૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોવાને લીધે બાળપણથી જ બાળકોને અંગ્રેજી માધ્યમની એસ.એસ.સી., આઈ.સી.એસ.ઈ. કે સી.બી.એસ.ઈ. શાળામાં ભણાવતાં વાલીઓ બાળકને મજૂરની જેમ ભણતો જોઈ દુ:ખી થાય છે અને પરિણામ પણ જોઈએ એવું ન આવતાં છેતરાયાની લાગણી અનુભવે છે. કેવી છે આ વાલીઓની માન્યતાઓ અને મૂંઝવણો? અને કેટલાંક સમજદાર વાલીઓ કઈ રીતે આવા આંધળૂકિયામાંથી બહાર આવી રહ્યાં છે? આપણી આસપાસ જ બનેલા ઉદાહરણો દ્વારા જાણીએ કેટલીક તૂટી રહેલી ભ્રમણાઓ અને સામે આવી રહેલી વાસ્તવિકતા.

લોકલ ટ્રેનની સફર દરમ્યાન, શેરબજાર તથા લોખંડબજારમાં કામ કરતાં બે ગુજરાતી મિત્રોની પોતાના બાળકોના ભણતર વિશે સાંભળેલી ચર્ચાની શરૂઆત કંઈક આ રીતે થઈ,

મિત્ર એક: તારો દીકરો કયા ધોરણમાં છે? કઈ શાળામાં ભણે છે?

મિત્ર બેઃ મારો ‘હીરો’ તો અમારા પરાની સૌથી મોંઘી અંગ્રેજી સ્કૂલમાં ભણે છે. તું જૂએ તો અંદર-બહારથી ચમકતી દમકતી ઈમારત અને હાઈફાઈ સુવિધાઓ.

મિત્ર એકઃ અને ભણતર? તારા દીકરાનું ભણતર કેવું ચાલે છે ત્યાં?

મિત્ર બેઃ…???!!!!

***

બે મિત્રો વચ્ચે બાળકના શિક્ષણ વિશેની આ ચર્ચા આગળ વધી તો ઘણી લાંબી ચાલી અને અંતે તેનું તારણ કંઈક આવું નીકળ્યું-

મોટા ભાગના પુરુષો, બાળકોના શિક્ષણ માટેના નિર્ણયોમાં પત્ની જેમ કહે તેમ માનીને છૂટી જાય છે. તો કેટલાંક અંગ્રેજીના પ્રવાહમાં બધાં સાથે સાથે તણાયા કરે છે. બાળકને રજાના દિવસોમાં કરાવાતી ઈતર પ્રવૃત્તિના વર્ગોથી નાખુશ હોવાં છતાં તેઓ કંઈ જ કરી નથી શકતા. બસ, બધું પત્નીની ઈચ્છા મુજબ જ થાય, ઘરમાં શાંતિ રાખવી હોય તો…

બીજો પ્રસંગ જોઈએ.

પોતાનો સારો વ્યવસાય ધરાવતાં હોવા છતાં અંગ્રેજી ન ભણવાને લીધે પાછળ રહી ગયાની લાગણી અનુભવતાં અને એ માટે આખી જિંદગી પોતાનાં મા-બાપને કોસતા દંપતીએ, પૂર્વગ્રહથી પીડાઈને પોતાનાં સંતાનોને આઈ.સી.એસ.ઈ. બોર્ડની શાળામાં મૂક્યા. પરંતુ, પાંચ-સાત વર્ષમાં તો તેમની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. આજે તેઓ બાળકોની શાળાની મોંઘીદાટ ફી અને ટ્યુશન પાછળ દોઢ બે લાખ ખર્ચતાં હોવા છતાંય દુ:ખી છે, કારણકે મોંઘી ફી અને હાઈફાઈ કલ્ચરવાળી શાળામાં મૂકવાથી પોતાનું સંતાન હોશિયાર થઈ જશે એવી તેમની આશા ઠગારી નીવડી છે. એટલું જ નહિ, આજે એમની હાલત એવી છે કે, નથી તે પોતાના બાળકને આ રીતે અટવાતો જોઈ શકતા કે નથી સાતમા-આઠમા ધોરણમાં આવેલા પોતાના બાળકને ઈચ્છવા છતાં ગુજરાતી માધ્યમમાં ફેરવી શકતા.

