૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

અંગ્રેજીનાં મોહમાં અંધ બનેલાં આપણા દેશના લોકોની ગુલામ માનસિકતાની વાત આપણે ગયા લેખમાં કરી. પણ સંસ્કૃતિનાં મૂળિયાંથી છૂટો પડીને આપણો સમાજ પરિપૂર્ણ વૃક્ષરૂપે વિકાસ પામી શકે ખરો?- એ વિશેની ચર્ચા આજના લેખમાં…

 

આપણા દેશમાં અનેક સામાજિક, ધાર્મિક, રાજકીય સંગઠનો છે જે અનેક મુદ્દાઓ પર મહત્વનો ભાગ ભજવતા હોય છે. બધાં સંગઠનો પોતે દેશનાં હિતમાં કાર્ય કરતાં હોવાનો દાવો કરતાં હોય છે અને પોતપોતાના ક્ષેત્રમાં સકારાત્મક ભૂમિકાઓ ધરાવે છે. આ બધાં સંગઠનો માત્ર પોતપોતાની વિચારધારા, માન્યતાઓ અને વિચારસરણીનાં પ્રચાર-પ્રસાર સુધી ન રહેતાં, સમાજના મૂળમાં રહેલાં બાળશિક્ષણ, યુવાશિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે તો આખા સમાજમાં પરિવર્તન આવે; કારણકે આજનો બાળક જ ભવિષ્યનો નાગરિક છે, એમનાથી જ સમાજ બનશે. આ બધા સંગઠનો મહદ્‌ અંશે આપણી સંસ્કૃતિ, ધરોહર સાચવવાનાં પક્ષધર હોય છે. પણ તે માટેની સીડી બાળશિક્ષણથી શરૂ થાય છે, તેની જાણ કદાચ એ લોકો પાસે ન હોવાથી મૂળથી જ બદલાવ લાવવાના બદલે ઉપરછલ્લાં કાર્યો કરીને સંતોષ માની લે છે. આપણા ધાર્મિક સાહિત્યમાં જે મૂળ તત્વ રહેલું છે, તે અંગ્રેજીમાં ભાષાંતર કરનારાના વિચારોથી પ્રભાવિત થયા વગર નથી રહેતું. કદાચ તે વિષયનો ગહન અભ્યાસ ન હોવાના કારણે પૂર્વાપર સંબંધ જાણ્યા વગર ફક્ત અનુવાદ પૂરતું સીમિત થઈ જાય છે, જે ઘણું જ ઘાતક છે. આજના જે માતાપિતા પોતાના બાળકોને અંગ્રેજીમાં ભણાવતા હોય છે અને શનિવાર, રવિવાર કે અન્ય રજાના દિવસે પાઠશાળા કે અન્ય ધાર્મિક કેન્દ્રોમાં મોકલીને સંસ્કૃતિ કે સંસ્કાર સાથે ખરેખર જોડાયેલા છે એવા ભ્રમમાં રહેતા હોય છે તેમણે એ સમજવું જોઈએ કે માતૃભાષા વગર આ  કાર્ય બાળક માટે ફક્ત બોજારૂપ  બની રહે છે. ધાર્મિક કેન્દ્રો કે જેઓ માતૃભાષામાં કે સંસ્કૃતમાં આ કાર્યો કરતા હોય છે તેઓખરેખર ધન્યવાદને પાત્ર છે.

આજના સમયને અનુરૂપ અનુનાયીઓ વધારવાની હોડમાં માતૃભાષાને કે ધર્મનાં પ્રાસંગિક મર્મને બાજુમાં મૂકીને અંગ્રેજીમાં ધાર્મિક વર્ગોનું આયોજન કરનારા કેટલે અંશે સફળ છે એ વિચારવા જેવું છે.

