૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

શિક્ષણના પાયાગત વિચારો, શિક્ષણશાસ્ત્રીઓના વિચારો, શિક્ષણમાં થયેલા અનોખા પ્રયોગો વગેરે જાણ્યા બાદ આજે આપણા ઈતિહાસમાં ડોકિયું કરીને જોઈએ કે આપણા જ ઈતિહાસ-પુરુષોએ શિક્ષણ વિશે કરેલાં ચિંતનો-મંથનો-પ્રયોગો કરી, જે તાત્પર્ય આપ્યું છે, એને આપણે કેટલું સ્વીકાર્યું?

 

અગાઉના લેખોમાં આપણે મુખ્યત્વે આપણી પરંપરાગત શિક્ષણ પદ્ધતિ અને પ્રાચીન શિક્ષણ પદ્ધતિ વિશે ચર્ચા કરી. ત્યારબાદ સોનમ વાંગચુક અને સ્વરાજ યુનિવર્સિટી વિશે પણ માહિતી મેળવી. તેમ જ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના શિક્ષણ વિશેના વિચારો જાણ્યા અને કેવી રીતે તેમણે પોતાનાં કાર્યો વડે પોતાના વિચારોનો અમલ કર્યો તે જોયું. આ જ વાત આગળ વધારતા આપણે ભારતના બીજા ચાર મુખ્ય ફિલસૂફો / શિક્ષણશાસ્ત્રીઓ વિશે ચર્ચા કરી આપણી આ શ્રેણી પૂર્ણ કરીશું.

પહેલા આપણે વાત કરીએ આપણા રાષ્ટ્રગીતના રચનાકાર, ભારતીય સાહિત્યને વિશ્વસાહિત્યમાં ગૌરવ પ્રાપ્ત કરાવનાર તેમ જ સમાજને રાષ્ટ્રીયનેતા તરીકે પણ સેવા આપનાર શ્રી રવીન્દ્રનાથ ટાગોરની. તેમણે તેમના પિતા દ્વારા સ્થાપાયેલી શાળાને નવી દિશા આપી, આજે તેમની કલાપરંપરાની ઓળખ એટલે શાંતિનિકેતનની પ્રખ્યાત શાળા. જ્યાંનો મુખ્ય વિચાર આપણી ગુરુકુળ વ્યવસ્થા જેવો જ હતો, જેમાં બાળકો નૈસર્ગિક વાતાવરણમાં ભણે અને પ્રાકૃતિક રીતે શીખે. અહીં તેમને કળા તેમ જ સાહિત્યમાં ખાસ રસ લેતા કરવામાં આવતા. જે રવીન્દ્રનાથે પ્રખ્યાત અંગ્રેજી શાળા પ્રમાણેની પણ પોતાના તેમજ બાળકોની ક્ષમતાને આધારે વિષયો ભણાવવામાં આવતા હતા. ત્યારના કેટલાય પ્રખ્યાત / ધનવાન કુટુંબનાં બાળકો ત્યાં ભણવા આવતા. તેમ જ ત્યાના માતૃભાષાના શિક્ષણને અંગ્રેજી તાલીમ કે શિક્ષણ કરતાં પણ વધારે માનની દ્રષ્ટિએ જોવાતું. એ પછીની પેઢીના કેટલાક નેતાઓ, કલાકારો, પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન જેવા વિવિધ ક્ષેત્રના ઘણા મહાનુભાવો શાંતિનિકેતનના વિદ્યાર્થી રહી ચુક્યા છે. આજે તો શાંતિનિકેતન એ એક સંપૂર્ણ યુનિવર્સિટીનું રૂપ લઇ લીધું છે, પણ તેનો વૈચારિક પાયો તો રવીન્દ્રનાથ ટાગોરની કલ્પના પ્રમાણેનો જ છે. તેમની માટે આ શાળા તેમના શૈક્ષણિક વિચારોને અમલમાં મુકવાની પ્રયોગશાળા હતી. જેમાં ઘણે અંશે તેમને સફળતા મળી. તેમણે પાશ્ચાત્ય તેમ જ ભારતીય શૈલીના શિક્ષણનો અદ્ભુત સમન્વય કર્યો હતો. તેમ જ તેમના મૌલિક વિચાર પ્રમાણે કુદરતને નૈસર્ગિક વાતાવરણને ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું. સાથે સાથે એ પણ અહી લખવું અસ્થાને નહિ રહે કે તેઓ પણ માતૃભાષામાં શિક્ષણના પ્રખર હિમાયાતી હતા.

