૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ [email protected]
Select Page

 

શાળા એટલે અજ્ઞાનતાનો નિકાસ અને બુધ્ધિનો વિકાસ કરનારું સરસ્વતીમંદિર, જ્યાં ભણતરની સાથે એના જીવનનું ચણતર પણ થતું હોય છે. કુર્લા જેવા મર્યાદિત વિકાસ ધરાવતા વિસ્તારમાં કેટલાક સંનિષ્ઠ વ્યક્તિઓ રાષ્ટ્રનિર્માણકારી વ્યક્તિત્વોનું ઘડતર કરી શકે એવા આદર્શ જીવનલક્ષી શિક્ષણ માટે એકઠા થયા. કર્તવ્યનિષ્ઠ જાગૃત નાગરિકો જ રાષ્ટ્રની સાચી પ્રાણશક્તિ છે. તેવા નાગરિકો એટલે કુર્લાના ભૂતપૂર્વ મેજીસ્ટ્રેટ શ્રી. ભાલચન્દ્ર દવે જેમણે કુર્લાની ધીંગી ધરતી પર શિક્ષણની મંદાકિની વહાવવાના સોણલા આપ્યા.

-પણ શાળા શરૂ કરવા માટે મકાન ક્યાં? પરંતુ કુર્લાની ગુજરાતી જનતાના સદભાગ્યે સ્વ. શ્રી સોમાભાઈ મથુરદાસ પટેલ તથા શ્રી ભીખાભાઈ દેસાઈભાઈ પટેલ જેવા દાનવીર દાતાના ઉદારતાભર્યા સહકારથી સ્વ. ભીખાભાઈના દીધેલા મકાનમાં ઈ.સ.૧૯૪૪માં દશેરાના શુભ દિવસે શાળાની સ્થાપના કરવામાં આવી. જે શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલય, કુર્લા નામે આજે પણ ગૌરવભેર વિકાસના માર્ગે અગ્રસર છે.

શાળાના આરંભકાળના સંક્રાંતિકાળના દિવસોમાં શાળાના પાયાના ચણતરમાં તન, મન, ધનથી નિર્વાજ્યરૂપે સેવા કરનાર કેટલાક સાથીઓ હતા. જેમાં સ્વ. અંબાલાલભાઈ પટેલ, સ્વ. જેતશીભાઈ, શ્રી નટવરભાઈ દવે, શ્રી કાંતિભાઈ દવે, સ્વ. દેવજીભાઈ, સ્વ. છોટાભાઈ તથા સ્વ. મોરારજીભાઈ હતા. તેમજ સ્વ. બી.એમ. શાહ, સ્વ. નવનીતભાઈ ઠક્કર તેમજ ડો. મનહર વોરા આ બધા જેમનું આ શાળાનાં પાયામાં યોગદાન છે.

શાળાના સંચાલનમાં શ્રી.છબીલશંકર મહાદેવ ત્રિવેદી (ભૂતપૂર્વ હેડમાસ્ટર)નો આગવો ફાળો હતો. શાળા ધોરણ સાત સુધી પહોંચ્યા પછી શાળાના મકાનમાં ચણતર કરવાની આવશ્યકતા ઊભી થઈ. તે વખતે સંનિષ્ઠ સેવાભાવી કાર્યકર શ્રી.ગોપાલજીભાઈએ પોતાની બંધુભાવનાના પ્રતિકરૂપે પોતાના ભાઈની યાદગીરીમાં શાળાને મજલો બાંધી આપી કુર્લાની ગુજરાતી જનતાની  તથા સરસ્વતીની મહાનસેવા કરી. શાળાને બે મજલાનું મકાન મળ્યું. પ્રારંભિક આચાર્યના સાતત્યપૂર્ણ પ્રયાસથી સાત ધોરણની શાળામાં એસ.એસ.સી. સુધીના વર્ગો ચાલુ કરી શકાયા.