સામાજિક, ધાર્મિક કે રાજકીય સંગઠનો પોતપોતાના વાડા સુધી સીમિત રહે છે તેથી તેઓ સમગ્ર દેશની માનસિક ભૂમિકા બદલી શકતાં નથી. તેઓ મૂળ સાથે જોડાયેલા ન હોવાને લીધે  માતૃભાષામાં શિક્ષણ, સમાજનો વિકાસ, નવી ટેક્નોલોજીનો ઉપયોગ, માતૃભાષા પ્રત્યેનો ગૌરવ અને તેની ઉપયોગિતા સિદ્ધ કરવામાં સૌથી મોટું અને જરૂરી યોગદાન સક્રિય રીતે આપી શકતાં નથી. આ બધા સંગઠનોના કાર્યકર્તાઓએ પોતે પણ અંગ્રેજીથી પ્રભાવિત થઈ પોતાના બાળકો માટે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનાં ખોટા નિર્ણયો લઈ લીધાં હોય છે, તેથી જે વાત પોતે ન અપનાવી હોય એ બીજાને કઈ રીતે સમજાવી શકે એવી કફોડી હાલતમાં જાણતાં અજાણતાં સરી પડે છે અને તેના લીધે પરિવર્તનનું વાતાવરણ ઉપરછલ્લું જ દેખાય છે. કારણ મૂળતો ખોટી દિશામાં જ વાવેલાં હોય છે.

પરિવર્તન લાવવાનો એક જ ઉદ્દેશ આ સામાજિક, ધાર્મિક રાજકીય સંગઠનોનો હોય તો શું માતૃભાષા વગર એને પરિપૂર્ણ કરી શકાય? હાલનાં સંજોગોમાં દરેક રાજ્યમાં સ્થાનિક, પ્રાંતીય પક્ષો ચૂંટણીમાં વિજયપતાકા ફેરવે છે તેના પરથી એક સમજણ કેળવવી જ રહી કે જે સમજણ દરેક માણસને પોતાની માતૃભાષામાં આપી શકાય છે, તે બીજી ભાષામાં આપવી કદાચ વધુ અઘરીછે. એટલે જ દરેક રાજકીય પક્ષો ચૂંટણીમાં વધુને વધુ પ્રાંતીય નેતાઓનો ઉપયોગ કરે છે અને એ જ સફળ પણ થાય છે.

સામાજિક સંગઠનો જો સાચે જ સુધાર કરવા માંગતા હોય તો તેમના કેન્દ્રમાં બાળશિક્ષણ હોવું જોઈએ અને એ પણ દરેકની માતૃભાષામાં, કોપીપેસ્ટવાળી ભાષામાં નહિ. આપણે કેવળ અનુકરણ કરતાં જ શીખ્યા છીએ; અંગ્રેજીમાંથી જે અને જેવું મળે એનું અનુકરણ! આજે આપણે સોફ્ટવેર અને આઈ.ટી.માં ખૂબજ આગળ વધ્યાં, તેમાં અંગ્રેજી નહીં,પણ તર્કશક્તિ અને ગણિતમાં રહેલો આપણો હજારો વર્ષ જૂનો વારસો કારણભૂત છે. આજે વિશ્વમાં સ્પૅનિશ અને ચાઈનીઝ બોલનારા લોકોની સંખ્યા અંગ્રેજી કરતાં વધુ છે. આજે નવી શોધખોળ, પૅટન્ટોનું રજિસ્ટ્રૅશન કરાવવામાં ચાઈનીઝ, રશિયન, જાપાનીઝ લોકો આગળ છે કારણકે પોતાની માતૃભાષામાં એમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધુ ખીલ્યાં છે. આપણે આપણી વસ્તીનાં પ્રમાણમાં ઘણાં પાછળ છીએ કારણકે આપણે કોપીપેસ્ટીયા છીએ અને બીજાનું અનુકરણ કરવામાં જ આનંદ પામીએ છીએ. આપણીજ વસ્તુ જ્યારે આપણી પાસે હોય ત્યારે એની કિંમત નથી કરતા પણ વિદેશીઓ જ્યારે એના પર મહોર મારે ત્યારે જ એની ખરી કિંમત સમજીએ છીએ અને તે સમયે  ઘણુંજ મોડું થઈ ગયું હોય છે. સ્વાભાવિકપણે જે ફાયદો આપણને પોતીકી વસ્તુઓનો મળવો જોઈએ તે વિદેશીઓ લઈ જાય છે.

