દિવાળીની સાફસફાઈમાંથી લોકો હજુ માંડ નવરાં પડ્યાં હતાં કે મોદીજીએ દેશમાં કાળાં ધનની સાફસફાઈ આદરી. ખરેખર, જામી ગયેલી ધૂળની સાફસફાઈ કરવી ખૂબ અગત્યની છે. ધૂળ ખંખેરાતાં વસ્તુની ખરેખરી સુંદરતા ફરી દૃષ્યમાન થાય છે. એ જ રીતે, એકની એક ઘરેડમાં કામ કરતાં લોકોનાં વિચારો અને માન્યતાઓ પર પણ ધૂળનાં થર જામી જાય છે. ગુજરાતી શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનારી બે વિદ્વાન હસ્તીઓ – લોકસાહિત્યના ઊંડા અભ્યાસી સુરેન ઠાકર ‘મેહુલ‘ અને પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડૉ. ઊર્મિ દેસાઈનાં ગુજરાતી શિક્ષણ અંગેનાં વક્તવ્ય સાંભળી આવી‘ધૂળ ખંખેરાયા‘ની અનુભૂતિ થઈ.
લેખ:
કે. ઈ. એસ. ગુજરાતી ભાષા ભવનના ઉપક્રમે મુંબઈની ગુજરાતી શાળાઓ અને મહાશાળાઓ (કૉલેજો)માં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવતાં શિક્ષકો માટેનિ શિબિરનું આયોજન તારીખ 19 નવેમ્બરના રોજ કાંદિવલીની કે. ઈ. એસ. કૉલેજમાં થયું.
ભારતીય પરંપરા અનુસાર સરસ્વતીવંદના અને સ્વાગત દ્વારા કાર્યક્રમની શરૂઆત કરીને કે. ઈ. એસ. ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ અને ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર દિનકર જોશીએ આ વિષય પર પૂર્વભૂમિકા બાંધતાં ઊર્દૂ સિવાયની બીજી પ્રાદેશિક ભાષાઓની જેમ ગુજરાતી માધ્યમનાં ઘટતાં જતાં વિનિયોગ અંગે ચિંતા વ્યક્ત કરી. એ છતાં સેન્ટ્રલ અને વેસ્ટર્ન પરાની ઘણી શાળાઓ અને કૉલેજોમાંથી આ શિબિરમાં મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા આવનાર શિક્ષકોને બિરદાવ્યાં પણ ખરાં! આગામી સમયમાં ‘વૈકુંઠ નાનું અને વૈષ્ણવ ઝાઝાં’ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય અને આવી શિબિર માટે કૉલેજના મોટા હૉલમાં વ્યવસ્થા કરાવવી પડે એવી આશા પણ વ્યક્ત કરી.
મેહુલભાઈએ પોતાનાં પહેલાં વક્તવ્યમાં શિક્ષકો માટે ભાષા-સાહિત્ય શિક્ષણના કેટલાંક અગત્યનાં નિયમો તારવી આપ્યા. શિક્ષણનો પહેલો નિયમ છે એક ધ્યાન અને એક તાન થવાનો. ‘મન મંદિરમાં અને જીવ જોડાંમાં હોય’ તો ન ભગવાન મળે ને ન જોડાં મળે, એમ કહી એકાગ્રતાનું મહત્ત્વ દર્શાવી આપ્યું. અને તેમના વક્તવ્ય દરમ્યાન કોઈ શિક્ષકો વચ્ચે વાત થઈ તો શૅક્સપિઅરના ‘જુલિયસ સિઝર’માંથી “You too, Brutus?” જેવી ટકોર કરીને ન માત્ર પોતાના અંગ્રેજી સાહિત્યના જાણકાર હોવાનો પરિચય કરાવ્યો; પણ વિદ્યાર્થીઓ પર ગુસ્સે થયાં વગર, હળવી ટકોર દ્વારા તેમને કઈ રીતે ટપારવાં, તેનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું. એ સાથે જ, સાહિત્યનાં શિક્ષકનું (ખરેખર, કોઈ પણ વિષયનાં શિક્ષકનું) વિષયજ્ઞાન કેટલું વિશાળ હોવું જોઈએ, તે પણ દર્શાવી આપ્યું.
ભાષાશિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવું તે ભાષા-સાહિત્યના શિક્ષણનો બીજો નિયમ. હળવી ભાષા અભિવ્યક્તિનું ઉત્તમ સાધન છે.જેમ ‘પોતાના ઘરવાળાને સારું પીરસું’ એ દરેક ગૃહિણીનું લક્ષ્ય હોય -તેમાં વધારે કે ઓછું પડી જાય તો તકલીફ થાય; તેમ વર્ગમાં પ્રવેશનાર શિક્ષક કોઈ ‘Military surgent’ જેવો લાગતો હોય તો ભાષા શિક્ષણ ક્યાંથી અસરકારક બને? શિક્ષકે તો હળવાં ફૂલ થઈને વર્ગમાં આવવું જોઈએ. પુસ્તકો પછાડે, કરડાકીભરી નજરથી છોકરાઓને ડરાવે તેવાં ‘અરસિક’ શિક્ષકો બાળકોમાં સાહિત્યનો રસ ક્યાંથી કેળવી શકે?
ભાષાશિક્ષણની રસપ્રદતા જાળવી રાખવા તેમણે કૃતિના ભાવવાહી પઠન પર ભાર મૂક્યો. કોઈપણ કવિતા, વાર્તા કે નિબંધના ભાવવાહી પઠનમાં અવાજનો યોગ્ય આરોહ-અવરોહ ખાસ મહત્ત્વનો છે. મેઘાણીની ‘ચારણકન્યા’ કવિતાનું ઉદાહરણ આપી તેમણે સમજાવ્યું કે પઠન એવું હોવું જોઈએ કે અડધોઅડધ કૃતિ ત્યાં જ સમજાઈ જાય. પછી, શિક્ષકે કૃતિનાં નાના નાના વિભાગ પાડીને સમજાવવાનું.
ભાષાશિક્ષકને પ્રાંતીય બોલીઓનો પણ ખ્યાલ હોવો જોઈએ. પુસ્તકમાં આવતાં શબ્દોનો અર્થ બરાબર ખબર હોવી જોઈએ અને તે બાળકો સુધી યોગ્ય રીતે પહોંચવું જોઈએ.
મેહુલભાઈએ ભાષા શિક્ષણનો ત્રીજો નિયમ તારવી આપ્યો, વર્ગની શિસ્તનો.પ્રાથમિક કક્ષાનાં બાળકોમાં ભાષા- સાહિત્યનો રસ જાગૃત કરવા મા બાળકને હળવે હળવે દૂધ પાય તેમ‘spoon feeding’ કરાવવું પડે. વળી, તેમાં ખાસ અગત્યનું એ કે ‘મગજની ખોપડીને થંડી રાખવી’. બાળકોને ન સમજાય તો બે, ત્રણ કે ચાર વાર સમજાવવાની તૈયારી પણ રાખવી.
મેહુલભાઈએ કહ્યું કે ‘classroom discipline’ એ કાંઈ ‘Hitlerની discipline’ જેવી ‘rigid discipline’ નથી. આજનો બાળક ગુજરાતીને બદલે ‘ગુજ્જુ’બોલતો થઈ ગયો છે. તેને જો છકો-મકો, મિયાં ફૂસકી જેવાં બાળસાહિત્યનાં પુસ્તકો વાંચવા શિક્ષક પ્રેરે તો તેમનો સાહિત્યમાં રસ કેળવાય. અહીં અંગ્રેજી ભાષાનો વિરોધ નથી કરવાનો. ગુજરાતી સિવાયની બીજી ભાષાઓમાંથી સરસ અનુવાદ ગુજરાતીમાં ઉપલબ્ધ છે. તે વાંચવાની પ્રેરણા આપીને બાળકોનાં રસક્ષેત્રનો વ્યાપ વિસ્તારવો જોઈએ. વળી, ‘કાલે વાંચીને આવજો, પ્રશ્નો પૂછીશ’–એમ કહી બાળકોને ડરાવવા નહિ. એમાં ગોખણપટ્ટી આવે છે. જો વાત તેમના હૃદય સોંસરવી ઉતરી જાય, તો ગોખણપટ્ટી કરાવવાની જરૂર ન રહે.
