૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ [email protected]
Select Page

એક એવી યુનીવર્સીટી કે જ્યાં પ્રવેશ માટે કોઈ ડીગ્રી સર્ટિફિકેટની જરૂર નથી અને બે વર્ષે કોર્સ પત્યા પછી નથી કોઈ સર્ટિફિકેટ આપતા, તે છતાં ૫૦૦ જેટલી કંપનીઓ આ યુનિવર્સિટીમાંથી બહાર નીકળેલા વિદ્યાર્થીઓને જોબ આપે છે. આવી યુનીવર્સીટીના સ્થાપકની મુલાકાત પછી ઉઠેલા વિચારોનું વમળ …

ઉદયપુર સ્થિત સ્વરાજ યુનિવર્સિટીના સ્થાપક શ્રી મનિષ જૈનને મળવાનો અને એક આખો દિવસ તેમને સાંભળવાનો મોકો અમને મળેલ. મનિષ જૈન, અમેરિકામાં નાનપણથી મોટા થયેલા, ત્યાં જ શાળાકીય અને હાવર્ડ યુનિવર્સિટીમાં ગ્રેજયુએશન અને પીએચડી કરેલી છે. દસ વર્ષની વયે પોતાનો પ્રથમ ધંધો શરૂ કરેલ છે, વૉલ સ્ટ્રીટ, યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ, યુનિસેફમાં જોડાઈ અને અતીશય મનોમંથન પછી તે જગ્યાઓને છોડી દીધેલ છે, અત્યારે ભારતમાં સ્થાયી થઈને ‘સ્વરાજ યુનિવર્સિટી’ની સ્થાપના કરી છે. તેમની સાથેની વાતચીત શિક્ષણ વિષેના આપણા વિચારોને પાયાથી હચમચાવી મુકે એવી છે. આજે અહીં એવા જ કેટલાક મુદ્દાઓ વિષે પ્રશ્નો કરવા છે.

શિક્ષણનું મુખ્ય ધ્યેય ‘વિકાસ’, ‘જાગૃતિ’, ‘આત્મશ્રધ્ધા’ છે. એટલે જ આપણે જ્યાં, જે સ્થળ અને જે લોકોનો વિકાસ કરવા ઈચ્છીએ છીએ, સૌ પ્રથમ ત્યાં શિક્ષણની કેડી કંડારવાનું ઈચ્છીએ છીએ. પણ જો શિક્ષણ દ્વારા માનવતા, સંવેદનશીલતા, સંસ્કારીતા, સદ્ગુણો, સારાસારના વિવેક જેવા માનવીય મૂલ્યોનો હ્રાસ થતો હોય તો એ શિક્ષણ કેટલું કામનું? વળી આ શિક્ષણ આપણને પરનિર્ભર બનાવતું હોય, કલ્પનાશક્તિને કુંઠિત કરતું હોય, દુ:ખી, અસંતોષી, માયકાંગલું બનાવનાર હોય, પોતાના વિકાસ માટે સમષ્ટિનો વિનાશ કરનાર પેદા કરતું હોય, સાચી જાગૃતતા જ જો ન લાવતું હોય તો? આત્મશ્રધ્ધાનો ખાત્મો બોલાવતું હોય તો? તો એને શિક્ષણ કહી શકાય?

દાખલા તરીકે, આપણાં અભણ ગામડિયાં માતા-પિતા, દાદા દાદી કે પરદાદા-દાદીની અપેક્ષાએ, મોટાંઓ, કુંટુંબ, સંતો, પ્રાણીઓ, અન્ય સજીવ સૃષ્ટિ, દુ:ખી, ગરીબ તરફ આપણાંમાં પ્રેમ, સદ્ભાવ, સંવેદના, ભેદભાવ ઘટ્યો છે કે વધ્યો છે? ભાઈભાઈની વચ્ચે, પતિ-પત્નીની વચ્ચે મિત્ર-મિત્રની વચ્ચે, સાસુ-વહુની વચ્ચે તણાવ ઘટ્યો છે કે વધ્યો છે? છુટાછેડાં, ઘરડાંઘર, ધંધામાં દગો, વિભક્ત કુટુંબ, છેડતી, બળાત્કાર, લાંચ, માલસામાનમાં ખોટાઈ આ બધું ઘટ્યું છે કે વધ્યું છે? સંસ્કારીતા વધી છે કે ઘટી છે?