હવે આપણે જોઈએ શ્રી અરવિંદો ઘોષ કે જેઓ શ્રી અરવિંદના નામે પ્રખ્યાત છે. તેમનો અરવિંદો આશ્રમ ફક્ત ભારતમાં જ નહિ પણ વિશ્વવિખ્યાતી પ્રાપ્ત અધ્યાત્મિક શિક્ષણ માટેનો આશ્રમ છે જે પોંડીચેરીમાં છે. શ્રીઅરવિંદ ફક્ત એક અધ્યાત્મિક ગુરુ નહિ પણ એક સફળ ઉચ્ચ સરકારી અમલદાર ને રાષ્ટ્રીયનેતા રહી ચુક્યા હતા, પણ તેમની ઉમરના પૂર્વાર્ધમાં તેઓ આધ્યાત્મિકતા તરફ વધુ વળેલા રહ્યા હતા. તેઓ તે વખતના સમયમાં ઇંગ્લેન્ડની પ્રખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા હતા. તેમ જ બે વખત નોબેલ પ્રાઈઝ જેવા ટોચના ઇનામ માટે નામાંકન મેળવી ચુક્યા હતા. તેમણે પોતાનું સમગ્ર શિક્ષણ ઇંગ્લેન્ડમાં પ્રાપ્ત કર્યું હતું. પણ ઘરે તેઓને બંગાળી તેમ જ હિન્દી ભાષામાં તાલીમ મળી હતી. તેમના શિક્ષણ બાદ તેઓ ભારત આવી ઉચ્ચ અધિકારી તરીકે વડોદરા રાજ્યમાં સેવા આપતા હતા.

ઉપરાંત ભારતની અગ્રણી પક્ષ કોંગ્રેસ તેમ જ અન્ય ક્રાંતિકારીઓ સાથે પણ જોડાયેલા હતા. આ દરમિયાન તેઓએ તેમનો અધ્યાત્મિક પ્રવાસ પણ ચાલુ રાખ્યો હતો. કારાવાસ પછીના સમયમાં તેઓ પૂર્ણપણે આધ્યાત્મિકતા ને અભ્યાસમાં ડૂબેલા રહ્યા. લોકોના વિકાસ તેમ જ એક સફળ રાષ્ટ્ર માટે તેઓ શિક્ષણને ખૂબ જ મહત્વનું માધ્યમ ગણતા. તેમનો સ્પષ્ટ મત હતો કે શિક્ષણ દ્વારા બાળકોનો સંપૂર્ણ વિકાસ થવો જોઈએ જે તત્કાલીન(ને હજી પ્રવર્તમાન) અંગ્રેજી શિક્ષણ પ્રણાલીમાં થઈ શકે એમ નથી. શારીરિક ને આધ્યાત્મિક શિક્ષણ ને માતૃભાષાનું માધ્યમ, આ બાબતોના તેઓ પ્રખર હિમાયતી હતા. તેમણે ઘણા ચિંતન પછી નિષ્કર્ષ આપ્યો હતો કે માતૃભાષામાં ભણવામાં આવશે તો જ બાળકોમાં તેમનું રાષ્ટ્ર ગૌરવ ને ભવ્ય વારસાનું અભિમાન જાગ્રત રહેશે. ગાંધીજીની જેમ જ તેઓ પણ શિક્ષણમાં ચારિત્ર્ય ઘડતરના પાઠ શીખવવાની હિમાયત કરતા. પશ્ચિમી શિક્ષણ પ્રમાણે બધા માટે એક સરખી પ્રણાલી ને એક સરખી શિક્ષણરીતિમાં તેઓ સહુના વિકાસની શક્યતા નહોતા જોતા. તેમના મતે દરેક બાળકમાં એક વિશિષ્ટ જરૂરિયાત તેમ જ વિશિષ્ટ શક્તિ હોય છે, એ પ્રમાણે જ એને શિક્ષણ અપાવવું જોઈએ.