વાર્તા એ સાહિત્યનો એક એવો પ્રકાર છે જે અબાલવૃદ્ધ સૌને સાંભળવી ગમે! વાર્તા કહેતી વખતે બાળકોમાં કૂતુહલ કે જિજ્ઞાસા જાગૃત કરવી. ગઢવીઓની વાર્તાકળામાં બોલવામાં જે રીતેઘોડાદોડની અભિવ્યક્તિ આવે છે તેનું ઉદાહરણ આપી તેમણે સમજાવ્યું કે વાર્તાકથન એક કળા છે. એ દ્વારા બાળકોની શ્રવણશક્તિને વિકસાવવાની છે. પ્રાચીન કાળના ઋષિમુનિઓનીજેમ આપણે પણ બાળકોને ધ્યાન કેન્દ્રિત કરીને સાંભળવાનું શીખવવાનું છે. ધ્યાન કેન્દ્રિત કરવાથી બાળકોમાં આપોઆપ રસ જાગે છે.
અંતે, મેહુલભાઈએ શિક્ષણના સૌથી મહત્ત્વના નિયમ તરફ ધ્યાન દોરતાં કહ્યું કે શક્ય એટલો પ્રેમ – વાત્સલ્ય વિદ્યાર્થીને આપો. રામનારાયણ પાઠક ‘શેષ’ની ‘પરણામ મારા’ કવિતાને યાદ કરી તેમણે જણાવ્યું કે શિક્ષકોએ બાળકોની ‘કાયાનાં જતન’ કરવાનાં છે. મા બાળકને ગળથૂથી ધીમે ધીમે પાય. ગળથૂથી એટલે ગોળનું પાણીઅને બે ટીપાં ઘી – તેનાથી બાળકનું ગળું સુંવાળું થાય. પણ ખરેખર તો એ દ્વારા મા બાળકને પોતાના કુટુંબના સંસ્કાર ટીપે ટીપે સીંચે છે. શિક્ષકે પણ વિદ્યાર્થીઓને સાહિત્યની ગળથૂથી ટીપે ટીપે સીંચવાની છે. આપણે વિદ્યાર્થીઓનો એવો ફાલ ઊભો કરવાનો છે કે જેથી ગુજરાતી ભાષામાં નવું જોમ આવે.
અંતમાં, મેહુલભાઈએ જણાવ્યું કે પોતાની ૨૮ વર્ષની શિક્ષણ કારકિર્દીમાં તેમણે ‘સબસે બડી પ્રેમ સગાઈ’ સિદ્ધાંતને મોખરે રાખ્યો અને તેમને ક્યારેય વર્ગમાં શિસ્ત માટે મુશ્કેલી અનુભવી નથી.
બીજા વક્તાનું વક્તવ્ય શરૂ થાય તે પહેલાં શ્રી દિનકરભાઈએ મધ્યકાલીન યુગના નરસિંહ મહેતાથી લઈ સુધારાયુગના દલપતરામ સુધીના કવિઓની માહિતી તેમનાં ચિત્રો સાથે PPT ઉપર દેખાડી. કાર્યક્રમને અંતે શાળાદીઠ એક સીડી શિક્ષકોને આપવામાં આવી હતી. વળી, મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં રહી ગયેલી ક્ષતિઓ અંગે ધ્યાન દોરી, પ્રયત્નપૂર્વક ૫૦૦ જેટલી ભૂલો સુધારાવી, તેની વાત કરી.