સંચાલકોના હ્રદયગત ભાવને પરિણામે અનેક અવરોધો વચ્ચે પણ માર્ગ મોકળો થતો ગયો. કાર્યકરો તથા ગુજરાતી જનતાના નિઃસ્વાર્થ સંબંધોને કારણે વિદ્યાલયના મૂળ ઊંડા ઉતરતા ગયા અને શાળાનું નામ ‘શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલય’ રાખવામાં આવ્યું. બે માળનું સુંદર મકાન તેમજ બાજુનું બેઠા ઘાટનું મકાન વિદ્યાલયનું પ્રવૃત્તિ કેન્દ્ર બન્યું અને શાળાના શૈક્ષણિક થતા પ્રગતિના માર્ગ મોકળા થતા ગયા.

પરિણામે સંગીત, વિજ્ઞાન, સાહિત્ય, કળા ,શારિરીક સિક્ષણ અને વિજ્ઞાનમાં પ્રગતિનાં પગરણ થતા ગયા. વિદ્યાર્થીઓની સંસદનો વિકાસ થયો. ગુજરાતી સમાજની વ્યક્તિઓના સહકારથી વિકાસની પ્રગતિ આગળ વધતી રહી.

હાલની પેઢીની ગુજરાતી માધ્યમ પ્રત્યેની ઉપેક્ષા અને અંગ્રેજી માધ્યમ પ્રત્યેની ઘેલછામાં વચ્ચે પણ આ ગુજરાતી વિદ્યાલય ગૌરવભેર અડીખમ ઊભી છે.  હાલના સંચાલક મંડળે પણ ધીરજ છોડી નથી અને હજુ પણ એટલી શ્રદ્ધા જરૂર છે કે સ્થાનિક લોકોએ મૂકેલો વિશ્વાસ જીતી હજી વધું વાલીઓના સહકારથીઆ વિદ્યાલય ભવિષ્યમાં પણ વધારેને વધારે સફળતા પ્રાપ્ત કરે. અનેકવિધ પ્રવૃત્તિથી આજે પણ આ વિદ્યાલય ધમીધમી રહ્યું છે.

હાલમાં માધ્યમિક  વિભાગ ધોરણ ૫ થી ૧૦ તેમજ પ્રાથમિક વિભાગ ધોરણ ૧ થી ૪ સરસ રીતે ચાલે છે. પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગમાં અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શાળારૂપી નાના છોડે વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. શાળાએ ઘણી પ્રગતિ કરી છે. શ્રી. ગુજરાતી સેવા સમાજ આ શાળાનું સંચાલન એકધારું સાતસાત દાયકાથી પણ વધુ સમયથી સફળતાપૂર્વક કરી રહી છે.

–> અત્યારે શાળામાં આધુનિક શૈક્ષણિક સાધનો દ્વારા શિક્ષણ અપાય છે. જેમકે પ્રોજેક્ટર પર વિવિધ વિષયો શીખવવામાં આવે છે.

–> લેબ જે સરકાર દ્વારા બનાવવામાં આવી છે  એ આધુનિક સંગણક, પ્રોજેક્ટર તેમ જ જનરેટર સાથે બનાવવામાં આવી છે.

 

–> સાથે સરસ મજાની પ્રયોગશાળા છે. રમતગમત, કસરત માટે મોટી અગાસી સુવિધા છે.

–> શાળામાં વિદ્યાર્થી સંસદની રચના જૂન મહિનામાં જ કરવામાં આવે છે. જે મતદાન પદ્ધતિથી કરાવાય છે. જેમાં ધોરણ ૫ થી ૧૦ના વિદ્યાર્થીઓ  બનાવવામાં આવે છે. આખા વર્ષ દરમ્યાન સંસદમાં આ વિદ્યાર્થીઓ શિસ્તથી લઈને પોતાની જવાબદારીઓ નિભાવે છે.

–> ગુરૂપૂર્ણિમાની ઉજવણી આ સંસદના વિદ્યાર્થીઓ દ્વારા કરાવાય છે. જેમાં વિદ્યાર્થીઓ એ દિવસે ગુરૂનું પૂજન કરે છે. તેમજ પોતે બનાવેલી માંથી એવી વસ્તુ પ્રતિકરૂપે ગુરૂને અર્પણ કરે છે.

