વિશ્વ માતૃભાષાદિને યોજાયો સાહિત્ય-પત્રકારત્વ-શિક્ષણનો ત્રિવેણી સંગમ
ભારતની જ એક માતૃભાષા બંગાળી માટે થયેલા ભાષા આંદોલનમાં શહીદી વહોરનાર વિદ્યાર્થીઓના સ્મરણરૂપે વિશ્વભરમાં ઉજવાતા માતૃભાષાદિન નિમિત્તે કાંદિવલીના પ્રાંગણમાં મુંબઈ ગુજરાતી સંગઠને કરેલું આયોજન ખરા અર્થમાં મુંબઈ ગુજરાતી ઉત્સવ બની રહ્યું.
મુંબઈના ગુજરાતી પ્રતિનિધિઓને એકજૂથ કરી ગુજરાતી માધ્યમની શાળાઓના વિકાસની દિશામાં કાર્યરત થવાનું આ પહેલું પગથિયું હતું.
શું હતો કાર્યક્રમ?
કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયમાં યોજાયેલા આ અનોખા કાર્યક્રમમાં દિગ્ગજ સાહિત્યકારો, વરીષ્ઠ પત્રકારો અને પીઢ શૈક્ષણિક પ્રતિનિધિઓ વચ્ચે ખાસ ચર્ચાસત્ર યોજાયું. જેમાં પહેલીવાર ભાષાનાં ત્રણ મૂખ્ય આયામો એક છત નીચે આવ્યા અને સામાન્ય માણસો ઉપરાંત શિક્ષકો-વાલીઓ સૌને મુંઝવતા પ્રશ્નોનો સીધો જવાબ એમણે આપ્યો. આ ચર્ચાસત્રમાં સાહિત્યકાર દિનકર જોશી, સુરેન ઠાકર-મેહુલ, સંદીપ ભાટિયા, પત્રકારોમાં કિશોર દવે અને નંદિની ત્રિવેદી તથા શાળા-સંસ્થાકીય પ્રતિનિધિમાં કલ્પનાબહેન મહેતા અને લાલજી સર સહભાગી થયાં.
જાણીતા કલાકાર નીતિન દેસાઈએ એમની આગવી શેલીમાં માતૃભાષા વિષે વક્તવ્ય આપ્યું ને સાથે માતૃભાષાનું મહત્વ હસાવતા હસાવતા લોકો સુધી પહોચાડ્યું .
મુંબઈ ગુજરાતીએ શહેરમાં પહેલી જ વાર તમામ ગુજરાતી શાળાઓને આવરી લેતી બેનર પ્રતિયોગિતાનું આયોજન કર્યું હતું ને આ કાર્યક્રમ સાથે એનું સમાપન થયું. મુંબઈ ઉપરાંત વસઈ-વિરાર અને કલ્યાણ-ડોમ્બીવલી-થાણાની ત્રીસેક શાળાના કુલ બાસઠ બેનરો આવ્યાં હતાં, જેમાં આશરે પોણા બસો વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. કાર્યક્રમમાં પણ આશરે સાડાચારસો લોકોની હાજરી રહી હતી, જેમાં ચાલીસ જેટલી ગુજરાતી શાળાઓના આચાર્ય-શિક્ષકો-વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ સમાવેશ હતો.
બેનર પ્રતિયોગિતાના વિજેતાઓને ઈનામથી નવાજવામાં આવ્યા. વિજેતાઓની સૂચિ અંતે છે.
