૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

આજે, વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના વિકાસની સાથે વિશ્વ દિવસે ને દિવસે નાનું બનતું જાય છે. વૈશ્વીકરણના આ જમાનામાં કમ્પ્યુટર અને મોબાઈલના વ્યાપક ઉપયોગની સાથે, અંગ્રેજી ભાષા એક આગવું સ્થાન ધરાવે છે.

(ઉચ્ચ શિક્ષણથી લઈને વિજ્ઞાન, વેપાર, ધંધા માટે અંગ્રેજીનું મહત્ત્વ નિર્વિવાદ છે. કોઈ પણ ક્ષેત્રમાં પરદેશના લોકો સાથે સંપર્ક સાધવાનું તે અનિવાર્ય માધ્યમ છે. એટલું, જ નહિ, ભારતમાં પણ અનેક પ્રાંતીય ભાષાઓ હોવાને લીધે, હિન્દી સાથે અંગ્રેજી પણ જુદા જુદા લોકોને જોડતી કડી બની રહે છે.)

આવી પરિસ્થિતિમાં માતૃભાષાના માધ્યમમાં સારું અંગ્રેજી શીખવવા કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યાં છે તે તરફ એક દૃષ્ટિ નાખીએ..

લેખ

આપણા દેશમાં અંગ્રેજોના આગમનની સાથે અંગ્રેજીનું પણ આગમન થયું. ધીમે ધીમે, ભારતીય શિક્ષણમાં પણ અંગ્રેજીને સ્થાન મળ્યું. એ જમાનાથી લઈને આજ સુધી એવી અનેક વ્યક્તિઓના દાખલા આપણને મળે છે કે જેમણે શિક્ષણ તો માતૃભાષામાં લીધું હોવા છતાં, તેઓ અંગ્રેજી પર ખૂબ સારું પ્રભત્ત્વ ધરાવતાં હોય.

હવે તો ભારતમાં કેટલાંય વર્ષોથી માતૃભાષાની શાળાઓમાં બીજી ભાષા તરીકે અંગ્રેજીને કાયમી સ્થાન મળ્યું છે. અહીં, વ્યાકરણ-અનુવાદ પદ્ધતિ (grammar-translation method) દ્વારા અંગ્રેજી ભણીને બાળકો નવા નવા અંગ્રેજી શબ્દોથી અને અંગ્રેજીના વ્યાકરણથી પરિચિત તો થાય છે; પણ વિદ્યાર્થીઓને સાચું અંગ્રેજી બોલવા- સાંભળવાનો યોગ્ય અને પૂરેપૂરો મહાવરો ન મળવાથી વિદ્યાર્થીઓમાં અંગ્રેજી સમજવાનો અને ખાસ તો જાહેરમાં બોલવાનો આત્મવિશ્વાસ નથી આવતો અને તેઓ ઉચ્ચ શિક્ષણ તેમ જ વ્યવહારિક જગતમાં અંગ્રેજીના ઉપયોગમાં મુશ્કેલી અનુભવે છે.

આ મૂંઝવણનો ઉપાય વાલીઓને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં દેખાયો. અહીં, નાનપણથી અંગ્રેજી ભણવાને લીધે બાળકો અંગ્રેજી બોલતાં અને સમજતાં થઈ જવાની વાત વાલીઓને ગળે જલદી ઊતરી ગઈ. આજે પરિસ્થિતિ એવી છે કે માતૃભાષાના માધ્યમની શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે અને વાલીઓ વધારે પ્રવેશ દર અને ખર્ચાઓનો બોજો સહન કરીને પણ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકે છે. જો કે, અંગ્રેજી માધ્યમની બધી શાળાઓમાં પણ અંગ્રેજીનું યોગ્ય શિક્ષણ અપાય જ છે, એની કોઈ ખાતરી નથી. આને લીધે, અંગ્રેજી સાથે બીજા વિષયોનું જ્ઞાન પણ કાચું રહી જવાથી, શાળાના ઉચ્ચ ધોરણોમાં વિદ્યાર્થીઓના નાપાસ થવાની અને ભણતર અધૂરું મૂકનારાની સંખ્યા વધી રહી છે. માત્ર ગામડાની શાળાઓમાં જ નહિ પણ શહેરની શાળાઓમાં પણ આવું દૃષ્ય, ભલે ઓછાવત્તા અંશે, પણ જોવા તો મળે જ છે. એટલું જ નહિ, બાવાના બેઉ બગડે તેમ સાધારણ અને નબળાં બાળકોનું, માતૃભાષા અને અંગ્રેજી- બંને ભાષાનું જ્ઞાન અધકચરું રહી જાય છે. વળી, બાળકોની વૈચારિક, તાર્કિક અને સર્જનાત્મક શક્તિનો ભોગ લેવાય તે તો છોગામાં!! આમ, આજે ભારતમાં મોટેભાગે શિક્ષણ એ માત્ર ગોખણપટ્ટીનો પર્યાય બની રહ્યું છે.

