શાળાઓનો અભ્યાસ શા માટે?
મુંબઈની ગુજરાતી શાળાઓને નડતી સમસ્યાઓનો વૈચારિક ધોરણે ખૂબ ઊહાપોહ થયો, પણ એને વૈજ્ઞાનિક ધોરણે જોવાના પ્રયાસ થયા ન હતા, એટલે મુંબઈ ગુજરાતીએ મુંબઈની ગુજરાતી શાળાઓનો અભ્યાસ હાથ ધર્યો.
શું હતો અભ્યાસ? શું છે એનાં પરિણામ ને તારણ?
મુંબઈમાં ગુજરાતી માધ્યમની ખાનગી અથવા સરકારી સહાય પ્રાપ્ત શાળાઓ આશરે સીતેર જેટલી છે. પાલિકાની શાળા અલગ, એની વાત પછી.
(ફક્ત જાણ-માહિતી ખાતરઃ ચોક્કસ આંકડા પ્રમાણે 55 પ્રાથમિક શાળાઓ છે ને એમાંથી મોટા ભાગમાં માધ્યમિક શાળા પણ છે, ઉપરાંત ઘણી એવી શાળાઓ છે જેમાં ફક્ત માધ્યમિકના ધોરણો એટલે કે છ-સાત-આઠ-નવ-દસમાંથી કેટલાક ધોરણો જ ચાલે છે. એવી શાળાઓની આશરે સંખ્યા પંદરેક ગણી છે.)
આ શાળાઓમાંથી મુંબઈ ગુજરાતીએ કેટલીક શાળાઓની મુલાકાત લઈ એમની સંપૂર્ણ સ્થિતિ-શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાની વધઘટ, વાલીઓનો પ્રતિસાદ વગેરેનો અભ્યાસ કરી દરેક શાળાના રિપોર્ટ તૈયાર કર્યા.
જેની સંખ્યાની ચર્ચા કરીએ તો મુંબઈ ગુજરાતીએ તપાસેલી 43 પ્રાથમિક શાળાઓમાં હાલ(2013-2014ની સંખ્યા મુજબ) કુલ 5645 વિદ્યાર્થીઓની સંખ્યા છે, જ્યારે તપાસેલી 21 માધ્યમિક શાળામાં 8590 વિદ્યાર્થીઓ છે. સૌથી મહત્વના ગણી શકાય એ છે બાળમંદિર. મુંબઈ ગુજરાતીએ તપાસેલા 24 બાળમંદિરોમાં 1048 વિદ્યાર્થીઓ છે.
આ સંખ્યાઓ સાથે રાષ્ટ્રીય આંકડા જોઈએ તો દેશની આશરે 16 ટકા વસ્તી શાળાના વિદ્યાર્થીઓની છે. મહારાષ્ટ્રની સરારેશ પણ એટલી જ છે એ જોતા મુંબઈમાં આશરે 40 લાખ ગુજરાતીઓ વસે છે. એમાંથી ઓછામાં ઓછા પાંચ લાખ જેટલા તો વિદ્યાર્થીઓ હોવાનો અદાજ માંડી શકાય છે અને એમાંથી ગુજરાતી માધ્યમમાં ભણનાર કેટલા???
મુંબઈ ગુજરાતીએ માંડેલી સરેરાશ પ્રમાણે મુંબઈમાં બાળમંદિર દીઠ 21 અને દસમા ધોરણ દીઠ 82 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં છે. જે શાળાઓના અભ્યાસ કર્યા છે એમાં પ્રાથમિક-માધ્યમિક-બાળમંદિર બધુ મળી 46 શાળામાં કુલ 15, 283 વિદ્યાર્થી થાય છે. એટલે કે મુંબઈનો ઘણો મોટો ગુજરાતી વર્ગ અંગ્રેજી માધ્યમમાં જ ભણે છે… કેમ?
કેમ ગુજરાતી માધ્યમમાં ભણવું?
– સારામાં સારું શિક્ષણ-અનુભવી શિક્ષકો-નહીવત ફીઝ-અંગ્રેજી ભાષાની ખાસ તાલીમ-તકનીકી વિષયોની, કમ્પ્યુટર વગેરેની પૂરી સગવડ આ બધુ “આધુનિક ગુજરાતી શાળા”ઓમાં મળી રહે છે.
