૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

માતૃભાષાના શિક્ષણની જરૂરત અને વિશિષ્ટતાઓ પર અહીં આપણે અવારનવાર ચર્ચા કરી છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય અને અંગ્રેજી જેવી જરૂરી મનાતી ભાષા માટે વિશિષ્ટ તાલીમ અપાતી હોય એવી આદર્શ સ્થિતિ નિર્માણ કરવા માટે શાળાઓમાં શું શું થઈ શકે એની પણ આ લેખશ્રેણીમાં ચર્ચા થતી આવી છે. એ જ રીતે ગયા સપ્તાહે આરંભેલી અંગ્રેજીશિક્ષણની વાત આજે આગળ વધારીએ.

 

—-

“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર; સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું;”

આજથી લગભગ ચારસો વર્ષ પહેલા અખો જ્યારે સંસ્કૃત તરફના ચોખલિયા વેડા વિષે આ લખી ગયો ત્યારે શું તેને જાણ હશે કે એની પોતાની ભાષા પણ એક દિવસ આ સ્થાને મુકાઈ જશે? આજના સમજમાં ગુજરાતી અને અંગ્રેજીનું સમીકરણ જોઇને પણ શું તે આ જ છપ્પો લખી શક્યો હોત ખરો?

ગયા અંકે આપણે અંગ્રેજી ભાષામાં બાળકોને કેવી રીતે પારંગત કરી શકાય તે માટેના કેટલાક સૂચનો જોયાં. જેમનાં કેટલાંક વિદ્યાર્થી મિત્રોને લાગુ પડે છે તો કેટલાક શિક્ષક મિત્રોને મદદરૂપ થઇ શકે છે. ગયા વખતની આપણી ચર્ચાને આગળ વધારતા આ વખતે આપણે ભાષાના બીજા કેટલાક અંગો વિષે ચર્ચા કરીએ.

મુખ્યત્વે વાંચન અને લેખન ઉપર.

લેખન એ કોઈપણ ભાષાનું અનિવાર્ય અંગ છે. કોઈપણ ભાષા પર પ્રભુત્વ એટલે તે ભાષામાં લખવાની, પોતાના વિચારો વ્યક્ત કરવાની તેમ જ વ્યાવહારિક બાબતોની સ્પષ્ટ સમજૂતી આપવાની આવડત. ભાષા સાથે આ અનુકુળતા હોવી જરૂરી છે. ભાષા જ્યારે બોલચાલ માટે ઉપયોગમાં લેવાય છે ત્યારે તેની સાથે ઘણી છૂટછાટ લેવાતી હોય છે. પણ જ્યારે વાત લખાણની આવે ત્યારે ભાષાના બંધારણ ઉપરવટ નથી જઈ શકાતું. લખવામાં ઘણી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે ભાષાનું બંધારણ તેના વ્યાકરણના નિયમો તેમ જ તે માટેનું જરૂરી શબ્દભંડોળ. તેથી જ ભાષા લખવાની પૂર્વશરત રૂપે બને તેટલુ વાંચન કરવું જરૂરી છે. જેટલું વધારે વાંચન તેટલું વધારે શબ્દભંડોળ એ સામાન્ય નિયમ સહુને ખબર જ હશે. નિયમિત ને અર્થસભર વાંચનથી ભાષાના બંધારણ તેમ જ વ્યાકરણના નિયમોની જાણકારી પણ વધુ મળી શકે છે. ફક્ત આંખ સામેથી દ્રશ્ય ભજવાઈ વહી જતાં હોય એમ નહીં, પણ વાક્યેવાક્યે વણાયેલા અર્થને પકડીને થતું સમજણપૂર્વકનું વાંચન જ ભાષકને એના લેખનમાં મદદ કરી શકે છે.

શિક્ષકોએ ઘણીવાર વિદ્યાર્થી તરફથી એવા પ્રશ્નોનો સામનો કરવાનો આવે છે કે અમારે તો આગળ જઈને “એકાઉન્ટ” કે “એન્જિનિયરિંગ” જેવા ક્ષેત્રમાં જવું છે કે જ્યાં ભાષાનું બહુ મહત્વ નથી. માટે જો ખાલી બોલચાલ પૂરતી અડધીપડધી ભાષા શીખી લીધી તો શું વાંધો છે? અમારા વિચારો ફક્ત બોલચાલની ભાષાથી લોકોને સમજાવી શકાય તો પણ ઘણુંઘણું છે, એટલે અમારે ભાષા સમજપૂર્વક શીખવા માટે શું કામ સમય વધુ પડતો બરબાદ કરવો?