કાંદિવલીની શ્રોફ કોલેજ અને કલ્યાણની રા.સા.ગો.ક.રા. શાળાના વિદ્યાર્થીઓએ સુંદર નાટિકાઓ રજૂ કરી તો સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ અદભૂત સરસ્વતીવંદનાનું નૃત્ય રજૂ કર્યું. કાર્યક્રમની શરૂઆત વિલે પાર્લેની કાનબાઈ લાલબાઈ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્યમય ગણેશવંદનાથી થઈ. એમ કે એન ભાટિયા શાળા તથા શ્રોફ ને મીઠીબાઈ કોલેજના વિદ્યાર્થીઓએ માતૃભાષાલક્ષી કાવ્યપાઠ પણ કર્યા. આખા કાર્યક્રમનો દોરીસંચાર કવિ સંજય પંડ્યાએ કર્યો અને સરદાર પટેલના આચાર્ય સંગીતાબેન શ્રીવાસ્તવ સહીત અનેક મહાનુભાવોની હાજરી રહી. જેમાં પૂણે ગુજરાતી પુસ્તક મંડળ બોર્ડના સદસ્યો-ભગવતીબેન પંડ્યા, હર્ષદાબેન બોસમીયા, દિપ્તીબેન શુક્લા, પારૂલબેન મહેતા અને હરીનીબેન ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે.
નટવરલાલ શાહ તરફથી તમામ શાળાને ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવતા પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં તો બાળસાહિત્યકાર હેમંત કારિયા તરફથી પણ દરેક વિદ્યાર્થીને એમનો બાળવાર્તા સંગ્રહ ભેટ આપવામાં આવ્યો. આ ઉપરાંત પણ કાર્યક્રમની સફળતા માટે અનેક લોકોના સહયોગ ને અનુદાન પ્રાપ્ત થયા.
આ સાથે નોંધવા જેવી વાત એ છે કે કોઈ પણ ભાષાની સંસ્કૃતિ, એની સમૃદ્ધિ અને વિકાસ એ ભાષાનાં બાળકો પર આધારિત છે. વિશ્વની અનેક ભાષાઓ પર ભય તોળાઈ રહ્યો છે ત્યારે યુનેસ્કોએ પણ આવી ભયગ્રસ્ત ભાષાઓ માટે જે વ્યાખ્યા આપી છે એ કંઈક આ મુજબ છેઃ કોઈ પણ ભાષા કે બોલીના વર્તમાન વપરાશકર્તાઓની સંખ્યા એ ભાષાની સ્થિતિ નક્કી નથી કરતી, પણ જે-તે ભાષાના વપરાશકર્તાઓમાં સૌથી યુવા પેઢી-એટલે કે બાળકોમાં એ ભાષાના વપરાશ ને શિક્ષણનું પ્રમાણ કેટલું છે એ બાબત પરથી જે-તે ભાષા ભયગ્રસ્ત છે કે નહીં એ નક્કી થાય છે.
આમ ગુજરાતી ભાષા માટે થતું કોઈ પણ કાર્ય જો બાળકો-વિદ્યાર્થીલક્ષી ન હોય તો એ નકામું ગણાવું જોઈએ. નવી પેઢીમાં ભાષાની સજ્જતા કેળવાયા વગર જૂની પેઢીને પ્રફૂલ્લિત કરવા બેફામ ખર્ચો કરી થતા મનોરંજક કાર્યક્રમો ભાષાના સંવર્ધનના નામ પર થતા હોય તો એ એક પ્રકારની ગેરરીતિ-ભ્રષ્ટાચાર જ નથી? એ સાંસ્કૃતિક ભ્રષ્ટાચાર ન કહેવાય?
મુંબઈ ગુજરાતી દ્વારા આરંભાયેલો આ એવો જ એક પ્રયાસ છે જેમાં ભાષાના વિકાસ-સમૃદ્ધિ-પ્રસાર-પ્રચાર-સંવર્ધનની જવાબદારી જેના પર છે એવા સર્વેને એક જૂથ કરી એક દિશામાં મક્કમ પગલાં ભરાવનું કામ કરી શકાય અને એ દિશા એટલે ગુજરાતી શાળાઓનો વિકાસ-નવી પેઢીને ગુજરાતી માધ્યમ દ્વારા જ ભણાવાની ચળવળને બળ આપવાનું કાર્ય…
મુંબઈ ગુજરાતીનો વૈજ્ઞાનિક અભિગમ
મુંબઈ ગુજરાતીએ કાર્યક્રમમાં મુંબઈની ગુજરાતી શાળાઓ પરના અભ્યાસનાં તારણ પીપીટી દ્વારા રજૂ કર્યાં. જે મુજબ 43 શાળાઓના રિપોર્ટ એમણે તૈયાર કર્યાં છે ને એ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાની વધઘટ પર અભ્યાસ કર્યો છે. 43 પ્રાથમિક શાળાઓ, 21 માધ્યમિક શાળાઓ અને 24 બાળમંદિરોના વિદ્યાર્થીઓની સંખ્યાનો અભ્યાસ મુંબઈ ગુજરાતીએ કર્યો છે.