ગાયને સ્વજનની જેમ ‘નામ’થી બોલાવનાર, પહેલી રોટલી અચૂક કૂતરાની બનાવનાર, કૂતરા કે ગાયની પોતાના પરિવારજનની જેમ સારસંભાળ રાખનાર, જો તેના ડિલ પર લોહી ચૂસનાર ઈત દેખાય તો રાતોની રાતો જાગી, ગમાણમાંથી એ ઈતોને દૂર કરનાર અને આજે સ્વચ્છતાને નામે ખોરાકને પ્લાસ્ટિકમાં નાખી કચરામાં ફેંકનાર, ભલે એ પ્લાસ્ટિક ખોરાક જોડે ગાયના પેટમાં જાય તો પણ પીડા ન અનુભવનાર, દૂધ ન દેનાર ગાયને કે વાછરડાને કતલખાને વેંચી આવનાર કે રસ્તે રઝળતા મૂકનાર, કોણ વધારે સદ્ભાવી છે, સંવેદનશીલ છે, માનવીય છે?

આદીવાસીઓ (આપણા પૂર્વજો) ક્યારેય પોતાની જમીન, ખેતર કે મકાન વેંચતા નહીં, એ જમીન, ખેતર કે પ્રાણીઓ તેમને માટે વેંચવાની વસ્તુઓ નહોતી, તેમનું ‘જીવન’ હતું. આસામના આદીવાસીઓ કે જેમનાં રહેઠાણ નીચે-પહાડ નીચે અમૂલ્ય ખનીજોની ખાણો હોવાં છતાં તેઓ સાવ ગરીબ છે. જે જમીન, પહાડો માટે એક કંપની લાખો રૂપિયા તેમને આપવા તૈયાર હતી, તેમનું જીવનધોરણ ‘સુધારવા’ તૈયાર હતી, તો પણ એ ગરીબ, અભણ આદીવાસીઓ પોતાની માતાને, એ જમીનને, વનસંપત્તિને, ભલે દૈવીકૃપાને નામે, ભલે અંધશ્રધ્ધાને નામે, પણ આ જમીન વેંચવા તૈયાર નથી. કારણકે આ જમીન એ તેમને પોતાનું જીવન લાગે છે. તેમનાં માટે આ જીવનથી દૂર થવું સંભવ નથી. ગરીબી મંજૂર છે પણ જમીન વેંચવી મંજૂર નથી. આજે તેમના બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. આ બાળકોમાં પણ આવો જ પ્રેમ તેમની જમીન માટે રહેશે? સુખસગવડોનો ભોગ આપીને પણ તેઓ આ જમીન સચવાય એ વિચારમાં આટલાં મજબૂત રહેશે? આજે દરેક પ્રકૃતિચાહકો પ્રાકૃતિક સંપદાના અમાપ વિનાશ પછી સમજી ચૂક્યા છે કે જો આવી જ રીતે પ્રાકૃતિક સંપદાઓનો ભોગોપભોગ ચાલુ રહેશે તો આપણો વિનાશ નજીક જ છે. પર્યાવરણને હાનિ પહોંચાડનાર અશિક્ષિત આદીવાસીઓ છે કે શિક્ષિત આપણે? ખોદકામ, કચરો, પાણીનો વેડફાટ, ઘોંઘાટ કરીને પોતાના રહેઠાણ-પૃથ્વીની દુર્દશા કરનાર આપણે શિક્ષિત છીએ કે તેઓ કે જેમણે ભલે અંધશ્રધ્ધાના નામે, પણ પ્રકૃતિને પોતાની માની છે?