કંઈક આવું જ આપણી આદ્યભાષા સંસ્કૃત માટે પણ બની રહ્યું છે. આપણા દેશમાંથી સંસ્કૃત ભાષા શાળાઓ, કૉલેજો, સાહિત્ય, સંવાદ વગેરેમાંથી લુપ્ત થતી જાય છે. આપણને આ આદ્ય એવી સર્વ ભાષાઓની જનનીની કદર નથી. આપણે એને સંભાળીને નથી રાખી શક્યા. દિવસે દિવસે વધારે  ગુણ મેળવવાની હોડમાં શાળાઓમાં પણ સંસ્કૃતને બદલે ફ્રેન્ચ ભાષા ભણાવવા માંડ્યા છે. ભલેને, જીવનમાં ફ્રેન્ચ ક્યારેય કામમાં ન આવવાની હોય પણ બસ વિદેશી ભાષાનું ગાંડપણ, ઈઝી સ્કોરિન્ગની લાલચને કારણે આપણે સંસ્કૃતને કોરાણે મૂકતાં થઈ ગયા છીએ. આજે સંસ્કૃત ભાષાને જર્મની, ફ્રાન્સ, અમેરિકા જેવા દેશની યુનિવર્સિટીઓમાં સ્થાન મળ્યું છે, તેઓએ સંસ્કૃત શીખવવા માંડ્યું છે. આ કંઈ સંસ્કૃતપ્રેમ નથી, પરંતુ  સંસ્કૃત ભાષામાં રહેલી ખાસિયતો જેવી કે સૌથી વધારે પદ્ધતિસર અને વધારે મૂળાક્ષરો, શબ્દો અને અર્થો હોવાને કારણે ભવિષ્યમાં કમ્પ્યુટર માટેની એ સૌથી ફાયદાકારક ભાષા નીવડશે, એ અંદેશા માત્રથી આજે આપણી સંસ્કૃત ભાષાને વિદેશમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ દૂરંદેશી આપણાં રાજકીય, સામાજિક કે ધાર્મિક સંગઠનો નથી દાખવી શક્યાં. સંસ્કૃત ભાષાના અનેકાનેક ફાયદાઓ જ્યારે વિદેશીઓ લેશે એ પછી આપણે જાણે એમની પાસેથી આપણી જ વસ્તુ ઉછીની લેતા હોઈએ એમ લઈશું અને આનંદ પામશું. આ માનસિકતામાંથી આપણે ક્યારે બહાર આવશું? ક્યારે આપણે આપણી ધરોહરની કિંમત સમજશું?

આપણી પોતીકી વસ્તુઓને આપણે માનથી નથી જાળવી શકતાં, જ્યારે વિદેશીઓ આપણી સંસ્કૃતિમાંરહેલી સારી બાબતોને સમજી, એને માનથી આગળ ધપાવે છે. આપણે માનસિક રીતે કેટલાં પંગુ બની ગયા છીએ એનું ભાન જ્યારે આપણાં રાજકીય, સામાજિક અને ધાર્મિકસંગઠનોને થશે, ત્યારે બહુ મોડું તો નહિ થઈ ગયું હોયને?

આ પરિસ્થિતિમાંથી ત્વરિત જાગીને અને આ પરિસ્થિતિમાં મજબૂત અને ધડમૂળથી ફેરફાર આવે એવું કામ આ સંગઠનોએ એકીસાથે કરવું પડશે. ટૂંકા ગાળાના લાભનો વિચાર ન કરતાં દૂરંદેશી વાપરીને  અવિરતપણે પરિણામલક્ષી કાર્ય સૌએ સાથે મળીને કરવું પડશે. નહિતર,ભવિષ્યની પ્રજા- ભવિષ્યનો આપણો સમાજ જે અત્યારે બાળસ્વરૂપમાં છે, એ આપણને ક્યારેય માફ નહિ કરે.

X
X
X