હવે આપણે આપણા આધુનિક વિચારક જે. કૃષ્ણમૂર્તિ વિશે જાણીએ. તેઓ પણ બ્રિટિશશાહી ભારતમાં જન્મી-ઉછરેલા ને બ્રિટિશ પ્રણાલી પ્રમાણે શિક્ષણ પામેલા. પરંતુ ત્યારબાદ તેમણે સઘન અભ્યાસ અને વિવિધ દેશોના પ્રવાસ-અવલોકન દ્વારા ઘણાં ચિંતનો દ્વારા સમાજને નવા વિચારો આપ્યા. શિક્ષણ વિશેના તેમના વિચારો પણ આગળના વિચારકો સાથે ઘણું સામ્ય ધરાવે છે. સ્વાભાવિક રીતે જે તેઓ પણ નિઃશંકપણે માતૃભાષામાં શિક્ષણને જ પ્રાધાન્ય આપતા હતા ને માનતા હતા કે બાળકમાં ખરેખર શિક્ષણનો સંચાર કરવો હોય તો ફક્ત પ્રાથમિક ને માધ્યમિક જ નહીં, પણ ઉચ્ચ માધ્યમિક સુધીનું શિક્ષણ પણ માતૃભાષાના માધ્યમથી આપવામાં આવે. તેમનો મત હતો કે શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે.  (આજે દેશમાં જે રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ લાગુ છે એવો.) શિક્ષણ દ્વારા બાળકોનો, ને એ બાળકો દ્વારા જ રાષ્ટ્રનો વિકાસ શક્ય છે. રવીન્દ્રનાથની જેમ તેઓ પણ પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણના પક્ષકાર હતા. આજેય દેશ-વિદેશની કેટલીય શાળાઓમાં જે.કૃષ્ણમૂર્તિના શૈક્ષણિક વિચારોને અમલ કરી અભ્યાસ કરાવવામાં આવે છે, પણ એનો પ્રતિસાદ ખૂબ ઓછો છે, જોકે જે. કૃષ્ણમૂર્તિના વિચારો પર ઉચ્ચ સ્તરે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

હવે વાત કરીએ ભારતીય આધ્યાત્મિકતાને વિશ્વસમક્ષ લઈ જનારા યુવાઆદર્શ સ્વામી વિવેકાનંદની. વિવેકાનેદે પણ બહોળો પ્રવાસ કરીને એમના વિચારોના ઘડતર સાથે એનો પ્રસાર કર્યો છે. તેઓ સ્પષ્ટપણે જાહેર કરતા કે દેશ ને દેશવાસીઓની ઉન્નતિનો એક જ માર્ગ છે ને એ છે શિક્ષણ. જાગ્રતિસભરના શિક્ષણ દ્વારા જ ભારત એના ખોવાયેલા માનમોંભા પાછા મેળવી શકે છે. સ્વામીજી ભારતીય શિક્ષણમાં ભારતીય દર્શનશાસ્ત્ર-અધ્યાત્મને સ્થાન અપાવવા માટે પ્રયત્નશીલ રહેતા. આપણને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારત કરતાં પહેલાં જર્મની અને નેધરલેન્ડ જેવાં રાષ્ટ્રોએ ગીતા-ઉપનિષદ વગેરે પુસ્તકોને એમના શાળાકીય પાઠ્યક્રમમાં સમાવી લીધાં તેમ જ આજે પણ સંસ્કૃત ભાષાને આ દેશોમાં ખૂબ મહત્વ અપાઈ રહ્યું છે. સ્વામીજીનો બીજો વિચાર એટલે શિક્ષણમાં શારીરિક વિકાસ પર ભાર. તેઓ માનતા કે જો સ્વસ્થ ને મજબૂત શરીર હશે તો જ એની અંદરનું મન સ્વસ્થ વિચાર પામશે. આથી શારીરિક શ્રમને મહત્વ આપવું રહ્યું અને માતૃભાષાના શિક્ષણ માટે તો એ પ્રખર હિમાયતી હતા.

