૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

મુંબઈની શાળાઓની વાલીસભામાં કેવી કેવી ચર્ચા સ્થાન મેળવી રહી છે ને કેવાં આવી રહ્યાં છે એનાં પરિણામ? ગુજરાતી માધ્યમ તરફ કઈ રીતે જાગૃત માતાપિતાનું વલણ બદલાઈ રહ્યું છે? અને કઈ રીતે શાળાના સંચાલકો-શિક્ષકો વાલીઓને માતૃભાષાના માધ્યમ માટે સહમત કરી શકે છે? જાણીએ આ લેખમાં…

દરેક શાળામાં વાલીસભાઓ થતી હોય છે. મોટા ભાગની સભાઓમાં સ્કૂલની વ્યવસ્થા વિશે, અમુકતમુક શિક્ષકોની ફરિયાદો કે શાળાના સમય કે ઈતર વર્ગો વગેરે વિશેના પ્રશ્નો ચર્ચાતા હોય છે. પણ “મુંબઈ ગુજરાતી”એ શહેરની શાળાઓમાં લીધેલી વાલીસભાની મુલાકાતોમાં થોડા જુદા અનુભવ થયા છે, જે જન્મભૂમિના વાચકો સાથે વહેંચીએ છીએ. જો કોઈ વાલીસભામાં એવો પ્રશ્ન પૂછવામાં આવે કે શું તમે ખરેખર તમારા બાળકને પ્રેમ કરો છો? તો…

સહુ વાલીઓ વિચારમાં પડી ગયા. વાલીઓનો પ્રતિભાવ કેવો હોય- આ તે કેવો સવાલ છે? હાસ્તો વળી, બાળકને પ્રેમ કરીએ છીએ એટલે જ તો પેટે પાટા બાંધીને પણ મોંઘીદાટ ફી ભરી એને અંગ્રેજી સ્કૂલમાં ભણાવીએ છીએ. વળી પાછું ટ્યુશન પણ રાખ્યું છે. એનું ભવિષ્ય સારું થાય એ માટે અમે બધું જ કરીએ છીએ…

બીજો સવાલ.

બહેનોને પૂછ્યું, તમે રસોઈમાં ઈટાલિયન, ચાઈનિઝ જેવી વાનગીઓ અઠવાડિયામાં કેટલી વાર બનાવો?

જવાબ મળ્યો, અઠવાડિયામાં એકાદ વાર. વળી બધાને તો એ વાનગીઓ બનાવવી ફાવતી પણ નથી, એટલે બહારથી મંગાવીએ છીએ.

ત્રીજો સવાલ,

તમારામાંથી રોજ બહારનું ભોજન કેટલા લોકો ખાય છે?

જવાબઃ લગભગ કોઈ નહિ – ઘરનું એ ઘરનું. આપણે બહારગામ ફરવા જઈએ અને મજા કરીને આવીએ ત્યાર બાદ પણ જે હાશકારો ઘરે આવી ખીચડી કઢી કે રોટલો શાક ખાઈને મળે છે એના જેવો હાશકારો બીજે ક્યાંય નથી.

***

જો આપણે આટલા મોટા થયા છતાં આપણો હાશકારો આપણા ઘરમાં, આપણાં મૂળિયાં જ્યાં રોપાયાં ત્યાં છે હોય તો નાનાં બાળકોનો હાશકારો એના મૂળિયાથી છેટો હોઈ શકે? બાળકને એનાં મૂળિયાંથી દૂર કરવું યોગ્ય છે? તેઓનો ખરો હાશકારો શેમાં છે, એ ખબર છે?

આપણને આપણા બાળકના ભવિષ્યની ચિંતા, જે ખરેખર બાળક માટે તો હોતી જ નથી, પણ મોટો થઈને આર્થિક પ્રગતિ કરે અને કુટુંબને આગળ લાવે તેની જ હોય છે. તે માટે બાળકને અત્યારથી જ સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ સુધીની શાળા. બાળક ન જમવાનો રહે કે ન સૂવાનો ત્યાં તો ટ્યુશન અને પાછો આવે ત્યારે ઘરકામ મોં ફાડીને ઊભું જ હોય!! આટલું વ્યસ્ત બાળપણ આપીને આપણે ખુશ થઈએ છીએ કે હું બાળકને સારામાં સારું ભણાવું છું. પણ એ ભૂલી જઈએ છીએ કે આપણે બાળકને રમવાનો, મસ્તી તોફાન કરવાનો અને ખરેખર બાળપણને જીવવાનો સમય તો આપ્યો જ નહિ અને નાનપણમાં જ બાળકને મોટો બનાવી દીધો. આપણે પોતે જે જિંદગીમાં ન કરી શક્યા તે પોતાના બાળક પાસે કરાવવાના અભરખા, બાળકનું બાળપણ છીનવી લે છે. અજાણી ભાષામાં આંધળૂકિયા કરવામાં બાળક કરમાઈ જાય છે. વળી, મનના કો’ક પછવાડે આપણે જાણીએ છીએ કે બાળક ઉપર ખૂબ બોજો નાખ્યો છે અને એ અપરાધભાવ આપણા મનને કોરી ન ખાય એટલે આપણે તેને ખુશ કરવા તેની બધી ભૌતિક માગણીઓ પૂરી કરીએ છીએ. આમ, ખોવાયેલા બાળપણવાળા આપણા બાળકને આપણે અજાણ્યે સ્વચ્છંદી બનાવી દઈએ છીએ. ભણતરનો અતિ બોજ અને અજાણી ભાષાની ગડમથલમાં આગળ જતાં બાળકનો સર્વાંગી વિકાસ ન થતાં આપણે જ તેને કોસીએ પણ છીએ. પણ શું ખરેખર બાળક જવાબદાર છે આ પરિણામ માટે?