– અંગ્રેજી શિક્ષણમાં “ભારત મારો દેશ છે…”નો નારો નથી, “વૈષ્ણવજન તો તેને રે કહીએ, મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ, મંદિર તારું વિશ્વ રૂપાળું” વગેરે જેવી સંસ્કારસિંચન કરતી પ્રાર્થના કે કવિતા, બોધપાઠ કરાવતી વાર્તાઓ વગેરે નથી, પણ મિનિસ્કર્ટ ને પાર્ટીઝ કલ્ચરની વાર્તાકવિતાઓ ભણાવામાં આવે છે. હજારો રૂપિયાની અઠળક ફીઝ હોય છે.
ટૂંકમાં, ભાષા માણસને સંસ્કૃતિ સાથે જોડેલો રાખે છે. ભાષા વગર સંસ્કૃતિનો પાયો મજબૂત ન બને. વિશ્વના દરેક મહાનુભાવે માતૃભાષામાં જ શિક્ષણ લીધું છે ને વિશ્વભરના શિક્ષણશાસ્ત્રી, બાળમાનસશાસ્ત્રીઓ પણ માતૃભાષામાં જ શિક્ષણ આપવાની તરફેણ કરે છે. (ગૂગલમાં સર્ચ કરીને પણ જોઈ લેવું કે બધા માતૃભાષામાં ભણાવામાં જ માને છે.)
ક્યાં છે ગુજરાતીની આધુનિક ને આદર્શ શાળા?
લોકો સૌથી વધારે જે બહાનુ આગળ ધરે છે એ છે સારી ગુજરાતી શાળા ક્યાં છે? આ રહી એની યાદી…
પશ્ચિમ પરામાં
– વિરાર પશ્ચિમમાં દુગ્ગડ વિદ્યાલય, સરસ્વતી વિદ્યાલય.
– નાલાસોપારા પૂર્વમાં સરસ્વતી વિદ્યામંદિર.
– વસઈ પશ્ચિમમાં એમ. કે. શાહ વિદ્યાલય.
– ભાયંદર- પૂર્વમાં અભિનવ વિદ્યાલય, પોદાર વિદ્યામંદિર(ભાયંદર પશ્ચિમ)
– દહીંસરઃ માતૃછાયા વિદ્યાલય, જીકે વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય(એનબી ભરવાડ શાળા.)
– બોરિવલીઃ જેબી ખોત(પૂર્વ-પશ્ચિમ બંનેયમાં), જીએચ વિદ્યાલય, એમકે વિદ્યાલય.
– કાંદિવલીઃ સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય, બાલભારતી વિદ્યામંદિર.
– મલાડઃ નૂતન વિદ્યાલય(પશ્ચિમ), એનએલ વિદ્યાલય(પશ્ચિમ), નવજીવન વિદ્યાલય(પૂર્વ), જેડીટી(પૂર્વ),
– વિલે પાર્લાઃ માતૃશ્રી કાનબાઈ લાલબાઈ વિદ્યાલય પાર્લા(પશ્ચિમ), ગોકળીબાઈ વિદ્યાલય.
– ખારઃ પ્યૂપિલ્સ વિદ્યાલય ખાર(પશ્ચિમ)
– માટુંગાઃ અમુલખ અમીચંદ (પૂર્વ).
– તાડદેવઃ બીપીકે સહકારી વિદ્યાલય.
મધ્ય મુંબઈના પરાંઓમાં…
– ઘાટકોપરઃ રામજી આશર વિદ્યાલય, ધનજીદેવશી વિદ્યાલય, રત્ન ચિંતામણી કન્યાશાળા, પીવી ગુરુકુળ વિદ્યાલય.
– વિદ્યાવિહારઃ સૌમેયા વિદ્યાલય
– કલ્યાણઃ રા. સા. ગો. ક. રા. વિદ્યાલય. એમજે કન્યા શાળા.
– કુર્લાઃ ગુજરાતી સમાજ વિદ્યાલય(પશ્ચિમ).
– મુલુંડઃ શેઠ મોતી પચાણ વિદ્યાલય, લુહાણા કન્યાશાળા, નુતન વિદ્યાલય.
– ડોમ્બિવલીઃ કેબી વિરા વિદ્યાલય,
હવે પછી શું?
મુંબઈની બધી જ ગુજરાતી શાળાઓ એક છત્ર નીચે ભેગી થાય અને શહેરમાં ગુજરાતી શાળાઓ ફરી વિદ્યાર્થીઓના કોલાહલથી ધમધમી ઊઠે એ માટેની આ પહેલ સફળતાપૂર્વક આગળ વધી રહી છે ને આ પહેલમાં સૌ કોઈ, ગુજરાતી સંસ્થા-અખબાર-સાહિત્યકારો-કલાકારો, મુંબઈનો એકેએક ગુજરાતી સહભાગી થાય એ જરૂરી છે.
(y) (y)