વળી, એમને મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે તેમને ખબર પડી કે કૉલેજમાં દાખલો લેતી વખતે, બાળક કયા માધ્યમમાંથી કે કયા બોર્ડમાંથી આવ્યું છે એના કરતાં એને કેટલા વધુ ટકા આવ્યા છે, તે વાત જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલું જ નહિ, પણ ગમે તે માધ્યમ કે બૉર્ડમાં ભણ્યાં છતાં કૉલેજનું શિક્ષણ તો બધા વિદ્યાર્થીઓ માટે સરખું જ છે. આ ક્ષણે તેમને અંગ્રેજીના મોહમાં લીધેલા પોતાના નિર્ણય ઉપર સૌથી વધારે ગુસ્સો આવ્યો. હવે તો એ દંપતી, જે પણ વાલી મળે તેને એમ સમજાવે છે કે, ‘ભાઈ, જો દસ વર્ષના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દરમ્યાન બીજાથી વધારે ઝડપે ગાડી ભગાવ્યાં છતાં પણ, પછી તો તમારે એક જ ફાટક પર ઊભા રહીને બીજાની સાથે આગળ વધવાનું હોય, તો નાહક શા માટે બાળકને વહેલાં ફાટક સુધી પહોંચાડવાની જફા વહોરવી??!!’

એટલે કે, આઈ.સી.એસ.ઈ., સી.બી.એસ.ઈ. કે એસ.એસ.સી. ના અંગ્રેજી કે ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓને કૉલેજમાં તો એકસરખું જ ભણવાનું હોય, તો શા માટે દસ વર્ષ સુધી પોતાના બાળક ઉપર ઉંમર કરતાં આગળનું ભણાવવાનો બોજો નાખવો? અને શા માટે બાળકને એટલું થકવી નાખવું કે જેથી ક્યારેય પાછા ન મળી શકે તેવા બાળપણના દિવસો તે માણી જ ન શકે અને ક્યારેક તો નિરાશાનો ભોગ બનવાની શક્યતા પણ રહે!

આજે, ખરેખર અત્યંત જરૂરી અને સાથે સાથે સાવ સરળ રસ્તો એ છે કે બાળકને માતૃભાષામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપવું અને એ વર્ષો દરમ્યાન બાળકને સારામાં સારૂં અંગ્રેજી પણ શીખવવું. આ માટે ઘણી ગુજરાતી માધ્યમની શાળાઓએ પહેલ કરી છે, જેથી બાળક કૉલેજમાં આવીને અંગ્રેજીમાં પાછળ ન રહી જાય અને પોતાને બીજાથી ઉતરતા ન સમજે.

ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે તેમાંથી બહાર આવવાની હિંમત હાલમાં કેટલાંક વાલીઓ દાખવી રહ્યાં છે. પરાગભાઈ ગોરડિયાએ કાંદિવલીની અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા પોતાનાં સંતાનોને ગુજરાતી માધ્યમની શાળામાં મૂક્યા. આ વર્ષે તેમના પુત્રએ S.S.C માં ૯૦ % લાવીને સૌને આનંદાશ્ચર્યમાં મૂકી દીધાં છે તો પુત્રી પણ અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વધારે સારું ભણી રહી છે. ઘાટકોપરના ગૌતમભાઈ બૂટિયાનાં સંતાનો પણ આ જ રીતે અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમમાં પાછા ફરી, એમની શૈક્ષણિક કારકિર્દીનું હસતાંરમતાં ઘડતર કરી રહ્યા છે. આ આજની જ વાત નથી, થોડાં વર્ષો પહેલાં પણ આવા નોંધપાત્ર કિસ્સા બન્યા છે. નવી મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ ધવલ બાવડના શિક્ષણની શરૂઆત પણ અંગ્રેજી માધ્યમમાં થઈ હતી. જોકે પછી એ ગુજરાતી માધ્યમમાં ભણ્યા અને આજે સી.એ.ની ધીકતી પ્રેક્ટિસ ધરાવે છે, તો કાંદિવલીનાં એક બહેનનું શિક્ષણ પણ અંગ્રેજીમાં શરૂ થયું અને વચ્ચેથી ગુજરાતી માધ્યમમાં પાછા ફરીને માતૃભાષામાં જ શાળાનું શિક્ષણ પૂરું કર્યું. આજે એ બહેન એમની જ શાળાના ઉપ-આચાર્યા છે.

આવી સમજણથી પ્રેરાઈને મલાડ ઈસ્ટની જે.ડી.ટી. શાળામાં,

૧. પ્રિયંકા યોગેશ વરતડા – પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પછી

૨. છાપીયા સીકા – ધોરણ ૨

૩. દરજી જય સતીશકુમાર – ધોરણ ૪

૪. વાજાધારા વિપુલ – ધોરણ ૪

૫. વાજાધારા આશિષ – ધોરણ ૭

૬. ચંદાત શ્રુતિ – ધોરણ ૫

૭. ચંદાત દક્ષા – ધોરણ ૭

આ બધાં જ બાળકોએ અંગ્રેજી માધ્યમની શાળામાંથી ગુજરાતી માધ્યમની શાળામાં પ્રવેશ લીધો છે અને એ માટે એમને શાળાના સંચાલકો, આચાર્યો અને શિક્ષકો તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે.