જો કે, માતૃભાષામાં ભણતાં બાળકોનું અંગ્રેજી સુધારવાના ઉપાય તરીકે મહારાષ્ટ્રમાં બીજી ભાષા તરીકે ભણાવાતી અંગ્રેજી ભાષાના પુસ્તકમાં એક મહત્ત્વનું પરિવર્તન એ લાવવામાં આવ્યું છે કે હવે તેમાં અંગ્રેજીનું માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી. બાળકોને વ્યવહારિક જીવનમાં અંગ્રેજી બોલવા અને સમજવામાં મદદરૂપ બને, તેમનો અંગ્રેજીમાં રસ કેળવાય અને અંગ્રેજીનો ઉપયોગ કરવાનો તેમનો આત્મવિશ્વાસ વધે એ મુખ્ય ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી પુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે.

ગુજરાતી માધ્યમની શાળાઓમાં, કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ શાળા, દહીંસરની જી. કે. શેઠ શાળા, ખારની એમ. એમ. પ્યુપીલ્સ ઔન સ્કુલ, વિલે પાર્લેની ગોકળીબાઈ શાળા વગેરે જેવી કેટલીક શાળાઓમાં અંગ્રેજી માટે ખાસ વર્ગો ચાલી રહ્યા છે.

કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં આશરે એકાદ વર્ષથી, શનિવાર અને રવિવારે બે-બે કલાક, અંગ્રેજી બોલવા અને લખવાના વર્ગો મુંબઈ ગુજરાતી સંસ્થા અને શાળાના સહયોગથી વિના મૂલ્યે ચાલી રહ્યાં છે.

દહીંસરની જી. કે. શાળામાં પણ અંગ્રેજી માટે ખાસ વર્ગો ચાલી રહ્યા છે. આ શાળામાં વિદ્યાર્થીઓને અંગ્રેજી માટે ખાસ કાર્યપત્રિકાઓ (work sheets) આપવામાં આવે છે અને તે તપાસીને વિદ્યાર્થીઓને ઘરે આપવામાં આવે છે, જેથી વાલીઓ પણ તેની મદદથી બાળકોને ઘરે તાલિમ આપી શકે.

ખારની પ્યુપીલ્સ શાળામાં છેલ્લા ત્રણેક વર્ષથી તેમની જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શનિવારે આશરે ત્રણેક કલાક વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવાની તાલિમ આપતાં હતાં. પાર્લાની એસ.એન.ડી.ટી. કૉલેજની વિદ્યાર્થીઓ, તેમના પ્રકલ્પ અંતર્ગત, ગુજરાતી માધ્યમના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવે છે. આ વર્ષે, તેઓ પ્યુપીલ્સ શાળામાં બે દિવસ પોતાની સેવા આપી રહ્યાં છે. એટલું જ નહિ, રૉટરી ક્લબના ‘ભવિષ્યાન પ્રકલ્પ’અંતર્ગત તેઓ માતૃભાષાની ગુજરાતી, મરાઠી અને ઉર્દૂ માધ્યમની શાળાઓના પાંચમા, છઠ્ઠા, સાતમા ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજીની તાલિમ આપી રહ્યાં છે. તેઓ પણ પ્યુપીલ્સ શાળામાં પોતાની સેવા આપી રહ્યાં છે.