ઊર્મિબહેને પોતાના વક્તવ્યની શરૂઆતમાં જ ભાષાને મૂલવવાના સર્જક અને ભાષાશાસ્ત્રીના જુદા દૃષ્ટિકોણ તારવી આપ્યા. તેમણે જણાવ્યું કે મેહુલભાઈએ ભાષાને સાહિત્યની દૃષ્ટિએ મૂલવી, જ્યારે તેમને જે ભાષા બોલાય છે તે ભાષા સાથે નિસ્બત છે.
ભાષા પ્રથમ કે દ્વિતીય ભાષા તરીકે શાળામાં ભણાવવાની હોય છે. આ ભાષા શિક્ષણના ચાર મુખ્ય કૌશલ્યો છે, શ્રવણ-સમજણ, કથન, વાંચન અને લેખન. ખરેખર બાળકોને સાંભળતાં-સમજતાં અને બોલતાં પહેલાં શીખવવાનું છે. જો આ સાચી પદ્ધતિ દ્વારા ભાષા શીખવવામાં આવે તો બાળકો ભાષા પર યોગ્ય કાબૂ મેળવી શકે. પણ આજનાં હોંશીલાં માબાપો છેલ્લાં કૌશલ્યથી ભાષા શિક્ષણની શરૂઆત કરાવે છે. માટે જ ગુજરાતી વિદ્યાર્થીઓનું અંગ્રેજી કાચું રહી જાય છે. ઊર્મિબહેનના કહેવા મુજબ જો ભાષાશાસ્ત્રના નિયમ પ્રમાણે બાળકને ભાષા શીખવવામાં આવે તો માત્ર ત્રણ મહિનામાં તેનો મૂળ ભાષક બોલી શકે તેવી ભાષા બાળક બોલી શકે.
ઊર્મિબહેને જણાવ્યું કે ભાષાશાસ્ત્રીઓના મતે ભાષા સાધન પણ છે અને સાધ્ય પણ છે. ભાષાને ભાષા દ્વારા જ મૂલવવાની છે. ભાષાશાસ્ત્રીઓ માટે પાંચ વર્ષનું બાળક ભાષાની દૃષ્ટિએ પુખ્ત હોય છે. કર્તા- કર્મ – ક્રિયાનું ‘Universal Grammar’ ઉત્ક્રાંતિકાળમાં માનવ લઈને જ જન્મે છે. માત્ર તે માટેના નિયમો તે પોતાની માતૃભાષા અનુસાર જન્મ પછી શીખે છે. પાંચ વર્ષ સુધીમાં તો બાળક પોતાની માતૃભાષાના બંધારણને પૂરેપૂરું આત્મસાત કરી લે છે.
હવે, જો બાળક આ બંધારણથી પરીચિત જ હોય તો તેને વ્યાકરણ ભણાવવાનો ઉદ્દેશ્ય શું? વ્યાકરણ શીખવવા દ્વારા આપણે બાળકને કાંઈ નવું નથી શીખવતા. એ બધું તો એ જાણે જ છે. કોઈ પણ પ્રકારનાં નિયમો કે પરિભાષા (terminology)ની જાણકારી ન હોવા છતાં તે સાચી ભાષા બોલે જ છે.
વ્યાકરણના અભ્યાસનો મૂળ હેતુ ખરેખર બાળકની તર્કશક્તિ કે પૃથ્થકરણ શક્તિ ખીલવવાનો હોવો જોઈએ.ઊર્મિબહેને ભારપૂર્વક જણાવ્યું કે વ્યાકરણનું શિક્ષણ તેના વપરાશ પરથી અપાવું જોઈએ; નિયમો કે પરિભાષા દ્વારા નહિ.
શિક્ષકોએ ભાષાની ખાસિયતો બાળકો સમક્ષ મૂકી આપવાની છે, જેમ કે, ગુજરાતી ભાષામાં ‘આ’, ‘એ’, ‘જે’, ‘તે’ જેવા સર્વનામનાં એકવચનનાં રૂપોનું ‘જેઓ’, ‘તેઓ’ની જેમ ‘આઓ’ એવું બહુવચનનું રૂપ બનતું નથી.