જરાય નહિ, આપણે પોતે જ જવાબદાર છીએ.

દુન્યવી દેખાદેખી, પૈસા હોવાનો દંભ, વધારે મોંઘું એ વધારે સારું શિક્ષણ એવી ગેરસમજ – આ બધામાં આપણે બાળકને એક બાળમજૂર જ બનાવી દીધો છે. હા, હા, બાળમજૂર જ!! પુખ્ત પુરુષ નોકરી-ધંધામાં આપે એના કરતાંયે વધારે કલાક એ બાળક ભણતર પાછળ આપે છે, તેને હરવા ફરવા કે રમવાનો સમય ન રહે, તેનું બાળપણ જ છીનવાઈ જાય, તો એ બાળમજૂર જ થયો ને?!! આ તે કેવો પ્રેમ છે, આપણો બાળક પ્રત્યે?

કેટલાય વાલીઓ એવા મળ્યા જેમની સાપે છછુંદર ગળ્યા જેવી હાલત છે. નથી બાળકને આઈસીએસઈ, સીબીએસઈ કે એસએસસી અંગ્રજી માધ્યમમાંથી હટાવી શકતા કે નથી તેમાં આગળ વધી શકતા. માધ્યમિક શાળામાં ૮-૯ ધોરણમાં બાળક આવે ત્યારે લાખ- બે લાખ ટ્યુશનના ચૂકવવાના, અલગ અલગ વિષયવાર ટ્યુશનવાળાના ઘરે બાળકને લેવા મૂકવા જવાની દોડાદોડી, પ્રકલ્પ (પ્રોજેક્ટ) માટે રાતના ઉજાગરા કરવાના અને પછી તો ચિંતા અને તણાવમાં જીવ્યે રાખવાનું. આવું આજની તારીખમાં ઘણા વાલીઓ અનુભવે છે અને છતાં ગાલે તમાચો મારી ગાલ લાલ રાખે છે. પોતે બાળકને ખૂબ પ્રેમ કરે છે એટલે એક વખત જે રસ્તો લીધો એ રસ્તે તેમને આગળ વધ્યે જ છૂટકો છે એમ પોતે માને છે ને બાળક પર દયા ખાતા સહુને મનાવવા પ્રયાસ કરે છે. પરંતુ, ‘મુંબઈ ગુજરાતી’એ વાલીઓને તેમના બાળકોના શિક્ષણના માધ્યમ અંગે વિચારતાં કરી મૂક્યાં છે અને સમાજમાં જાગૃતિ લાવવા તરફનું એક પગલું ભરાઈ ચૂક્યું છે.

માતૃભાષા એ જ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણનું સાચું, સારું અને સરળ માધ્યમ છે, એ વાલીસભા દ્વારા સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને એમાં ઘણે અંશે સફળતા પણ મળે છે. જો વાલી ખરેખર પોતાના બાળકને પ્રેમ કરતો હોય અને તેનું સાચું હિત જોઈ શકતા હોય તો તે બાળકને બાળક તરીકે જૂએ, નહિ કે પોતાના અધૂરાં રહી ગયેલાં સ્વપ્નો પૂરાં કરવાના સાધનરૂપે. બાળકને ભરપૂર બાળપણ માણવા મળે તો સમયની સાથે સાથે તે પણ ઘડાતો જાય અને ઉંમર પ્રમાણે તેની શક્તિઓનો પણ વિકાસ થતો જાય. જ્યારે અંગ્રેજી માધ્યમમાં નાની ઉંમરમાં વધારે બોજાથી તેનો વિકાસ રૂંધાઈ જાય છે. આવી સમજણ ઘણાં વાલીઓએ દેખાડી અને પોતાના બાળકને અંગ્રેજીમાંથી માતૃભાષાની શાળામાં ફેરવ્યા છે. આનું ઉત્તમ ઉદાહરણ મલાડ ઈસ્ટની જયોત્સના ધીરજલાલ તલકચંદ(જેડીટી) શાળા છે, જ્યાંના સંચાલકો, આચાર્ય અને શિક્ષકો વાલીઓને બાળક પ્રત્યેના સાચા પ્રેમને સમજાવવામાં સફળ થયા છે. ઘાટકોપરની રામજી આશર શાળા તેમ જ બોરીવલીની એમ.કે.એન. ભાટિયા સ્કૂલમાં પણ એવા દૃષ્ટાંતો છે, જેમાં આંધળા અનુકરણમાં બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂક્યા પછી વાલીઓએ હિંમત કરી, પોતાની સમજણને અને બાળકના બાળપણને માન આપી, બાળકને ફરી માતૃભાષાના માધ્યમમાં ભણવા મૂક્યાં છે.

ફરી ફરી એ જ વાતની પુનરુક્તિ ન કરતા, હવે આપણે સહુ મુંબઈની ગુજરાતી શાળાઓને વિદ્યાર્થીઓના કોલાહલથી ધમધમતી કરી મૂકવા માટે કટિબદ્ધ થઈએ.

 

એ કહી ગયાઃ

નિજ ભાષા ઉન્નતિ હૈં, સબ ઉન્નતિ કા મૂલ

બિન નિજ ભાષા જ્ઞાન કે મિટત ન ઉર કા સૂલ

પઢો-લિખો કોઈ લાખ વિધિ ભાષા બહુત પ્રકાર

પર જબ કુછ સોચના હો, નિજ ભાષા અનુસાર

– ભારતેન્દુ હરિશ્ચંદ્ર (૧૮પ૦-૧૮૮પ)

(સમાનાર્થી શબ્દોના પરિવર્તન સાથે.)

X
X
X