આજનું શિક્ષણ જ્ઞાન આપે છે કે માહિતી? ઇલેક્ટ્રિક સર્કીટની માહિતી, પૃથ્વી અને ગ્રહોની માહિતી, જમીન, હવાપાણી, આપણાં ખનીજો, પર્યાવરણ વગેરે અનેકવિધ માહિતી શિક્ષણ દ્વારા મળે છે. પણ એક ઇલેક્ટ્રિકના પ્લગને કે સ્વીચને બદલાવતા આ શિક્ષણને લીધે કોઈને આવડે છે? રાતના આકાશમાં દેખાતાં તારાઓ અને ગ્રહો ઓળખતાં વર્તમાન શિક્ષણ શિખવાડે છે? જે જમીન પર રહેતાં હોય તે જમીન માટે કૅશ ક્રૉપ્સ અને બી.ટી. કે હાયબ્રીડ બિયારણ, પેસટીસાઇડ્સ, કેમિકલ ફર્ટીલાઇઝર, પાણી માટે બોર વગેરેથી જમીન કેટલી બગડશે તેની માહિતી હોવા છતાં તે પુસ્તકિયા જ્ઞાનને શિક્ષિત ખેડુતો અપનાવે છે? પર્યાવરણના વિનાશ વિશે પુસ્તકોમાં શીખ્યા પછી પણ આપણે જ કરી રહેલાં વન, વાતાવરણ, જમીનના બગાડની વાતો આપણને સમજાય છે? શા માટે આ માહિતી, માહિતીના સ્તરે જ રહે છે, જ્ઞાન નથી બનતું, કેળવણી નથી બની શકતી?

અને એનાથી પણ વધારે મહત્ત્વનો મુદ્દો છે ‘પરીક્ષા અને માર્કસ માટે બાળકોની આત્મહત્યા!’ એવું કયું શિક્ષણ આપણે આપીએ છીએ જે બાળકોને આત્મહત્યા કરવા મજબૂર કરે છે? ‘શિક્ષણ’ કે ‘કેળવણી’માં કોઈ ‘નાપાસ’ / ‘FAILURE’ કેવી રીતે હોઈ શકે? ‘પાસ’ કે ‘નાપાસ’ની સંકલ્પના કેળવણી માટે કેટલી જરૂરી? કેમ શિક્ષણ એટલો આત્મવિશ્વાસ, આત્મગૌરવ ઊભું નથી કરી શકતું કે જો નોકરી ન મળે, નાનાં મોટાં કામ કરવામાં જેમ કે ચાની લારી કે વર્તમાન પત્ર વેંચવા કે પોતાના જ ખેતરમાં મહેનત કરીને પોતાના પગ પર ઊભા રહેવામાં નાનપ અનુભવે છે, અને આત્મહત્યાનું પગલું ભરે છે? કેવો આત્મવિશ્વાસ વર્તમાન શિક્ષણે પેદા કર્યો છે?

શિક્ષિત થયા પછી કેમ આપણે સ્વાર્થી થઈ ગયા છીએ? ગામડાંમાં છાણ વિણવા જતી જે છોકરીને છાણ દેખાય, તો એને બોકી લે અને પછી તે છાણ તેમનું તેમ પડ્યું હોય તો પણ અન્ય કોઈ તેને અડે નહીં એવું આજના શિક્ષિતો પાસે અપેક્ષા કરી શકાય? વિકાસના નામે, સ્પર્ધાને નામે બીજાને હરાવી પોતે જીતે અને તેમાં આનંદ મેળવે તેવું અસંવેદનશીલ મન શું આ શિક્ષણની જ દેન નથી? ઓએસિસ સંસ્થાના કેટલાક યુવાન કાર્યકરોએ એક પ્રયોગ કરેલો. તેઓ પૈસા વગર, એક જોડી કપડાં અને સાવ નજીવો સામાન લઈને સાઈકલ પર અંતરિયાળ ગામડાંનાં રસ્તે ચાલી નીકળ્યાં. જ્યાં રોકાણ કરવાની સવલત મળે ત્યાં રહેવું, જ્યાં ખાવાનું કોઈ આપે ત્યાં ખાવું, જે ખાવાનું મળે તે ચલાવવું, નહાવા ધોવાની કોઈ સગવડ મળે કે ન પણ મળે. પણ, એ લોકો જ્યાં જ્યાં જે જે ગામડે ગયાં ત્યાં ત્યાં દરેકે દરેક જગ્યાએ તેમને જેટલી બને તેટલી સગવડ લોકોએ જાતે કરી આપી, સૂવાનું, ખાવાનું, ઓઢવાનું, રહેવાનું, નાહવાનું, ધોવાનું, પૈસા વગર ક્યાંય કોઈ મુશ્કેલી તેમને ન પડી. પૈસા ન મળવાનાં હોવાં છતાં, આખા ગામવાળા ભેગા થઈને, નાત જાતના ભેદભાવ વગર તેમને સગવડો આપેલ. એક પ્રશ્ન થાય કે જો એ લોકો શહેરમાં, કે જ્યાં ભણેલાંઓ વસતાં હોય ત્યાં, આવી રીતે નીકળ્યાં હોય તો તેમને આવો અનુભવ મળ્યો હોત? તેમને કોઈ ઘરમાં અંદર જવા પણ મળ્યું હોત? આવા શિક્ષિત લોકોની અપેક્ષાએ ગામડાંનાં અભણ લોકો, આદીવાસીઓ ખરેખર પછાત ગણાઈ શકે?