–> શાળાના વિદ્યાર્થીઓનું સુંદર બેન્ડ છે. કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ પોતે બેન્ડ વગાડે છે. આખા વર્ષ દરમિયાન આર.એસ.પી.ની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

–> ૨૬મી જાન્યુઆરી, ૧૫ ઓગષ્ટના દિવસે ઈનામ વિતરણ સમારોહમાં  S.S.Cમાં પ્રત્યેક વિષયમાં પ્રથમ ત્રણ ક્રમાંકને શાળાના દાતાઓ તરફથી શિષ્યવૃત્તિ અપાય છે.

–> શાળામાં મીના રાજુમંચ ડિપાર્ટ તરફથી અપાયેલ પ્રવૃત્તિ ખૂબ જ સરસ રીતે કરાવવામાં આવે છે.

–> ગણેશચતુર્થી, નવરાત્રી, ઈદ-એ-મિલાદ, ક્રિસમસ જેવા પ્રત્યેક તહેવારો બાળકો પાસે ઉજવવામાં આવે છે.

–> દશેરાના દિવસે શાળાનો સ્થાપના દિવસ હોવાથી તે દિવસે સ્થાપના પૂજનની સાથે વિદ્યાર્થીઓ પાસે વર્ગમાં સરસ્વતીપૂજન કરાવાય છે.

–> શાળામાં વિજ્ઞાન પ્રદર્શન, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કાવ્ય પઠન સ્પર્ધા, પ્રશ્ન મંજુષા જેવી વિવિધ પ્રવૃત્તિઓ વોર્ડ સ્તર પર તેમજ શાળાના સ્તર પર પણ કરાવવામાં આવે છે.

–> વિદ્યાર્થીઓને વૃક્ષારોપણનું મહત્વ સમજાય તે માટે હરિતસેનાની સ્થાપના પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વૃક્ષોની માવજત સારી રીતે કરે છે.

–> શાળામાંથી પહેલા સત્રમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાવાય છે. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ સ્થળે લઈ જવાય છે. બીજા સત્રમાં પીકનીકનું આયોજન કરાય છે.

–> શાળામાં પી.ટી.એ. તેમજ શિક્ષકો દ્વારા મળીને ફનફેર (આનંદમેળાનું) આયોજન થાય છે. જેમાં બધા જ સહભાગી થઈને આનંદ મેળવે છે.

–> લાયન્સ ક્લબ દ્વારા વર્ષમાં વિવિધ કાર્યક્રમો કરાવાય છે. તેમાં વિદ્યાર્થીઓની વૈધકિય તપાસણી, આંખોની તપાસ, દાંત, કાન તેમજ શારિરીક તપાસ કરાવી તેમને જરૂર પ્રમાણેની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

–> હાલમાં આ વર્ષે ફક્ત વિદ્યાર્થીનીઓ માટે ઘાટકોપરથી ઓલ ઈન્ડિયા વુમન્સ કોન્ફરન્સ (અખિલ હિન્દ મહિલા પરિષદ)ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી ઉર્વશીબેન શુક્લ પધાર્યા હતાં. જેમણે છોકરીઓના ફીઝીકલ, મેન્ટલ પ્રોબલ્મસને લગતી નાની નાની વાતો સમજાવી જે ખૂબ જરૂરી હતી. છોકરી ૧૪ વર્ષની થાય તો તેણે કઈકઈ કાળજી લેવી તે અંગેનો આ પ્રોજેક્ટ હતો.

–> શાળામાં વાર્ષિક મહોત્સવ ધામધુમથી ઉજવાય છે.

–> શાળાની ખાસ વિશેષતાઓમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકે એ માટે શાળાના સંચાલક ગણ તરફથી અંગ્રેજી સ્પીકિંગ માટે અંગ્રેજી શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી છે જે નિયમિત રીતે ધોરણ ૧ થી ૮માં શીખવે છે.

