ આપવામાં મદદરૂપ બની શકે એવા યુવાનો, શિક્ષકો, ભાષાપ્રેમીઓ કે અન્ય મિત્રો સ્વૈચ્છિક સેવા આપવાની ઈચ્છા ધરાવતા હોય એમને હાર્દિક આમંત્રણ છે. ઉપરાંત બીજી કોઈ રીતે પણ મુંબઈ ગુજરાતીની પ્રવૃત્તિઓને મદદરૂપ થવા ઈચ્છતા ભાષાપ્રેમીઓ પણ સંપર્ક કરી શકે છેઃ

મુંબઈ ગુજરાતી:

૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦.

ઈમેઈલ- mumbaigujarati@gmail.com

વેબસાઈટ- mumbaigujarati.com

ફેસબૂક-યુટ્યુબઃ / mumbaigujarati

 

-અસ્તુ.

X
X
X