-પણ મને કહેવા દો કે ઉપર જણાવેલા ક્ષેત્રો કે કોઈપણ બીજાં ક્ષેત્રોમાં લખાણનું ખૂબ મહત્વ છે. શિક્ષકો ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા અનેક મિત્રોના અનુભવથી જાણવા મળ્યું છે કે તેમના કાર્યનો લગભગ ૪૦% થી ૫૦% જેટલો સમય જુદા જુદા રિપોર્ટ-અહેવાલો-પરિપત્ર વગેરે તૈયાર કરવામાં, પત્ર વ્યવહાર કરવામાં, તેમના સાથી કે ઉપરીઓ માટે જરૂરી પરિબળોને લેખિતરૂપ આપવામાં જાય છે, અને કેટલાંય સંશોધનોના આધારે જાણવા મળ્યું છે કે લોકોની પદોન્નતિ કે બઢતી એવા જ લોકોની થાય છે જેઓ પોતાના વિચારો લખાણો દ્વારા અસરકારક રીતે વ્યક્ત કરી શકતા હોય.

એટલે કે, કારકિર્દીનું ક્ષેત્ર ભલે કોઈપણ હોય પણ એને સફળ બનાવવામાં લેખન મહત્વની ભૂમિકા ભજવે છે.

માટે શિક્ષકમિત્રોએ તેમ જ વાલીઓએ ખાસ ધ્યાન રાખવી જોઈ કે જેટલું મહત્વ ગણિત-વિજ્ઞાન જેવા વિષયો શીખવાનું છે તેટલું જ મહત્વ ભાષાને યોગ્ય રીતે શીખવાનું પણ છે. માટે ભાષાના બોલચાલ સિવાયના અંગો પર પણ બાળકોનું ધ્યાન રહે તેવું આપણે વાતાવરણ ઊભું કરવું જોઈએ.

વાંચન એટલે કેવું ને શું?

અહી વાંચન વિશેની ચર્ચા મુદ્દા મોટેભાગે ધોરણ ૮ થી ૧૦ના વિદ્યાર્થીઓને વધુ લાગુ પડે છે ને તે ફક્ત અંગ્રેજી ભાષા પૂરતી નહીં, આપણી ગુજરાતી, હિન્દી ને મરાઠી જેવી ભારતીય ભાષાઓ માટે પણ એટલા જ લાગુ પડે છે.

બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા વાલીઓને પ્રોત્સાહન મળે ને માતૃભાષાની શાળાઓનો જુસ્સો વધે એ માટે અહીં માતૃભાષાની શાળાઓ માટે અંગ્રેજીનું ઉદાહરણ વાપરવામાં આવ્યું છે.

૧. વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાનું વાંચન વધે, એની આદત વધે તે માટે અંગ્રેજીની સરળ, સારી ને રસપ્રદ ૧૦ થી ૧૫ નવલકથાઓની યાદી બનાવી શકાય. એ યાદી તે બાળકોને તેમની રજાઓ કે ઈતર પ્રવૃત્તિ માટે આપી, વાંચવા માટે પ્રોત્સાહિત કરી શકાય. જો શિક્ષકો તેમના વર્ગમાં એ નવલકથાની ચર્ચા કરી શકે તો રોજના કેટલાંક પાનાનું સમૂહ વાંચન કરાવી અઘરા શબ્દોનો અર્થ પણ સમજાવી શકે છે. આ પ્રયોગથી બાળકો અંગ્રેજી સાથે પણ ઘરોબો કેળવતા જશે.
૨. પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારોના વિવિધ વિભાગોના અહેવાલો વિદ્યાર્થી મિત્રોને વાંચી સમજાવવા તેમ જ તેનું મહત્વ સમજાવી શકાય. મુખ્યત્વે ત્રણ વિભાગો જરૂર બતાવવા ૧. સંપાદકીય (એડીટોરીયલ) વિભાગ, ૨. વાચકોના પ્રતિભાવ, ૩. ખેલકૂદ વગેરે વિભાગો જેમાં મુખ્યત્વે વિભાગોની ભાષા, તેના બંધારણની ખૂબી, તેમાં વપરાતી લાઘવતાનો, વિસ્તૃત વર્ણનો વગેરેનો ખુબ જ બખૂબી વિદ્યાર્થીઓને પરિચય કરાવી શકાય છે. જેથી, કેવી રીતે ભાષાના દરેક પાસાનો ક્યારે ને ક્યાં ઉપયોગ કરવો તે જણાવી શકાય છે.