આ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ ધારાવી, માહિમ, ટી જંક્શન જેવા દૂરના સ્થળોથી આવે છે. તેમના માટે ‘બેસ્ટ’ બસોની વ્યવસ્થા તેમજ તેમના પાસની વ્યવસ્થા શાળાના દાતાઓ તરફથી કરવામાં આવે છે.

આ ઉપરાંત શાળાનો ગણવેશ, દફ્તર, નોટબુક, બૂટમોજા જેવી અન્ય સહાય પણ જરૂરતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આની પાછળનો એક જ ધ્યેય છે કે આ બાળકો આધુનિક શિક્ષણથી વંચિત ન રહે તેમને પણ શિક્ષણ મળે તેનું ધ્યાન રાખવામાં આવે છે.

આજે સરકારનો એ પ્રયત્ન છે કે પ્રત્યેક બાળકને અક્ષરજ્ઞાન મળવુ જોઈએ અને પ્રગત શૈક્ષણિક મહારાષ્ટ્ર અંતર્ગત વિદ્યાર્થી ગુણવત્તા વૃધ્ધિ વર્ગ તૈયાર કર્યો છે. જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, પાલકોની મદદથી શૈક્ષણિક સાધનો મુકવામાં આવ્યા છે. દરરોજ ગણિતના વિષમાં છેલ્લી દસ મિનિટ વર્ગમાં ઘડિયા બોલાવવામાં આવે છે.

 

શિક્ષકો માટે સંચાલકો તરફથી લેવામાં આવતી કાળજીઃ

–> શાળાના ટ્રસ્ટીઓ તરફથી શિક્ષકો માટે ‘૫ સપ્ટેમ્બર’ના રોજ પ્રત્યેક શિક્ષકને તેમજ અન્ય કર્મચારી વર્ગને ભેટ આપી સન્માન કરવામાં આવે છે.

–> નિવૃત્ત થનાર શિક્ષક, અન્ય કર્મચારી કે મુખ્યાદ્યાપક તેમને પણ સન્માનચિન્હ આપી સંપૂર્ણ માનપૂર્વક વિદાય આપવામાં આવે છે.

–> શાળાની પ્રત્યેક પ્રવૃત્તિમાં સંચાલકગણ ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પ્રત્યેક વખતે સમયસર આવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે.

આ શાળાની સાત દાયકાની યશસ્વી યાત્રાનો યશ સંચાલક, પાલક અને શિક્ષકોને તેમજ કુર્લાના પ્રત્યેક રહેવાસી, દાતાઓ અને શુભચિંતકોને જાય છે.

ગયા વર્ષે શાળાના મકાનને એના મૂળ દાતા સ્વર્ગસ્થ શ્રી ભીખાભાઈ દેસાઈભાઈ પટેલનાં સુપુત્રી શ્રીમતી અરુણાબેન કમલેશભાઈ પટેલ (અમેરિકાસ્થિત) તેમજ તેમના ભાઈ મહેશભાઈ પટેલ દ્વારા પૂર્ણ મકાનનું સમારકામ, રંગકામ અને અન્ય બધી આવશ્યક સુવિધાઓ તેમજ પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરાવી આપી છે. તે રીતે પણ શાળા અત્યારે ખૂબ સુંદર આધુનિક સગવડો સાથે મજબુત રીતે ઊભી છે.

આધુનિકતા સાથે કદમ મિલાવવા શાળામાં અંગ્રેજી બોલવાની તાલીમ માટેના ખાસ વર્ગો પણ લેવામાં આવે છે તથા એક વર્ગ પાંચમા ધોરણથી બાયોમિડિયાનો પણ કરવામાં આવ્યો છે. આમ કુર્લા જેવા મોટા વિસ્તારમાં આ ગુજરાતી માધ્યમની શાળા આજે પણ ધમધમે રહી છે ને એણે આખા વિસ્તારમાં ગુજરાતી માધ્યમનો ધ્વજ ફરકતો રાખ્યો છે.

  • અસ્તુ.

 

X
X
X