એ જ રીતે, ‘હું’ના બહુવચન તરીકે ગુજરાતીમાં ‘અમે’ અને ‘આપણે’ એવા બે રૂપો વપરાય છે. જેમાં ‘આપણે’ શ્રોતા સમાવેશી અને ‘અમે’ શ્રોતા અસમાવેશી રૂપ છે, તે તરફ ધ્યાન દોર્યું.
તેમના મુજબ બાળકો પણ આ ભેદ જાણે જ છે અને યોગ્ય સમયે યોગ્ય શબ્દનો ઉપયોગ કરે છે. પણ ઉત્તમ શિક્ષકે ભાષાની આ ખસિયતો તરફ તેમનું ધ્યાન દોરી આપવાનું છે.
ગુજરાતીમાં વપરાતો બહુવચનનો ‘ઓ’ પ્રત્યય ગુજરાતીમાં ૧૬મી સદી હતો જ નહિ, પછી આવ્યો છે. ‘ઘોડો દોડે છે’ નું બહુવચન કરતાં ‘ઘોડા/ઓ દોડે છે’માં બહુવચનનો ‘ઓ’ પ્રત્યય વૈકલ્પિક છે. જ્યારે ‘ગામમાં ઘણાં ઘર છે’ અથવા ‘મેં ઘર ગણ્યાં’જેવાં વાક્યોમાં ‘ઘર’નું એકવચનનું રૂપ વપરાયું હોવા છતાં અનુક્રમે વિશેષણ (ઘણાં) કે ક્રિયાપદ ( ગણ્યાં)ના સંદર્ભમાં તે બહુવચનનું રૂપ બને છે. ‘ઘોડા દોડે છે’ અને ‘ઘોડાને ઘાસ નાખ્યું’ માંથી પહેલા વાક્યમાં ‘ઘોડા’ બહુવચનનુંરૂપ છે, જ્યારે બીજામાં નથી. એટલું જ નહિ, સંજ્ઞાના કેટલાંક રૂપો સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગમાંથી ત્રણ, બે કે એક લિંગ લે છે. કેટલીક સંજ્ઞાઓ લિંગ દર્શાવે છે (ઘોડો-ઘોડી-ઘોડું), તો કેટલીક નથી દર્શાવતી (પેન, પેટ, અવાજ). કેટલાંક વિશેષણો પણ લિંગ પ્રમાણે બદલાય છે (જેમ કે, મોટો, મોટી, મોટું) અને કેટલાંક નથી બદલાતાં (જેમ કે હોંશિયાર છોકરો /છોકરી /છોકરું). ભાષાની આવી નાની નાની ખાસિયતો તરફ શિક્ષકે બાળકોનું ધ્યાન દોરવાનું છે.
કાર્યક્રમને અંતે આભારવિધિ કરતાં મહેશભાઈ શાહે જણાવ્યું કે જે શિક્ષક તમારા હૃદયને સ્પર્શી ગયા હોય તે યાદ રહે. આવાં શિક્ષકો ઓછા હોય છે; બીજાં ભૂલાઈ જાય છે. આપણે કઈ ‘category’માં જવું છે તે આપણે નક્કી કરવાનું છે. શિક્ષક સરિતાની જેમ બાળકોને ભીંજવે, તો તેમની તરસ છીપાય. જો વાવાઝોડા કે વંટોળની જેમ આવે તો સેતુ ન બંધાય. ‘હૃદયસ્પર્શી’ શિક્ષક બનીએ તો ‘બુદ્ધિસ્પર્શી’ આપોઆપ બનાય.
અંતે, એમ કહી શકાય કે સાહિત્યના આસ્વાદ અને ભાષાની ખાસિયતો – બંનેને ભાષા શિક્ષણમાં યોગ્ય સ્થાન મળે, તો સોનામાં સુગંધ ભળે.