‘માતૃભાષાની શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓ અંગ્રેજી શિક્ષણ મેળવે અને રોજગારીની તકમાં પાછળ ન રહી જાય’એ  હેતુને ધ્યાનમાં રાખીને, ‘ધ બોમ્બે  કમ્યુનીટી પબ્લિક ટ્રસ્ટ’ (બીસીપીટી) દ્વારા મહારાષ્ટ્ર બૉર્ડના બીજી ભાષા-અંગ્રેજીના પ્રાથમિક શાળા માટેના પાઠ્યપુસ્તકને આધારે અંગ્રેજીનો ઈ-ટીચ(E TEACH) પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. શાળાના જ અંગ્રેજીના શિક્ષકો,  પોતાના અંગ્રેજીના વર્ગમાં જ, આ પ્રોગ્રામનો ઉપયોગ પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા કરી શકે છે. આમ, આના ઉપયોગ માટે શિક્ષકે વર્ગ સિવાયનો સમય આપવાની જરૂર નથી. ઊલટાનું, શુદ્ધ ઉચ્ચારણ પર પણ ખાસ ભાર મૂકીને, દૃષ્ય-શ્રાવ્ય માધ્યમમાં તૈયાર થયેલી આ રંગીન ડીવીડી શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે ખાસ ઉપયોગી સાબિત થઈ શકે છે. વળી, બીસીપીટી દ્વારા આ પ્રોગ્રામ વિના મૂલ્યે શાળાઓને આપવામાં આવે છે. એટલું જ નહિ, બીસીપીટી.ના પ્રતિનિધિઓ શરૂઆતમાં શાળાઓમાં જઈ તેમને આ પ્રોગ્રામના વપરાશ અંગે માહિતગાર કરે છે. શરત માત્ર એટલી કે શાળાઓએ એના ઉપયોગ અને પ્રતિભાવ વિશે દર મહિને બીસીપીટી.ને જાણ કરવાની રહે.

આ પ્રોગ્રામના ઉપયોગ માટે શાળાએ શરૂઆતમાં એક વખત માટે એક ટી.વી. (૨૨inches?) અને એલ.સીડી. પ્લેયર માટે આશરે ૧૪,૦૦૦નું રોકાણ કરવું પડે. શાળાના એક વર્ગમાં સરેરાશ ૩૫ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે આનો વિદ્યાર્થીદીઠ ૪૦૦ રૂપિયાનો ખર્ચ આવે (૪૦૦ x ૩૫), જે અંગ્રેજી માધ્યમની શાળાઓની સરખમણીમાં તો ઘણો ઓછો છે.

આ પ્રોગ્રામ દ્વારા સરળ રીતે અને રમતરમતમાં વિદ્યાર્થીઓ અંગ્રેજીના પ્રચલિત શબ્દો અને શબ્દસમૂહોથી સુપરિચિત થાય છે અને સાથે સાથે આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલી શકે છે. એટલું જ નહિ, બીજા વિષયોનું શિક્ષણ માતૃભાષામાં મળતું હોવાથી બાળકો પર શિક્ષણનો બોજો ઓછો થઈ જાય છે. તેઓ વિષયને પૂરેપૂરી રીતે સમજીને પોતાના શબ્દોમાં રજૂ કરી શકે છે, જેથી બાળકમાં ગોખણપટ્ટીનો નહિ પણ સમજણશક્તિનો વિકાસ થાય છે.

આ પ્રોગ્રામની ગુણવત્તા અને ફાયદાને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને ક્રીડા સમિતિના ડિસ્ટ્રિક્ટ ઍડ્યુકૅશન ઑફિસરે મહારાષ્ટ્રની પ્રાદેશિક શાળાઓમાં તેના ઉપયોગ માટે ખાસ પરવાનગી આપી છે. આજે, મુંબઈ અને આખા મહારાષ્ટ્રની મળીને આશરે ૧૦૦૦થી પણ વધારે મરાઠી અને અન્ય માતૃભાષાના માધ્યમની શાળાઓ પોતાની શાળામાં અંગ્રેજી શીખવવા આ પ્રોગ્રામનો ઉપયોગ કરી રહી છે.

માતૃભાષાની શાળાઓમાં ઉત્તમ અંગ્રેજી શીખવવાના ફાયદાથી પ્રેરાઈને વધારે ને વધારે વાલીઓ પોતાના બાળકોને માતૃભાષાની શાળાઓમાં ભણાવવા પ્રેરાય અને ભારતની શિક્ષણપ્રણાલિમાં એક સકારાત્મક પરિવર્તન જોવા મળે એવી આશા અને અભ્યર્થના!

-અસ્તુ.

X
X
X