રાજાધારા વિપુલ અને આશિષના વાલીઓ ‘મુંબઈ ગુજરાતી’ને જણાવે છે કે ઘરનું અને આસપાસનું વાતાવરણ ગુજરાતી હોવાથી બાળકોને અંગ્રેજીમાં શિક્ષણ લેવું અઘરું પડતું હતું. હવે, ગુજરાતી માધ્યમ તેમને સરળ લાગે છે. તેઓ હવે, સમજીને જાતે ભણી શકે છે; ગોખણપટ્ટી કરવાની જરૂર પડતી નથી. આમ, તેઓ શાળાના શિક્ષણમાં રસ લેતા થયા છે. શાળામાંથી પણ તેમને સારો સહકાર મળી રહ્યો છે. આટલા બધા ફાયદાની સાથે, ખોટા ખર્ચાને બદલે, પૈસાની પણ બચત થાય છે, એ તો વધારાનો ફાયદો છે.

દરજી જય સતીશકુમાર, પહેલાં કોઈ કૉન્વેન્ટ શાળામાં ભણતો હતો. ત્યારે તે બિચારો, અંગ્રેજી શબ્દોના સ્પૅલિંગની ગડમથલમાંથી બહાર જ ન આવી શકતો, તો ભણવાના વિષયમાં રસ ક્યાંથી જાગે? જ્યારે ગુજરાતી માધ્યમમાં આવ્યા પછી, હવે વાલીઓ પણ તેના શિક્ષણમાં ધ્યાન આપી શકે છે. ભણતરના બોજાની સાથે વધારે પડતાં પૈસાનો બોજો પણ ઘટી ગયો, તે માટે વાલીઓ પણ ખુશી અનુભવે છે.

આવી જ રીતે, વિરારના એક બહેન, મનીષા વ્યાસે ‘જન્મભૂમિ’માં ગયા અઠવાડિયે છપાયેલો ‘મુંબઈ ગુજરાતી’નો લેખ- ‘શું તમે ખરેખર તમારા બાળકને પ્રેમ કરો છો?’ વાંચીને બીજા ધોરણના અંગ્રેજી માધ્યમમાં ભણતા પોતાના બાળકને ગુજરાતી માધ્યમમાં મૂકવાનું નક્કી કર્યું. તેઓ પોતાના બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા વિરાર છોડીને, જે તે શાળાની નજીકના પરામાં રહેવા જવા પણ તૈયાર છે.

ગુજરાતી શાળાની જાણકારી મેળવવા તેમણે ‘મુંબઈ ગુજરાતી’નો સંપર્ક સાધતાં, તેમને ભાઈંદર, વસઈ અને વિરારની ગુજરાતી શાળાઓના આચાર્યોના ફૉન નંબર આપવામાં આવ્યા અને આચાર્યોને પણ તે સંબંધે જાણ કરવામાં આવી. આ બધા આચાર્યો પણ બાળકને પોતાની શાળામાં આવકારવા તૈયાર છે.

આ બધાં પ્રસંગો બતાવે છે કે સાવ ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે કેટલાક વાલીઓ જાતઅનુભવે શીખીને, બાળકના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારીને, લોકોની વાતો વિશે ફિકર કર્યા વગર બાળકના હિતમાં હિંમતભર્યો નિર્ણય કરે છે.

તો ચાલો, આપણે પણ આવી હિંમત દેખાડીએ અને માતૃભાષા સિવાયની શાળામાં પોતાના બાળકને મૂક્યો હોય તો જાગ્રત થઈએ અને બાળકને એમનું બાળપણ જીવવા દઈ, આપણે તેને ખરેખર પ્રેમ કરીએ છીએ તે પૂરવાર કરીએ. જો આપણે માતૃભાષાની જવાબદારી ઊપાડી લઈએ, તો માતૃભાષા પણ આપણા બાળકના સારા સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી ઊપાડી લેશે.

દરેક ગુજરાતી માટે જરૂર છે કે તે ગાંધીજીના સ્મારક સામે શ્રધ્ધાંજલિઓ આપી કે મોબાઈલ પર આવ્યે રાખતી ગુજરાતીઓની ખાસિયતના મેસેજ જોઈ, વાંચી કે સાંભળીને માત્ર ગુજરાતી હોવાનો ગર્વ અનુભવવાને બદલે, માતૃભાષાની જવાબદારી ઉપાડવાનો સંકલ્પ કરી ખરું ગૌરવભર્યુ કાર્ય કરે.

-અસ્તુ.

X
X
X