વિદ્યાર્થીની દૃષ્ટિએ જોઈએ તો વર્તમાન શિક્ષણ કલ્પનાશીલ કરવાને બદલે ‘સર્જનાત્મક’ વિચારો કેમ કુંઠિત થાય એ કાર્ય કરે છે. વિદ્યાર્થીઓ ફક્ત અને ફક્ત પુસ્તકમાં આપેલું શીખે તે જ આજનું શિક્ષણ કરે છે. વિદ્યાર્થીઓ વિચાર કરતાં કેવી રીતે બંધ થાય, એ આજના શિક્ષણનું કાર્ય છે. ૨+૨ = ૪ જ થાય એ આજના શિક્ષણની બલિહારી છે. ‘૨+૨’ના જવાબમાં ‘બે અડધા લાડુ વત્તા બીજા બે અડધા લાડુ મળીને બે આખા લાડુ બને’ એમ વિચારીને ‘૨’ લખનાર વિદ્યાર્થીની સમજને સમજવાને બદલે ખોટી પાડવામાં આવે છે. વિવિધ બાળકોની અનેકવિધ ક્ષમતાને માપવા માટે એક જ પરીક્ષા અને ડીગ્રી રૂપી માપપટ્ટી, એ હદે એકવિધતા કે ચિત્રકામ, સંગીત કે અન્ય કલાઓમાં પારંગત વિદ્યાર્થીઓ પર પણ ‘નાપાસ’નું લેબલ લાગી જાય અને પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે. બારીમાંથી બહાર જોઈ, પોતાની આજુબાજુની સજીવ સૃષ્ટિનું નિરીક્ષણ કોઈ વિદ્યાર્થી કરે તો એ ‘અશિસ્ત’ ગણાય, પોતાના મિત્રને જવાબ આપવામાં મદદ કરે તો એ ‘ચોરી’ કહેવાય. વિદ્યાર્થીમાં પોતાની આસપાસની સૃષ્ટિ પ્રત્યે નિરપેક્ષતા કેળવાવી, અસંવેદનશીલ  બનાવવું એ જ વર્તમાન શિક્ષણનું ધ્યેય છે? વર્તમાન શિક્ષણ ચાર દિવાલોમાં સીમિત કરનારું, બહારની સાચી દુનિયાથી અલિપ્ત કરનારું, પ્રકૃતિ અને સમાજથી દૂર કરી નાંખનારું છે.

આજની શિક્ષણ વ્યવસ્થાની આ નિષ્ફળતા છે, આ શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંક ઊંડી ખોટ છે. કેળવણીના મૂળભૂત ધ્યેયો-માનવતા, સંવેદનશીલતા, જ આજના શિક્ષણમાંથી મળતા નથી. શિક્ષણની વર્તમાન પદ્ધતિ વિશે ઊંડું આત્મમંથન કરવાની જરૂર છે. ખરેખરી કેળવણી કેવી હોવી જોઈએ એ વિશે પણ આત્મચિતંન કરવું જરૂરી છે.

 

અસ્તુ.

X
X
X