૩. માન્યપણે બોલચાલની ભાષા માટે ૫૦૦ / ૬૦૦ શબ્દોનું ભંડોળ ખૂબ જ જરૂરી છે. પણ ભાષાના લખાણ પર પ્રભુત્વ વધારવા ઓછામાં ઓછા ૧૫૦૦ / ૨૦૦૦ શબ્દોનું ભંડોળ ખુબ જ જરૂરી છે. એ માટે વિદ્યાર્થીઓને નવાનવા રસપ્રદ શબ્દોથી નિયમિત પરિચિત કરી શકાય.

૪. લખવા માટે બાળકોને જરૂરી આદત પડે તે માટે તેમને રોજનીશી લખવાની આદત પાડવી જોઈએ અથવા રોજ તેમની મનગમતી પ્રવૃત્તિ વિશે કેટલાંક નવાં વાક્યો લખવાનું કહી શકાય તેમ જ તેને શક્ય હોય તો વર્ગમાં વંચાવી, એમાં જરૂરી સુધારો કરાવી શકાય. આમ કરવાથી બાળકોનું વ્યાકરણ તેમ જ લખવાની આવડત બંને વધે છે. આમાં ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે, બાળકો એકબીજાને પત્રો કે ઈ-મેઈલ લખી શકે, બાળકો પોતાની ડાયરી બનાવી તેમાં પોતાનું લખાણ કરી શકે, બાળકો પાસે વિવિધ પ્રસંગોના કાર્યક્રમોના અહેવાલો તૈયાર કરાવી શકાય વગેરે.

૫. બાળકોને અંગ્રેજીનો મહાવરો પાક્કો થાય તે માટે “wren & martin” ની ગ્રામર બુક તેમજ તેના જવાબ માટેની ‘કી’ ઉપયોગી નીવડી શકે છે, તેમજ તેમાં આપેલા ઉદાહરણો અને સ્વાધ્યાય ખૂબ જ ઉપયોગી થઇ શકે છે. આજ શ્રેણીમાં નગેન્દ્ર વિજય દ્વારા લખાયેલા “આસાન અંગ્રેજી” પુસ્તકને પણ સ્થાન આપવું રહ્યું. અથવા એવા જ બીજા કોઈ પુસ્તકનું બાળકો દ્વારા નિયમિત વાંચન કરી શકાય, પણ પુસ્તક પસંદ કરતા પહેલાં ખૂબ કાળજી રાખવી જોઈએ, કારણ કે એની સીધી અસર બાળકની ભાષા પર થવાની હોવાથી અડધી સમજૂતી સાથેના કે ખોટી સમજૂતી સાથેના પુસ્તક બાળકોને ભણવામાં ન આવી જાય એ ધ્યાન રાખવું.

આવા બીજા અનેક મુદ્દાઓને રોજબરોજના વર્ગોમાં ઉમેરવામાં આવે તો ચોક્કસ બાળકોનું ભાષાનું સ્તર ઉપર આવી શકે છે. એ માટે આપણા અનુભવી શિક્ષકો પોતે પણ સ્વર્નિર્મિત રીતે કાર્યરત છે અને અનેક વિદ્યાર્થીઓને તેવો લાભ આપી શકે છે. શિક્ષકો અંદરોઅંદર ચર્ચા કરીને પોતાના વિદ્યાર્થી-વિશેષ પ્રમાણે એમની ભાષા સારી કરવા માટે પાઠ્યક્રમ વગેરે તૈયાર કરી શકે છે.

 

-અસ્તુ.

X
X
X