મુંબઈની પંચાવન પ્રાથમિક ને કુલ સીતેરેક શાળાઓ, પાલિકાની શાળાઓ એ બધાની સંખ્યામાં થતા ફેરફાર, એમાં આવતાં બાળકોની પૃષ્ઠભૂમિ, શાળાઓના શૈક્ષણિક સ્તરની તપાસ-એ સુધારવા માટેની હિલચાલ વગેરે જેવી અનેક બાબતને આવરી લેતી વિગતો મુંબઈ ગુજરાતીએ તૈયાર કરી છે. એની વધુ વિગતો માટે મુંબઈ ગુજરાતીનો સંપર્ક કરી શકાય છે.
મુંબઈ ગુજરાતીનું લક્ષ્ય…
મુંબઈ ગુજરાતી દ્વારા સૂચવાયેલા વિકાસના વર્તૂળમાં ભાષાના સૌ પ્રતિનિધિ અને સામાન્યમાં સામાન્ય નાગરિકની ભૂમિકાઓ મૂકવામાં આવી છે, જે આ મુજબ છે.
ગુજરાતી શાળાઓનો ચહેરો બદલાઈ ગયો છે પણ લોકોમાં એની જાગૃતિ નથી. હવે પહેલા ધોરણથી અંગ્રેજી શીખવવામાં આવે છે, અહીં ભાર વગરનું ભણતર મળે છે, ઓછી ફીમાં સારું શિક્ષણ મળે છે. લોકોને આ બધા વિશે માહિતી આપવી જરૂરી છે.
વાલીઓના મગજમાં રહેલી આદર્શ શાળાની વ્યાખ્યા જાણી એ વ્યાખ્યામાં બંદબેસવા ગુજરાતી શાળાઓમાં ઘટતી સુવિધા જે-તે ગુજરાતી સંસ્થાઓ-દાતાઓ પૂરી પાડી શકે, અન્ય સેવાસંગઠનો શાળા-વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ પર જોર આપે ને છાપાસામાયિકો આવી પ્રવૃત્તિઓને થઈ શકે એટલું વધારે પ્રોત્સાહન આપવા-સતત આવા સકારાત્મક સમાચાર છાપે… સતત લોકોના મગજમાં ગુજરાતી ભાષાની શાળાઓના બદલાયેલાં રૂપરંગ વિશે માહિતી આપવામાં આવે અને દરેક શાળા પોતાની પ્રચાર સમિતિ બનાવી પોતાના વિસ્તારોમાં શાળાનો ખાસ પ્રચાર કરે…
આ રીતે સતત જોરદાર પ્રચાર અને શાળાકીય પરિવર્તનની તાકાત પર ગુજરાતી શાળાઓ તરફ વાલીઓનો પ્રવાહ વાળી શકાય છે એવું મુંબઈ ગુજરાતી દ્રઢપણે માને છે.
એ માટે આ સંગઠને એક દસ્તાવેજી ફિલ્મ ( ડોક્યુંમેન્ટરી ફિલ્મ ) પણ બનાવી છે.
———————————————————————————————–
“બાળક શિક્ષણ અને માતૃભાષા” બેનર પ્રતિયોગીતાના વિજેતાઓ
પ્રાથમિક
૧) સી વી દાણી, કાંદિવલી
૨) સરદાર વલ્લભભાઈ પટેલ, કાંદિવલી
૩) શેઠ જાધવજી જેઠાભાઈ, બોરીવલી (પુ)
માધ્યમિક
૧) સરસ્વતી વિદ્યાલય, ભાયંદર
૨) રા.સા.ગો.ક.રા. શાળા, કલ્યાણ
૩) શ્રીમતી જયાબેન ખોત, બોરીવલી
-અસ્તુ.
મુંબઈ ગુજરાતી