આ રીતે આપણે આપણા ઈતિહાસમાં દિગ્ગજો તરફ મીટ માંડશું, આપણા મહાન ચિંતકો-વિચારકો-શિક્ષણશાસ્ત્રીઓ તરફ જોશું તો તરત સમજાઈ જશે કે શિક્ષણમાં (અગાઉ ચર્ચેલા ત્રણ-એચ ઉપરાંત) પ્રાકૃતિક વાતાવરણ, શારીરિક સજ્જતા, આધ્યાત્મિકતા વગેરે અચૂકપણે જરૂરી છે. આ તમામ શિક્ષણશાસ્ત્રીઓએ સ્પષ્ટરૂપે કહ્યું છે કે માતૃભાષાના શિક્ષણનો કોઈ વિકલ્પ નથી ને એ બાબતને કોઈ સંજોગમાં અવગણી ન શકાય. હા, એમના મતે શિક્ષણમાં આધુનિકતા આવવી જોઈએ, પણ એનો અર્થ એ નથી કે શિક્ષણનું પશ્ચિમીકરણ થાય (ન તો એનો અર્થ છે કે બસ અંગ્રેજી આવડે!) આપણું શિક્ષણ આપણાં સામાજિક મૂલ્યો ને આપણા સાંસ્કૃતિક વારસા પર આધારિત હોવું જોઈએ.

ભારતીય પરંપરાગત શિક્ષણ પદ્ધતિ એટલે કે ગુરુકૂળમાં સમય સાથે ઘણાં પરિવર્તનો આવ્યાં. સમયેસમયે શૈક્ષણિક આગેવાનોએ પોતપોતાનાં મંતવ્યો-સમજ પ્રમાણે એ પ્રણાલીઓને આગળ વધારી. ગમેતેમ તોય દેશમાં ઠેકઠેકાણે આ પરંપરા હજી જીવંત છે, છતાં આપણા દેશમાં, આપણા જ મહાન ચિંતકોના ચિંતનની નીપજસમી શિક્ષણ-નીતિઓ-વિચારોનો આપણે પૂર્ણપણે અમલ કરી શક્યા નથી.

ઉપરાંત આજનું શિક્ષણ તો શિક્ષણ ન રહેતા સ્કૂલો વચ્ચેની વ્યાવસાયિક હરિફાઈ તેમ જ લોકો વચ્ચેની સામાજિક દેખાદેખીનું માધ્યમ બની ગયું છે. આવા સમયે આપણા શિક્ષણશાસ્ત્રીઓએ સૂચવેલા સુધારાઓ દ્વારા ફરી આપણી શિક્ષણ-પ્રણાલીને જીવંત કરવાની આશા અસ્થાને નથી. એ સમયે સૂચવાયેલા તમામેતમામ નહીં તો, પણ આજના સંદર્ભમાં બંધબેસતા કેટલાકનો પણ આપણે અમલ કરી શકીએ તોય ઘણું. આવનારી પેઢીઓ માટે આવા સુધારા પણ એક મહત્વની ભેટ બની રહેશે.

 

-અસ્તુ.

મુંબઈ ગુજરાતી: ૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧,

૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦

ઈમેઈલ- mumbaigujarati@gmail.com

વેબસાઈટ- mumbaigujarati.com

ફેસબૂક-યુટ્યુબઃ / mumbaigujarati

 

X
X
X